માતાની કાર્યકુશળતા બહાર લાવવા યુવકે શરૂ કર્યો વ્યવસાય

મુનાફ અને તેમની માતા નફિસા Image copyright RAHUL AKERKAR
ફોટો લાઈન મુનાફની રેસ્ટોરન્ટમાં તેમની માતા નફિસા મુખ્ય શૅફ તરીકે કામ કરે છે.

મુંબઈના મુનાફ કાપડિયાએ ગુગલની નોકરી છોડી મુંબઈમાં તેમની માતા નફિસા સાથે "પૉપ-અપ" રેસ્ટોરન્ટ ખોલી છે.

તેમની માતા તેમની રેસ્ટોરન્ટમાં મુખ્ય રસોઇયા તરીકે કામ કરે છે

2014માં રવિવારની એક બપોરે મા-દીકરા વચ્ચે ટીવી જોવાની બાબતે દલીલ થઈ હતી.

એ સમયે મુનાફ ટીવી પર સિમ્પ્સન્સ કાર્ટૂન શૉ જોતા હતા, ત્યારે નફિસા ચેનલ બદલીને પોતાની મનપસંદ સિરિઅલ જોવા લાગ્યા, બસ થઈ ગયો બન્ને વચ્ચે ઝઘડો.

આ ઝઘડાએ મુનાફ કાપડિયાનું જીવન બદલી નાખ્યું.

તમને આ પણ વાંચવું ગમશે

ઝઘડા બાદ મુનાફ કાપડીયાને વિચાર આવ્યો કે તેમની મમ્મીમાં ઘણી ખાસિયત હતી, પરંતુ તેમનો મોટાભાગનો સમય માત્ર ટીવી જોવામાં વેડફાઈ રહ્યો હતો.


માતાની કુશળતા બહાર લાવી

ફોટો લાઈન મટન ખિચડા - વિવિધ ભારતીય મસાલાથી દાળ અને ચોખા સાથે રાંધેલું બકરાનું માંસ

એમની ઇચ્છા હતી કે તેમની માતા કંઈક વધુ અર્થપૂર્ણ કરે.

તેમની માતા નફિસા "બોહરી" ભોજન બહું સારું બનાવતા હતા.

આ માંસાહારી ભોજન શોખીનોને ખૂબ જ પસંદ પડે છે.

પરંતુ મુંબઈમાં આવું ભોજન ક્યાંય મળતું નથી.

બસ આ વિચાર પછી મુનાફે 50 મિત્રોને ઇમેઇલ કરવાનો નિર્ણય કર્યો.

મુનાફ એ દિવસ યાદ કરતા કહે છે, “મેં મારા આઠ મિત્રોને ભોજન માટે આમંત્રણ આપ્યું. તેમને મારી મમ્મીએ બનાવેલું બોહરી ભોજન પીરસ્યું."

બોહરી રસોડાની શરૂઆત

ફોટો લાઈન મોટા થાળમાં પિરસેલું બોહરી ભોજન, ગુજરાતી અને રાજસ્થાની થાળીની યાદ અપાવે છે

મુનાફ આગળ કહે છે, "ત્યારબાદ અમે થોડા સમય માટે દર શનિવારે અને રવિવારે આમ કરવાનું ચાલું રાખ્યું.”

"પછી અમે રેસ્ટોરન્ટ ખોલી અને લોકો પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું. આ રીતે બોહરી કિચનની શરૂઆત થઈ.”

પરંપરાગત બોહરી ભોજન માત્ર દાઉદી વહોરા સમુદાયની અંદર જ જોવા મળે છે.

બોહરા ભારત અને પાકિસ્તાનમાં વસતો એક નાનકડો મુસ્લિમ સંપ્રદાય છે.

મુનાફ કહે છે, "બોહરી વાનગીઓ ખાવા માટે અમે વહોરા સમાજના લગ્નોમાં વગર આમંત્રણે ઘૂસી જતા, નહીં તો અમારાં વહોરા મિત્રોને વિનંતીઓ કરવી પડતી."

મોટા થાળમાં પિરસેલા બોહરી જમણનો આનંદ જ અલગ હોય છે.

ગુજરાતી, પારસી, મુઘલાઈ અને મહારાષ્ટ્રીયન થાળીઓની જેમ બોહરી ભોજનને સીધા થાળમાંથી જમવું એક પ્રકારનો લ્હાવો છે.

તેના પ્રથમ "પૉપ-અપ" લંચ માટે, મુનાફ પ્રતિ થાળી 700 રૂપિયા કિંમત વસુલે છે.


બોહરી રસોડાની વાનગીઓ

ફોટો લાઈન મુનાફ કાપડિયાના મિત્રો તેમની માતાએ બનાવેલું બોહરી ભોજન ખુબ જ પસંદ કરે છે
  • મટન ખિચડા - વિવિધ ભારતીય મસાલાઓ સાથે દાળ અને ચોખા સાથે રાંધેલું બકરા માંસ
  • ચણા બટાટા થુલી - વટાણા અને બટાટા ને આમલીની ચટણીમાં બાફવામાં આવે છે અને ફાડા સાથે પીરસવામાં આવે છે
  • ચીકન અંગારા - ટમેટાની ગ્રેવીમાં શેકેલું ચિકન, રોટલી સાથે પીરસવામાં આવે છે

મુનાફ કહે છે લોકો અહીં જમીને ખુશ થઈ જાય છે, "અમારી વાનગીઓથી સંતૃપ્ત થયેલાં લોકો જ્યારે મારી મમ્મીને વહાલથી ભેટી પડે છે, ત્યારે હું બસ એમના ચહેરા પરનો આનંદ જોતો રહું છું.”

તેમણે વધુમાં કહ્યું, “અમારા ગ્રાહકો મારી મમ્મીને 'આન્ટી, તમારા હાથમાં જાદુ છે, આ ભોજન સ્વાદિષ્ટ છે.' કહ્યા વિના નથી રહેતા.”

ફોટો લાઈન બોહરી કિચનના સમોસા

તે ઉમેરે છે, "મેં મારી મમ્મીની આંખોમાં ઝળઝળિયાં આવતા જોયા છે. કારણ કે અમે ઘરમાં એમની રસોઈની ક્યારેય પરવા નહોતી કરી.”

મુનાફે કહ્યું, “એ પછી આ કામ મેં ચાલુ રાખવાનું નક્કી કર્યું, મેં વિચાર્યું કે મારે મમ્મીની રસોઈની આ કુશળતાને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ."

ફોટો લાઈન બોહરી કિચન ટેકઅવે વ્યવસાયમાં પણ છે

એ પછી મુનાફ કાપડિયાએ ગૂગલની માર્કેટિંગની નોકરી છોડી દીધી અને જાન્યુઆરી 2015માં "ધ બોહરી કિચન" બ્રાન્ડ તરીકે લૉન્ચ કર્યું.

સારા રિવ્યૂ અને એક બીજાના રેફરન્સથી ટૂંક જ સમયમાં ખાવાના શોખીનોએ બોહરી કિચનને વધાવી લીધું.

Image copyright KINJAL PANDYA-WAGH
ફોટો લાઈન ડ્રાય ફ્રુટ્સ, દૂધ અને ખાંડનો બનેલો દૂધીનો હલવો

બોહરી કિચન કાર્યક્રમો માટે પણ જમવાનું તૈયાર કરે છે.

તેમણે અલગથી ટેક અવે અને કેટરિંગ વ્યવસાય પણ શરૂ કર્યો છે.

હાલમાં તેમને સારો નફો થયો છે.

મા-દીકરા વચ્ચે ટીવી જોવાને મામલે થયેલા ઝઘડામાંથી જન્મેલો એ વિચાર હવે મુંબઈની બહાર પણ વિસ્તરવાનાં વિકલ્પો વિકસાવી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ