દૃષ્ટિકોણ : 'મોદી હવે હિંદુત્વનો ઉપયોગ બે હજારની નોટની જેમ કરશે?'

એક રેલીમાં નરેન્દ્ર મોદી Image copyright Getty Images

રાજકીય નારાઓ ચલણી નોટ જેવા હોય છે. લોકો તેમના પર વિશ્વાસ કરે ત્યાં સુધી જ એ ચાલતા હોય છે. કોઈ નારાને અંતે પ્રશ્નાર્થચિહ્ન નથી હોતું તેનું કારણ આ જ છે.

''અબકી બાર..''સીરિઝના નારાઓ, ''હર ઘર મોદી,'' અને ''સબકા સાથ, સબકા વિકાસ'' જેવા નારાઓ ત્રણ વર્ષ સુધી અસરકારક રહ્યા હતા કારણ કે નોટબંધીના મુશ્કેલીભર્યા અનુભવ પછી પણ સંખ્યાબંધ લોકોએ તેમાં ભરોસો કર્યો હતો.

એ નારાઓની પેરોડી પહેલા ત્રણ વર્ષમાં જોવા મળી ન હતી પણ આજે સોશિઅલ મીડિયા પર તેની ભરમાર સકારણ છે.

જે લોકપ્રિય નારા સાથે જનતાની તાકાત જોડાયેલી હોય ત્યાં સુધી તેની મજાક કરવાનું આસાન નથી હોતું.

તમને આ પણ વાંચવું ગમશે

મજાકનો દરેક પ્રયાસ નિષ્ફળ રહે છે. લોકો એવી મજાકની ભૂલ જ કરતા નથી.

આજકાલ ફેસબુક અને વોટ્સએપ પર વાઇરલ થઈ રહેલી મજાકો એવો સંકેત આપે છે કે લોકોનો મૂડ બદલાઈ રહ્યો છે.

ટ્રોલ કે આઇટી સેલના કારીગરો ભાજપી હોય કે કોંગ્રેસી તેઓ ભલે ગમે તેટલા પ્રયાસ કરે પણ લોકો જેને આગળ વધારે એ વાત જ આગળ વધતી હોય છે.

મોદીને દેશના સૌથી ઉત્તમ વડાપ્રધાન માનતા લોકોની ભીડ થોડા સમય પહેલાં સોશિઅલ મીડિયા પર જોવા મળતી હતી. એ તેમની લોકપ્રિયતાનો સંકેત હતો.

સરકારે શાસનનો 40મો મહિનો પાર કર્યો એટલે હવે મોટાભાગના નારાઓની પાછળ પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયું છે.

'કિસકા સાથ, કિસકા વિકાસ?' એવું ઘણા બધા લોકો પૂછી રહ્યા હોય તો એ લોકોના મનમાં સર્જાયેલી શંકાનો સ્પષ્ટ સંકેત છે.

અચ્છે દિનની લાંબી પ્રતીક્ષા

ઓગસ્ટ, 2015માં પોર્ન વેબસાઈટ્સને બંધ કરવાની ચર્ચા શરૂ થઈ ત્યારે 'અચ્છે દિન'નું વચન ટોણાબાજીનો શિકાર બન્યું હતું.

લોકો એવી મજાક કરવા લાગ્યા હતા કે અચ્છે દિન તો ન આવ્યા પણ અચ્છી રાત પણ ચાલી ગઈ.

આ વર્ષે સપ્ટેમ્બરમાં હરિયાણા ભાજપના વડા સુભાષ બરાલાના પુત્ર વિકાસ પર એક આઈએએસ અધિકારીની પુત્રીનો પીછો કરવાનો અને તેનું અપહરણ કરવાનો આરોપ મૂકાયો ત્યારે નારાઓની ખરી દુર્દશા શરૂ થઈ હતી.

'વિકાસ'નાં વચનો અને 'બેટી બચાઓ'નાં નારાઓ સંબંધે ટોણા મારવાની નક્કર શરૂઆત ત્યારથી થઈ હતી.

નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતમાં 'વિકાસ ગાંડો થયો છે' એટલી મોટી હદે ટ્રેન્ડ થવા લાગ્યું છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ તેની નોંધ લેવી પડી હતી.

વિકાસ પાગલ થયાની નવી-નવી જોક આજે પણ સતત ચાલી રહી છે. આ દેશમાં સૌથી મોટા અને લાંબા સમય સુધી ચાલેલા સોશિઅલ ટ્રેન્ડ્ઝ પૈકીનો તે એક છે.

'સબકા સાથ, સબકા વિકાસ' એક એવો નારો હતો જેને સરકારે જ અધવચ્ચે બદલી નાખ્યો હતો. નવો નારો આવ્યો છે કે 'સાથ હૈ, વિશ્વાસ હૈ હો રહા વિકાસ હૈ.'

આ નારા સાથે સરકાર લોકોને એવું આશ્વાસન આપતી જોવા મળી છે કે ચિંતા ન કરો, વિકાસ થઈ રહ્યો છે. 'ક્યાં છે વિકાસ?' એવું લોકો પૂછવા લાગ્યા હોવાથી એ આશ્વાસનની જરૂર પડી છે.

'કાળું નાણું' લાવવાના અને લોકોના બેંક અકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જમા કરાવવાના ચૂંટણી વચનને અમિત શાહે ફેબ્રુઆરી, 2015માં બિહારમાં ચૂંટણી પ્રચાર વખતે જુમલો એટલે કે સાદું વાક્ય ગણાવ્યું હતું.

ત્યારથી અત્યાર સુધીમાં સરકારનાં કેટલાંય નારાઓ અને વાયદાઓ જુમલા હોવાની શંકાથી ઘેરાઈ ગયા છે.

સરકારના પ્રધાનોએ 'સ્માર્ટ સિટી', 'મેઇક ઈન ઈન્ડિયા', 'ડિજિટલ ઈન્ડિયા' અને 'સ્કિલ ઈન્ડિયા' જેવી મહત્વાકાંક્ષી યોજનાઓની વાત કરવાનું બંધ કર્યું છે.

આ વર્ષના ઓગસ્ટથી 'સંકલ્પસે સિદ્ધિ'નો નવો નારો ચલાવવામાં આવી રહ્યો છે. 2022 સુધીમાં 'ન્યૂ ઈન્ડિયા' બની જશે એવું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે વર્તમાન સરકારનો કાર્યકાળ 2019માં પૂરો થવાનો છે.

આ નારો 2019માં ફરી વિજેતા બનવાનો સરકારનો વધારે પડતો આત્મવિશ્વાસ છે કે પછી 2022 પહેલાં સરકાર પાસેથી વધારે આશા ન રાખતા એવી કબૂલાત છે?

બધું ચકાચક હોવાની વાર્તા

આખો સપ્ટેમ્બર મોદી સરકાર માટે સતત મુશ્કેલી લાવતો રહ્યો હતો જે ઓક્ટોબરમાં પણ ચાલુ છે.

ટીકાને ફગાવી દેવામાં અને દેશમાં બધું સારું થઈ રહ્યું હોવાની વાર્તા આગળ વધારવામાં સરકારે અત્યાર સુધી ભરપૂર સફળતા મેળવી હતી.

આ પહેલાંના ત્રણ વર્ષ નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઇક, લવ જેહાદ, એન્ટી-રોમિયો સ્ક્વૉડ, ગૌહત્યા, દેશભક્તિ, વંદે માતરમ, 'દેશવિરોધી પ્રવૃત્તિઓને જડબાતોડ જવાબ' અને વડાપ્રધાનનાં 'અતિ સફળ' વિદેશ પ્રવાસમાં નિકળી ગયાં હતાં.

એ બધા કિસ્સાઓમાં વાર્તા કેવી રીતે આગળ વધશે તેના પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ હતું પણ સપ્ટેમ્બર બાદ જે બાબતો સતત બહાર આવતી રહી તેના માટે સરકાર તૈયાર ન હતી.

ગોરખપુરમાં બાળકોનાં મૃત્યુ, રામરહીમની ધરપકડ વખતે વહીવટી નિષ્ફળતા, બેરોજગારીનું ભયાનક ચિત્ર, નોટબંધીની નિષ્ફળતાની રિઝર્વ બેંકે કરેલી જાહેરાત, જીડીપીમાં ઘટાડાના નકારી ન શકાય તેવા આંકડા, ડીઝલ-પેટ્રોલનાં વધતા ભાવ, સંખ્યાબંધ રેલવે એક્સિડેન્ટ, જીએસટી સંબંધી રોષ વગેરે એવી મોટી ઘટનાઓ હતી કે જેના પર સરકાર રંગરોગાન કરી શકી ન હતી.

આ બધું થોડા દિવસોમાં ઝડપભેર બન્યું એટલે કદાચ એવું થયું હશે.

તેમાં ખૂટતું હતું તે બીજેપીના જ યશવંત સિંહા, અરુણ શૌરી, કીર્તિ આઝાદ અને શત્રુધ્ન સિંહા જેવા નેતાઓએ સરકારની જાહેરમાં ઝાટકણી કાઢીને પૂરું કર્યું હતું.

આમ છતાં કોઈનું રાજીનામું તો દૂર રહ્યું સરકાર સંવેદના તથા સહાનુભૂતિ દર્શાવવા પણ તૈયાર ન હતી. એવું કરવાને નિર્બળતાનો સંકેત ગણવામાં આવશે એવું સરકાર માનતી હતી.

એ પણ છેક એટલે સુધી કે છોકરીઓ પર લાઠીચાર્જ કરવા બદલ બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ જેવા પ્યાદાને જાહેર પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા.

ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું હતું, ''દર વર્ષે સપ્ટેમ્બરમાં બાળકોનાં મોત થાય છે.''

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે બેરોજગારી વિશેની ચર્ચામાં કહ્યું હતું, ''આ તો સારો સંકેત છે.'' આ નિવેદનો દેખાડે છે કે બધું ચકાચક હોવાની વાર્તાને પૂરી તાકાતથી આગળ વધારવામાં સરકાર વ્યસ્ત છે.

ગોરખપુરમાં બાળકોનાં મૃત્યુ સંબંધે સંવેદના વ્યક્ત કરવાની હોય, અખલાકની હત્યાની ટીકા કરવાની હોય કે ગૌરી લંકેશની હત્યા બાદ એમના માટે અપશબ્દોનો ઉપયોગ કરતા લોકોને અનફોલો કરવાના હોય કે પછી મનોહરલાલ ખટ્ટર, યોગી આદિત્યનાથ તથા સુરેશ પ્રભુના રાજીનામાની માગણી હોય નરેન્દ્ર મોદીએ દરેક કિસ્સામાં દેખાડ્યું હતું કે તેઓ કોઈની માગણી મુજબ નહીં પણ પોતાની મરજી મુજબ જ બધું કરશે.

તેઓ આ બાબતને સરકારની મજબૂતીનો સંકેત ગણે છે.

પરિવર્તનની ઝલક

બદલાયેલા મિજાજથી સરકાર વાકેફ નથી એવું માનવું ભુલ ભરેલું છે.

તાજેતરમાં જીએસટી સંબંધે કરવામાં આવેલા થોડા ફેરફાર અને પેટ્રોલ-ડીઝલ પરના કેન્દ્રીય કરમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો એ બે એવા નિર્ણયો છે જે સરકારે લોકોનાં દબાણને કારણે લીધા છે.

ગુજરાતના વેપારીઓની નારાજગીને ધ્યાનમાં લઈને જીએસટીમાં છૂટછાટ આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે, કારણ કે સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં વેપારીઓએ જોરદાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને ત્યાં બીજેપી લાંબા સમયથી સત્તા પર છે તથા વિરોધ પક્ષ ઘણો નબળો છે. જોકે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઘણી રેલીઓ કરી છે.

શક્તિશાળી પટેલો સરકારથી નારાજ છે અને દલિતો પાસે પણ બીજેપીને ટેકો આપવાનું કોઈ કારણ દેખાતું નથી.

આમ છતાં ગુજરાતમાં બીજેપીને ઘણી મજબૂત ગણવામાં આવી રહી છે અને તેના હારવાની ભવિષ્યવાણી કોઈ કરતું નથી.

દેશના બે સૌથી વધુ શક્તિશાળી નેતાઓના ગૃહ રાજ્યમાં યોજાનારી ચૂંટણીનું પરિણામ ભવિષ્યની રાજરમતનો ફેંસલો કરશે એ નક્કી છે.

'વિકાસ ગાંડો નથી થયો' એ સાબિત કરવાના પ્રયાસ બીજેપી ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કરશે. 'સંકલ્પસે સિદ્ધિ'ના નારાનો લોકો વિશ્વાસ કરે એટલા માટે બીજેપીએ અગાઉ કરતાં વધારે મહેનત કરવી પડશે એ નક્કી છે.

નરેન્દ્ર મોદીના જૂના નારાઓ હજુ 500 અને 1000 રૂપિયાની નોટો બન્યા નથી પણ તેને ઉમળકાભેર સ્વીકારનારાઓની સંખ્યા ઓછી થયાનું જોવા મળી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો