નરેન્દ્ર મોદીના ‘ગુજરાત મોડેલ’ને બચાવવા યોગીને મેદાનમાં ઉતાર્યા

Image copyright Getty Images

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને હિન્દુત્વના સજ્જડ સમર્થક યોગી આદિત્યનાથ ગુજરાતમાં બીજેપીને મદદરૂપ થઈ શકશે?

મધ્ય ગુજરાતમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાન કરમસદથી પહેલી ઓક્ટોબરે શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રામાં પ્રચાર માટે બીજેપીએ યોગીની મદદ લીધી છે.

યોગીએ પારડી, વલસાડ, ચિખલી અને દક્ષિણ ગુજરાતનાં અન્ય સ્થળોએ શુક્રવારે જાહેર સભાઓ સંબોધી હતી. શનિવારે પ્રચાર માટે યોગી કચ્છ જિલ્લામાં જવાના છે.

તમને આ પણ વાંચવું ગમશે

વિશ્લેષકો કહે છે કે બીજેપીએ દક્ષિણ ગુજરાતમાંની પોતાની જૂની વોટ બેન્કને જાળવી રાખવા માટે હિન્દુત્વનો એજન્ડા ફરી અપનાવવો પડ્યો છે.

સુરતના સીનિયર પત્રકાર ફૈસલ બકીલીએ કહ્યું હતું કે ''યોગીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે તેઓ નરેન્દ્ર મોદી પછી દેશમાં બીજા ક્રમના સૌથી વધુ લોકપ્રિય નેતા હતા.''

તેમણે ઉમેર્યું હતું, ''યોગી બીજેપીનો હિન્દુત્વનો ચહેરો છે. યોગી તેમના કાર્યકાળ દરમ્યાન ઉત્તર પ્રદેશમાં કેટલો વિકાસ કરે છે એ જોવાનું બાકી છે.''

Image copyright Getty Images

ફૈસલ બકીલીએ જણાવ્યું હતું કે બીજેપીએ ગુજરાતમાં પહેલાં આદિવાસી યાત્રા અને હવે ગૌરવ યાત્રા શરૂ કરી છે.

બન્ને યાત્રાને સારો પ્રતિભાવ મળ્યો નથી. તેથી બીજેપી હિન્દુત્વ ભણી વળી હોય એવું લાગે છે.

એ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 15 લાખથી વધારે ઉત્તર ભારતીયો (મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહારના લોકો) વસતા હોવાનો અંદાજ છે.

દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમ્યાન સુરતના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત પણ યોગીના એજન્ડા પર હતી.

એ ઉદ્યોગપતિઓમાં ઉત્તર ગુજરાતના બિઝનેસમેનોનો પણ સમાવેશ થાય છે.


તમને આ વાંચવું પણ ગમશે

ફૈસલ બકીલીએ ઉમેર્યું હતું કે ''પારડી અને વલસાડમાંની યોગીની જાહેરસભાઓને ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. ''

''વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ મેળવવા અને ક્ષમતા પ્રદર્શનનો પ્રયાસ કરતા બીજેપીના લોકોએ જ તેમાં હાજરી આપી હતી.''

તેઓ જણાવે છે, ''પણ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યપ્રધાને એક અન્ડરબ્રિજ નીચે જાહેરસભાને સંબોધી હતી, જે ઘણું સૂચવે છે.''

Image copyright Getty Images
ફોટો લાઈન યોગી આદિત્યનાથ દ્વારા ગુજરાતમાં ઉત્તર ભારતીયોને આકર્ષવાનો વ્યૂહ

વલસાડમાં યોગીના રોડ-શો દરમ્યાન રસ્તા પર ભાગ્યે જ લોકો જોવા મળ્યા હતા.

દેશ પર કોણ શાસન કરશે તે વલસાડ નક્કી કરે છે એ રસપ્રદ યોગાનુયોગ અગાઉ જોવા મળ્યો છે.

એમ જણાવતાં ફૈસલ બકીલીએ કહ્યું હતું કે ''વલસાડમાંથી જે પક્ષનો ઉમેદવાર સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે એ પક્ષ કેન્દ્રમાં સરકાર રચે છે એવું છેલ્લા ત્રણ દાયકાથી જોવા મળતું રહ્યું છે. ''

''હવે વલસાડમાં બીજેપી મુશ્કેલીનો સામનો કરી રહી હોય તો એ પક્ષ માટે ચિંતાનું કારણ છે.''


તમને આ વાંચવું પણ ગમશે

ફૈસલ બકીલીએ સવાલ કર્યો હતો કે બીજેપી તેના વિકાસના મુદ્દાને જ પ્રોજેક્ટ કરવા ઈચ્છતી હતી તો તેણે છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણ સિંહ કે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને શા માટે ગુજરાત ન બોલાવ્યા?

રમણ સિંહ તથા શિવરાજસિંહ ચૌહાણ લાંબા સમયથી મુખ્યપ્રધાન છે અને તેમણે તેમનાં રાજ્યો માટે કામ કર્યાં છે.

યોગીને પ્રચાર માટે બોલાવવાનો નિર્ણય બીજેપી કઈ તરફ જઈ રહી છે તેનો સંકેત છે.

Image copyright Getty Images

રાજકોટના સિનિયર પત્રકાર કિરીટસિંહ ઝાલાએ કહ્યું હતું કે ''સૌરાષ્ટ્ર બીજેપીનો પરંપરાગત ગઢ ગણાય છે, પણ ગુજરાત ગૌરવ યાત્રાને સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કામાં સારો પ્રતિભાવ મળ્યો ન હતો.''

કિરીટસિંહ ઉમેરે છે, ''ઓબીસી કેટગરી હેઠળ શિક્ષણ અને નોકરીમાં અનામતની માગણી કરી રહેલા પાટીદારોના રોષનો સામનો બીજેપીએ કરવો પડ્યો હતો.''

પાક વીમા, નર્મદાનું પાણી વગેરે સહિતના વિવિધ મુદ્દાઓને કારણે ખેડૂતો પણ ગુજરાત સરકાર પર ગુસ્સે થયેલા છે.

કિરીટસિંહે કહ્યું હતું કે, ''લોકોના વિરોધને કારણે સૌરાષ્ટ્રના કેટલાંક ગામડાંઓમાં તો ગૌરવ યાત્રા પ્રવેશી જ શકી ન હતી, જે બીજેપી માટે સારો સંકેત નથી.''

કિરીટસિંહ ઝાલાએ ઉમેર્યું હતું કે ''આ એ જ પાટીદારો છે જે એક વખતે નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલના ટેકેદાર તથા બીજેપીની સમર્પિત વોટ બેન્ક હતા. હવે તેઓ 'ગુજરાત મોડેલ'ની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે.''

''ઉપરાંત 'ગૌરવ યાત્રા'ને 'કૌરવ યાત્રા' ગણાવી રહ્યા છે. આ વિધિની વક્રતા છે.''

વિશ્લેષકો કહે છે કે અત્યાર સુધી જે બીજેપી આક્રમક હતી, એ હવે બચાવની મુદ્રામાં આવી ગઇ છે અને બીજેપીએ નરેન્દ્ર મોદીના 'ગુજરાત મોડેલ'નો બચાવ કરવાનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો