બ્લોગ : મોદીની ટક્કર રાહુલ સાથે નહીં, મોદી સાથે જ

નરેન્દ્ર મોદીજીનો ફોટો Image copyright Getty Images

'નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.' આ વાક્યને પરમ સત્ય માનતા લોકોની સંખ્યા મોટી છે અને તેમને ખોટા સાબિત કરતી કોઈ નક્કર દલીલ હજુ સુધી રજૂ કરવામાં આવી નથી.

ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોની ઈચ્છા છે કે રાહુલ ગાંધીની ટક્કર નરેન્દ્ર મોદી સાથે થાય તો મજા પડી જાય.

રાજકારણના અખાડામાં એ બન્ને અલગ-અલગ વર્ગના પહેલવાનો છે.

મોદી હેવી વેઈટ છે, તેમાં કોઈ શંકા નથી, જ્યારે રાહુલનું વજન વારંવાર ઘટવા-વધવા છતાં તેઓ મોદીની કેટેગરીમાં પહોંચી શક્યા નથી.

રાહુલ ગાંધીમાં વારસામાં મળેલું પક્ષનું નેતૃત્વ સંભાળવાની હિંમત નથી કે તેમના માતા આટલા સમયમાં તેમને નેતૃત્વ સંભાળવા માટે સક્ષમ ગણતા નથી?

આ બધું જ લોકો જોઈ રહ્યા છે. એ નેતાને નરેન્દ્ર મોદી માટે પડકાર શા માટે ગણવા જોઈએ?

Image copyright Getty Images

એક નરેન્દ્ર મોદી છે, જેમણે ધરતીથી આકાશ સુધીનો માર્ગ જાતે કંડાર્યો છે.

બાળક નરેન્દ્ર દ્વારા મગર પકડવા જેવા કિસ્સાઓને ધ્યાનમાં ન લઈએ તો પણ શિખર સુધી પહોંચવાની તેમની કથા કોઈ મહાકથાથી ઊતરતી નથી.

બીજી તરફ રાહુલ ગાંધી ઘણા વર્ષોથી મોદી સાથે નહીં ખુદની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

લોકો વાતો કરે અને તેમને ધરપત થાય કે આ માણસ દમદાર છે એવું કંઈ રાહુલ અત્યાર સુધી કરી શક્યા નથી.

'રાહુલ ગાંધી આવી ગયા, રાહુલ ગાંધી છવાઈ ગયા' એવા નારાઓ સોશિઅલ મીડિયા પર ઘણીવાર સાંભળવા મળ્યા હતા.

જોકે રાહુલ ગાંધી એકવાર રજાઓ માણીને આવ્યા હતા અને પછી રજાઓ માણવા ચાલ્યા ગયા હતા.

એકવાર તો તેમને લગભગ લાપતા જાહેર કરી દેવામાં આવ્યા હતા.

હવે વેકેશન પર ગયા વિના રાજકીય મોરચે તેઓ સમય સુધી ટકેલા રહેશે તેની ખાતરી એકેય કોંગ્રેસીને નથી.


વારસાગત રાજકારણની મુશ્કેલી

Image copyright Getty Images

અંગ્રેજી ભાષામાં 'રિલક્ટન્ટ પોલિટિશ્યન' કહેવામાં આવે છે એવાં ઘણાં મોટાં નામ ભારતીય રાજકારણમાં છે.

દાખલા તરીકે, રાજીવ ગાંધી વિશે કહેવામાં આવતું હતું કે પરિસ્થિતિએ તેમને મજબૂર કર્યા હતા એટલે તેઓ અનિચ્છાએ રાજકારણમાં આવ્યા હતા.

પપ્પા અને બેટા વચ્ચે મોટો ફરક એ છે કે રાજીવ ગાંધીને વડાપ્રધાન બનતાં પહેલાં કોઈ ખાસ પડકારનો સામનો કરવો પડ્યો ન હતો.

જ્યારે રાહુલ ગાંધી પડકારો વચ્ચે એટલા મજબૂત ક્યારેય જોવા મળ્યા નથી કે તેમને ઉત્તરાધિકારી માની શકાય.

વંશવાદના આક્ષેપનું કારણ પણ છે. ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી કોઈ ખાસ વ્યક્તિનાં સંતાન હોવાને કારણે જ સત્તાની ટોચે પહોંચ્યાં હતાં.

જોકે લોકોએ એ બાબતને ધ્યાનમાં લીધી ન હતી.

તમને આ વાંચવું પણ ગમશે :

રાહુલ ગાંધીને વંશવાદનો આક્ષેપ વળગેલો છે તેનું કારણ એ છે કે પોતે રાજીવ ગાંધીના પુત્ર ન હોત તો શું હોત એ તેઓ દેખાડી શકતા નથી.

વંશવાદ ભારતમાં કોઈ ગંભીર આરોપ નથી. તેનાથી તો એકસ્ટ્રા પોઈન્ટ્સ મળતા હોય છે. અંતિમ નિર્ણય તો લોકો જ કરતા હોય છે.

દેવ આનંદ અને અમિતાભ બચ્ચન પારાવાર ઈચ્છા છતાં તેમના દિકરીઓને આગળ વધારી શક્યા નથી. વંશવાદથી તક મળી શકે, સફળતા નહીં.

હવે રાહુલ ગાંધી આવી તકને સફળતામાં પરિવર્તિત કરશે એવું માની લેવાનું કોઈ કારણ અત્યાર સુધી તો જોવા મળ્યું નથી.

પરંતુ રાજકારણ ક્રિકેટ કરતાં પણ વધુ અનિશ્ચિતતાવાળી રમત છે.


મોદી સામે મોદીની ટક્કર

Image copyright Getty Images

2014ની ચૂંટણી બીજેપી નહીં, નરેન્દ્ર મોદી જીત્યા હતા. 'અબકી બાર, બીજેપી સરકાર' એ નારો ન હતો પણ યાદ કરો 'અબકી બાર, મોદી સરકાર' એ નારો હતો.

નરેન્દ્ર મોદી દેશની સંસદીય લોકશાહીને અમેરિકા જેવી પ્રેસિડેન્શલ ડેમોક્રેસીમાં પરિવર્તિત કરી શક્યા છે કે નહીં તેની ખબર તો 2019માં પડશે.

નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા નેતા છે એ નિર્વિવાદ હકીકત છે પણ અત્યાર સુધી તેમનો પ્રભાવ આખા દેશમાં વિસ્તર્યો નથી.

એટલે બીજેપી કેટલાંક રાજ્યોમાં ખાસ કરીને દક્ષિણ અને ઈશાન ભારતીય રાજ્યોમાં હેવીવેઈટ નેતાઓને કચડી નાખવાને બદલે તેમને નાના ટુકડાઓમાં વિભાજિત કરીને હરાવવાના પ્રયાસ કરી રહી છે.

Image copyright Getty Images

આ જ કારણસર બીજેપીએ ઉપેન્દ્ર કુશવાહા અને અનુપ્રિયા પટેલ જેવા નેતાઓને સાથે રાખીને આગળ વધવું પડી રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા પહેલાં વ્યક્તિગત જોખમ ઉઠાવ્યું હતું.

યુપીએ અને એનડીએની જોડાણના રાજકારણની નીતિને તોડીને પક્ષ માટે મત માગવાને બદલે તેમણે પોતાના નામે જનાદેશ માગ્યો હતો.

પક્ષના આંતરિક રાજકારણમાં તેમણે તેમના સીનિયરોને માર્ગદર્શક મંડળનો માર્ગ દેખાડ્યો હતો.

સંખ્યાબંધ વિવાદો છતાં નરેન્દ્ર મોદી ગુજરાતના સૌથી સફળ મુખ્ય પ્રધાન હતા.

આ સંદર્ભે વિચારીએ તો રાહુલ ગાંધીની અત્યાર સુધીની રાજકીય યાત્રામાં એક પણ માઈલસ્ટોન દેખાતો નથી.

એટલું જ નહીં તેઓ તેમના ગઢ અમેઠીમાં પણ ઘણીવાર નબળા જોવા મળ્યા છે.

Image copyright Getty Images

લોકસભાની ચૂંટણીમાં જોરદાર બહુમતી મેળવ્યા બાદ બિહાર તથા દિલ્હીમાં થયેલી હારનો જવાબ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતીને આપ્યો હતો.

નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક અને ચીન સાથેના વિવાદ દરમ્યાન નરેન્દ્ર મોદીએ સાબિત કર્યું હતું કે તેઓ કાચા ખેલાડી નથી.

બીજી તરફ પંજાબમાં કોંગ્રેસની જીતને અમરિંદરની સફળતા ગણવામાં આવી.

જ્યારે ગોવા અને મણિપુરમાં સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યા છતાં કોંગ્રેસ સરકાર બનાવી ન શકી તેને રાહુલ ગાંધીના નેતૃત્વની નબળાઈ ગણવામાં આવી.

અયોધ્યાથી માંડીને ગુજરાત સુધી મંદિરોમાં દર્શન તથા વિદેશ પ્રવાસો કરીને રાહુલ એક રીતે નવા મોદી બનવાના પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે પણ તેમનું કદ નરેન્દ્ર મોદી જેવું થતું નથી.

અયોધ્યામાં રામ મંદિર પરનું તાળું મારા દિવંગત પપ્પાએ ખોલાવ્યું હતું અને તિલક-આરતી સાથે ગંગામાતાનો જયજયકાર પણ રાજીવ ગાંધીએ જોરશોરથી કર્યો હતો એ વાત કહેવાની હિંમત રાહુલ ગાંધી કરી શકતા નથી.

ખૈર, ગંગાની સફાઈ ત્યારે પણ થઈ ન હતી, અત્યારે પણ થઈ નથી.


બદલાતી પરિસ્થિતિમાં મોદી અને રાહુલ

Image copyright Getty Images

છેલ્લા બે મહિનામાં વૃદ્ધિદરમાં વધારો, રોજગારીમાં ઘટાડો અને નોટબંધીની નિષ્ફળતા જેવી ઘણી ઘટનાઓ બની છે.

તેને પગલે મોદીની લોકપ્રિયતા ઘટ્યાની અને લોકો તેમનાથી નારાજ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

સોશિઅલ મીડિયાને માપદંડ ગણીએ તો 'મોદી-મોદી'ના નારા મંદ પડી ગયા છે.

'નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ જ નથી' એવું કહેતા બીજેપીના ટેકેદારોનો સૂર બદલાયો છે. હવે તેઓ પૂછી રહ્યા છે કે મોદી નહીં તો રાહુલ?

વડાપ્રધાન બન્યા પહેલાં નરેન્દ્ર મોદી પાસે ગૂમાવવા જેવું ખાસ કંઈ ન હતું.

હવે જે કંઈ છે એ બધું ગૂમાવવાનું છે તો મેળવવાનું બાકી શું છે? બીજી તરફ રાહુલે અત્યાર સુધીમાં મેળવ્યું છે શું?

ચૂંટણી પહેલાં અને ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ જેટલાં વચનો આપ્યાં છે, જેટલી આશા જગાવી છે તેનું લિસ્ટ જ નરેન્દ્ર મોદીને પરેશાન કરવા માટે પૂરતું છે.

એ માટે કોઈ રાહુલ ગાંધીની જરૂર નથી.

દેશને ચમકાવવાના, કાળું નાણું પાછું લાવવાના, ખેડૂતોની આવક બમણી કરવાના, મેઈક ઈન ઈન્ડિયાના અને સ્માર્ટ સિટીની રચના જેવાં વચનોનું પાલન થયું નથી એ દેખીતું છે.

Image copyright Getty Images

2014ના નરેન્દ્ર મોદીએ દેશને જણાવવું પડશે કે પૂર્ણ બહુમતી હોવા છતાં આ બધાં કામ શા માટે થયાં નથી અને 2019ના નરેન્દ્ર મોદી આ બધાં કામ કઈ રીતે કરી દેખાડશે.

2019ના નરેન્દ્ર મોદી માટે સૌથી મોટો પડકાર 2014ના નરેન્દ્ર મોદી પાસેથી સાંપડેલી નિરાશા હશે.

લોકો એ વાત મોટેભાગે ભૂલી જતા હોય છે કે જનતા અનેક કારણોસર ચૂંટણીમાં મત આપતી હોય છે.

જનતા રાહુલ ગાંધીને જીતાડવા માટે મત ભલે ન આપે, પણ ઘણીવાર હરાવવા માટે પણ મત આપતી હોય છે.

2004ની પરિસ્થિતીને યાદ કરો. 'ઈન્ડિયા શાઈનિંગ'વાળા અટલ બિહારી વાજપેયીને હરાવવા માટે લોકો મત આપશે એવી ભવિષ્યવાણી ત્યારે કોઈએ કરી ન હતી.

એ સમયે કેટલા લોકો સોનિયા ગાંધીને વાજપેયીનો વિકલ્પ ગણતા હતા?

મોદી નહીં તો બીજું કોણ, આ સવાલ પૂછતા લોકો ભૂલી ગયા છે કે દેશમાં અત્યારે પણ સંસદીય લોકશાહી છે.

રાજ્યોમાં સંખ્યાબંધ રાજકીય પક્ષો સક્રીય છે. મોદીની માફક એક ચહેરો ભલે ન દેખાતો હોય પણ મોદી વિરોધી ગઠબંધન રચાવાની શક્યતાનો ઇનકાર કરી શકાય નહીં.

Image copyright Getty Images

દેશમાં સામાન્ય ચૂંટણી જીતી ગયેલા મોદી તમામ તાકાત લગાવવા છતાં થોડા મહિનાઓમાં દિલ્હીની ચૂંટણી શરમજનક રીતે હાર્યા હતા.

તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામથી 2019નો પાક્કો અંદાજ મળી જશે એમ કહેવું યોગ્ય નથી.

ગુજરાતમાં બીજેપી લાંબા સમયથી સત્તા પર છે અને ગુજરાતની સ્થિતી અનેક બાબતોમાં દેશના અન્ય રાજ્યો કરતાં અલગ છે.

ગુજરાતમાં કોઈ વિરોધ પક્ષ નથી. વિકાસ અને હિંદુત્વનો વારસો છોડીને વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીની ટક્કર નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોને અમલી બનાવી ચૂકેલા નવા નરેન્દ્ર મોદી સાથે થવાની છે.

2019ની ચૂંટણી યોજાવામાં ઘણો સમય છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે એ ચૂંટણીમાં એક તરફ નરેન્દ્ર મોદી હશે અને બીજી તરફ બાકીના બધા નેતાઓ.

હવે રાહુલ ગાંધી સામે બાકીના એ બધા નેતાઓના નેતા બનવાનો મોકો છે. એ પછી પણ નરેન્દ્ર મોદીની ટક્કર તો નરેન્દ્ર મોદી સામે જ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ