દૃષ્ટિકોણ: ‘…તો ભાજપના નેતાઓ પ્રેમના દુશ્મન છે?’

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા, દિલ્હી
ઇમેજ કૅપ્શન,

'શું ભાજપના નેતાઓ પ્રેમના વિરોધી છે?'

ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તાજમહેલ પ્રત્યે આટલી નફરત શા માટે છે? તાજમહેલને તો રોમાન્સ અને પ્રેમનું સ્મારક માનવામાં આવે છે.

શું ભાજપના નેતાઓ પ્રેમના વિરોધી છે? શું શાહજહાંનો તેમની પત્ની મુમતાઝ મહેલ પ્રત્યેનો પ્રેમ આ દેશની સંસ્કૃતિનો ભાગ નથી?

દર વર્ષે વિશ્વભરમાંથી બે લાખ અને દેશના વિવિધ વિસ્તારોમાંથી 40 લાખ પર્યટકો તાજમહેલની મુલાકાતે આવે છે.

નવપરિણીત યુગલો સ્મારક સાથે જોડાયેલા પ્રેમનો અનુભવ કરવા અહીં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ વારસાની સુંદરતા વિશે રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું 'આ સમયના ગાલ પર વહી રહેલાં આંસુઓ સમાન છે'.

ઈ.સ. 1648માં આ સ્મારક બન્યા બાદ તેની કીર્તિ ચારેકોર ફેલાવા લાગી હતી.

ઇમેજ કૅપ્શન,

ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહેલ પર કરેલા નિવેદને ચર્ચા જગાવી છે

ઔરંગઝેબના સમ્રાટ બન્યાના સમયગાળામાં ભારતના પ્રવાસે આવેલા એક ફ્રેચ યાત્રી ફ્રાંસવા બર્નિયરે આ સ્થાપત્યની વધી રહેલી કીર્તિનો ઉલ્લેખ કર્યો હતો.

જ્યારે તેમણે આગ્રા જઈને તાજમહેલ જોયો તો તેઓ નવાઈ પામ્યા હતા.

લેડી ડાયનાની તાજમહેલમાં ખેંચવામાં આવેલી તસવીર યાદગાર બની ગઈ હતી.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા તાજમહેલ અને ભારતના નામ એક જ શ્વાસમાં લેવામાં આવે છે.

તાજમહેલ ફરી એકવાર વાર ચર્ચામાં છે.

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંગીત સોમે તાજમહેલને 'ભારતીય સંસ્કૃતિ પર કલંક' ગણાવી તેનું નિર્માણ કરનારા મુઘલ સમ્રાટને વિશ્વાઘાતી કહ્યા છે.

ઈતિહાસ બદલવાનો દાવો

ઇમેજ કૅપ્શન,

'લાલ કિલ્લાનું નિર્માણ પણ શાહજહાં એ જ કર્યું હતું'

ઉત્તરપ્રદેશ પર્યટન વિભાગની એક પરિચય પુસ્તિકામાં તાજમહેલનો સમાવેશ ન કરતા આ મહિનાની શરૂઆતમાં ફરી તે ચર્ચામાં આવ્યો હતો.

મેરઠ શહેરમાં આપેલા એક નિવેદનમાં સંગીત સોમે કહ્યું હતું, "ઘણાં લોકો એ વાતથી ચિંતિત છે કે તાજમહેલને ઉત્તરપ્રદેશ પ્રવાસનની પરિચય પુસ્તિકાની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે."

"આપણે ક્યા ઈતિહાસની વાત કરી રહ્યા છીએ?"

તેમણે આગળ કહ્યું, "જે વ્યક્તિએ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું તેણે ખુદના પિતાને કેદ કર્યા હતા. તે હિંદુઓની કત્લેઆમ કરવા માગતો હતો."

સંગીત સોમે દાવો કર્યો કે તેઓ ઈતિહાસ બદલી નાંખશે.

ઉત્તરપ્રદેશ સરકારના તાજમહેલ સાથેના ઓરમાયા વર્તન પર ખૂબ હોબાળો થયો હતો.

બાદમાં રાજ્યના પ્રવાસન પ્રધાન રીટા બહુગુણા જોશીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, "તાજમહેલ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે જે દુનિયાના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે."

સંગીત સોમના આ નિવેદન બાદ ભાજપે સ્પષ્ટતા કરતા ક્હ્યું કે આ સંગીત સોમના અંગત વિચારો હતા.

સોશિઅલ મીડિયા પર ચર્ચા

ઇમેજ કૅપ્શન,

અસદ્દુદીન ઓવૈસીએ સંગીત સોમના નિવેદન મામલે ટ્વિટર પર આકરી પ્રતિક્રિયા આપી છે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્પ્રધાન ઓમર અબ્દુલ્લા અને અન્ય ઘણાં લોકોએ મશ્કરી કરતા પૂછ્યું છે કે "શું હવે 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લામાં પ્રધાનમંત્રીના ભાષણનું આયોજન નહીં થાય? લાલ કિલ્લો પણ શાહજહાંએ બનાવ્યો હતો."

મુસ્લિમ નેતા અસદ્દુદીન ઓવૈસીએ ટ્વિટર પર સવાલ કર્યો હતો કે "લાલ કિલ્લો પણ વિશ્વાસઘાતીએ જ બનાવ્યો હતો. તો શું વડાપ્રધાન હવે ત્યાંથી ત્રિરંગો નહીં ફરકાવે?"

પરંતુ ઘણાં રાજકીય વિશેષજ્ઞોના મતે તાજમહેલ વિરૂદ્ધનું આ નિવેદન રાજકારણથી વધારે કંઈ નથી.

તેમના મત મુજબ પક્ષના નેતાઓને લાગે છે કે આર્થિક વિકાસના અભાવમાં લોકોની લાગણીઓને ઉશ્કેરવાથી ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થશે.

તાજમહેલ પ્રત્યે ભાજપના નેતાઓને નફરત હોય કે ન હોય પરંતુ એ હવે લાગે છે કે તેઓ મુઘલોના સમયને દેશના ઈતિહાસના પાનાંઓમાંથી હટાવી દેવા માગે છે.

તાજમહેલ ભારતીય સંસ્કૃતિનો અતૂટ હિસ્સો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો