દિવાળીના દિવસે જાણો ભારતમાં ફટાકડા ફોડવાની શરૂઆત ક્યારે થઈ હતી?

ફટાકડા

દિવાળીના ઉત્સવની દેશભરમાં જોરશોરથી ઉજવણી ચાલી રહી છે. અનેક શહેરો રોશનીથી ઝગમગી ઉઠ્યાં છે.

ઉપરાંત દેશભરમાં દિવાળી અને ગુજરાતમાં નવા વર્ષના દિવસે લોકો ફટાકડા ફોડે છે.

જોકે, તમને ખબર છે કે આ ફટાકડા ભારતમાં ક્યાંથી આવ્યા અથવા તેની શરૂઆત ક્યારથી થઈ?

ભારતના ઇતિહાસમાં ફટાકડાનો ઉલ્લેખ છે? પ્રાચીન ગ્રંથોમાં તેનું વિવરણ છે? વગેરે જેવા સવાલોના જવાબ મેળવવાનો અમે પ્રયાસ કર્યો છે.

આ સવાલોના જવાબ મેળવવા બીબીસીએ જાણીતા પ્રોફેસરો અને ઇતિહાસવિદો સાથે વાત કરી હતી.

પ્રાચીન ગ્રંથોમાં ફટાકડા

ફટાકડાના અવાજથી ડરાવી, ધમકાવી ખરાબ શક્તિઓ ભગાડવામાં આવે છે એવું ઋગ્વેદમાં કે બીજે ક્યાંય લખ્યું નથી.

જોકે, ભારત પ્રાચીનકાળથી આ તમામ વસ્તુઓથી પરિચિત હતું.

બે હજાર કરતાં પણ વધારે વર્ષો પહેલાંથી ચાલી આવતી દંતકથાઓમાં આવાં યંત્રોનું વર્ણન સાંભળવા મળે છે.

ઈ.સ. પૂર્વે રચાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ એક એવા ચૂરણનું વિવરણ છે, જે ઝડપથી સળગતું હતું.

આ ચૂરણ જ્વાળા પણ પેદા કરતું હતું અને તેને એક ભૂંગળીમાં ભરી દેવાય તો એ ફટાકડો બની જાય તેવું વર્ણન છે.

મીઠાંમાંથી ફટાકડા?

બંગાળના વિસ્તારોમાં વરસાદની ઋતુ પછી સૂકાયેલી જમીન પર મીઠાનું એક સ્તર બની જાય છે.

આ મીઠાંને બારીક દળીને ઝડપથી સળગતું ચૂરણ બનાવાતું.

જો એમાં ગંધક અને કોલસાનો ભૂકો યોગ્ય પ્રમાણમાં મેળવવામાં આવે તો તેની જ્વલનશીલતા વધી જાય છે.

જ્યાં મીઠું નહોતું મળતું ત્યાં એક ખાસ પ્રકારના લાકડાની રાખને ધોઈને આવું ચૂરણ બનાવાતું હતું.

વૈદ્ય પણ ઘણી બીમારીઓના ઇલાજ માટે આ મીઠાનો ઉપયોગ કરતા.

લગભગ આખા દેશમાં આ ચૂરણ અને તેનાથી બનાવાતો દારૂ (ગંધક અને કોલસાનું મિશ્રણ) મળી જતો પરંતુ લાગતું નથી કે તેનો ઉપયોગ ફટાકડામાં થતો હોય.

આ દારૂ એટલો જ્વલનશીલ પણ નહોતો કે તેનો ઉપયોગ દુશ્મનો સામે થાય.

આ રીતે દારૂનો ઉલ્લેખ પહેલી વખત 1270માં સીરિયાના રસાયણશાસ્ત્રીએ કર્યો હતો.

આ રસાયણશાસ્ત્રી અલ રમ્માહે પોતાના પુસ્તકમાં દારૂને ગરમ પાણીથી ધોઈ વિસ્ફોટક બનાવવાની વાત કહી હતી.

દિવાળીમાં ઘરોને જરૂરથી પ્રકાશિત કરાતાં પણ ફટાકડાનો ક્યાંય ઉલ્લેખ નથી. જોકે, ઘીના દીવા કરવાનો ઉલ્લેખ છે.

શું મુગલો ફટાકડા લાવ્યા?

ઇતિહાસકારો કહે છે કે 1526માં જ્યારે બાબરે દિલ્હી પર હુમલો કર્યો ત્યારે તેની તોપોના અવાજથી ભારતના સૈનિકોના હોંશ ઊડી ગયા હતા.

જો મંદિરો અને શહેરોમાં ફટાકડા ફોડવાની પરંપરા રહી હોત તો કદાચ આ સૈનિકો આટલા ડર્યા ન હોત.

બીજા કેટલાક જાણકારો કહે છે કે ફટાકડા અને આતશબાજી મુગલો પછી શરૂ થઈ. સાથે જ તેઓ આ જાણકારીને પણ અધૂરી ગણાવે છે.

મુગલકાલના ઇતિહાસના પ્રોફેસર નજફ હૈદરના મતે ફટાકડા પહેલાંથી જ ભારતમાં હતા.

તેઓ કહે છે કે એ સમયે ફટાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો પણ એ કહેવું બરાબર નથી કે ભારતમાં ફટાકડા મુગલો લાવ્યા હતા.

દારા શિકોહનાં લગ્નનાં ચિત્રોમાં લોકોને ફટાકડા સળગાવતા જોઈ શકાય છે પરંતુ ફટાકડા મુગલો ભારતમાં આવ્યા તે પહેલાં પણ હતા.

ફિરોઝશાહના જમાનામાં અનેક વખત આતશબાજી થતી હોવાના ઉલ્લેખો જોવા મળે છે.

ગન પાઉડર ભારતમાં પછી આવ્યો પરંતુ મુગલો પહેલાં ફટાકડા જરૂર આવી ગયા હતા.

જેનો મોટા પ્રમાણમાં ઉપયોગ હાથીઓની લડાઈમાં અથવા શિકારમાં થતો.

હાથીઓની લડાઈમાં હાથીઓને ડરાવવા ફટાકડા ઉપયોગમાં લેવાતા.

મુગલોના કાળમાં લગ્ન અને બીજા પણ ઉત્સવોમાં ફટાકડા ફોડાતા અને આતશબાજી થતી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો