આધાર સાથે જોડાણ બન્યું ટેલિકોમ તથા બેંકના ગ્રાહકો માટે પરેશાનીનું કારણ

મોબઇલથી મુશ્કેલીમાં યુવાનો Image copyright Getty Images

છેલ્લા કેટલાક દિવસોથી મોબાઇલ કંપનીઓ અને બેંકો પોતાના ગ્રાહકોને સતત સંદેશાઓ પાઠવી રહી છે.

આ સંદેશા ચેતવણી સ્વરૂપે મોકલવામાં આવી રહ્યા છે. જેમાં જણાવાઈ રહ્યું છે કે ગ્રાહક પોતાના મોબાઇલ નંબર અને બેંક ખાતા સાથે આધાર નંબરનું જોડાણ કરાવી દે.

અન્યથા મોબાઇલ સર્વિસ બંધ કરી દેવામાં આવશે, જ્યારે બેંક એકાઉન્ટ સ્થગિત કરી દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી એવો કોઈ આદેશ નથી આપ્યો. જેમાં એવું ઠેરવવામાં આવ્યું હોય કે આધાર લિંક કરવું અનિવાર્ય છે.

આમ છતાંય આ પ્રકારના સંદેશ એકથી વધુ વખત મોકલીને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે.

હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામાં આવી હતી કે જેમાં આધારને મોબાઇલ ફોન તેમજ બેંક ખાતા સાથે જોડવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે


સુપ્રીમ કોર્ટનો આદેશ

ફોટો લાઈન શું ખરેખર બેંક અને મોબાઇલ નંબર સાથે આધાર ન જોડવા પર સર્વિસ બંધ થઈ જશે ?

સિટીઝન ફોરમ ફૉર સિવિલ લિબર્ટીના સંયોજક ડૉક્ટર ગોપાલ કૃષ્ણ જણાવે છે કે આ પ્રકારના કોઈ પણ સંદેશની અવગણના કરવાની જરૂર છે.

કેમ કે કાયદાકીય રીતે આવું દબાણ ખોટું છે.

સપ્ટેમ્બર 2013થી જૂન 2017 સુધી પોતાના બધા જ આધાર સંબંધિત નિર્ણય મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે આધાર કોઈ પણ સેવા માટે અનિવાર્ય નથી.

પરંતુ ટેલિકૉમ કંપનીઓ અને બેંક સતત મેસેજ મોકલી લોકોને પરેશાન કરી રહ્યા છે.


દૂરસંચાર વિભાગ

Image copyright Getty Images
ફોટો લાઈન દૂરસંચાર વિભાગે ફેબ્રુઆરી 2018 સુધી ગ્રાહકોના આધાર નંબરથી વેરીફિકેશન પૂર્ણ કરવા આદેશ આપ્યા છે

મોબાઇલ કંપનીઓ કે ટેલિકૉમ ઑપરેટર્સ દૂરસંચાર વિભાગના નિર્દેશોના અમલ માટે બંધાયેલા છે.

હાલ જે નિયમ છે તેના આધારે ગ્રાહકોને મોબાઇલ સર્વિસ લેવા માટે ન માત્ર જરૂરી ઓળખપત્રની જરૂર છે પણ અલગથી વેરીફિકેશનની પણ જરૂર છે.

માર્ચ 2017થી બહાર પાડવામાં આવેલા ઘણા સર્ક્યુલરમાં દૂરસંચાર વિભાગે ટેલિકૉમ ઑપરેટર્સને નિર્દેશ આપ્યા છે.

તેમને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2018 સુધી ગ્રાહકો આધાર નંબરના માધ્યમથી કસ્ટમર વેરિફેકશન પૂર્ણ કરે.

સાઇબર સંબંધી બાબતોના નિષ્ણાત વકીલ વિરાગ ગુપ્તા જણાવે છે કે આધારની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે.

અત્યારે તેની કાયદાકીય અનિવાર્યતા પર જે સવાલ છે અને તેનો ઉપયોગ ગમે ત્યાં અનિવાર્ય છે, તે ખોટું છે અને ગેરકાયદેસર પણ છે.


મોબાઇલ નંબર

ફોટો લાઈન આધાર કાર્ડ લિંક ન કરવા પર બેંકોએ 1 જાન્યુઆરી 2018થી સર્વિસ બંધ કરવા ચેતવણી આપી છે

વિરાગ ગુપ્તાનું કહેવું છે, "સુપ્રીમ કોર્ટે થોડી જ સર્વિસિઝ માટે આધારનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે."

મોબાઇલ કંપનીઓ જો આ પ્રકારના સંદેશ મોકલી રહી છે તો તે સુપ્રીમ કોર્ટના નિર્ણયની અવગણના કરી રહી છે.

ગુપ્તાએ કહ્યું કે, "એક અરજી પર સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યા હતા કે મોબાઇલ નંબરનો દુરૂપયોગ રોકવામાં આવે."

વધુમાં તેમણે ઉમેર્યું કે, "આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાંચ કરોડ નંબર છે જેનું કસ્ટમર વેરીફિકેશન નથી થયું."

"ત્યારબાદ દૂરસંચાર વિભાગે ટેલિકૉમ કંપનીઓને આદેશ આપ્યા છે કે તેઓ બધા જ નંબરનું કસ્ટમર વેરિફિકેશન સ્થાપિત કરે.."

તેમણે કહ્યું કે આવા સંજોગોમાં બે સવાલ ઊભા થાય, પોસ્ટપેઇડ નંબર તો પહેલેથી જ વેરીફાઇડ હોય છે.

બીજું એ કે માત્ર આધાર નંબર જ વેરીફિકેશન માટેનું માધ્યમ ન હોવું જોઇએ.


બેંકની ચેતવણી

જ્યારે તમે ICICI બેંકની એપ્લિકેશન ચાલુ કરો એટલે સૌથી પહેલા નોટિફિકેશન આવે છે કે તમારા બેંક અકાઉન્ટ સાથે આધાર કાર્ડ જોડી લો.

આવું ન કરવામાં આવે તો પહેલી જાન્યુઆરી 2018થી ખાતાનો ઉપયોગ ન કરી શકવાની ચેતવણી પણ આપવામાં આવે છે.

જ્યારે શરતો અને નિયમો વાંચશો તો ત્યાં લખેલું છે કે આ શરતો અને નિયમો માનવા પર એ માનવામાં આવશે કે તમે તમારી મરજીથી આધારને બેંક સાથે જોડ્યું છે.

તમે આધારને કાયદાને અંતર્ગત પોતાની મરજીથી પરવાનગી આપો છો કે બેંક સંબંધિત બધા કાર્ય માટે આધારનો ઉપયોગ થાય.

એરટેલ કંપનીએ વેબસાઇટ પર લખ્યું છે કે પોસ્ટ-પેઇડ કનેક્શનવાળા ગ્રાહક નજીકના એરટેલ સ્ટોર પર જાય અને બાયોમેટ્રિક વેરીફિકેશન કરાવે.

જો એક કરતા વધારે મોબાઇલ નંબર હોય તો બધા નંબર માટે એક જ વ્યક્તિની અલગ અલગ બાયોમેટ્રિક ઓળખ આપવાની રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ