આધાર-રાશન કાર્ડ ન જોડાયા અને એક બાળકી ભૂખથી મરી ગઈ

સંતોષીની મા કોયલી દેવી Image copyright DHIRAJ
ફોટો લાઈન છેલ્લા આઠ મહિનાથી રાશન મળતું ન હતું

સંતોષી ચાર દિવસથી ભૂખી હતી. ઘરમાં માટીનો ચૂલો હતો અને જંગલમાંથી તે લાકડાં પણ વીણીને લાવી હતી.

બધી જ વસ્તુઓ હતી. બસ એક જ વસ્તુ ન હતી. 'અનાજ.'

જો ઘરમાં અનાજ હોત તો સંતોષી આજે જીવીત હોત.

પરંતુ સતત ભૂખ્યા રહેવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. તેની ઉંમર માત્ર 10 વર્ષ હતી.

સંતોષી પોતાના પરિવાર સાથે ઝારખંડના કારીમાટી ગામમાં રહે છે.

લગભગ 100 પરિવારોની વસતી ધરાવતા આ ગામમાં ઘણી જાતિઓ રહે છે. સંતોષી પછાત વર્ગની છે.

ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારે છેલ્લા આઠ મહિનાથી રાશન આપવાનું બંધ કરી દીધું હતું.

કેમ કે તેનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલું ન હતું.

તમને આ પણ વાંચવું ગમશે


મા-દિકરી પર જવાબદારી

Image copyright DHIRAJ
ફોટો લાઈન ચાર દિવસ સતત ભૂખ્યા રહ્યા બાદ સંતોષીનું મૃત્યુ થયું

સંતોષીના પિતા બિમાર રહેતા હતા. તેઓ કામ કરી શકતા ન હતા.

તેવામાં ઘર ચલાવવાની જવાબદારી સંતોષીની માતા કોયલી દેવી અને તેની મોટી બહેન પર હતી.

તે ક્યારેક દાંતણ વેંચતી, તો ક્યારેક કોઇના ઘરમાં કામ કરી લેતી.

પરંતુ પછાત જાતિના હોવાના કારણે તેમને સહેલાઈથી કામ મળતું ન હતું.

આવી પરિસ્થિતિમાં પરિવારના લોકોએ રાત્રે ભૂખ્યા પેટે જ સૂવું પડતું હતું.

કોયલી દેવીએ જણાવ્યું કે, "28 સપ્ટેમ્બરની બપોરે સંતોષીના પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. ગામના એક વૈદ્યએ કહ્યું કે તેને ભૂખ લાગી છે. જમવાનું આપી દો, ઠીક થઈ જશે."

પોતાની પરિસ્થિતિનું વર્ણન કરતા આગળ કોયલી દેવીએ કહ્યું, "મારા ઘરમાં અનાજનો એક દાણો ન હતો. આ બાજુ સંતોષી રડી રહી હતી."

વધુમાં તેમણે ઉમેર્યું, "સંતોષીના હાથપગ અકડાવા લાગ્યા હતા. સાંજ પડતા ઘરમાં રાખેલી ચા અને મીઠું મેળવીને ચા બનાવી. સંતોષીને પીવડાવવા પ્રયાસ કર્યો."

"સંતોષી ભૂખથી પીડાઈ રહી હતી. થોડી જ ક્ષણોમાં તે જતી રહી. ત્યારે રાતના દસ વાગ્યા હતા."


ડીસીનો ઇનકાર

Image copyright DHIRAJ
ફોટો લાઈન સત્તાવાળાના કહેવા પ્રમાણે સંતોષીનું મોત મલેરિયાના કારણે થયું છે

સિમડેગાના ઉપાયુક્ત મંજૂનાથ ભજંત્રિ આ મામલો ભૂખથી થયેલા મોતનો હોવાનો ઇનકાર કરે છે.

બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમણે દાવો કર્યો કે સંતોષીનું મોત મલેરિયાના કારણે થયું છે.

મંજૂનાથનું કહેવું છે કે સંતોષીનું મોત અને ભૂખને કોઈ સંબંધ નથી.

તેનો પરિવાર ખૂબ ગરીબ છે. અમે તેમને અંત્યોદય કાર્ડ પણ આપ્યું છે.

મંજૂનાથ ભજંત્રિએ બીબીસીને કહ્યું કે, "સંતોષીનું મોત 28 સપ્ટેમ્બરના રોજ થયું હતું પરંતુ આ સમાચાર 6 ઑક્ટોબરના રોજ છપાયા હતા."

"મીડિયામાં સામે આવ્યું કે દુર્ગા પૂજાની રજાઓના કારણે તેને સ્કૂલમાં મળતું મધ્યાહન ભોજન મળી શક્યું ન હતું. પરંતુ તે તો માર્ચ બાદ ક્યારેય સ્કૂલે જ ગઈ ન હતી."

"વધુમાં તેમણે ઉમેર્યું કે, " આ મામલે 3 સભ્યોની કમિટિ બનાવવામાં આવી હતી. આ કમિટિના રિપોર્ટના આધારે સંતોષીનું મોત મલેરિયાના કારણે થયું છે."

"કમિટિએ ડૉક્ટર સાથે પણ વાતચીત કરી છે જેણે સંતોષીનો ઇલાજ કર્યો હતો."


રાશન કાર્ડને સ્વીકૃતિ આપવા માગ

Image copyright DHIRAJ
ફોટો લાઈન 21 ઓગષ્ટના જનતા દરબારમાં રોજ રાશન કાર્ડ માટે ફરિયાદ નોંધાવી હતી

બીજી તરફ જલડેગા નિવાસી સોશિઅલ એક્ટિવિસ્ટ તારામણિ સાહૂ ડીસી પર તથ્યો છૂપાવવાનો આરોપ લગાવે છે.

તેમણે જણાવ્યું કે એએનએમ માલા દેવીએ 27 સપ્ટેમ્બરના રોજ સંતોષીને જોઈ હતી.

આ સમયે તેને તાવ ન હતો. તેવામાં મલેરિયા ક્યાંથી આવી ગયો ?

વધુમાં તેમણે જાણકારી આપી કે જે ડૉક્ટરે ડીસીને આ વાત જણાવી, તેની યોગ્યતા શું છે?

તારામણિ સાહૂએ બીબીસીને કહ્યું કે, "કોયલી દેવીનું રાશન કાર્ડ રદ્દ કરી દેવાયા બાદ મેં જનતા દરબારમાં 21 ઓગષ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી."

વધુમાં તેમણે ઉમેર્યું કે, "25 સપ્ટેમ્બરના રોજ મેં ફરી જનતા દરબારમાં રાશન કાર્ડને સ્વીકૃતિ આપવાની માગ કરી હતી."

"ત્યારે સંતોષી જીવીત હતી. પણ તેના ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી."

"મારી વાત પર ધ્યાન ન આપવામાં આવ્યું અને સંતોષીનું મોત થઈ ગયું."


રાઇટ ટૂ ફૂડ કેમ્પેઇનની તપાસ

Image copyright DHIRAJ
ફોટો લાઈન 'સરકારે આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પરિભાષાને માનવી જોઈએ'

આ ઘટના બાદ રાઇટ ટૂ ફૂડ કેમ્પેઇનની પાંચ સભ્યોની ટીમે કારામાટી જઈને મામલાની તપાસ કરી હતી. તેમની સાથે રાજ્ય ખાદ્ય કમિશનની ટીમ પણ હતી.

આ ટીમમાં સામેલ ધીરજ કુમાર કહે છે, "કોયલી દેવીએ મને જણાવ્યું કે સંતોષીનું મૃત્યુ માત્ર અને માત્ર ભૂખના કારણે થયું છે."

તો જાણીતા સામાજીક કાર્યકર્તા બલરામ કહે છે કે જો કોઈને ઘણા દિવસથી જમવાનું ન મળે અને તેના કારણે તેનું મોત થઈ જાય, તો તેને શું કહીશું?

વધુમાં તેઓ ઉમેરે છે કે સરકારે આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પરિભાષાને માની લેવી જોઈએ અથવા તો ભૂખના કારણે મોતને જાતે જ પરિભાષિત કરી દે.

દરેક મોતને એ કહીને ટાળી દેવી કે એ ભૂખના કારણે નથી, તે પોતાની જવાબદારીઓથી ભાગવાની વાત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો