મુસ્લિમ શાસકો વિદેશી તો મૌર્ય શાસકો દેશી કેમ?

  • રજનીશ કુમાર અને વાત્સલ્ય રાય
  • બીબીસી સંવાદદાતા
ઇમેજ કૅપ્શન,

મોગલ શાસકો વિદેશી હતા?

તાજમહેલ તેની સુંદર સ્થાપત્ય કળા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે પણ હાલ ભારતીય રાજકારણમાં વિવાદનું કેન્દ્ર બન્યો છે.

ઘણા લોકો માને છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી ઇતિહાસને નિશાન બનાવીને કરવામાં આવતા હુમલા વધ્યા છે.

ઉત્તરપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્ય પ્રવાસનની બુકલેટમાંથી તાજમહેલને પડતો મૂક્યો છે.

હવે બીજેપીના વિધાનસભ્ય સંગીત સોમે કહ્યું છે કે તાજમહેલના નિર્માતા ગદ્દાર હતા.

તમને આ પણ વાંચવું ગમશે

સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પરનું કલંક ગણાવ્યો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અગાઉ કહ્યું હતું કે તાજમહેલ ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતો નથી.

યોગીએ અકબરને હુમલાખોર ગણાવ્યો હતો.

બીજી તરફ રાજસ્થાનમાં બાળકોને એવું ભણાવવામાં આવે છે કે રાજપૂત શાસક મહારાણા પ્રતાપે હલ્દી ઘાટીની લડાઈમાં મોગલ બાદશાહ અકબરને હરાવ્યો હતો.

ભારતમાં દક્ષિણપંથી વિચારધારા ધરાવતા લોકો અંગ્રેજોના શાસનને માત્ર ગુલામ ભારત જ નથી ગણતા. તેઓ મધ્યકાળને પણ ગુલામ ભારત ગણે છે.

અંગ્રેજો આવ્યા પહેલાંના 200 વર્ષ સુધી ભારત ગુલામ હતું? મોગલ શાસકો વિદેશી હતા?

આ બધા સવાલો મધ્યકાળના ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબ, પ્રોફેસર રામનાથ અને પ્રોફેસર હસબંસ મુખિયાને પૂછવામાં આવ્યા હતા.

તેમણે જે જવાબ આપ્યા એ નીચે મુજબ છે.

ઈરફાન હબીબ

ઇમેજ કૅપ્શન,

મોગલ શાસકોના વંશજો આ જમીન પર જ મર્યા હતા

ઇતિહાસને કોઈ ભૂંસી શકે નહીં. જે આપણા ઇતિહાસનો હિસ્સો છે તે હંમેશા રહેશે. તાજમહેલને તોડી પાડશો તો પણ એ ઇતિહાસનો હિસ્સો બની રહેશે.

લોકો તેમના દિલમાં હોય એ ભલે બોલતા રહે. તેમને કોઈ રોકી ન શકે. તેઓ મુસલમાનોને વિદેશી ગણે છે.

દુનિયાભરમાં વિદેશીની પરિભાષા એ છે કે તમારા દેશની સંપત્તિ કોઈ બહાર લઈ જઈ રહ્યું હોય. અંગ્રેજોના સમયમાં એવું થતું હતું.

મોગલ શાસન અને વિદેશી શાસન વચ્ચેનો ભેદ તો સમજવો જોઈએ. જે શાસકોને તેઓ વિદેશી ગણાવી રહ્યા છે તેમનો જન્મ અહીં થયો હતો અને મોત પણ અહીં થયું હતું.

મોગલો હુમલાખોર હતા એવું કોઈ કહેતું હોય તો ગુજરાત પર શાસન કરી ચૂકેલા મૌર્ય લોકો પણ હુમલાખોર હતા? મૌર્ય શાસકો તો મગધના હતા. તેમનું શાસન ગુજરાતમાં શા માટે હતું?

એ આધારે તો એવું પણ કહી શકાય કે ઉપલા વર્ગના લોકો શાસક હતા અને નીચલા વર્ગના લોકો ગુલામ હતા. ગુજરાત અને મગધને અલગ-અલગ દેશ ગણતા હો તો મૌર્ય વિદેશી ગણાય.

તમે એવું માનતા હો કે આખા દેશ પર કોઈ શાસન કરતું હતું તો મોગલો આગ્રા અને દિલ્હીથી એ શાસન કરી રહ્યા હતા.

આ વાત પરથી સમજાય છે કે તેમણે મુસ્લિમ અને દલિતવિરોધી વલણ રાજકારણ માટે અપનાવ્યું છે.

હરબંસ મુખિયા

ઇમેજ કૅપ્શન,

જેઓ અહીં આવ્યા હોય અને અહીંની માટીમાં જ ભળી ગયા હોય તેમને વિદેશી કેવી રીતે કહેવાય?

આપણે જેને આક્રમણ કહીએ છીએ એ વાસ્તવમાં પલાયન છે. આક્રમણની વાતો તો 50-60 વર્ષ પહેલાં જ ફગાવી દેવામાં આવી હતી.

બાબર અને હુમાયુ મધ્ય એશિયામાંથી આવ્યા હતા. અકબરનો જન્મ તો ઉમરકોટમાં એક રાજપૂતના ઘરે થયો હતો.

અકબર ક્યારેય હિંદુસ્તાનની બહાર ગયો ન હતો. અકબર પછી જેટલા મોગલ શાસકો થયા એ બધાનો જન્મ હિંદુસ્તાનમાં જ થયો હતો.

તેમણે તો હિંદુસ્તાન બહાર પગ સુદ્ધાં મૂક્યો ન હતો. એ સમયે તો દેશ અને વિદેશની પરિકલ્પના પણ ન હતી. મોગલ શાસકોના વંશજો ક્યાં છે? તેઓ આ જમીન પર હતા. અહીં જ મર્યા હતા.

એ પહેલાં ખીલજી અને તુગલક વંશના શાસકો હતા. એ બધાના વંશજો આખરે ગયા ક્યાં? તેઓ અહીં આવ્યા હતા, અહીં લડાઈ લડ્યા હતા, અહીં વસી ગયા હતા અને ખતમ થઈ ગયા.

વિદેશી તો અંગ્રેજો હતા. તેઓ આવ્યા અને 200 વર્ષ સુધી લૂંટફાટ કરીને પાછા ચાલ્યા ગયા હતા. વિદેશી તો તેઓ હતા.

જેઓ અહીં આવ્યા હોય, વસ્યા હોય અને અહીંની માટીમાં જ ભળી ગયા હોય તેમને વિદેશી કેવી રીતે કહેવાય?

તેઓ બહારથી આવ્યા હતા એટલે જ વિદેશી કહેવાય? દેશી અને વિદેશીના આધારે કોઈને દેશ બહાર કાઢવામાં આવે તો રાણી એલિઝાબેથે પણ બ્રિટન છોડવું પડે.

તેથી આપણે વિદેશી શાસકો માત્ર અંગ્રેજોને કહીએ છીએ. તેઓ અહીં આવ્યા હતા અને લૂંટફાટ કરીને ચાલ્યા ગયા હતા.

ઇમેજ કૅપ્શન,

હવે લોકો ફરીથી હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો ઇતિહાસ લખવા ઈચ્છે છે

જે રીતે અંગ્રેજો દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં જ રહી ગયા એ રીતે તેઓ ભારતમાં રહી ગયા હોત તો તેઓ વિદેશી ન કહેવાત.

ભારત 200 વર્ષ સુધી જ ગુલામ હતું. અંગ્રેજોએ આપણું શોષણ કર્યું અને બાદમાં તેઓ રવાના થઈ ગયા હતા.

આપણો તેમની સાથેનો સંબંધ શોષિત અને શોષકથી વધારે ન હતો. તેઓ મોગલોની માફક અહીં વસી ગયા હોત તો તેમને વિદેશી કોણ કહેત?

આપણે ટોમ ઓલ્ટરને વિદેશી કહીએ છીએ? દુનિયામાં એવો કોઈ પ્રદેશ નથી, જ્યાંથી આવેલા લોકો વસ્યા ન હોય.

મોગલોના શાસનમાં સંસ્કૃતિનું મહત્વનું પાસું હતું. જે ભાષામાં આપણે વાત કરી રહ્યા છીએ એ મધ્યકાલીન ભાષા છે. ભાષા અને ખાનપાન સહિતનું બધું એ જમાનાની દેન છે.

હવે ઇતિહાસના મુદ્દા બદલાઈ ચૂક્યા છે. હવે લોકો ફરીથી હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો ઇતિહાસ લખવા ઈચ્છે છે. જેની કોઈ પ્રાસંગિકતા નથી. તેઓ ફરીથી ત્યાં જવા ઈચ્છે છે.

દેશ અને વિદેશની જે કલ્પના છે એ અઢારમી અને ઓગણીસમી સદીની છે.

સોળમી સદીમાં દેશ, વિદેશ અને વિદેશી જેવી પરિકલ્પના જ ન હતી અને રાષ્ટ્રનો તો કોઈ સવાલ જ ન હતો.

આ બધી પરિકલ્પનાઓ એ પછીની છે અને તેનું પોતાનું મહત્વ છે.

પ્રોફેસર રામનાથ

ઇમેજ કૅપ્શન,

મોગલોના શાસનમાં સંસ્કૃતિનું જબરદસ્ત પાસું હતું

અકબર અને શાહજહાંને તેઓ ડાકુ કહી રહ્યા છે. તેમને ખબર નથી કે તેઓ કોણ હતા. અકબરે ક્યા હિંદુ રીતરિવાજને અપનાવ્યો ન હતો?

અકબરે મોગલ સામ્રાજ્યને એક રીતે રાષ્ટ્રનું સ્વરૂપ આપ્યું હતું. તાલિબાને અફઘાનીસ્તાનમાં કર્યું તેવું તેઓ કરવા ધારે છે?

અફઘાનીસ્તાનમાં બુદ્ધની પ્રાચીન પ્રતિમાઓને તોડી પાડવામાં આવી હતી. તેઓ એવું કરવા ધારે છે?

મોગલો આપણા ઈતિહાસ અને સંસ્કૃતિનો હિસ્સો છે. આપણે અમીર ખુસરોને કેવી રીતે ભૂલી શકીએ?

તેઓ આવે તો સાથે બેસીને વાત કરી શકાય. તેઓ તેમની વાત સમજાવે અથવા મારી વાત સમજી લે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો