નવાઝ શરીફ, દીકરી અને જમાઈ સામે ભ્રષ્ટાચારના આરોપો ઘડાયા

નવાઝ શરીફ અને તેમના દીકરી અને જમાઈ Image copyright AFP/NA

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર ઇસ્લામાબાદની એક ખાસ કૉર્ટે ભ્રષ્ટાચારના કેસમાં આરોપો ઘડ્યા છે.

કૉર્ટે શરીફનાં દીકરી મરિયમ અને તેમના જમાઈ રિટાયર્ડ કેપ્ટન મોહમ્મદ સફદર પર પણ આરોપો નક્કી કર્યા છે.

આ ત્રણેય પર લંડનમાં ફ્લેટ્સ રાખવાના કેસમાં આરોપો ઘડ્યા છે. આ આરોપનામુ ગુરુવારે થયેલી સુનાવણીમાં નક્કી કરવામાં આવ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે :

બીબીસી ઉર્દુના ઇસ્લામાબાદ સંવાદદાતા શહજાદ મલિકે જણાવ્યું કે, એવી ચર્ચા છે કે ભ્રષ્ટાચારના અન્ય બે કેસમાં પણ ગુરુવારે જ આરોપો નક્કી થઈ શકે છે.


નવાઝ શરીફ હાલ બ્રિટનમાં છે

Image copyright Getty Images
ફોટો લાઈન પાકિસ્તાનની કૉર્ટમાં સુનાવણી માટે જઈ રહેલાં નવાઝ શરીફના દીકરી મરિયમ

પત્રકાર શાહજાદ મલિકના જણાવ્યા મુજબ આ કૉર્ટ કાર્યવાહીમાં નવાઝ શરીફના દીકરી મરિયમ અને કેપ્ટન (નિવૃત્ત) મોહમ્મદ સફદર હાજર રહ્યાં હતાં.

ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ વતી તેમના વકીલ ઝફર ખાન કોર્ટમાં હાજર હતા.

મલિકના જણાવ્યા અનુસાર જ્યારે ઇસ્લામાબાદની વિશેષ અદાલતના જજ મુહમ્મદ બશીરે નવાઝ પરિવારના સભ્યો પર લાગેલા આરોપ સંદર્ભે ચુકાદો આપ્યો, ત્યારે અદાલતી કાર્યવાહીમાં હાજર શરીફ પરિવારના સભ્યોએ આ ગુનો કબુલવાનો ઇન્કાર કર્યો હતો.

શરીફનાં દીકરી મરિયમે એમ પણ કહ્યું હતું કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને ન્યાય માટે તેમની જરૂરીયાતો સંતોષાઈ નથી.


પહેલાં નિર્ણય પછી પુરાવા?

Image copyright Pacific Press
ફોટો લાઈન મરિયમ નવાઝ શરિફે કૉર્ટમાં ન્યાયની પ્રક્રિયા બરાબર રીતે હાથ ધરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.

તેના પર આરોપ મુકાયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા મરિયમ નવાઝે જણાવ્યું હતું કે આ પહેલો કેસ છે જેમાં નિર્ણય પહેલાં કરવામાં આવ્યો છે, અને હવે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે કૉર્ટમાં રજૂ કરાયેલા લંડન ફ્લેટ્સની તેમની માલિકી સંદર્ભે વર્ષ 2006માં કરાયેલા કરારનામાના દસ્તાવેજો નકલી છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન મિયાન નવાઝ શરિફે તેમના વકીલ તરીકે ઝફર ખાનની નિમણૂક કરેલી છે. ન્યાયાધીશે તેમની હાજરીમાં આ આરોપનામું વાંચ્યું હતું.

નવાઝના વકીલ ઝફર ખાને કૉર્ટને જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટે સુપ્રીમ કોર્ટમાં પનામા પેપર્સ લીક કેસ સંદર્ભે દાખલ કરેલી અરજી હજુ સુધી કૉર્ટે સુનાવણી માટે લીધી નથી.


આરોપો ન્યાય પ્રક્રિયા વિરુદ્ધ

Image copyright Getty Images
ફોટો લાઈન કૉર્ટની કાર્યવાહીમાં એક સુનાવણીમાં ગયેલાં મરિયમ શરીફનો કાફલો અને તેમનાં ટેકેદારો

જ્યાં સુધી એ કેસમાં નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ આરોપો ઘડવાની કાર્યવાહી ન્યાયનાં નિયમોની વિરુધ્ધ છે.

તેમણે એમ પણ કહ્યું કે, આ કેસનાં ત્રણ સાક્ષીઓ દ્વારા આપેલા નિવેદનોની નકલો જ્યાં સુધી તેમને નથી અપાઈ.

આમ છતાં, તે આરોપો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે ન્યાયપ્રક્રિયાની વિરુદ્ધ છે.

કૉર્ટે જણાવ્યું હતું કે વિદેશની કંપનીઓ અને અઝીઝિયા સ્ટીલ મિલ્સ કેસમાં નવાઝ શરીફ પરના આરોપોની કાર્યવાહી હવે પછી થશે.

અદાલતે સરકારી સાક્ષી સિદ્રા મન્સુરને નવાઝ શરીફ વિરુદ્ધના લંડન ફ્લેટ કેસમાં 26મી ઑક્ટોબરે હાજર રહેવા આદેશ આપ્યો હતો.


ન્યાય પ્રક્રિયા મજાક ન બની જાય

Image copyright Getty Images
ફોટો લાઈન નવાઝ શરીફે કૉર્ટમાં હાજરી આપી નહોતી

ઇસ્લામાબાદની વિશેષ અદાલતે આરોપો મુક્યા બાદ, મરિયમ નવાઝે મીડિયાને કહ્યું, "ન્યાયપૂર્ણ સુનાવણી એ મૂળભૂત અધિકાર છે. તેને મજાક ન બનાવી દેવી જોઈએ."

તેમણે વધુમાં કહ્યું, "આ પહેલો કેસ છે જેમાં નિર્ણયની જાહેરાત પ્રથમ કરવામાં આવી છે અને પુરાવા પછીથી એકઠા કરવામાં આવ્યા છે."

તેમણે ઉમેર્યું, "મેં કહ્યું છે કે તેમણે એક વખત જ સંપૂર્ણપણે તેમનો નિર્ણય જાહેર કરવો જોઈએ."

તેમણે પૂછ્યું હતું કે જો કોઈ ટીમ હવે લંડન ગઈ છે, તો આ વર્ષની શરૂઆતે સંયુક્ત તપાસ ટીમને રજૂ કરાયેલા પુરાવામાં શું હતું?


ભાગી નહીં જઈએ

Image copyright Getty Images
ફોટો લાઈન મરિયમ શરીફ

કૉર્ટના નિર્ણય બાબતે મરિયમ નવાઝે કહ્યું કે તે ભાગી જનારાં લોકોમાં નથી.

તેમણે કહ્યું, “અમે એ લોકો છીએ જે બહારથી અમારા દેશમાં ન્યાય પ્રક્રિયામાં શામેલ થવા આવ્યાં છીએ. અમે કૉર્ટ અને કાયદાનું સન્માન કરીએ છીએ. અમારા માટે કૉર્ટ કેસ કોઈ નવી બાબત નથી.”

નવાઝ શરીફ હાલ બ્રિટનમાં છે. આ અગાઉ નવાઝ શરીફ, મરિયમ અને સફદરે આરોપ ઘડવાનો કેસ પડતો મૂકવાની અરજી કરી હતી. જેને કૉર્ટે નામંજૂર કરી હતી.

પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટે અજાણ્યા સ્રોતોથી થયેલી અને જાહેર ન કરેલી સંપત્તિના મામલે 67 વર્ષના નવાઝ શરીફને વડાપ્રધાનના પદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા.

જેને કારણે શરીફે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ