ત્રણ વર્ષ બાદ વસ્તી વધારવાનો જિયો પારસી કાર્યક્રમ કેટલો સફળ?

બાળકો સાથે માતાનો ફોટો
ફોટો લાઈન પારસી કોમ સંખ્યામાં થઈ રહેલા ઘટાડાના મોટા પડકારનો સામનો કરી રહી છે

ઝોરોસ્ટ્રિયન ધર્મનું પાલન કરતો ભારતની પારસી કોમ તેમની વસ્તીમાં ઝડપથી થઈ રહેલા ઘટાડાના મોટા પડકારનો સામનો કરી રહી છે.

એ ઘટાડાને રોકવાના હેતુસર ત્રણ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારની મદદથી જિયો પારસી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંગે પારસી કોમમાં જોરદાર ચર્ચા થઈ હતી, પણ તેનાથી પૂરતા પ્રમાણમાં પારસી બાળકોના જન્મમાં મદદ મળી હતી?

તમને આ વાંચવું પણ ગમશે :

અમારા દ્વિભાષી સંવાદદાતા ઝુબૈર અહમદ તાજેતરમાં મુંબઈ ગયા હતા અને પારસી કોમનાં સભ્યોને મળ્યાં હતાં.

ફોટો લાઈન જિયો પારસી અભિયાનની મદદથી 45 વર્ષની ઉંમરે પારુલ માતા બનશે

પારુલ તુરેલ ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાનાં છે, અને 45 વર્ષની વયે માતા બનવાની ખુશી તેઓ છૂપાવી શકતાં નથી.

તેઓ એક જ બાળકની મમ્મી બનવા ઇચ્છતાં હતાં, પણ બે બાળકોને જન્મ આપવાનાં છે.

પ્રેગ્નેન્સીના સમાચાર વખતે પોતાના પ્રતિભાવની વાત કરતાં પારુલે નિર્મળ હાસ્ય સાથે કહ્યું હતું કે ''હું પ્રેગ્નેન્ટ છું એ વાતને ડૉક્ટરે સમર્થન આપ્યું ત્યારે હું બહુ રાજી થઈ ગઈ હતી,''

''પણ મારા ગર્ભમાં બે બાળકો વિકસી રહ્યાં છે એવું ડૉક્ટરે જણાવ્યું, ત્યારે હું તેમને મારી પાસે ખેંચીને ઉત્કટતાથી ભેટી પડી હતી.''

પારુલ ઉમેરે છે, ''હું એમને એટલી ઉત્કટતાથી ભેટી હતી કે તેમને વેદના થવા લાગી હતી. વેદના થતી હોવાનું તેમણે કહ્યું પછી મેં તેમને આલિંગનમાંથી મુક્ત કર્યા હતા.''

તમને આ વાંચવું પણ ગમશે :

પારુલ સાતમા આકાશમાં પહોંચી ગયાં હતાં એ સમજી શકાય. તેમણે કહ્યું જણાવ્યું, ''કોઈ અંધ વ્યક્તિ એક આંખમાં દૃષ્ટિ માગે અને તેને બન્ને આંખમાં મળી જાય એવું હતું.''

પારુલ અને તેમના પતિ અસ્પી મોડા પરણ્યાં હતાં. તેથી પૅરન્ટ્સ બનવાની તમામ આશા તેમણે છોડી દીધી હતી, પણ તેઓ નસીબદાર છે. તેમાં જિયો પારસી કાર્યક્રમે બહુ મોટી ભૂમિકા ભજવી છે.

પોતાના ખુશીમાં જિયો પારસી કાર્યક્રમના યોગદાનનો અસ્પી નિખાલસતાથી સ્વીકાર કરે છે.

તેમણે કહ્યું હતું, ''અમારી પાસે લાંબી ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઇવીએફ) ટ્રીટમેન્ટ માટે પૂરતા પૈસા ન હતા.''

''જિયો પારસીએ એ સારવારના પૈસા ચૂકવ્યા હતા. કેટલીક કસુવાવડ પછી મારી પત્નીને આખરે ગર્ભાધાન થયું હતું.''


શું છે જિયો પારસી ઝુંબેશ?

ફોટો લાઈન પારસી કોમનાં લોકોને બાળકોના જન્મ માટે ત્રણ વર્ષ અગાઉ જિયો પારસી શરૂ થયેલો

પારસી કોમના લોકોને બાળકોના જન્મ માટે જિયો પારસી કાર્યક્રમ પ્રોત્સાહિત કરે છે.

પારસી કોમને ઇતિહાસનો હિસ્સો બનતી રોકવાના મરણિયા પ્રયાસ સ્વરૂપે 2014માં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આઇવીએફ જેવી તબીબી સારવાર કરાવવા ઇચ્છતાં લોકોને આ કાર્યક્રમ મારફત પાંચ લાખ રૂપિયા સુધીની નાણાંકીય સહાય આપવામાં આવે છે.

પારસીઓને વધુ બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમ હેઠળ મીડિયા ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે.


પારસીઓ કોણ છે?

ફોટો લાઈન ભારતમાં ઝોરોસ્ટ્રિયનોને પારસી તરીકે ઓળખવામાં આવે છે

ધાર્મિક સતામણીથી બચવા માટે ઝોરોસ્ટ્રિયનો પહેલી સહસ્ત્રાબ્દીના અંતે મોટા પ્રમાણમાં ઈરાનમાંથી નાસી છૂટ્યાં હતાં.

એ પૈકીના મોટાભાગના ભારત આવ્યાં હતાં અને ગુજરાતમાં સ્થાયી થયાં હતાં.

ભારતમાં ઝોરાએસ્ટ્રિયનોને પારસી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ તેમનો મોટાભાગનો ઈરાની વારસો ભૂલી ચૂક્યા છે.

તેમણે ગુજરાતીને માતૃભાષા તરીકે અપનાવી છે. તેઓ તેમના ધર્મનું ઉત્સાહપૂર્વક પાલન કરે છે.

પારસી કોમના સભ્યોના જણાવ્યા અનુસાર, દુનિયામાં તેમની કુલ વસ્તી બે લાખથી વધારેની ક્યારેય ન હતી, પણ ભારતની પ્રગતિમાં તેમણે તેમની વસ્તીના પ્રમાણમાં મોટું યોગદાન આપ્યું છે.

ઘણાં નામો ઘરેઘરમાં જાણીતાં છે, પણ એ પૈકીના કેટલાક પારસી તરીકે ઓળખાય છે.


અગ્રણી પારસીઓ

  • જમશેદજી ટાટા (ટાટા પરિવારના સ્થાપક)
Image copyright Getty Images
ફોટો લાઈન જમશેદજી ટાટા (ટાટા જૂથના સ્થાપક)
  • રતન ટાટા (ટાટા ગ્રૂપ)
  • હોમી ભાભા (અણુ વિજ્ઞાની)
  • ફિલ્ડમાર્શલ સામ માણેકશા (ભારતીય સૈન્ય)
  • દાદાભાઈ નવરોજી (તેમને મહાત્મા ગાંધીના ગુરુ ગણવામાં આવે છે)
  • ફારુક બલસારા (ક્વીન્સના લીડ સિંગર) તેઓ ફ્રેડી મર્ક્યુરીના નામે પણ ઓળખાય છે.
  • ઝુબીન મહેતા (ઓરકેસ્ટ્રા કન્ડક્ટર)
ફોટો લાઈન આ કાર્યક્રમ દ્વારા 200 બાળકોના જન્મનું સરકારનું લક્ષ્યાંક છે

આધુનિક ભારતના નિર્માણમાં અનેક રીતે સહાયક બનેલી આ કોમ લગભગ વિલુપ્ત થવાને આરે છે.

જિયો પારસી કાર્યક્રમને કારણે છેલ્લા ત્રણ વર્ષથી થોડા વધુ સમયમાં 110 બાળકોનો જન્મ થયો છે, જે પ્રતિવર્ષ 40 બાળકોની સરેરાશ દર્શાવે છે.

આ કાર્યક્રમના સમગ્ર કાર્યકાળ દરમ્યાન 200 બાળકોના જન્મનું સરકારનું લક્ષ્યાંક છે. ઉપરોક્ત પ્રમાણ સરકારના લક્ષ્યાંકના 50 ટકાથી થોડું વધારે છે.

સિમિન પટેલ એક કૉમ્યુનિટી બ્લૉગર છે અને તેઓ આ કાર્યક્રમના સખત વિરોધી છે.

ફોટો લાઈન સિમિન પટેલ આ કાર્યક્રમના સખત વિરોધી છે

તેમણે કહ્યું હતું કે ''તેઓ બિન-પારસી પુરુષો અને મહિલાઓને ત્યાં જન્મેલાં બાળકોનો સ્વીકાર કરે તો તેમની વસ્તીમાં હજ્જારોનો વધારો થશે.''

શેરનાઝ કામા જિયો પારસી કાર્યક્રમનાં લીડ કૅમ્પેનર છે. તેમણે કહ્યું હતું કે ''મતભેદ આવકાર્ય છે, પણ જિયો પારસી કાર્યક્રમને સફળતા મળી છે એ હકીકત છે.

આ ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારથી જન્મદરમાં 18 ટકા વધારો થયો છે. આ હકીકત પ્રભાવી નથી?''

જિયોની જાહેરાત ઝુંબેશમાં વાપરવામાં આવતી ભાષા અને સામગ્રી સામે વાંધો લેતાં સિમિન પટેલે કહ્યું હતું કે ''એ પ્રશિષ્ટ અને અતિઅભિમાની છે.''

જાહેરાત ક્ષેત્રના મુંબઈના વિખ્યાત સામ બલસારા પણ પારસી કોમના અગ્રણી સભ્ય છે.

તેમની કંપની મેડિસને જિયો પારસીની જાહેરાતો તૈયાર કરી છે.

ફોટો લાઈન વિવિધ વયજૂથના અને વ્યવસાયના પારસીઓ સાથે મુલાકાતના હેતુથી અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે

તેમણે કહ્યું હતું કે ''જાહેરાતને કારણે લોકો જાગ્રત થયા હોય, વાત કરતા થયા હોય તો તેનો હેતુ સિદ્ધ થયો છે. પારસીઓને ગાઢ નિંદ્રામાંથી જગાડવા જરૂરી હતા.''

જાહેરાતનો હેતુ જો એ જ હોય તો તેની પારસી કોમ પર જોરદાર અસર થઈ છે.

પારસી કોમ તેના અલગતાવાદી અસ્તિત્વની બેડીઓમાંથી મુક્ત થવાના પ્રયાસ કરી રહી છે.

વિવિધ વયજૂથનાં અને વ્યવસાયનાં પારસીઓ સાથે મુલાકાતના હેતુથી અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

ફોટો લાઈન ઝુંબેશ ચલાવતા લોકો પૈકીના એક પર્લ મિસ્ત્રી કબૂલે છે કે થોડી પેઢીઓ પછી જન્મ અને મૃત્યુદર સમાન થશે

સિમિને દાવો કર્યો હતો કે મેચ મેકિંગ એટલે કે કોમના યુવક-યુવતીઓને પરણાવવાના પરોક્ષ હેતુ વિના પારસી કોમનો એક પણ કાર્યક્રમ યોજવામાં આવતો નથી.

જોકે, ઘણાં બાળકો આવી આનંદદાયક પ્રવૃત્તિમાં ભાગ લે છે.

એ પૈકીનાં ઘણાં બાળકો સવાલોના જવાબ મેળવવા જિયો પારસી ઝુંબેશ ચલાવતા લોકોનો સંપર્ક કરે છે.

અલબત, જિયો પારસીના ચુસ્ત સમર્થકો પણ સ્વીકારશે કે જન્મદરમાં 18 ટકા વધારા છતાં પારસીઓમાં જન્મ અને મૃત્યુદર વચ્ચે મોટો તફાવત છે.

ઝુંબેશ ચલાવતા લોકો પૈકીના એક પર્લ મિસ્ત્રી કબૂલે છે કે થોડી પેઢીઓ પછી જન્મ અને મૃત્યુદર સમાન થશે.

ઝુંબેશ ચલાવતા લોકો કહે છે કે જન્મ અને મૃત્યુદર સમાન થાય ત્યાં સુધી જિયો પારસી ઝુંબેશ ચાલુ રહેવી જોઈએ. આ ઝુંબેશના બીજા તબક્કાનો પ્રારંભ આવતા વર્ષની શરૂઆતથી થવાનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ