‘હીરાબાનો વીડિયો’ ટ્વીટ કર્યા બાદ કિરણ બેદી થયાં ટ્રોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબા સાથે Image copyright Getty Images

સોશિઅલ મીડિયા પર જોયાં જાણ્યા વિનાં ફેક ન્યૂઝ કે ખોટી વિગતો પોસ્ટ કરીને વિવાદોમાં સપડાતાં રાજકારણીઓમાં હવે પોન્ડીચેરી(પુડ્ડુચેરી)નાં ઉપરાજ્યપાલ કિરણ બેદીનું નામ પણ સામેલ થઈ ગયું છે.

બેદીએ ટ્વિટર પર બીજા કોઈ નહીં, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને નામે એક વીડિયો પોસ્ટ કરી દીધો હતો. જેમાં હીરા બા નહોતાં.

આ ટ્વીટને કારણે કિરણ બેદી દિવસભર સોશિઅલ મીડિયા પર ટ્રોલ થતાં રહ્યાં.

જોકે, તેમણે આ વીડિયો ખોટી માહિતીને કારણે પોસ્ટ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું.

તમને આ વાંચવું પણ ગમશે :

વીડિયોમાં એક વૃદ્ધ મહિલા ગુજરાતી ગીત પર ગરબા કરતા જોવા મળે છે.

આ વીડિયો શેર કરતા કિરણ બેદીએ લખ્યું, '97 વર્ષની ઉંમરે દિપાવલીની સ્પિરિટ. આ નરેન્દ્ર મોદીનાં માતા હીરાબેન છે. તેઓ પોતાનાં ઘરે દિવાળી ઉજવી રહ્યાં છે.'


કિરણ બેદીનાં આ ટ્વીટ સામે સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી હતી.

ટ્વીટ પર રિપ્લાય કરનારા લોકોનું કહેવું છે કે વીડિયોમાં જોવા મળી રહેલી વૃદ્ધ મહિલા નરેન્દ્ર મોદીનાં માતા નથી.

ટ્વિટર પર ટ્રોલ થયાના ચાર કલાક બાદ કિરણ બેદીએ સ્પષ્ટતા આપવી પડી.

બેદીએ લખ્યું કે 'મને આ મહિલાની ખોટી ઓળખ આપવામાં આવી હતી. પણ આ શક્તિશાળી માને સલામ કરૂં છું. આશા રાખું છું કે હું જ્યારે 96 વર્ષની થઇશ, તેમનાં જેવી થઈ શકીશ.'


જો યૂટ્યૂબ પર સર્ચ કરવામાં આવે તો જાણવા મળે છે કે ગત મહિને બે અલગઅલગ ચેનલ દ્વારા આ વીડિયોને અપલોડ કરાયો હતો.

Image copyright YOUTUBE

આ વીડિયો ત્રીજી ઑક્ટોબરે અપલોડ કરાયો હતો. વીડિયો કૅપ્શનમાં મહિલા મોદીના માતા હોવાનો ક્યાંય ઉલ્લેખ નથી.

Image copyright YOUTUBE

વળી, કિરણ બેદીએ પોતાના ટ્વીટમાં આ વીડિયો માટે ઇશા ફાઉન્ડેશનના સદગુરુનો આભાર વ્યક્ત કર્યો છે. જોકે, બેદી દ્વારા દર્શાવવામાં આવેલાં ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો જોવા મળતો નથી.


લોકોની પ્રતિક્રિયા

એસબીએ બેદીને લખ્યું કે આ 'આ વીડિયો ત્રણ ઑક્ટોબરથી ટ્વિટર પર છે.'

એસપી શર્મા લખે છે કે, 'સોશિઅલ મીડિયા એક એવું પ્લેટફૉર્મ છે, જ્યાં તમે સાચી વાત નહીં રજૂ કરો તો તમે તરત જ પકડાઈ જશો.'

કોંગ્રેસ સાથે જોડાયેલા ગૌરવ લખે છે કે 'એક રાજ્યપાલ તરીકે તમે આમ કર્યું તે ખરાબ લાગ્યું. વડાપ્રધાનનું પીઆર કરવા માટે આવું ખોટું કેમ બોલો છો?'

@BeVoterNotFan કટાક્ષ કરતા કહે છે, 'આમને દિલ્હીનાં મુખ્યપ્રધાન બનવું હતું.'

રાજ મોઇલી નું કહેવું છે કે, 'આ વીડિયો નવરાત્રીથી શૅયર થઈ રહ્યો છે. થોડું ચેક કરી કરીને ટ્વીટ કરવાનું રાખો.'


જોકે, કેટલાક લોકો એવા પણ છે, જે આ મહિલાને મોદીના મા તરીકે સ્વીકારે છે. રાજદીપ લખે છે કે 'અમને હવે ખબર પડી કે મોદીને આટલી શક્તિ ક્યાંથી મળે છે.'

મુરલીધરનનું કહેવું છે કે. 'આ પ્રશંસાયોગ્ય છે. 97 વર્ષની ઉંમરે આવો જુસ્સો...'


જાણીતા કિસ્સા

2015માં ચેન્નઈમાં જ્યારે પૂર આવ્યું ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે પ્રેસ ઇન્ફોર્મેનશ બ્યુરોના ટ્વીટે ભારે ચર્ચા જગાવી હતી.

આ તસવીર ફોટોશોપ કરાયેલી હોવાનો ટ્વીટર યુઝર્સ દ્વારા દાવો કરાયો હતો. જોકે, વિવાદ વકરતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા તસવીર હટાવી લેવાઈ હતી.

એપ્રિલ 2017માં ભારે ઉદ્યોગ અને જાહેર સાહસના રાજ્ય પ્રધાન બાબુલ સુપ્રિયોએ એક તસવીર ટ્વીટ કરી હતી. એ તસવીર રાજકોટમાં નવાં બનેલાં બસ સ્ટેશનની હોવાનો દાવો કરાયો હતો.

હકીકતમાં આ તસવીર 3ડી સીએડી રિપ્રેઝેન્ટેશન હતી. બાદમાં ખુદ મંત્રાલયને આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

મોદી સરકારે લીધેલી નોટબંધીના નિર્ણય પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કર્યું હતું. જેમા મધ્યપ્રદેશની એક બેંકમાં ફાંસો ખાનારી વ્યક્તિની તસવીર પોસ્ટ કરાઈ હતી.

Image copyright Getty Images
ફોટો લાઈન કિરણ બેદીના ટ્વિટને કારણે મોદીના માતા હીરાબા ચર્ચામાં આવ્યાં

બાદમાં આ ઘટના નોટબંધી પહેલા બની હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, કેજરીવાલ દ્વારા આ ટ્વીટને લઈને કોઈ પ્રકારની સ્પષ્ટતા અપાઈ નહોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો