તવાયફોના કોઠા પર દિવાળીના અજવાળા પછીની જિંદગી...

મહિલાનો ફોટો Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

બદનામ ગલીઓની દિવાળી કેવી હોય છે? તે ગલી કે જ્યાંથી માત્ર પસાર જ થતાં હોવ તો પણ તમને દલાલ પૂછવા લાગે કે સર, 17 વર્ષની નેપાળી છોકરી છે. એક હજારમાં ગોઠવાઈ જશે.

આ ગલીમાંથી પસાર થતો દરેક માણસ તેમના માટે ગ્રાહક છે. તમે તેને ગમે તેમ સમજાવો, પણ તે લોકો સમજવા તૈયાર જ નથી હોતા.

દિવાળીની રાત્રે ઓફિસથી નીકળ્યો ત્યારે અચાનક મનમાં વિચાર આવ્યો કે જી. બી. રોડની દિવાળી કેવી હોય છે? એ જોવું જોઈએ.

તમને આ વાંચવું પણ ગમશે :

મેં મારી સાથે કામ કરતાં એક મિત્રને દિલ્હીની આ બદનામ ગલીમાં મારી સાથે આવવા તૈયાર કર્યા અને અમે ત્યાં પહોંચ્યા.


ઊંઘી ગયેલું રેલવે પ્લેટફોર્મ

એ કોઠા પર ચારે બાજુ શાંતિ ફેલાયેલી હતી. અસ્તવ્યસ્ત રૂમોમાં અમને ગમે ત્યાં ઊંઘેલા લોકો જોવાં મળ્યાં.

એમ લાગ્યું હતું કે આ ઊંઘી ગયેલું રેલવે પ્લેટફોર્મ છે.

પરંતુ દિવાળીની રાતે અહીં માહોલ જ અલગ હતો. એવું લાગી રહ્યું હતું કે રાત નહીં પરંતુ દિવસનો સમય છે.

હું અને મારા મિત્ર જેવા રસ્તા પરથી કોઠાના દાદરા તરફ આગળ વધ્યાં તો એક દલાલે પૂછ્યું- "સર, મજા કરવી છે?"

કાશ્મીરી છોકરી મળશે. અમે તેની વાત પર ધ્યાન ન આપ્યું અને એક કોઠાના દાદર ચડવા લાગ્યા. રાતના 11 વાગ્યા હતા.


તવાયફોનો ડાન્સ ઘડાયેલાં કલાકારો જેવો હતો

જેવાં જ અમે એક રૂમમાં પહોંચ્યા, ત્યાં ખૂબ જ ભીડ હતી. દુનિયા જેને તવાયફ કહે છે તે કોઈ પ્રોફેશનલ કલાકારની જેમ ડાન્સ કરી રહી હતી.

તે શાનદાર ડાન્સ કરી રહી હતી, સાથે જ ગીત પણ ગાઈ રહી હતી. ભોજપુરી ગીતની ધૂન સાથે તેઓના પગ તાલમેલમાં હતાં.

સુંદર સાડીઓમાં લપેટાયેલી આ મહિલાઓનું ઝાંઝર પર પણ પૂર્ણ નિયંત્રણ હતું. ઝાંઝરનાં અવાજ અને તેમનાં પગલાંની ગતિમાં પણ ગજબનો તાલમેલ હતો.

ચારે તરફ ફૂલો લટકાવેલાં હતાં. દીવાલો પર રંગો પ્લાસ્ટિકનાં કપડાંની જેમ લપેટાયેલાં હતાં. તવાયફોનાં કોઠા તેના અંધારા માટે ઓળખાય છે, પરંતુ દિવાળીની રાતે અંધારું અહીંથી ગાયબ હતું.


ઉદાસી ગાયબ હતી,પણ અંધારું રાહ જોતું હતું

રૂમોની અંદર એક પ્રકારની સુંગધ પ્રસરેલી હતી. કોઈ ચહેરો ઉદાસ નહોતો. દરેક લોકો સુંદર પહેરવેશમાં જોવા મળ્યા.

મહિલાઓ સતત નાચી રહી હતી. કોઈ દુર્વ્યવહાર થતો નહોતો. પાસે એક બેન્ચ પર આશરે 50-55 વર્ષની મહિલા બેઠી હતી. તેમને પૂછ્યું કે તમે દિવાળી આવી રીતે જ મનાવો છો?

તેઓએ જણાવ્યું, ''હા, આ જ અમારી દિવાળી છે. જોઈ લો.'' એક મહિલાને શક ગયો કે મેં ત્યાંના ફોટોગ્રાફ્સ લીધા છે.

તેમણે મોબાઇલ માંગ્યો અને પૂરેપૂરી ચકાસણી કરીને જ પાછો આપ્યો.

તેમણે પૂછ્યું કે “તમને શું જોઈએ છે?” અમે કહ્યું, “કંઈ નથી જોઇતું. માત્ર અમે તમારી દિવાળી જોવા માટે આવ્યા છીએ.” તેમણે કહ્યું “વાંધો નહીં, જોઈ લો આરામથી.”

રૂમમાં અને દાદરમાં ફરક હતો. અહીંનું અંધારું જાણે કહી રહ્યું હતું કે હવે તે દૂર નથી અને બીજા દિવસની સવારથી જ એ પોતાનું સામ્રાજ્ય ફરીથી પ્રસ્થાપિત કરી લેશે. રૂમની બહાર અંધારું હતું.


દિવાળી જતી રહેશે પણ એ મહિલાઓ અહીં જ રહેશે

Image copyright Getty Images

ખંડેર બની ગયેલી ઇમારતના આ દાદર કહી રહ્યા હતા કે, કાલે સવારે આવીને નજર કરજો.

તે વડીલ મહિલાના ચહેરા પર કોઈ નિરાશા નહોતી, પરંતુ વાત કરતા જણાતું હતું કે એ રાત થોડા કલાકોમાં જ સવાર બની જશે અને એમની દિવાળી ફરી એક વર્ષ પછી આવશે.

આગામી દિવાળીએ શું મહિલાઓ અહીં જ રહેશે? કોઈને ખબર નથી. અહીં કંઈ પણ નક્કી નથી. થોડી જ મિનિટોમાં મહેફિલ વિખેરાઈ જાય છે.

પરંતુ ભય અને બદનામીના પડછાયામાં તમને ચિંતા વગરની ઊજવણી જોવી હોય તો દિવાળીની રાતે આ કોઠાઓ સિવાય બીજે ક્યાંય કદાચ જ જોવા મળશે.

દિવાળી બાદ દિલ્હીના આકાશમાં ધુમાડો ફેલાઈ ગયો છે, પરંતુ આ કોઠાઓમાં રહેતી મહિલાઓનાં જીવનનો ધુમાડો ક્યારેય દૂર થતો નથી.

તેના માટે સુપ્રીમ કોર્ટનો કોઈ નિર્ણય એટલી તત્પરતાથી નથી આવતો જેનાથી તેમનું આ ધુમાડારૂપી નર્ક દૂર થાય.


સેક્સ વેચનારાં ખરાબ, ખરીદનારા મહાન

લોકો અહીં સેક્સ ખરીદવા માટે આવે છે. આ મહિલાઓ સેક્સ વેચે છે. જે સેક્સ વેચે છે તેને આપણે સેક્સવર્કર (વેશ્યા) કહીએ છીએ, પરંતુ જે તેને ખરીદે છે, તે પોતાને મર્દ સમજે છે.

વેચનાર ખરાબ અને ખરીદનાર મહાન. આખરે આવું કઈ રીતે શક્ય છે? તમારી નજરમાં આ કોઠા, આ ગલીઓમાં ભલે ગમે તે હોય, પરંતુ અહીં અંતરનો અવાજ છે.

વિશ્વાસ નામનો શબ્દ તેમનાં માટે વિશ્વાસઘાત છે. પત્રકારો પાસેથી તેમને કોઈ આશા નથી. એનજીઓને એ લોકો ગાળો આપે છે અને સરકારની તો વાત જ ન પૂછો.

શીલા દિક્ષિત એકમાત્ર એવાં નેતા છે જેમનાં આ મહિલાઓ ખૂબ જ વખાણ કરે છે. તેઓ કહે છે કે શીલારાજમાં તેઓને કરિયાણું મળી રહેતું હતું.

હવે ‘આધાર’થી તેમને લાચારી અનુભવાય છે. આખરે સવાર થઈ ગઈ અને દિવાળી દૂર જતી રહી છે.

ફરી એ જ બદનામી, મૌન અને અંધારામાં સમાયેલાં આ ખંડેરો, જ્યાં કેટલીક મહિલાઓ પોતાના શરીરને ફરીથી કચરાપેટી બનાવવાની રાહ જોઈ રહી છે.

(સાથે બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદ)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો