તામિલ ફિલ્મ મર્સલમાં GSTના ઉલ્લેખથી થયો નવો વિવાદ

ફિલ્મના પોસ્ટરમાં વિજય Image copyright TWITTER VIJAY
ફોટો લાઈન તામિલ ફિલ્મ મર્સલમાં GSTના ઉલ્લેખથી ભાજપે નારાજગી વ્યક્ત કરી છે

તામિલ ફિલ્મ મર્સલમાં નોટબંધી અને GSTને લઈને દેખાડવામાં આવેલા દૃશ્યો પર વિવાદ સર્જાયો છે.

આ ફિલ્મે તામિલનાડુના ભારતીય જનતા પાર્ટીનાં એકમને તો પરેશાન કરી જ મૂક્યું છે, પણ ગુજરાતમાં પણ ‘તામિલયન્સ વર્સિસ મોદી’ (#TamiliansVsModi) હેશટેગનું ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.

આ ફિલ્મ 19 ઑક્ટોબરે રિલીઝ થઈ હતી.

તામિલ સુપરસ્ટાર વિજયની આ ફિલ્મમાં GSTનો ઉલ્લેખ છે, જેનો ભારતીય જનતા પાર્ટીનાં તામિલનાડુ એકમે વિરોધ કર્યો છે અને તે ભાગને ફિલ્મમાંથી હટાવવાની પણ માંગ કરી છે.

આ ફિલ્માં હીરો સરકાર સામે GST બાબતે સવાલ કરે છે. એક દૃશ્યમાં તે લોકોને જણાવે છે કે સિંગાપોરમાં 7% GST છે અને ત્યાંની જનતાને સ્વાસ્થ્ય સેવા ફ્રીમાં મળે છે.

તમને આ વાંચવું પણ ગમશે :

પણ આપણા દેશના GST પર તે સવાલ ઉઠાવે છે. ફિલ્મમાં કહેવામાં આવે છે કે દેશમાં 28% GST આપ્યા બાદ પણ સ્વાસ્થ્ય સેવા જનતા માટે ફ્રી નથી અને દવાઓ પર પણ 12% GST લગાવવામાં આવે છે.


ફિલ્મનાં દૃશ્યને હટાવવા માંગ

Image copyright FACEBOOK VIJAY
ફોટો લાઈન BJP તામિલનાડુનાં પ્રમુખ તમિલિસાઈ સુંદરાજને ફિલ્મના સીનને હટાવવા માગ કરી છે

આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીનાં તામિલનાડુ એકમનાં પ્રમુખ અને કોંગ્રેસી નેતાનાં દીકરી તમિલિસાઈ સુંદરાજને આ ફિલ્મના દૃશ્ય સામે વાંધો લીધો છે.

તેમણે કહ્યું, "તમે લોકો કાયદા પ્રમાણે ફિલ્મ નથી બનાવતા અને પછી ફિલ્મમાં એ જ કાયદા, ટેક્સ અને સરકારની વાત કરો છો."

તેમણે પૂછ્યું કે જે અભિનેતા પોતાને મળતી સાચી રકમ લોકોને નથી બતાવતા એ શું પ્રામાણિકપણે ટેક્સ ભરે છે?

તેમણે એમ પણ કહ્યું કે, તેમને પોતાને તો વડાપ્રધાનના કોઈ પણ પ્રોજેક્ટમાં ભૂલ નથી દેખાતી, કારણ કે વડાપ્રધાન આ પ્રકારના પ્રોજેક્ટ્સ પર 24 કલાક કામ કરે છે.

તમિલિસાઈએ સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા આ સીનને ફિલ્મમાંથી હટાવવાની માંગ કરી છે.


ડિજિટલ ઇન્ડિયાને લઈને મજાક

Image copyright TWITTER VIJAY
ફોટો લાઈન ફિલ્મના એક કૉમેડી દૃશ્યને લઈને પણ BJPમાં ગુ્સ્સો છે જેમાં ડિજિટલ ઇન્ડિયાની મજાક ઉડાવાઈ છે

તમિલિસાઈએ આ ફિલ્મના મુખ્ય અભિનેતા અને તામિલ ફિલ્મોના સુપરસ્ટાર વિજયના પ્રશંસકોને પણ તેની અયોગ્ય પ્રવૃત્તિને સમર્થન ન આપવા જણાવ્યું છે.

તમિલિસાઈએ વિજયના પ્રશંસકો સમક્ષ સવાલ પણ મૂક્યો કે 'તમે GST અંગે શું જાણો છે ?'

સાથે તેમણે ઉમેર્યું છે કે આ પ્રકારના વિચાર લોકો વચ્ચે ફેલાવવા નિંદનીય છે.

ફિલ્મના અન્ય કૉમેડી દૃશ્યના કારણે પણ ભાજપમાં ગુસ્સો છે. આ દૃશ્યમાં ભાજપના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની પણ મજાક ઉડાવવામાં આવી છે.

દૃશ્યમાં જોવા મળે છે કે વિદેશમાં એક પર્સ લૂંટીને ભાગતા લૂંટારાને કહેવામાં આવે છે કે, "હું ભારત છું. અહીં માત્ર ડિજિટલ પૈસા છે. એટલે મારી પાસે કોઈ રોકડ રકમ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ