ઝારખંડ : સંતોષીને આઠ મહિનાથી નહોતું મળ્યું રેશન!

મહિલા અને બે નાના બાળકોની તસવીર Image copyright DHIRAJ
ફોટો લાઈન સંતોષી કુમારીના પરિવારને ફેબ્રુઆરી મહિના પછી કરિયાણું નહોતું મળ્યું

ઝારખંડના સિમડેગા જિલ્લામાં સંતોષી કુમારીના મૃત્યુને મામલે ઝારખંડ સરકારની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તપાસના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે સંતોષી કુમારીના પરિવારને ફેબ્રુઆરી મહિના પછી કરિયાણું નહોતું મળ્યું.

જોકે, રિપોર્ટમાં સંતોષીનાં મૃત્યુ માટે ભૂખ નહીં પણ મલેરિયાનો તાવ જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.

મુખ્યમંત્રી રઘુવર દાસે સિમડેગાના ડીસીને તપાસના આદેશ આપ્યા છે.

આ દરમિયાન વિવાદને પગલે ગ્રામજનોએ ગામની બદનામીના કારણે સંતોષીના ઘર પર હુમલો કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ સિમડેગાના નાયબ કમિશનરે વિસ્તારના બ્લોક ડેવલપમેન્ટ અધિકારીને તપાસ માટે મોકલ્યા હતા.

આ તરફ ઝારખંડ સરકારે નાયબ કમિશનરનો તપાસ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી દીધા બાદ કેન્દ્ર સરકારીની ટીમે ઝારખંડ આવીને તેમની તપાસ આરંભી દીધી છે.


કરિયાણું ન મળવા માટે કોણ જવાબદાર?

Image copyright RAVI PRAKASH
ફોટો લાઈન રિપોર્ટમાં સંતોષીના મૃત્યુ માટે ભૂખ નહીં પણ મલેરિયાનો તાવ જવાબદાર હોવાનો દાવો

ખાદ્ય મંત્રાલયના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું, "આપણે અનાજ-કરિયાણા માટે લાખો કરોડો રૂપિયાની સબસિડી આપીએ છે. તો પણ જો કોઈ પરિવારને એક મહિનાથી કરિયાણું ન મળ્યું હોય તો તે દુઃખદ બાબત છે."

"આ ઘટના અને સંતોષીના પરિવારનું રેશનકાર્ડ રદ થવા પાછળ કોણ જવાબદાર છે તેની પણ તપાસ કરાશે."

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, બીજી તરફ આધાર કાર્ડની સત્તાવાર સંસ્થા યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે સંતોષીને 2013માં જ આધાર કાર્ડ જારી કરી દેવાયું હતું.

યુઆઈડીએઆઈ (યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા)એ દેશમાં આધારકાર્ડ કાઢી આપતી સંસ્થા છે.

પાંડેએ મીડિયાને વધુમાં જણાવ્યું,"આધાર એક્ટના સેક્શન-7માં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પાસે આધાર નંબર ન હોય તેના કારણે કોઈ પણ વ્યક્તિને સરકારી યોજનાઓના લાભ લેતા અટકાવી ન શકાય."


મલેરિયાથી મૃત્યુ

Image copyright RAVI PRAKASH
ફોટો લાઈન કેન્દ્રની ટીમે ઝારખંડ આવીને તપાસ આરંભી

સિમડેગાના નાયબ કમિશનર મંજૂનાથ ભજંત્રીએ બીબીસીને જણાવ્યું કે તેમણે જાતે સંતોષીના ગામમાં જઈને આ મામલે તપાસ કરી હતી.

તપાસનો રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલી દેવાયો છે, જેમાં કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું, "સંતોષીના ગામના જ એક રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનરે સંતોષીના લોહીના નમૂનાનો ટેસ્ટ કર્યો હતો. જે પૉઝિટિવ હતો."

"તેમની માતા કોયલી દેવીને પણ 13મી ઑક્ટોબરે હોસ્પિટલ લવાયાં હતાં, અને તેમના બ્લડ રિપોર્ટમાં પણ મલેરિયા હોવાનું બહાર આવ્યું હતું."

"જેથી એ વાત સ્પષ્ટ છે કે સંતોષીનું મૃત્યુ ભૂખથી નહીં, પણ મલેરિયાથી થયું છે. ભૂખથી તેનું મૃત્યું થયું તે એક દુષ્પ્રચાર છે."


આધારકાર્ડને લીધે સર્જાયેલી સમસ્યા

Image copyright RAVI PRAKASH
ફોટો લાઈન ઝારખંડની 80 ટકા દુકાનોમાં આધારકાર્ડ આધારિત રાશન વિતરણ વ્યવસ્થા લાગુ કરી દેવાઈ છે

જાણીતા સામાજિક કાર્યકર્તા જ્યા દ્રેજે કહ્યું કે ઝારખંડની 80 ટકા દુકાનોમાં આધારકાર્ડ આધારિત રેશન વિતરણ વ્યવસ્થા લાગુ કરી દેવાઈ છે.

આ વ્યવસ્થાના લીધે કેટલાક વિપરીત પરિણામો પણ આવ્યા છે.

તેમનું કહેવું છે કે કોઈ જગ્યાએ ઇન્ટરનેટની કનેક્ટિવિટી નહીં હોવાથી લોકોને રેશન ન મળે તો કેટલાક લાભાર્થી પરિવારના મુખ્ય માણસના અંગૂઠા બાયોમેટ્રિક સિસ્ટમમાં સ્કેન જ નથી થતા.

આથી, સંતોષીના મૃત્યુનું કારણ પણ આ જ વ્યવસ્થાનું પરિણામ છે.


રાજકીય ભૂકંપ

Image copyright RAVI PRAKASH
ફોટો લાઈન ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ સંતોષીના પરિવારની મુલાકાત લીધી

સમગ્ર ઘટનાને પગલે ઝારખંડમાં રાજકીય વિવાદ વકર્યો છે. વિપક્ષે આ માટે રઘુવીર દાસની સરકારને જવાબદાર ઠેરવી છે.

ઝારખંડ વિપક્ષ મોરચાના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાન્ડીએ બુધવારે સંતોષીના ગામ કારીમાટી ખાતે જઈને તેની માતાની મુલાકાત લીધી અને તેની સાથે વાતચીત કરી.

તેમણે સંતોષીના પરિવારને એક ક્વિંટલ (સો કિલો) ચોખા અને આઠ હજાર રૂપિયાની સહાય પણ આપી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઝારખંડમાં 11 લાખથી પણ વધુ રેશન કાર્ડ રદ કરી દેવાયા છે. તેમાં મોટે ભાગે ગરીબોના રેશન કાર્ડ છે."

"સંતોષીએ આઠ દિવસ સુધી માત્ર પાણી પીને જ રહેવું પડ્યું અને તે તેની માતાની સામે જ મૃત્યુ પામી તે શરમજનક બાબત છે."


સીબીઆઈ તપાસની માગ

બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેને રાંચીમાં એક પત્રકાર પરિષદ યોજી આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે સરકારના તપાસ રિપોર્ટ વિશ્વસનીય નથી.

જ્યારે કોંગ્રેસે કહ્યું કે સરકારે આ મામલે જવાબદારી સ્વીકારી દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો