ભાજપે એક કરોડ રૂપિયા ઑફર કર્યા હતા : નરેન્દ્ર પટેલ

નરેન્દ્ર પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર નરેન્દ્ર પટેલના ભાજપમાં જોડાયાના કલાકોમાં મીડિયા સમક્ષ આવી ભાજપ પર જ આક્ષેપ કર્યા હતા.

નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે ભાજપે તેમને એક કરોડ રૂપિયા આપી ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. ટોકનરૂપે દસ લાખ રૂપિયા ચૂકવાયા હતા.

ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ નરેન્દ્ર પટેલના આરોપોને નકાર્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

બીજી બાજુ પાસમાંથી ભાજપમાં જોડાયેલા નિખિલ સવાણીએ ગણતરીના દિવસોમાં પાર્ટી છોડી દીધી છે.

દસ લાખ રૂપિયાનું મળ્યું ટોકન

બીબીસી ગુજરાતી સાથે વાતચીત દરમિયાન નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, "ભાજપમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાનો સોદો કરાયો હતો. જેમાંથી દસ લાખ રૂપિયા ટોકન તરીકે અપાયા હતા."

તેમણે ઉમેર્યું કે, "ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં વરૂણ પટેલે આ રકમ આપી હતી. બાકીની રકમ સોમવારે આપવાની મને ખાતરી અપાઈ હતી."

"મેં માત્ર ભાજપની નીતિઓ ખુલ્લી કરવા આ નાટક કર્યું હતું. મને મળેલા દસ લાખ રૂપિયા હું પાટીદાર શહીદ યુવાનોના પરિજનોને અર્પણ કરીશ."

બીબીસી સાથે વાતચીત દરમિયાન ભરત પંડ્યાએ કહ્યું, "નરેન્દ્ર પટેલના આરોપ ખોટા છે અને તેમના આરોપોને ભાજપ નકારે છે. આ મામલે અમે પણ તપાસની માગ કરીએ છીએ."

વધુમાં તેમણે ઉમેર્યું કે, "તેઓ હંમેશા પોતાના નિવેદનથી પલટી મારી લે છે."


ભાજપ અને પાસમાં ભંગાણ

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપમાં જોડાયેલા PAAS આગેવાનોનો આક્ષેપ છે કે હાર્દિક કોંગ્રેસના એજન્ટ બની ગયા છે

થોડા દિવસો અગાઉ ભાજપમાં જોડાયેલા પાસના નેતા નિખિલ સવાણીએ પાર્ટી છોડી દીધી છે.

સોમવારે આ અંગે જાહેરાત કરતા નિખિલે કહ્યું હતું, 'ભાજપ સમાજના હિતમાં કામ કરશે તેમ માની જોડાયો હતો. પરંતુ એમ થતું હોય તેમ નથી લાગતું.'

તેમણે ભાજપ પર સમાજના નેતાઓને ખરીદવાનો આરોપ પણ મૂક્યો હતો.

આ પહેલા ભાજપનાં પ્રમુખ અમિત શાહ સાથેની એક મુલાકાત બાદ પાસના અગ્રણી રેશ્મા પટેલ અને પ્રવક્તા વરુણ પટેલ ભાજપમાં જોડાયાં હતાં.

રેશ્માએ જણાવ્યું, "પાટીદારોના આરક્ષણના મુદ્દાઓ અંગે અમે અનેક વખત કોંગ્રેસના નેતાઓને પત્ર લખ્યા પરંતુ આજ દિવસ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી."

ગુજરાતની ભાજપ સરકારે સમાજની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે, ત્યારે તેમની સામે આંદોલન કરવાનો કોઈ મતલબ નથી.

આ અંગે હાર્દિકે ટ્વિટર પર લખ્યું, "કાનખજૂરાનો પગ તૂટી જવા છતાંય તે દોડશે. મારી સાથે જનતા છે, તેમનો સાથ રહેશે ત્યાં સુધી લડતો રહીશ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો