ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિવાદનું રાજકારણ?

એક સભાને સંબોધી રહેલા અલ્પેશ ઠાકોરને ફોટોગ્રાફ Image copyright Getty Images
ફોટો લાઈન એક સભાને સંબોધી રહેલા અલ્પેશ ઠાકોર

ગુજરાતમાં અન્ય પછાત વર્ગો(ઓબીસી)ના લોકોની સંખ્યા 50 ટકાથી વધારે છે.

1985માં ઓબીસી સમુદાય કોંગ્રેસ સાથે હતો. એ વખતે કોંગ્રેસને 149 બેઠકો મળી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 'ખામ' થીઅરી બનાવી હતી.

તેને પગલે માધવસિંહ સોલંકીને સફળતા મળી હતી.

માધવસિંહ સોલંકીની થીઅરી એવી હતી કે ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ સમુદાયનો ટેકો મેળવીશું તો ગુજરાતમાં સત્તા ટકાવી શકાશે.

એ જ સમીકરણ આજે ગુજરાતમાં રચાતું જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસને કેટલો ફાયદો?

Image copyright Getty Images
ફોટો લાઈન એક સભામાં સુત્રોચ્ચાર કરી રહેલી મહિલાઓ

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એ કારણે કોંગ્રેસને 17-18 બેઠકો પર ફાયદો થશે.

જોકે, ભારતીય જનતા પાર્ટીને અનેક બેઠકો પર નુકસાન થઈ શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

કુલ ઓબીસી વોટમાં અલ્પેશ જે જ્ઞાતિના છે એ જ્ઞાતિના 30 ટકા મત છે.

અલ્પેશે તેના સમાજના લોકો માટે આંદોલન શરૂ કર્યું હતું.

પછી તેમાં સમગ્ર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાયને પણ સામેલ કરી લીધો હતો.

કઈ રીતે શરૂ થયું હતું આંદોલન?

સરકારના વલણ અને શિક્ષણના વેપારીકરણ સામે યુવાનોમાં રોષ હતો.

તેની સામે અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતમાં શરૂ કરેલું આંદોલન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચ્યું હતું.

એ આંદોલન દરમ્યાન દારૂવિરોધી ઝુંબેશ પણ ચાલી હતી.

ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ પીવાને કારણે રાજ્યમાં દર વર્ષે 15,000થી 20,000 લોકોનાં મોત થાય છે.

જ્ઞાતિવાદી રાજકારણની શરૂઆત?

Image copyright Getty Images
ફોટો લાઈન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ

ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકારણમાં જ્ઞાતિવાદની બોલબાલા હોય છે.

જોકે ગુજરાતમાં જ્ઞાતિવાદી રાજકારણ ક્યારેય રમાયું જ નથી એવું નથી.

છેલ્લી બે ચૂંટણીમાં જ્ઞાતિ ક્યારેય કેન્દ્રમાં રહી ન હતી.

એ સમયે માત્ર 'વિકાસ'ની બોલબાલા હતી પણ પટેલોના અનામત આંદોલનની શરૂઆત પછી જ્ઞાતિનો એંગલ ચૂંટણીમાં ભળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના પ્રમુખ અમિત શાહે પટેલોના મોટા નેતાઓને સાઈડ લાઈન કરી નાખ્યા હતા.

પટેલોનું અનામત આંદોલન શરૂ થયા બાદ બીજી જ્ઞાતિઓએ પણ આંદોલન શરૂ કર્યું હતું.

આજે ગુજરાતમાં 50 ટકા વોટ ઓબીસીના છે. 14-15 ટકા આદિવાસી, 8 ટકા દલિત, 12 ટકા પટેલ, 8 ટકા મુસ્લિમ અને ચાર ટકા અન્ય મત છે.

પટેલોમાં બે ફાંટા પડ્યા છે. પટેલોના 12 ટકા મત છે, પણ બધા પટેલો યુવા નેતા હાર્દિક પટેલ સાથે નથી.

તેઓ છ ટકા મત અને અલ્પેશ ઠાકોર 30 ટકા ઓબીસી વોટ કોંગ્રેસ માટે લાવવામાં સફળ થાય તો કોંગ્રેસને વિજેતા બનતાં કોઈ રોકી ન શકે.

તેનું કારણ એ છે કે દલિત અને આદિવાસીના અડધોઅડધ મત અત્યાર સુધી કોંગ્રેસને મળતા રહ્યા છે.

જ્ઞાતિનું કાર્ડ બીજેપીનું

Image copyright Getty Images
ફોટો લાઈન નરેન્દ્ર મોદી અને અમિત શાહ

આ વાત આશ્ચર્યજનક પણ સાચી છે. બીજેપી જ્ઞાતિવાદના કાર્ડ સાથે મેદાનમાં ઉતરી છે.

બીજેપી જ્ઞાતિઓનું સમીકરણ ગોઠવી રહી છે.

નરેન્દ્ર મોદી પછાત વર્ગમાંથી આવે છે તો ભરતસિંહ સોલંકી પણ પછાત વર્ગના છે.

સોશિઅલ મીડિયા પર સામાન્ય લોકો ઘણા સક્રીય છે અને ત્યાં બીજેપી વિરોધી વાતાવરણ બની રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાબતે અત્યંત ગંભીર થવું પડ્યું છે.

તેથી તેઓ વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.

(બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદ સાથેની વાતચીતને આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો