કોંગ્રેસ કરતાં બીજેપીની મહિલા નેતાઓ સોશિઅલ મીડિયા પર સક્રિય

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો ફોટોગ્રાફ Image copyright TWITTER.COM/SUSHMASWARAJ
ફોટો લાઈન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ

રાજકીય નેતાઓ માટે સોશિઅલ મીડિયા પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનું અને લોકોની વાત સાંભળવાનું સશક્ત માધ્યમ છે.

દેશનું રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે તેનો અંદાજ પણ સોશિઅલ મીડિયા પર ચાલતી ચર્ચાઓમાંથી મેળવી શકાય છે.

સોશિઅલ મીડિયા પરની પહોંચને લોકો પરના પ્રભાવનો એક માપદંડ પણ ગણવામાં આવી રહી છે.

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીના ટ્વિટર અકાઉન્ટના કથિત બનાવટી ફોલોઅર્સ પણ આજકાલ ચર્ચાનો મુદ્દો બન્યા છે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢવાની એકેય તક છોડતાં નથી.

રાજકારણમાં સોશિઅલ મીડિયાની મહત્વની ભૂમિકાના આ સમયમાં ભારતીય મહિલા નેતાઓ સોશિઅલ મીડિયા પર ક્યાં છે?

તમને આ પણ વાંચવું ગમશે

આ સવાલનો જવાબ મેળવવા માટે અમે ભારતીય મહિલા નેતાઓનાં ટ્વિટર અકાઉન્ટ્સ પર નજર નાખી હતી.

સોશિઅલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની મહિલા નેતાઓની બોલબાલા છે.

પહોંચના મામલામાં તેમને ટક્કર આપી શકે એવી કોંગ્રેસની એકેય મહિલા નેતા દેખાતી નથી.

ક્યા મહિલા નેતાઓની પહોંચ સૌથી વધુ છે જાણી લો.


કિરણ બેદી

Image copyright @thekiranbedi
ફોટો લાઈન પોંડિચેરીનાં લેફટેનેન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી

પોંડિચેરીનાં લેફટેનેન્ટ ગવર્નર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદી ટ્વિટર પર ફોલોઅર્સની બાબતમાં મહિલા નેતાઓમાં મોખરે છે.

તેમના 1,05,40,000થી થોડા વધારે ફોલોઅર્સ છે.

કિરણ બેદી ટ્વિટર પર ઘણાં સક્રિય છે.

તેઓ અત્યાર સુધીમાં 28,000થી વધુ ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.


સુષ્મા સ્વરાજ

Image copyright @SushmaSwaraj
ફોટો લાઈન વિદેશ પ્રધાન અને બીજેપીનાં સીનિઅર નેતા સુષ્મા સ્વરાજ

સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતાં મહિલા નેતાઓમાં વર્તમાન વિદેશ મંત્રી અને બીજેપીનાં સીનિયર નેતા સુષ્મા સ્વરાજ બીજા ક્રમે છે.

સુષ્મા સ્વરાજના હાલ લગભગ 98,68,000 ફોલોઅર્સ છે.

સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ઘણાં સક્રિય છે.

તેઓ અત્યાર સુધીમાં 5,000થી વધુ ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

સુષ્મા સ્વરાજ સામાન્ય રીતે વિદેશી બાબતો સાથે જોડાયેલી ટ્વીટ્સ કરતાં હોય છે.

વિદેશમાં ફસાયેલા ભારતીયો મદદ માટે સુષ્મા સ્વરાજને ટ્વીટ કરે છે.

મોટાભાગના કિસ્સાઓમાં સુષ્મા સ્વરાજ તેમની સમસ્યાનું નિરાકરણ કરી દેતાં હોય છે.

સ્મૃતિ ઈરાની

સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતાં મહિલા નેતાઓમાં કેન્દ્રનાં માહિતી તથા પ્રસારણ અને ટેક્સટાઇલ પ્રધાન સ્મૃતિ ઈરાની ત્રીજા ક્રમે છે.

સ્મૃતિ ઈરાનીને ટ્વિટર પર 72,18,000થી વધુ લોકો ફોલો કરે છે.

ટ્વીટના મામલામાં સ્મૃતિ ઈરાની એકદમ તેજ છે.

તેઓ અત્યાર સુધીમાં 18,599 ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.


વસુંધરા રાજે સિંધિયા

Image copyright TWITTER.COM/VASUNDHARABJP
ફોટો લાઈન રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા

રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાને ટ્વિટર પર 22 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

તેઓ અત્યાર સુધીમાં 8457 ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

એ પૈકીની મોટાભાગની ટ્વીટ્સ અભિનંદન આપવા માટેની કે સરકારી કામકાજ વિશેની છે.

વસુંધરા રાજે સિંધિયા બીજેપી સરકાર અને જનસંપર્ક વિભાગની ટ્વીટ્સને વ્યાપક પ્રમાણમાં રીટ્વીટ કરતાં રહે છે.

નિર્મલા સિતારમણ

સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણને ટ્વિટર પર લગભગ 16,33,000 લોકો ફોલો કરે છે.

નિર્મલા સિતારમણ અત્યાર સુધીમાં 10,611 ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

તેઓ મુખ્યત્વે સરકાર અને બીજેપીનાં ટ્વિટર અકાઉન્ટ્સને રીટ્વીટ કરતાં હોય છે.


મમતા બેનર્જી

Image copyright TWITTER.COM/MAMATAOFFICIAL
ફોટો લાઈન પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી

ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતાં મહિલા નેતાઓમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી એકમાત્ર બિન-ભાજપી નેતા છે.

તેમનાં 16,63,000 ફોલોઅર્સ છે.


મીનાક્ષી લેખી

Image copyright TWITTER.COM/LEKHI
ફોટો લાઈન બીજેપીનાં પ્રવક્તા મીનાક્ષી લેખી

બીજેપીનાં પ્રવક્તા મીનાક્ષી લેખી ટ્વિટર પર ફોલોઅર્સની બાબતમાં મિલિયન ક્લબમાં સામેલ છે.

તેમના કુલ 12,07566 ફોલોઅર્સ છે.

મીનાક્ષી લેખી તેમનાં ટ્વીટ્સ વડે સામાન્ય રીતે વિરોધ પક્ષ પર નિશાન તાકતાં હોય છે.

આનંદીબહેન પટેલ

ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને ટ્વિટર પર છ લાખ લોકો ફોલો કરે છે.

તેઓ 5454 ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

આનંદીબહેન તેમના ટ્વીટર અકાઉન્ટનો ઉપયોગ સરકારી તથા બીજેપીનાં અકાઉન્ટ્સને રીટ્વીટ કરવા તથા અભિનંદન આપવા માટે કરે છે.


દિવ્યા સ્પંદના

Image copyright TWITTER.COM/DIVYASPANDANA
ફોટો લાઈન કોંગ્રેસના સોશિઅલ મીડિયા વિભાગના પ્રભારી દિવ્યા સ્પંદના

કોંગ્રેસનાં યુવા નેતા અને સોશિઅલ મીડિયા વિભાગના પ્રભારી દિવ્યા સ્પંદનાને 5,59,000 લોકો ફોલો કરે છે.

તેઓ અત્યાર સુધીમાં 19,000થી વધુ ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

દિવ્યા ટ્વિટર પર આજકાલ એકદમ સક્રિય છે.

કોંગ્રેસના સત્તાવાર અકાઉન્ટ્સ રીટ્વીટ કરવા ઉપરાંત દિવ્યા બીજેપી પર પણ નિશાન તાકતાં હોય છે.

સોશિઅલ મીડિયા પર આજકાલ જોવા મળતી કોંગ્રેસની સક્રિયતા દિવ્યાને આભારી હોવાનું માનવામાં આવે છે.


શાઝિયા ઇલ્મી

Image copyright TWITTER.COM/SHAZIAILMI
ફોટો લાઈન બીજેપીનાં પ્રવક્તા શાઝિયા ઈલમી

બીજેપીનાં પ્રવક્તા શાઝિયા ઇલ્મી પણ ટ્વિટર પર ઘણાં સક્રિય છે.

3,21,000 ફોલોઅર્સ ધરાવતાં શાઝિયા અત્યાર સુધીમાં 6,000થી વધુ ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

ટ્વિટર પર શાઝિયા બીજેપીનો દૃષ્ટિકોણ રજૂ કરે છે અને વિરોધ પક્ષને નિશાન બનાવે છે.

મેનકા ગાંધી

કેન્દ્રનાં મહિલા તથા બાળ કલ્યાણ પ્રધાન મેનકા ગાંધી ટ્વિટર પર 3,06,000 ફોલોઅર્સ ધરાવે છે અને ઘણાં સક્રિય છે.

તેઓ અત્યાર સુધીમાં 4924 ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

તેઓ મોટેભાગે તેમના મંત્રાલય સાથે જોડાયેલી ટ્વીટ્સ કરે છે.


કોંગ્રેસ બહુ પાછળ છે

Image copyright AFP
ફોટો લાઈન કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી

મહિલા નેતાઓની સોશિઅલ મીડિયા કનેક્ટિવિટીના મામલામાં કોંગ્રેસ ઘણી પાછળ છે.

કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીનું ટ્વિટર પર અકાઉન્ટ જ નથી.

તેમના દીકરી પ્રિયંકા પણ ટ્વિટર પર નથી.

કોંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી ટ્વિટર પર ઘણાં સક્રિય છે અને તેમના લગભગ 2,53,000 ફોલોઅર્સ છે.

ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રિયા દત્ત 1,03,000 ફોલોઅર્સ ધરાવે છે.

તેમણે અત્યાર સુધીમાં માત્ર 636 ટ્વીટ્સ જ કર્યાં છે.

દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત ટ્વિટર પર છે, પણ સક્રીય નથી.

લગભગ 37,000 ફોલોઅર્સ ધરાવતાં શીલા દીક્ષિતે માત્ર 253 ટ્વીટ્સ કર્યાં છે.

લોકસભાનાં ભૂતપૂર્વ સ્પીકર મીરા કુમાર ટ્વિટર પર છે.

લગભગ 21,000 ફોલોઅર્સ ધરાવતાં મીરા કુમારે માત્ર 296 ટ્વીટ્સ કર્યાં છે.

આપની મહિલા નેતાઓની સ્થિતિ

બીજેપી અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી(આપ)ની મહિલા નેતાઓ પણ ટ્વિટર પર સક્રીય છે.

જોકે, ફોલોઅર્સની બાબતમાં તેઓ ઘણાં પાછળ છે.

આપનાં અતીશી મારલેના લગભગ 1,09,000 ફોલોઅર્સ ધરાવે છે.

તેઓ અત્યાર સુધીમાં 7356 ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

એમના સિવાય પ્રીતિ શર્મા મેનન પણ ટ્વિટર પર ઘણાં સક્રીય છે.

ટ્વિટર પર તેમના લગભગ 71,000 ફોલોઅર્સ છે.

આપનાં પ્રવક્તા રિચા પાંડે મિશ્રાને ટ્વિટર પર માત્ર 6312 લોકો ફોલો કરે છે.

Image copyright TWITTER.COM/MISABHARTI
ફોટો લાઈન લાલુ પ્રસાદ યાદવનાં દિકરી ડો. મીસા ભારતી

અન્ય મહિલા નેતાઓ

રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં સુપ્રિયા સુળે ટ્વિટર પર ઘણાં સક્રિય છે.

તેમના ત્રણેક લાખ ફોલોઅર્સ છે.

તેઓ મુખ્યત્વે મહારાષ્ટ્ર સાથે જોડાયેલી બાબતો વિશે મરાઠી ભાષામાં ટ્વીટ કરે છે.

સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય ડિમ્પલ યાદવ ટ્વિટર પર છે, પણ માત્ર 14,000 લોકો તેમને ફોલો કરે છે.

લાલુપ્રસાદ યાદવનાં દિકરી ડૉ. મીસા ભારતી ટ્વિટર પર ઘણાં સક્રીય છે.

તેઓ અત્યાર સુધીમાં 20,000થી વધુ ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.

મીસા ભારતીને લગભગ 87,000 લોકો ફોલો કરે છે.

મીસા મોટેભાગે બીજેપીને નિશાન બનાવતાં ટ્વીટ્સ કરે છે.

બીજી તરફ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ અને ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી ટ્વિટર પર છે જ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો