શું આપણા દેશના લોકોને તમાશો જોવામાં જ રસ છે?

બળાત્કારની સાંકેતિક તસવીર Image copyright AFP
ફોટો લાઈન એક મહિલા પર તમારી સામે બળાત્કાર થાય તો શું તમે જોતા રહેશો?

તમારી સામે જો કોઈ મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવતો હોય તો તમે શું કરશો?

તમે બળાત્કારીને રોકવા પ્રયાસ કરી મહિલાની મદદ કરશો? કે પછી તમે આંખો પર પાટા બાંધી બસ રસ્તા પર ચાલતા જ રહેશો?

અથવા તો શું તમે એક મોબાઇલ વીડિયો બનાવશો કે જેનાથી બળાત્કારીની ઓળખ થઈ શકે અને તેને સજા મળી શકે?

આ બધા સવાલો એક પછી એક ઊભા થઈ રહ્યા છે. અને તેનું કારણ છે વિશાખાપટ્ટનમના વ્યસ્ત રોડ પર એક મહિલા સાથે બળાત્કાર.

રવિવારના રોજ એક બળાત્કારીએ ધોળા દિવસે લોકોની વચ્ચે ફૂટપાથ મહિલા પર બળાત્કાર કર્યો હતો.

આશ્ચર્યની વાત તો એ છે કે બળાત્કાર રસ્તા પર થયો હોવા છતાં કોઈએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન વિશાખાપટ્ટનમની ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી છે જ્યાં રસ્તા પર બળાત્કાર થયો

એક ઑટોરિક્ષા ડ્રાઇવરે બનાવેલા એક મોબાઇલ વીડિયોમાં જોવા મળ્યું કે જ્યાં બળાત્કાર થઈ રહ્યો હતો તે જગ્યાએ લોકો આરામથી અવરજવર કરી રહ્યા હતા.

એક વ્યક્તિ તો ઘટનાસ્થળની એકદમ નજીક ચાલતો જોવા મળ્યો હતો પણ અચાનક જ તે ફૂટપાથ પરથી નીચે ઊતરી ગયો હતો.

કદાચ તેને એકદમ જ ખ્યાલ આવ્યો કે ત્યાં શું થઈ રહ્યું છે.

બીબીસી સાથે વાત કરતા પોલીસ ઇન્સપેક્ટર જી.વી.રમન્નાએ જણાવ્યું કે, "એક વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિએ અમને સંપર્ક કરી ઘટના અંગે જાણ કરી હતી."

"જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો બળાત્કારી નાસી છૂટ્યો હતો. વીડિયો ક્લિપના માધ્યમથી તેની ઓળખ કરવામાં આવી છે અને અમે રાત્રે તેની ધરપકડ કરી લીધી હતી."

Image copyright Getty Images
ફોટો લાઈન દર વર્ષે ભારતમાં હજારો બળાત્કારની ફરિયાદો નોંધાય છે

મીડિયા રિપોર્ટના આધારે જેના પર બળાત્કાર થયો છે તેની ઉંમર 20 વર્ષ કરતા વધારે છે. પતિ સાથે ઝઘડા બાદ તે વિશાખાપટ્ટનમથી દૂર આવેલા એક ગામથી અહીં આવી હતી.

કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા માનસિક રીતે અસ્થિર છે. તો કેટલાક લોકોની માહિતીના આધારે ભૂખના કારણે તે કમજોર બની ગઈ હતી.

જેના કારણે તે મદદ માટે ચીસ પણ લગાવી શકવાની હાલતમાં નહોતી.

પોલીસે જણાવ્યું છે કે તેના પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. તે વ્યક્તિની ઉંમર પણ 20 વર્ષ કરતા વધારે હતી.

આ હુમલો ત્યારે થયો હતો જ્યારે મહિલા રેલવે સ્ટેશન નજીક એક ઝાડ નીચે આરામ કરી રહી હતી.

પોલીસે કહ્યું કે બળાત્કારી દારૂડિયો છે અને ડ્રગ્સ પણ લે છે. તેના પર પહેલેથી ડ્રગ્સની હેરાફેરી અને લૂંટફાટ મામલે કેસ ચાલી રહ્યા છે.


શું આપણા દેશના લોકોને તમાશો જોવામાં જ રસ છે?

Image copyright AFP
ફોટો લાઈન બપોરે બે કલાકે રસ્તા પર બળાત્કાર થયો, પણ કોઈએ મહિલાને ન બચાવી

ભારતમાં દર વર્ષે બળાત્કારની હજારો ફરિયાદો નોંધાય છે.

પણ આ બળાત્કારમાં ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના ખરા બપોરે બે વાગ્યે રસ્તાની વચ્ચે ઘટી હતી.

અને આ ઘટના વધુ દુઃખદ એટલા માટે છે કેમ કે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ચાલતા હોવા છતાં કોઈ મહિલાની મદદ કરવા આગળ ન આવ્યું.

આ ઘટના બાદ સવાલ ઊભા થાય છે કે આપણા દેશમાં લોકો તમાશો જોવામાં જ રસ ધરાવે છે?

આ ઘટના બાદ સોશિઅલ મીડિયા પર પણ ઘમાસાણ શરૂ થયું છે જ્યાં લોકો રાહદારીઓને ઘૃણાસ્પદ ગણાવી રહ્યા છે.

Image copyright TWITTER
Image copyright TWITTER

2012ની 'નિર્ભયા' ઘટનાની અપાવી યાદ

Image copyright Getty Images

લોકોમાં આવો જ ગુસ્સો વર્ષ 2012માં પણ જોવા મળ્યો હતો જ્યારે 23 વર્ષીય વિદ્યાર્થિની પર બસમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

બળાત્કાર બાદ તેને નિર્દયતાપૂર્વક રસ્તા પર ફેંકી દેવાઈ હતી. આ ઘટના દેશની રાજધાની દિલ્હીમાં ઘટી હતી.

આ યુવતીનું નામ તેની મમ્મીએ વર્ષ 2015માં જાહેર કર્યું હતું. જ્યોતિ સિંઘ નામની એ પીડિતાનું બળાત્કારના 15 દિવસ બાદ સારવાર દરમિયાન હૉસ્પિટલમાં મોત થયું હતું.

આ યુવતીની સાથે તેનો એક મિત્ર પણ બસમાં હાજર હતો. બળાત્કારીઓએ તેને પણ માર માર્યો હતો પણ નસીબજોગે તે બચી ગયો હતો.

તે કહે છે કે તેઓ લોહીથી લથપથ હાલતમાં રસ્તા પર પચીસ મિનિટ સુધી પડ્યા હતા. પણ કોઈ તેમની મદદ કરવા આગળ આવ્યું ન હતું.

આ ઘટનાને 5 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે. પણ દેશમાં સ્થિતિ હજુ પણ એની એ જ છે.

Image copyright Getty Images
ફોટો લાઈન 2012માં પણ એક વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને રોડ પર ફેંકી દેવાઈ હતી

ઝ્યુરીચના ક્રાઉડ ગાર્ડનના કો-ફાઉન્ડર સુનીલ યુરેકે કહ્યું છે, "જો વર્ષ 2012ની ઘટના ફરી એક વખત ઘટે છે, તો મને ડર છે કે જ્યોતિ સિંઘ ફરી મૃત્યુ પામશે."

સુનિલ યુરેક એ પણ જણાવે છે કે લોકો રસ્તા પર આ પ્રકારની ઘટનાઓ જોઈને પણ તેની અવગણના કરે છે તો તેની પાછળ પણ ઘણા કારણ છે.

તેઓ કહે છે, "લોકો કહે છે કે નાગરિકો વચ્ચે પડીને લોકોને બચાવવા પ્રયાસ કરે. પણ લોકોને ક્યારેય એવી તાલીમ નથી મળી કે જો આવી ઘટના તેમની સામે આકાર લે તો કેવી રીતે વચ્ચે પડવું."

વધુમાં તેમણે ઉમેર્યું, "લોકો એ માટે વચ્ચે નથી પડતા કેમ કે તેમને પોલીસનો પણ ડર હોય છે અથવા તો કાયદાકીય રીતે ફસાઈ જવાની ચિંતા હોય છે."

"ઘણી વખત તેઓ પોતાના જીવન પર પણ ખતરાનો અનુભવ કરે છે."


બળાત્કારીએ ડરાવ્યા, એટલે ન બચાવી મહિલાને!

Image copyright Getty Images
ફોટો લાઈન લોકો પીડિતોને નથી બચાવતા કેમ કે તેમને પોલીસ, કાયદા અને પોતાનો જીવ જવાનો ડર લાગે છે

વિશાખાપટ્ટનમની ઘટનામાં પણ કંઈક એવું જ થયું છે. કેટલાક સાક્ષીઓએ પોલીસને જણાવ્યું છે કે તેમણે મહિલાને બચાવવાનો પ્રયાસ ન કર્યો કેમ કે બળાત્કારીએ તેમને ડરાવ્યા હતા.

આ દલીલને પચાવવી ખાસ કરીને આ કેસમાં થોડું અઘરું છે.

કેટલાક લોકો એક જૂથ બનાવીને બળાત્કારીને પાઠ ભણાવી શકતા હતા. બળાત્કારીએ દારૂ પીધો હતો તેના કારણે તે વધુ લડી પણ ના શકત.

રાહદારીઓની આ બેપરવાઈ માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર દુનિયામાં જોવા મળે છે.

આ વર્ષે જ અમેરિકાના એક વીડિયોએ લોકોને ચોંકાવ્યા હતા જ્યારે ફ્લોરિડામાં એક વ્યક્તિ ડૂબી રહ્યો હતો, અને પાંચ કિશોરો મળીને તેને બચાવવાને બદલે ઊભા રહીને તેનો વીડિયો બનાવી રહ્યા હતા.

થોડાં વર્ષો પહેલાં ચીનમાં પણ માત્ર બે વર્ષની બાળકીને કોઈ બચાવવા આગળ આવ્યું ન હતું. બાળકીનો વેન સાથે અકસ્માત સર્જાયો હતો અને 18 લોકો બાળકીને તે જ પરિસ્થિતિમાં છોડીને આગળ ચાલતા ગયા હતા.

થોડા જ એવા દેશો છે કે જ્યાં કાયદા અનુસાર લોકોને મદદ કરવાનો આદેશ અપાયો છે. એવું ન કરવા પર સજાની પણ જોગવાઈ છે. આ કાયદો જર્મની સહિતના કેટલાક દેશોમાં લાગુ કરાયો છે.

ગત વર્ષે ભારતની સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન જાહેર કરી હતી કે જે લોકો કોઈ ઘટનાથી પીડિત અથવા તો અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરશે તેમને કાયદો કે પોલીસ કોઈ રીતે હેરાન નહીં કરી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો