સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર પાછળ કોણ?
- પ્રશાંત દયાળ
- બીબીસી ગુજરાતી માટે
ઇમેજ સ્રોત, Getty Images
આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનની ધરપકડ થઈ પણ છૂટી ગયા
ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટર કેસમાં મુંબઈ સીબીઆઈ કોર્ટ દ્વારા ગુજરાત અને રાજસ્થાનના પોલીસ અધિકારીઓ સામે આરોપનામું ઘડવામાં આવ્યું છે.
જેમાં એકમાત્ર ગુજરાતના આઈપીએસ અધિકારી વિપુલ અગ્રવાલનો સમાવેશ થાય છે.
તેમને બાદ કરતા માત્ર જુનિયર કક્ષાના પોલીસ અધિકારીઓ પર જ આરોપો ઘડવામાં આવ્યા છે.
અગાઉ મુંબઈ કોર્ટ દ્વારા ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહ, રાજસ્થાનના પૂર્વ ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયાને છોડી મૂક્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
ઉપરાંત આઈપીએસ અધિકારીઓ અભય ચુડાસમા, રાજકુમાર પાંડિયન, દિનેશ એમ. એન., પી. પી. પાંડે, ગીથા જોહરી અને ઓ. પી. માથુર સહિત કુલ 18 આરોપીઓને મુક્ત કર્યાં હતાં.
આ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી એન્કાઉન્ટરમાં સામેલ ડઝનબંધ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી હતી.
સુપ્રીમે સીબીઆઈને તપાસ સોંપેલી
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અમિત શાહને મુંબઈ કોર્ટે છોડી મૂકેલા
12 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટ દ્વારા ઘડવામાં આવેલાં આરોપનામા બાદ આ કેસની તપાસ કરનાર સીબીઆઈ સામે અનેક સવાલો ઊભા થયા છે.
2005માં સોહરાબુદ્દીનનું બનાવટી એન્કાઉન્ટર થયું હતું બાદમાં કૌસરબીની પણ હત્યા થઈ હતી.
ત્ચારબાદ 2006માં તુલસી પ્રજાપતિનું પણ નકલી એન્કાઉન્ટર થયું હતું.
આ હત્યાઓ ગુજરાત અને રાજસ્થાન પોલીસના કેટલાક અધિકારીઓએ મળીને કરી હોવાનો આરોપ છે.
2010માં આ કેસ ઉપર નજર રાખી રહેલી સુપ્રીમ કોર્ટને લાગ્યું કે સીઆઈડી ક્રાઈમની તપાસ અપૂરતી છે.
કારણ કે, તપાસમાં ત્રણ હત્યા કરવા પાછળનો ઇરાદો સ્પષ્ટ થતો ન હતો.
આથી વધુ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.
સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું કે સોહરાબુદ્દીનની હત્યા રાજસ્થાનની માર્બલ લોબીની સૂચનાથી પૈસા લઈ કરવામાં આવી હતી.
હત્યા વખતે સોહરાબુદ્દીનની પત્ની કૌસરબી સાથે હોવાથી તેની પણ હત્યા કરવામાં આવી હતી.
બાદમાં આ કેસના એક માત્ર સાક્ષી તુલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
માત્ર નાના અધિકારીઓ ફસાયા
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહ પણ આ કેસમાં આરોપી હતા
સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે ન્યાય થાય અને સાક્ષીઓ ઉપર દબાણ આવે નહીં તે માટે કેસ ગુજરાત બહાર મુંબઈમાં ચલાવવાનો આદેશ કર્યો હતો.
જોકે, મુંબઈ કેસ ટ્રાન્સફર થયા બાદ તમામ મોટા માથાઓ છૂટી ગયા અને જુનિયર પોલીસ અધિકારીઓ અંદર રહી ગયા.
હવે જુનિયર પોલીસકર્મીઓ ઉપર આરોપનામું મૂકાયું છે, આથી કેટલાક સવાલો ઊભા થયા છે જેનો ઉત્તર હજી મળ્યો નથી
- સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિની હત્યા કરવાનું કાવતરું અને તેમની હત્યા પાછળ ગુજરાત અને રાજસ્થાનના માત્ર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જ હતા?
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના પોલીસ અધિકારી ડી. જી. વણજારાને મુંબઈ કોર્ટે છોડી મૂકેલા
- 2010માં કેસ સીબીઆઈ પાસે આવ્યો અને તેમણે અમિત શાહ સહિત જેટલા આરોપીઓની ધરપકડ કરી, તે બધાને જ મુંબઈ કોર્ટે છોડી દીધા.
- મુંબઈ કોર્ટ દ્વારા જે આઈપીએસ અધિકારીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. તેમને સીઆરપીસી (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની ધારા 197નો લાભ આપવામાં આવ્યો હતો.
- કોર્ટે આઈપીએસ (ઈન્ડિયન પોલીસ ઓફિસર) અધિકારી રાજકુમાર પાંડિયનને તેમણે કરેલા કામને ફરજનો ભાગ ગણી છોડી મૂકયા. જોકે, તેમના ડ્રાઈવર નાથુસિંહ, સેક્રેટરી અજય પરમાર અને કમાન્ડો સંતરામ પણ સરકારી નોકરી કરી રહ્યા હતા, તેમને નથી છોડવામાં આવ્યા.
- જે આરોપીઓને કોર્ટે છોડી મૂક્યા તેમની સામે સીબીઆઈ દ્વારા ઉપલી અદાલતમાં અપીલ કરવી જોઈએ, પણ અમિત શાહ સહિત મોટા માથાંઓ છૂટયા છતાં સીબીઆઈએ અપીલ કરી જ નહીં.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચાર છે, બીબીસીના નથી. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો