ચૂંટણી પૂર્વે સુરતમાં ISના બે શકમંદોની ધરપકડ, 'માત્ર સંયોગ'

પોલીસની પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પોલીસની પ્રતિકાત્મક તસવીર

ગુજરાત પોલીસે દાવો કર્યો છે કે આતંકવાદ વિરોધી દળ(ATS) દ્વારા બે શંકાસ્પદોની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસના દાવા મુજબ આ બંને શખ્સ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સિરીયા(ISIS)ની વિચારધારાથી પ્રભાવિત હતા.

દાવા મુજબ આ બંને શકમંદો અમદાવાદના રાયખડમાં આવેલા યહુદીઓના ધર્મસ્થાન સિનેગોગ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

ચૂંટણી પહેલા જ આ રીતે શકમંદોની ધરપકડ થતા તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે કે નહીં?

આ પ્રશ્નના જવાબમાં એટીએસના નાયબ પોલીસ અધિક્ષક બી.એચ. ચાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ માત્ર સંયોગ છે.

તેમણે જણાવ્યુ કે પોલીસે બે શકમંદોની ધરપકડ કરી છે અને તેમને ગુરુવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ માટે તેમના રિમાન્ડ માગવામાં આવશે.

ચાવડાએ જણાવ્યું "28 અને 31 વર્ષની વયના બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે."

"જેમાંથી એક યુવક સુરતમાં રહે છે અને અંકલેશ્વરની એક હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન તરીકે કામ કરે છે."

"જ્યારે બીજો યુવક પણ સુરતનો રહેવાસી છે અને એક હોટલનો માલિક છે."

"અમને આ બંને યુવાનોની ગતિવિધીઓ પર શંકા હતી એટલા માટે તેમના પર નજર રાખી રહ્યા હતા."

આ મામલે ચાવડાએ જણાવ્યું, "અમને બાતમી મળી હતી કે આ બંને યુવાનો ઇસ્લામિક સ્ટેટની વિચારધારાનો પ્રચાર કરી રહયા હતા."

"તેઓ યુવાનોને ઉશ્કેરણીજનક વીડિયો દેખાડી રહ્યા હતા. આગળની તપાસમાં અમે જાણવા માગીએ છીએ કે આ બંને યુવાનો કોઈ ઉગ્રવાદી સાથે સંપર્કમાં હતા કે નહીં."

"અમે એમ પણ જાણવા માગીએ છીએ કે તેમની સાથે બીજા અન્ય લોકો જોડાયેલા છે કે નહીં"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો