ચૂંટણી અગાઉ ગુજરાત સરકારે દ્વારા જાહેરાતોની ભરમાર

  • દીપલકુમાર શાહ
  • બીબીસી સંવાદદાતા
નરેન્દ્ર મોદી, નીતિન પટેલ, વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, TWITTER.COM/VIJAYRUPANIBJP

ઇમેજ કૅપ્શન,

મતદારોને મનાવવા માટે ગુજરાત સરકારે એવી કઈ જાહેરાતો કરી છે?

ચૂંટણી પંચે બુધવારે ગુજરાત રાજ્યમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. એ સાથેજ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

એટલે હવે ગુજરાત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યલક્ષી કોઈ પણ નવી યોજનાની જાહેરાત કરી શકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ભલે ગુજરાતમાં થનારી ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં સમય લીધો હોય, પરંતુ હિમાચલ પ્રદેશ માટે પંચે 12 ઓક્ટોબરના રોજ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો હતો.

ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના ચૂંટણી કાર્યક્રમને જાહેર કરવામાં થયેલા વિલંબ બદલ ચૂંટણી પંચની નીતિરીતિઓ પર સવાલો ઊઠી રહ્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે :

જનમાનસમાં એવી માન્યતાઓ પણ સેવાઈ રહી હતી કે ગુજરાત સરકાર બધી યોજનાઓ જાહેર કરી શકે એવા આશયથી ચૂંટણી પંચ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કરી રહ્યું હતું.

12મી ઓક્ટોબર થી લઈને 25મી ઓક્ટોબર સુધીમાં કેન્દ્ર અને ગુજરાત સરકારે ઘણી મોટી મોટી યોજનાઓની જાહેરાતો કરી છે જેનો ફાયદો ગુજરાતના લોકોને અને મતના રૂપમાં સત્તાધારી પક્ષને થઈ શકે છે.

મતદારોને રિઝવવા કઈ જાહેરાતો કરવામાં આવી છે?

ખેડૂતોને રાહત

ઇમેજ સ્રોત, TWITTER.COM/VIJAYRUPANIBJP

ઇમેજ કૅપ્શન,

એવા આક્ષેપો પણ થયા છે કે ગુજરાત સરકાર જાહેરાતો કરી શકે એટલે ચૂંટણીની તારીખો મોડી જાહેર થઈ

16 ઓકટોબરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની રકમ પર વ્યાજ વગરની લોન આપવાનું જાહેર કર્યું હતું.

જેનાથી સરકારની તિજોરી પર અંદાજે 700 કરોડ રૂપિયાનું ભારણ આવશે.

ખેતી માટે વપરાતા ટપક સિંચાઈ પદ્ધતિ વાળા સાધનો પર ઉઘરાવવામાં આવતો 18% જીએસટી રાજ્ય સરકાર ખુદ ભોગવશે.

આ જાહેરાતથી સરકારી તિજોરી પર અંદાજે 77.64 કરોડ રૂપિયાનો બોજો પડી શકે છે.

પાટીદારો પર રહેમ-નજર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આંદોલનોએ ભાજપ સામે જાતિગત-સામાજિક સમીકરણોને વેગ આપ્યો છે

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન આંદોલનકારીઓ સામે નોંધાયેલા પોલીસ કેસને પરત ખેંચી લેવા ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો.

ઊંઝા ખાતે આવેલા મા ઉમિયા માતા સંસ્થાનને પ્રવાસન સેવાઓના વિકાસાર્થે ગુજરાત સરકાર દ્વારા 8.75 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે.

મહિલાઓ માટે યોજનાઓ

ઇમેજ સ્રોત, VIJAYRUPANI.IN

ઇમેજ કૅપ્શન,

આશા કાર્યકર્તાઓના પગારમાં 50%નો વધારો કરવામાં આવ્યો છે

ગુજરાત સરકાર દ્વારા ગરીબીની રેખા હેઠળ જીવતા લોકો માટે તબીબી સારવાર અર્થે મળતી નાણાકીય સહાય માટે અમલ કરાયેલી માતૃ વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓની વાર્ષિક આવકની મર્યાદા દોઢ લાખ રૂપિયાથી વધારીને અઢી લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

કોન્ટ્રાક્ટ પર કામ કરતા મહિલા કર્મચારીઓ માટે પ્રસૂતિની રજાના 90 દિવસ અને આશા કાર્યકર્તાઓના પગારમાં 50%નો વધારો કરવામાં આવ્યો છે.

કર્મચારીઓને રાહત

ઇમેજ સ્રોત, VIJAYRUPANI.IN

ઇમેજ કૅપ્શન,

મ્યુનિસિપાલિટીમાં સેવા બજાવી રહેલા કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવશે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાતો મુજબ મ્યુનિસિપાલિટીમાં સેવા બજાવી રહેલા કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવશે.

સાથે સાથે ગુજરાત રાજ્યમાં આવેલી 113 આઈ.ટી.આઈ. (ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ)ના કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સાથી સહાય શિક્ષક (શિક્ષામિત્ર)નો પગાર 10,500 રૂપિયા પ્રતિ માહ વધારીને 16,222 રૂપિયા પ્રતિ માહ કરવામાં આવ્યો છે અને વિદ્યા સહાયકોનો માસિક પગાર 16,500 રૂપિયાથી વધારી ને માસિક 25,000 રૂપિયા કરી દેવાયો છે.

ચોથા વર્ગના કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કોન્ટ્રાકટ પધ્ધિતીથી સરકારી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે 11 દિવસની કેઝ્યુઅલ રજાઓની જાહેરાત પણ નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

16 ઓક્ટોબરના દિવસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 900 કરોડ રૂપિયાના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાત સરકારે અમદાવાદ શહેરના મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કા માટે 6,578 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

જે સ્થળેથી રોજિંદા અગિયાર હજાર વાહનો પસાર થાય છે તેવા અમદાવાદના રિંગ રોડ પર ગુજરાત સરકારે ટોલ ટેક્સ નાબૂદ કર્યો છે.

વડાપ્રધાને આપેલી સોગાતો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

મોદીના પ્રવાસ દરમ્યાન કુલ 1,089 કરોડ રૂપિયાના કાર્યોની જાહેરાત થઈ હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વડોદરા યાત્રા દરમ્યાન કુલ 1,089 કરોડ રૂપિયાના પ્રકલ્પોની ઘોષણા કરી હતી.

વડોદરા યાત્રા દરમ્યાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતોમાં નીચે દર્શાવેલા પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • 267 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારું એનર્જી વેસ્ટ કેન્દ્ર,
  • 265 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા બે ફ્લાયઓવર
  • 166 કરોડ રૂપિયાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
  • 160 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારો પરિવહન હબ પ્રોજેક્ટ,
  • 125 કરોડની જનમહલ સિટી પરિવહન હબ યોજના
  • 100 કરોડ રૂપિયાનું સુરક્ષા વ્યવસ્થા માટે આદેશ અને નિયંત્રણ કેન્દ્ર કક્ષ
  • 6 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારી વેટરનરી હોસ્પિટલ

જાહેરાતોની મતદારો પર અસર

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ માને છે કે ચૂંટણીઓની જાહેરાતમાં થયેલા વિલંબનો સંપૂર્ણ લાભ ગુજરાત સરકારે લીધો છે અને સમાજના ઘણા વર્ગોને આકર્ષવા માટે પ્રયાસ પણ કર્યો છે.

પરંતુ શું ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને લાભ થશે? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "ભાજપ સરકાર સમાજના અસંતુષ્ટ અને અસંગઠિત વર્ગોના હૃદય જીતવાનો પ્રયત્ન અને પ્રયાસ કરી રહી છે."

"સરકારે રવિવારે પણ કેબિનેટની બેઠક યોજી હતી અને અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. એવુ લાગી રહ્યું છે કે સરકાર મતદારોને મનાવવા માટેના શક્ય એવા બધા પ્રયાસો કરી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો