ગિરિજાદેવીને ગુજરાતમાં રહે ત્યાં સુધી રોજ ઢોકળાં પિરસાતાં

ગિરજાદેવી Image copyright SAPTAK
ફોટો લાઈન સપ્તકનાં આયોજક મંજુ મહેતા સાથે ગિરિજાદેવીને આત્મીયતાાભર્યા સંબંધો હતા

શાસ્ત્રીય સંગીતનાં દિગ્ગજ ગાયિકા ગિરિજાદેવીનું 24મી ઑક્ટોબરે કોલકતામાં હૃદયરોગના હુમલાથી 88 વર્ષની વયે નિધન થયું.

બનારસ ઘરાનાની મુખ્ય ગાન શૈલી ઠુમરીને સમૃદ્ધ બનાવી ઉચ્ચતમ શિખર સુધી પહોંચાડવાનો શ્રેય તેમને જાય છે.

ગુજરાત સાથે તેમના સંબંધની વાત કરીએ તો દર વર્ષે યોજાતા સપ્તક સાથે તેમનો ખાસ નાતો રહ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

સપ્તકનાં આયોજક મંજુ મહેતાએ ગિરિજાદેવી જેમને તે પ્રેમથી અપ્પાજી કહેતાં, તેમની કેટલીક રસપ્રદ વાતો બીબીસી ગુજરાતીને કહી.


ગિરિજાદેવી સાથેનો

Image copyright VIVEK DESAI
ફોટો લાઈન તબિયતની નાદુરસ્તીના છતાં અમદાવાદ આવવાનું આમંત્રણ તે સહર્ષ સ્વીકારતાં

ગિરિજાદેવી સાથે મારે પાંચ દાયકાનો પરિચય હતો. ઉંમરના કરાણે તબિયત નાદુરસ્ત હોવા છતાં અમદાવાદ આવવાનું આમંત્રણ તે સહર્ષ સ્વીકારતાં.

એક કલાકાર તરીકે તે જેટલાં મહાન હતાં, એક વ્યક્તિ તરીકે એટલાં જ સરળ. જ્યારે પણ મળે ત્યારે ખૂબ જ સ્નેહથી વાતો કરતાં હતાં.

બહુ પહેલાં તેઓ મારાં ઘરે પણ રહ્યાં હતાં. તે સપ્તકને પોતાની સંસ્થા માનતાં અને મને હંમેશા પ્રોત્સાહન આપતાં કે સંગીત માટે આ પ્રકારનું કામ થતું જ રહેવું જોઈએ.


ખાસ અનુભવ

Image copyright SAPTAK
ફોટો લાઈન સપ્તકનાં આયોજક મંજુ મહેતા સાથે ગિરિજાદેવીને આત્મીયતાાભર્યા સંબંધો હતા

એક વાર જ્યારે મેં એમનું અભિવાદન કરતાં કહ્યું કે, અમારા માટે બહુ મોટી વાત છે કે તમે ઉંમર અને તબિયતની મર્યાદા છતાં આવ્યાં.

ત્યારે તેમણે ખૂબ પ્રેમથી જવાબ આપતા કહ્યું હતું કે જ્યારે તમે સંગીત માટે આટલું કામ કરી રહ્યાં છો ત્યારે અમારે તેનો ભાગ બનવું રહ્યું.

તેમની સાથે બનારસની, શિષ્યોની, સંગીત અને પંડિત કિશન મહારાજની ઘણી વાતો થતી.


ગુજરાત અને ગિરિજાદેવી

Image copyright SAPTAK
ફોટો લાઈન સપ્તક મહોત્સવ-2006 સમયે ગિરિજાદેવી ઉસ્તાદ સુલતાન ખાન અને પંડિત નંદન મહેતા સાથે

તે જ્યારે અહીં આવતા ત્યારે તેમની રહેવાની વ્યવસ્થા અમારાં એક અંગત ગેસ્ટ હાઉસમાં થતી. તેમની રહેણી-કરણી ઘણી સરળ હતી. તેમને સાદું ભોજન પસંદ હતું.

જો કે એ મને કહેતાં કે હું છું ત્યાં સુધી રસોઈયાને ઢોકળાં બનાવવાનું કહેજે.

મોટા ભાગે કલાકારોને એવું હોય કે પ્રોગ્રામ પહેલાં કોઈ આવીને ગ્રીનરૂમમાં મળે તે ન ગમે. પણ ગિરિજાદેવી અલગ હતાં. જો તેમને મળવા કોઈ ગ્રીનરૂમમાં આવે તો તેને પ્રેમાળ આવકાર આપતાં.


ગિરિજાદેવીની પ્રેરણા

Image copyright VIVEK DESAI
ફોટો લાઈન ગ્રીનરૂમમાં મળવા આવતાં દરેકને તે આદરપૂર્વક મળતાં

88 વર્ષે પણ સતત સંગીત સાથે તેઓ જોડાયેલાં રહ્યાં. ગિરિજાદેવીને તેમનું સંગીત અને તેમનો સરળ વ્યવહાર પ્રેરણા આપતો રહ્યો.

ગિરિજાદેવીનો જન્મ 8 મે, 1929માં વારાણસીમાં થયો હતો. તે બનારસ ઘરાનાનાં ગાયક હતાં. તેમને 1972માં પદ્મશ્રી, 1989માં પદ્મ ભૂષણ અને 2016માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા