કાશ્મીરના ભારત સાથેના જોડાણ બાબતે આજે પણ વિવાદ શા માટે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
જ્યારે જવાહરલાલ નેહરુએ શેખ અબ્દુલ્લાને રાજદ્રોહના કેસમાં કેદ કર્યાં

ભારતીય ઉપખંડનું ઓગસ્ટ, 1947માં વિભાજન થયું ત્યારે જમ્મુ અને કાશ્મીરનું રજવાડું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું.

પોતાનું સ્વાતંત્ર્ય જાળવી રાખવાની તેને આશા હતી, પણ સંજોગો એવા રચાયા કે તેને ભારતના પક્ષે આવવાની ફરજ પડી હતી.

એ સમયની વાતો-હકીકતો સાંભળવા અને કાશ્મીરના ઇતિહાસની સૌથી મહત્વની એ ક્ષણની ચર્ચા આજે પણ શા માટે થઈ રહી છે તે સમજવા બીબીસીના આમિર પીરઝાદાએ સમગ્ર કાશ્મીર ખીણનો પ્રવાસ કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે:

મોહમ્મદ સુલતાન ઠક્કરની ઉંમર ઓક્ટોબર, 1947માં 15 વર્ષની હતી. તેમણે ઉડીના મોહુરા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં કામ કર્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં એ એકમાત્ર પાવર સ્ટેશન હતું, જે શ્રીનગરને વીજળી પૂરી પાડતું હતું.


વિદેશી દળો

Image copyright FAISAL H. BHAT

પાકિસ્તાનમાંથી પશ્તુન આદિવાસીઓએ ચડાઈ કરી એ ઘટના તેમને યાદ છે. પશ્તુનો માટે તેઓ ઉર્દૂ શબ્દ 'કબાયલી' વાપરે છે.

જૂના પાવર પ્લાન્ટના કાટમાળ પર બેઠેલા મોહમ્મદ સુલતાન ઠક્કર કહે છે, ''મહારાજાના સૈન્યએ પારોઠના પગલાં ભર્યાં હતાં અને મોહુરા પહોંચ્યું હતું.

અહીં તેઓ આદિવાસીઓ સામે લડ્યા હતા. તેમણે બન્કર્સ બાંધ્યાં હતાં. કબાયલી જંગલમાંથી આવતા હતા. તેઓ ગોળીબાર કરતા હતા આથી મહારાજાનું સૈન્ય પોતાના બચાવમાં ભાગી છૂટ્યું હતું.''

પોતે કઈ રીતે જંગલમાં ભાગી ગયા અને પાંચથી આઠ દિવસ સુધી જંગલમાં જ રહ્યા તેની વાત કરતાં મોહમ્મદ સુલતાન ઠક્કર કહે છે, ''કબાયલી લૂંટારા હતા.''

અમે ભયભીત હતા. કોઈ પણ અમારી હત્યા કરી શક્યું હોત. એટલે અમે છૂપાઈ ગયાં હતાં.''

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ભારત-પાકિસ્તાન અને કાશ્મીર સાથે જોડાયેલી છે 27 ઑક્ટોબર

પરિસ્થિતિ વણસવાના બીજાં કારણો પણ હતાં.

પાકિસ્તાની આદિવાસીઓ હુમલાખોરો હતા કે તેઓ તેમના મુસ્લિમ ભાઈઓને બચાવવા ત્યાં આવ્યા હતા?

જમ્મુ અને કાશ્મીર મુસ્લિમોની બહુમતી ધરાવતું રજવાડું હોવા છતાં તેના શાસક એક હિંદુ મહારાજા હરિસિંહ હતા.

વધારે અધિકારો મેળવવા માટે મુસ્લિમોના આંદોલનોમાં 1930ના દાયકાથી સતત વધારો થતો રહ્યો હતો.

ઓગસ્ટ, 1947ના વિભાજનને પગલે શરૂ થયેલી હિંસાથી રાજ્ય બચી શક્યું ન હતું.

પંજાબના હિંદુઓ ભાગીને જમ્મુ આવ્યા હતા. તેમણે હિંસાચાર અને બળાત્કારોની ભયાનક કથાઓનું બયાન કર્યું હતું.


પાક. સૈનિકો પઠાણના વેશમાં

Image copyright KEYSTONE-FRANCE
ફોટો લાઈન ડોગરા પરિવારે પણ જમ્મુ કાશ્મીર પર શાસન કર્યું

જમ્મુમાંના હિંદુઓ તેમના મુસ્લિમ પાડોશીઓના વિરોધી થઈ ગયા હતા.

કાશ્મીર સરકારમાં મહત્વનાં પદો સંભાળી ચૂકેલા ઇતિહાસકાર ડૉ. અબ્દુલ અહદ જણાવે છે કે પાકિસ્તાનથી આવેલા પશ્તુનોમાં કેટલાંક તોફાની તત્વો હતાં પણ તેઓ અહીં મદદ કરવા આવ્યા હતા.

તેઓ કહે છે, ''15 ઓગસ્ટ પછી મુસ્લિમો વિરુદ્ધની હિંસામાં વધારો થયો હતો.

પાકિસ્તાનથી આવેલા મુજાહિદ્દિનો, ફરિદીઓ, પઠાણો જેવા આદિવાસીઓ અને પેશાવરીઓ મદદ કરવા તથા આઝાદ સરકારને સ્થિર રાખવા આવ્યા હતા.

પૂંછ અને મુઝફ્ફરાબાદના લોકોએ તેની આઝાદીની જાહેરાત કરી હતી.''

જમ્મુમાંની અશાંતિના પ્રતિસાદમાં આદિવાસીઓ ધસી આવ્યા હોવાની વાત સાથે પ્રોફેસર સિદ્દિક વાહિદ સહમત થાય છે.

તેમણે કહ્યું હતું, ''પાકિસ્તાન નર્વસ થઈ ગયું હતું.

તેણે પઠાણોના વેશમાં લશ્કરી જવાનોને મોકલ્યા હતા.

તેમણે મદદ કરી હતી, પણ એ વખતના સંજોગો સંદિગ્ધ હતા.''

સંજોગો સંદિગ્ધ હશે, પણ કેટલાક પાકિસ્તાની આદિવાસીઓએ અધમ કામો કર્યાં હતાં.


ખ્રિસ્તી સાધ્વીની હત્યા

Image copyright Getty Images
ફોટો લાઈન સિસ્ટર સેલેસ્ટિના એ સિસ્ટર એમેલિયા સાથે કામ કરેલું

હુમલાખોરોએ બારામુલ્લાની સેન્ટ જોસેફ કોન્વેન્ટ એન્ડ હોસ્પિટલ પર 1947ની 27 ઓક્ટોબરે હુમલો કર્યો હતો.

ઉત્તર કાશ્મીરની એ એકમાત્ર ખ્રિસ્તી વસાહત હતી.

સિસ્ટર એમિલિયા બચી ગયાં હતાં. સિસ્ટર સેલેસ્ટિના 1987માં કોન્વેન્ટમાં જોડાયાં ત્યારે સિસ્ટર એમિલિયા હયાત હતાં.

એ પછી તેમનું મૃત્યુ થયું હતું, પણ સિસ્ટર સેલેસ્ટિનાએ તેમની કથા જણાવી હતી.

સિસ્ટર સેલેસ્ટિના કહે છે, ''કબાયલીના હુમલામાં અહીંના અનેક લોકોનાં મોત થયાં હતાં.''

ફ્રેન્સિકન મિશનરીઝ ઓર્ડર ઓફ મેરીનાં સિસ્ટર સેલેસ્ટિનાએ ઉમેર્યું હતું, ''મિસ્ટર બરેટ્ટો, કર્નલ ડાઈક્સ, તેમનાં પત્ની અને નર્સ મિસ ફિલોમીનાની સાથે સિસ્ટર ટેરેસેલિનાને ઠાર મારવામાં આવ્યાં હતાં.''

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોતિયા દેવી કપૂર નામનો એક દર્દી પણ માર્યો ગયો હતો.

હુમલાખોર આદિવાસીઓને પાકિસ્તાની લશ્કરનો ગુપ્ત ટેકો હતો એ વાત વ્યાપક રીતે સ્વીકારવામાં આવે છે.

બારામુલ્લા પછી તેઓ શ્રીનગર અને તેના એરબેઝ પર પહોંચ્યા હતા.


ભારતનો શહીદ

Image copyright FAISAL H. BHAT
ફોટો લાઈન બારામુલ્લામાં 'શહીદ' શેરવાનીનું સ્મારક પણ છે

પાકિસ્તાનને આગળ વધતું રોકવામાં એક ટીનેજરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

મોહમ્મદ મકબૂલ શેરવાની 19 વર્ષનો હતો.

એ બારામુલ્લામાં તેની મોટરબાઈક પર ફરતો હતો અને આદિવાસીઓને કહેતો હતો કે ભારતીય સૈન્ય શ્રીનગર પહોંચી ગયું છે.

પાકિસ્તાનીઓને આગળ વધતા રોકવા માટે આટલું પુરતું હતું.

ભારતીય સૈન્ય 1947ની 27 ઓક્ટોબરે શ્રીનગર પહોંચ્યું હતું અને વળતો હુમલો શરૂ કર્યો હતો.

જોકે, આદિવાસીઓને શેરવાનીના કપટની જાણ થઈ ત્યારે તેમણે શેરવાનીની હત્યા કરી હતી.

ભારત સરકાર શેરવાનીનો એટલો આદર કરે છે કે તેને શહીદનો દરજ્જો આપ્યો છે.

બીજી તરફ મોટાભાગના કાશ્મીરીઓ તેના પ્રત્યે ઘૃણા કરે છે.

શેરવાનીના પરિવારે મુલાકાત આપવાનો ઇન્કાર કર્યો હતો.

Image copyright KEYSTONE FEATURES

કાશ્મીરની તમામ જટિલતા એ વખતે બહાર આવી હતી.

કાશ્મીરના એક નિષ્ણાત ડૉ. એન્ડ્રૂ વાઇટહેડ કહે છે, ''70 વર્ષ પહેલાં કાશ્મીરમાં જોરદાર જનઆંદોલન થયું હતું.

તેને ક્યારેક ભૂલી જવામાં આવે છે કે ધ્યાનમાં લેવામાં આવતું નથી.

હજારો લોકો શ્રીનગરની શેરીઓમાં ઉતરી આવ્યા હતા.

તેઓ કાશ્મીરના મહાન રાષ્ટ્રવાદી નેતા શેખ અબ્દુલ્લા અને ભારતીય શાસનના ટેકામાં મહારાજા સામે વિરોધ પ્રદર્શિત કરતા હતા.''

ભીમ સિંહ એક સમયે જમ્મુ અને કાશ્મીર પર શાસન કરી ચૂકેલા રાજવી ડોગરા પરિવારના સભ્ય છે.

તેઓ કહે છે, ''ધમકી આપવામાં આવી ત્યારે મહારાજા હરિસિંહ ભારત સાથે જોડાવા તૈયાર થયા હતા.''

તમને આ પણ વાંચવું ગમશે:

મહારાજા જમ્મુ અને કાશ્મીરને ભારત તથા પાકિસ્તાન બન્નેથી સ્વતંત્ર રાખવા માગવા હતા કે કેમ? એવા સવાલના જવાબમાં તેમણે મહારાજાના ડહાપણને વખાણ્યું હતું.

ભીમ સિંહ કહે છે, ''જમ્મુ અને કાશ્મીરની રંગસભર સંસ્કૃતિને મહારાજા બરાબર જાણતા હતા.

ભારતીય સંસ્કૃતિને પણ તેઓ જાણતા હતા.

તેઓ લોકશાહીને સમજતા હતા. તેઓ જમ્મુ અને કાશ્મીરના લોકોનો મત જાણવા ઇચ્છતા હતા.''

જોકે, ઘણા કાશ્મીરીઓ ભારત સાથેના કાશ્મીરના જોડાણને 'ભોળપણભર્યું' કામ ગણે છે.

તેમાં શું થઈ રહ્યું છે એ કાશ્મીરીઓ સમજી શક્યા ન હતા.

ડૉ. અબ્દુલ અહદ આ સંદર્ભે એકદમ સ્પષ્ટ વિચાર ધરાવે છે.

Image copyright Getty Images

તેઓ કહે છે, ''આ ઢોંગી અને બનાવટી સંધિ વડે કાશ્મીરને બળજબરીથી ભારતનો એક હિસ્સો બનાવવામાં આવ્યું હતું.

લોકો એ જોડાણની તરફેણમાં ન હતા.

એક નાનો વર્ગ શેખ અબ્દુલ્લાને ટેકો આપતો હતો.''

ડૉ. અબ્દુલ અહદના જણાવ્યા અનુસાર, શેખ અબ્દુલ્લાએ ભારત સરકાર સાથે 'કુલડીમાં ગોળ ભાંગ્યો' હતો.

'કાશ્મીરના સુલતાન' બનવાની અંગત મહત્વાકાંક્ષાએ તેમને એવું કરવા પ્રેર્યા હતા.

પ્રોફેસર સિદિક વાહિદ માને છે કે પરિસ્થિતિ વધુ નાજુક હતી.

તેઓ કહે છે, ''પોતે શેખ અબ્દુલ્લાના પક્ષે હોવાથી કાશ્મીરીઓનો એક નોંધપાત્ર હિસ્સો રાજી હતો.

શેખ અબ્દુલ્લા અને કાશ્મીરના લોકોને એ સમયે આપવામાં આવેલી ખાતરીને આધારે તેઓ સહમત થયા હતા.

કાશ્મીરીઓને એક વર્ગ એવો પણ હતો જે નારાજ હતો, પણ તેઓ પ્રતિભાવ આપી શક્યા ન હતા.''


ઈતિહાસનો વિવાદ

Image copyright KEYSTONE/GETTY IMAGES

કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ અને તેના દસ્તાવેજ પર કોણે સહી કરી હતી એ આજે પણ ચર્ચાનો મુદ્દો છે.

ભારત કહે છે કે મહારાજા હરિસિંહ શ્રીનગર છોડીને જમ્મુ આવ્યા પછી જમ્મુના તેમના પેલેસમાં 26 ઓક્ટોબરે એ કરાર પર સહી કરી હતી.

જોકે, ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પ્રતિનિધિ વી. પી. મેનન પોતે જ 1947ની 27 ઓક્ટોબરે જમ્મુ પહોંચી શક્યા હતા.

'કામચલાઉ' જોડાણની શરતો પણ ચર્ચાનો મુદ્દો છે.

પ્રોફેસર સિદ્દિક વાહિદ કહે છે, ''જોડાણની સત્તા ધરાવતા મહારાજા લોકોનો અભિપ્રાય લેશે એવી શરતે જોડાણના કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા.''

જોકે, ભીમ સિંહ જણાવે છે કે લોકોના અભિપ્રાયનું પ્રતિનિધિત્વ મહારાજાએ રચેલી સંસદ કરતી હતી.

પ્રોફેસર સિદ્દિક વાહિદે ઉમેર્યું હતું, ''સંરક્ષણ, વિદેશ સંબંધી બાબતો અને કૉમ્યુનિકેશન એમ ત્રણ ક્ષેત્રોમાં આંશિક સ્વાયતતા આપવામાં આવી હતી.''

જમ્મુ અને કાશ્મીર છોડીને ગયેલા મહારાજા ક્યારેય પ્રદેશમાં પોતાના રાજ્યમાં પાછા ફર્યા ન હતા અને શેખ અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના પહેલા વડાપ્રધાન બન્યા હતા.

એ બધું કામચલાઉ હતું, કારણ કે શેખ અબ્દુલ્લાના એક સમયના સાથી ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ રાજદ્રોહના આરોપસર તેમને 1953માં જેલમાં બંધ કરી દીધા હતા.

Image copyright Getty Images

ભારત કહે છે કે 'કાશ્મીરના સિંહ' સ્વાતંત્ર્યનું કાવતરું ઘડતા હતા.

શ્રીનગરમાં યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ સ્વીકારે છે કે ઓક્ટોબર, 1947માં ભારત સાથેના જોડાણનો એકમાત્ર વિકલ્પ બચ્યો હતો.

તેઓ માને છે કે ત્યાર બાદ તેમની આશા અને સપનાંનો ભાંગીને ભૂક્કો થઈ ગયો છે.

પીએચડીના સ્ટુડન્ટ તોયેબા પંડિત કહે છે, ''અમે ક્યારેય ભારતનો હિસ્સો ન હતા, છીએ નહીં કે બનશું પણ નહીં, એવું હું માનું છું.''

લો સ્ટુડન્ટ વસીમ મુસ્તાક જણાવે છે કે ભારતે વચનોનું પાલન કર્યું નથી અને જમ્મુ-કાશ્મીર સાથે એટલું ખરાબ વર્તન કર્યું છે કે તેની પાસે પાકિસ્તાન સાથે જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

જોકે, બિઝનેસના સ્ટુડન્ટ ફૈઝામ ઈસ્લામ જણાવે છે કે ભારતીય સૈન્ય કાશ્મીરીઓ સાથે આતંકવાદીઓ જેવું વર્તન કરે છે. તેમ છતાં ભારત કાશ્મીરીઓનાં હૈયાં ફરી જીતી શકે તેમ છે.

ફૈઝામ ઈસ્લામ કહે છે, ''ભારતે કાશ્મીરના વધારે લોકો સુધી પહોંચવું પડશે અને વધારે ભરોસો દેખાડવો પડશે.

કોણે, શું કર્યું કે ઈતિહાસ સાથે તેને કોઈ લેવાદેવા નથી, કારણ કે ભારત આ વિવાદ ઉકેલવાના પ્રયાસ કરી રહ્યું છે. વિવાદ આસાનીથી ઉકેલાઈ શકે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો