હાર્દિક પટેલ પ્રેશરની ટેક્નિક અપનાવી રહ્યો છે?

હાર્દિક પટેલ Image copyright Getty Images
ફોટો લાઈન કોંગ્રેસને અનામત અંગે સ્પષ્ટતા કરવા હાર્દિકની માગ

ભાજપના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર સામે અનામતની માગ સાથે આંદોલન કરનારા હાર્દિક પટેલે હવે કૉંગ્રેસ સામે અનામત અંગે સ્પષ્ટતાની માગણી કરી છે.

હાર્દિકે કૉંગ્રેસને ત્રીજી નવેમ્બર સુધીમાં અનામત મામલે સ્પષ્ટતા કરવાનો સમય આપ્યો છે.

ટ્વિટ દ્વારા કૉંગ્રેસને સવાલ કરતા બંધારણીય રીતે અનામત આપવાના મામલે સ્પષ્ટતા કરવા હાર્દિકે જણાવ્યું છે.

હાર્દિકે આ ટ્વિટમાં કૉંગ્રેસને ઉદ્દેશીને અમિત શાહના કાર્યક્રમની પણ યાદ અપાવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

ટ્વિટમાં લખ્યું છે કે વલણ સ્પષ્ટ નહીં કરે તો અમિત શાહ જેવો મામલો સુરતમાં થશે.


હાર્દિકની નવી રણનીતિ?

Image copyright Getty Images
ફોટો લાઈન 'આ માત્ર એક પ્રકારની પ્રેશર ટેક્નિકથી વધુ કંઈ નથી'

હવે હાર્દિક ભાજપ જેવું જ કડક વલણ જો કૉંગ્રેસ સામે અપનાવે તો શું થાય?

આ પ્રશ્નનો જવાબ આપતા અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા પ્રાધ્યાપક અને સમાજવિજ્ઞાની ગૌરાંગ જાનીએ કહ્યું કે જો કૉંગ્રેસ સામે હાર્દિક ભાજપ જેવું જ અક્કડ વલણ અપનાવશે તો તે હાંસિયામાં ધકેલાઈ જશે.

હાર્દિકના આ ટ્વિટ મામલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા ગૌરાંગ જાનીએ કહ્યું કે આ માત્ર એક પ્રકારની પ્રેશર ટેક્નિકથી વધુ કંઈ નથી.

જાનીએ કહ્યું, "કૉંગ્રેસ અને હાર્દિક પટેલ બન્નેને ખબર છે કે બંધારણીય રીતે પાટીદારોને અનામત મળી શકે એમ નથી."

"હાર્દિકે કૉંગ્રેસમાં સ્થાન લેવું હોય કે પોતાની રાજકીય કારકિર્દી ટકાવવી હોય તો આવી ટેક્નિક અપનાવવી પડે."

જાનીએ કહ્યું, "હાર્દિક પટેલ અનામતનો નેતા છે. લોકો અનામત અંગે સવાલ પૂછે તે પહેલાં કૉંગ્રેસ પાસે બાંયધરી લેવી પડે."

"જો ગૌરવ અને સન્માન સાચવી કૉંગ્રેસમાં જોડાવું હોય તો આવી પ્રેશર ટેક્નિક અપનાવવી પડે."

હાર્દિક પટેલના ટ્વિટ પર ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ટ્વિટ કરી સ્પષ્ટાની માગ કરી હતી.

વાઘાણીએ કહ્યું કે આંદોલનકારીઓની માગ OBCમાંથી અનામતની છે, શું હાર્દિકે રાહુલ ગાંધી સાથે OBCમાંથી અનામતની માગ કરી છે?

બીજા ટ્વિટમાં જીતુ વાઘાણીએ કહ્યું કે હાર્દિક અને રાહુલ ગાંધી જનતા સમક્ષ સ્પષ્ટા આપે.

કૉંગ્રેસ અને હાર્દિક વિશે વાત કરતા જાનીએ કહ્યું, "કૉંગ્રેસના પ્રશ્ન કે પ્રતિષ્ઠા કરતા હાર્દિકના અસ્તિત્વનો સવાલ વધારે છે. અલ્પેશ ઠાકોરને પોતાનો ભૂતકાળ હતો."

"ઓબીસીમાં અનામતનો મુદ્દો હતો નહીં. પાટીદારની વાત આવે ત્યારે હાર્દિકે આવું જ વલણ અપનાવવું પડે."

રાહુલ ગાંધીને અમદાવાદ એરપોર્ટ નજીકની એક હોટલમાં મળ્યાના કથિત અહેવાલ બાદ હાર્દિક પટેલ પર કૉંગ્રેસ સાથેની સાંઠગાંઠના આરોપો થયા હતા.

હોટેલના સીસીટીવી ફૂટેજ જાહેર થયા બાદ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હાર્દિકનો વિરોધ પણ થયો હતો.

હાર્દિક ફરી રાહુલને મળશે?

Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ વચ્ચે મુલાકાત થશે

રાહુલ ગાંધી નવેમ્બર મહિનામાં ગુજરાતના ચૂંટણી પ્રચાર પ્રવાસે આવવાના છે.

ત્યારે ત્રીજી નવેમ્બરના રોજ સુરતમાં રાહુલ અને હાર્દિક એકબીજાને મળે તેવી શક્યતાઓ છે.

CNN News18 સાથે વાત કરતા હાર્દિકના નજીકના સાથી જયેશ પટેલે કહ્યું, "3 નવેમ્બરના રોજ સુરતમાં હાર્દિક રાહુલ ગાંધીને મળશે."

"આ બેઠકમાં રાહુલ અને હાર્દિક વચ્ચે અનામતને લઈને ચર્ચા થશે."

ઉપરાંત જયેશ પટેલે કહ્યું હતું કે આ પહેલાં બન્ને નેતાઓ વચ્ચે કોઈ મુલાકાત નહીં થાય.

રિપોર્ટ પ્રમાણે જયેશ પટેલે કહ્યું કે 23મી ઑક્ટોબરના રોજ હાર્દિક પટેલ રાહુલ ગાંધીને નહીં પરંતુ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતને મળ્યો હતો.

સુરતમાં શું થયું હતું?

Image copyright Getty Images/prashant dayal
ફોટો લાઈન અમિત શાહના સુરતના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી

2016ના સપ્ટેમ્બર મહિનામાં સુરતમાં પાટીદાર નેતાઓના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ હાજર હતા.

સુરતની આ સભામાં 5000થી પણ વધારે લોકો હાજર હતા.

અચાનક કેટલાક લોકોએ ઊભા થઈને હાર્દિક પટેલના નામના નારા લગાવ્યા હતા.

બાદમાં સભામાં ખુરશીઓ પણ ઉછાળવામાં આવી હતી.

જેના પછી પોલીસને બોલાવવામાં આવી અને ચાલીસ પાટીદાર નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

અમિત શાહ આ સભાને માત્ર છ મિનિટ માટે સંબોધી શક્યા હતા કેમ કે મોટાભાગનું સભાસ્થળ ખાલી થઈ ગયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો