દૃષ્ટિકોણ: શાંત અને ખામોશ ગુજરાત અહિંસક વિરોધના માર્ગે કેમ?

એક સભામાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિજય રૂપાણી Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાતમાં સરકાર સામે અનેકવિધ પ્રકારની રાજકીય ટીકાઓનો મારો શરૂ થયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ પૂર્વે લગભગ દોઢ મહિનાથી રાજ્યમાં સરકાર અને સત્તાધારી પક્ષ ભાજપ સામેનો વિરોધ સપાટી પર આવ્યો.

ઉત્તરપ્રદેશમાં જંગી બહુમતિથી ભાજપે સત્તા પ્રાપ્ત કરી તેના ગણતરીના મહિનાઓમાં ગુજરાતમાં સરકાર સામે અનેકવિધ પ્રકારની રાજકીય ટીકાઓનો મારો શરૂ થયો.

દોઢસો બેઠકોનો દાવો અને તેની હવા વેગ પકડે એ પૂર્વે જ સોશિઅલ મિડીયામાં વિકાસ અને વિકાસ પુરુષની મજાક વ્યાપક બનતી ગઈ.

ગુજરાતની શાણી પ્રજાનો અહિંસક વિરોધ, કહેવાતી 'ગાંડી ઘેલી' ભાષામાં મોબાઇલના પડદા પર છપાતો ગયો.

તમને આ પણ વાંચવું ગમશે

આ હકીકતનું આશ્ચર્ય સૌની સાથે સરકારને પણ હોય એ સ્વાભાવિક છે.

દેશભરના અખબાર અને ટીવી ચેનલોના પત્રકારોને પણ આ બદલાતી ભાષા ઉકેલવામાં રસ પડ્યો.


મૌન ગુજરાત કોલાહલવાળું કેવી રીતે બન્યું?

Image copyright Getty Images
ફોટો લાઈન તાજેતરમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા

આવું કેમ થયું એ સમજવાની અનિવાર્યતા ઊભી થઈ.

મૌન અને ખામોશ દેખાતું અને મનાતું ગુજરાત કોલાહલવાળું કેવી રીતે બન્યું અને બનતું જાય છે એ કૂતુહૂલ કોને ન હોય?

વેપાર અર્થે સદીઓથી દરિયો ખેડતા ગુજરાતી વેપારીઓ વૈશ્વિક બન્યા હતા.

છેલ્લી સદીમાં વિદેશોમાં વસી બે પાંદડે થયેલા શિક્ષિત ગુજરાતીઓ ઘરઆંગણે મોદીનોમિક્સથી આકર્ષાયા.

હજુ પણ આ આકર્ષણ યથાવત્ છે. આ પૂર્વે વર્ષ 2002ના કોમી રમખાણો બાદ ઊભરેલાં હિંદુત્વનો એકવીસમી સદીનો મુખવટો પણ ગુજરાતીઓએ વધાવ્યો.

ગુજરાત મોડેલની વાહવાહ દેશભરમાં પડઘાઈ.


ગુજરાતીઓની સ્માર્ટ ખામોશી

Image copyright Getty Images
ફોટો લાઈન ગાંધીનગરની પંડિત દિનદયાળ પેટ્ર્લોયિમ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી

પરંતુ ગુજરાતીઓ માટે એ ચિંતાજનક ના રહ્યું કે ગાંધીજીનું ગુજરાત પુરુષ અક્ષરજ્ઞાનમાં પંદરમા ક્રમે અને મહિલા અક્ષરજ્ઞાનમાં (વર્ષ 2011)માં વીસમા ક્રમે પહોંચી ગયું.

સ્ત્રીઓની અને બાળકીઓની અછતે તો ગુજરાતને ઠેઠ ચોવીસમા ક્રમે ધકેલ્યું.

વિદેશોમાં લાખો રૂપિયાની ફી ભરી સંતાનોની કારકિર્દી બનાવતા રાજ્યના 'એલિટ' ગુજરાતીઓએ કોન્ટ્રેક્ટ પરની 'સહાયક' નોકરીઓ અને મોંઘાદાટ ભણતર સામે સૂચક ખામોશી દર્શાવી.

બે દાયકાથી આ 'સ્માર્ટ ખામોશી' પાટીદાર અનામત આંદોલન અને ઉના દલિત અત્યાચાર સંઘર્ષ બાદ ભૂતકાળ બનતી ચાલી.

નોકરી વિહોણા સવર્ણ ગુજરાતીઓ બેરોજગારી સામે કદી રસ્તા પર ના આવ્યા (નેતાઓએ ભરપૂર રોડ શો કર્યાં).

કૉલેજ અને યુનિવર્સિટીના કેમ્પસ આ મામલે શાંત રહ્યા. પરંતુ પોતાને 'સામાજિક અને શૈક્ષણિક પછાત' ગણાવવા હિંદુ સવર્ણોએ 'અનામત'ને સોફ્ટ ટાર્ગેટ બનાવી.


સરકાર હાંસીપાત્ર બની

Image copyright Getty Images
ફોટો લાઈન વિરોધને દબાવવામાં નિષ્ફળ રહેતા આનંદીબહેન પટેલે રાજીનામું આપવું પડેલું

શિક્ષિતોનો આ વિરોધ દબાવવામાં સરકારને ધારી સફળતા ના મળી. આનંદીબેનને રાજીનામું આપવું પડ્યું.

દલિતો પરના અત્યાચારને યુવા દલિત નેતૃત્વએ રાષ્ટ્રવ્યાપી ધ્યાનાર્ષક બનાવ્યા.

આ નવા વિરોધના વાતાવરણમાં ના તો જાપાનના વડાપ્રધાનની મુલાકાત કે ના તો બુલેટ ટ્રેને ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરી.

વરસાદી પાણીમાં પાણી પાણી થઈ ગયેલા વિકાસના રસ્તા, ઓવરબ્રિજ અને અંડરબ્રિજે સરકારને હાંસીપાત્ર બનાવ્યા. ગુજરાતીઓની મજાક સર્જવાની સર્જનાત્મકતા સોળે કળાએ ખિલી ઊઠી.


સરકારની નીતિ અને દાનત સામે પ્રશ્ન

ફોટો લાઈન વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી આશા વર્કરો પોતાની માગોને લઇને પ્રદર્શન કરી રહી છે.

શિક્ષણ અને આરોગ્ય એ બન્ને સેવાઓ આપતી 'ઍક્ટિવિસ્ટ' એવી 43000 આશા વર્કરોએ વેતન માટેનો રાજ્યવ્યાપી સંઘર્ષ આરંભ્યો.

આશા વર્કર રાજ્યના જનસામાન્ય પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે. પરિવારોની એ પુત્રવધૂ હોય એ લાયકાત છે.

તેનો અર્થ એ થયો કે સરકાર સામેનો વિરોધ પરિવારથી રસ્તા ઊપર અને ત્યાંથી ગાંધીનગર સુધી વ્યાપક બન્યો.

તેઓના ઠેર ઠેર અસરકારક વિરોધ પ્રદર્શનોએ સરકારની નીતિ અને દાનત સામે પ્રશ્નો ઊભા કર્યા.


ગુજરાત મોડલ શોધવા જવું પડે એવી સ્થિતિ

Image copyright Getty Images
ફોટો લાઈન જિગ્નેશ મેવાણી દલિત અસંતોષનો ચહેરો બન્યા

છેલ્લાં બાવીસ વર્ષથી હિંદુત્વની કેસરી જાજમ નીચે છુપાઈ અને દબાઈ ગયેલા જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના ભેદભાવ અને જ્ઞાતિઓની અલાયદી ઓળખે જાજમનાં છિદ્રોને ખુલ્લાં કરી દીધા.

જાજમનો રંગ ઝાંખો થતો ગયો અને એક જમાનામાં અનામતનો વિરોધ (વર્ષ 1981, 1985ના અનામત વિરોધી આંદોલનો) કરનારાઓ અનામતની માગણી માટે રસ્તા પર આવી ગયા.

ખેડૂતોના આર્થિક પ્રશ્નોએ ગ્રામ્યવિસ્તારોમાં અજંપો સર્જ્યો. આદિવાસી પટ્ટામાં તો ગુજરાત મોડલ શું છે એ શોધવા જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું.

જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એક રીતે ગુજરાતના બદલાતા રાજકીય-સામાજિક જગતનું નવું નેતૃત્વ છે.

આ નેતૃત્વએ બે દાયકાના ભાજપ શાસન સામે અનેકાનેક પ્રશ્નો સર્જ્યા અને આ પ્રશ્નો જનસામાન્યની જબાન પર છે.

આ જબાન સોશિઅલ મીડિયા પર એવી રીતે અંકિત થઈ છે કે જાણે એ ગુજરાતીઓનું અહિંસક હથિયાર બનતું ચાલ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો