#letstalkperiods: સૅનિટરી પૅડ્સને કાળી થેલીમાં કેમ લાવવાના?

માનસીનો ફોટો Image copyright SHRADDHA KADAKIA

માસિકચક્ર એટલે બધુ જ ઢંકાયેલુ, છુપાવેલું, સંકોચાયેલું, શરમાયેલું. એક એવો ડર જેના વિશે કોઈને પૂછી ન શકાય.

આ શબ્દ ખૂબ જ ધીમે એટલા માટે બોલાય છે જેથી કોઈ સાંભળી ન લે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીની આ સીરિઝમાં માસિકચક્ર સાથે જોડાયેલા ભ્રમ-માન્યતાઓ, તથ્યો, વિચારો અને અનુભવોને અમે વાચા આપીએ છીએ.

આજે એક્ટિંગની દુનિયાના જાણીતા કલાકાર માનસી પારેખ ગોહિલ આપણી સાથે #letstalkperiodsની ચર્ચામાં જોડાયા છે.

માનસી પારેખ ગોહિલ ટીવી કલાકારની સાથે સાથે ગાયિકા પણ છે.

તેમણે 'કિતની મસ્ત હૈ જિંદગી', 'ઈંડિયા કૉલિંગ', 'ગુલાલ', 'ઈશ્ક કિલ્સ', 'સુમિત સંભાલ લેગા' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી અનેક હિંદી શ્રેણીમાં કામ કર્યું છે.

Image copyright SHRADDHA KADAKIA

માનસીએ તમિલ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તેમણે સંજય લીલા ભણસાલીની 'દેવદાસ' ફિલ્મમાં તેમનો અવાજ પણ આપ્યો હતો. જાણીએ તેમના વિચારો.

માસિક ધર્મ વિશે ખુદ મહિલાઓ વાત કરતા ખચકાય છે.

જો એક મહિલાને સૅનિટરી પૅડ જોઈતું હોય તો એ બીજી મહિલાના કાનમાં જઈને કહેશે કે મને પૅડ આપ.

મને એ નથી સમજાતું કે એમાં શરમાવા જેવું કે ધીમે બોલવા જેવું શું છે?

દુકાનમાં સૅનિટરી નેપકિન લેવા જાવ તો દુકાનદાર એને કાળી થેલીમાં કે ન્યૂઝ પેપરમાં પૅક કરીને આપતા હોય છે. એમાં છુપાવવા જેવું શું છે?

આ સ્થિતિ માટે આપણો સમાજ, પુરુષો કે દુકાનદાર જવાબદાર નથી.

એના માટે મહિલાઓ ખુદ જવાબદાર છે. કારણ કે આપણે મહિલાઓ એને છુપાવીએ છીએ.

Image copyright SHRADDHA KADAKIA

મારી એક બહેનપણી છે, જેણે સેનેટરી પૅડ્સને છુપાવવાનું બંધ કરી દીધું છે.

એ દુકાનમાં જાય છે અને પૅડ્સને કાળી થેલીમાં લેવાના બદલે સફેદ-પારદર્શક થેલીમાં જ લાવે છે.

મને લાગે છે કે આ એક સારું પગલું છે. એના દુકાનવાળાને શરૂઆતમાં ખચકાટ થતો હતો.

પણ હવે એ પણ એને કાળી થેલી નથી આપતો.

હું જે પરિવારમાં મોટી થઈ છું ત્યાં નસીબજોગે મેં આવું કઈ જ અનુભવ્યું નથી.

પણ હા, મારી આસપાસમાં મેં માસિકના દિવસોમાં મહિલાઓને અનેક નિયમો પાળતી જોઈ છે.

ઘણી બધી મહિલાઓ આ દિવસો દરમિયાન મંદિરમાં જતી નથી.

Image copyright SHRADDHA KADAKIA

શહેરની ભણેલી ગણેલી મહિલાઓ પણ મંદિરમાં જવાનું ટાળે છે.

તમને મંદિરમાં જતાં કોણ રોકે છે? આ નિર્ણય તો મહિલાઓએ જાતે જ લેવો પડશે.

હું ઇશ્વરની આભારી છું કે આપણે આધુનિક યુગમાં જન્મ લીધો છે.

આપણી પાસે આ દિવસો દરમિયાન ઘણી સુવિધાઓ છે.

આમ છતાં આ વિષય પર મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે. આ વિશે વધારે ચર્ચા અને વાતચીત થવી જોઈએ.

અગાઉ આ ચર્ચામાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું હતું કે, "માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું. મારા શરીરનો ધર્મ મને ઇશ્વરે આપ્યો છે. શા માટે ના જાઉં?"

Image copyright SHRADDHA KADAKIA

તેમણે એમ જણાવ્યું હતું કે જે લોકો માને છે કે માસિકચક્ર દરમિયાન મહિલાઓ અપવિત્ર થઈ જાય છે એમણે સૌથી પહેલાં મંદિરોને સાફ-સ્વચ્છ કરવાં જોઈએ.

એસીપી મંજીતા વણઝારાએ આ ચર્ચામાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે પોલીસ કોન્ફરન્સમાં હતા ત્યારે જ તેમના યુનિફોર્મમાં પિરિઅડ્સનો મોટો ડાઘ લાગ્યો હતો.

તેમની સાથેના 40 પુરુષોએ એ જોયું હતું. આમ છતાં તેમણે આ ઘટનાને સહજતાથી સ્વીકારી હતી.

તેમના બોડીગાર્ડને કહ્યું કે, 'આ ઘટના કુદરતી છે અને લોકોએ તેને ધીમે ધીમે સ્વીકારવી જ પડશે.'

જો તમે પણ #letstalkperiodsની આ ચર્ચામાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ પર અમારી સાથે જોડાવ.

(અર્ચના પુષ્પેન્દ્ર સાથે થયેલી વાતચીત)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો