પ્રેસ રિવ્યૂ: ગુજરાતમાં ભાજપના પ્રચારની સામગ્રી ચીનથી આવતી હોવાનો દાવો

નરેન્દ્ર મોદી ના માસ્ક સાથે ભાજપ સમર્થકો Image copyright Getty Images

ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના ચૂંટણી પ્રચારની સામગ્રી ચર્ચામાં આવી છે.

ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ભાજપે ચૂંટણી પ્રચારની સામગ્રી બનાવવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદના એલિસબ્રિજ સ્થિત શાર્પલાઇન પ્રિન્ટિંગ નામની કંપનીને આપ્યો છે.

અહેવાલમાં કહેવાયું છે કે આ કંપની જે પણ વસ્તુઓ ભાજપને પ્રચાર માટે પુરી પાડી રહી છે તેને ચીનથી લાવવામાં આવે છે.

દાવો છે કે યીવુ જીઉરન ઇન્પોર્ટ એન્ડ એકસપોર્ટ નામની કંપની ચીનથી સામગ્રીની સપ્લાય કરે છે. આ કંપની ચીનના ઝેજીઆંગ પ્રાંતની છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાત સમાચારે એક વેબ પોર્ટલનો હવાલો આપી આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.

જેમાં અમદાવાદની કંપની સાથે સંકળાયેલા સપન પટેલને મેડ ઇન ચાઇના સામગ્રી મામલે પૂછવામાં આવ્યું તો તેમણે આગળ વાત કરવાનું ટાળ્યું હોવાનો દાવો કરાયો છે.


અહેમદ પટેલનો રાજનાથને પત્ર

Image copyright Getty Images

નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે અહેમદ પટેલે આતંકવાદી સંગઠન આઇએસ સાથે તેમને સાંકળતા ભાજપ નેતાઓનાં નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

તેમણે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને આ મામલે પત્ર મોકલ્યો છે, જેમાં કહ્યું છે કે કાયદાનું પાલન કરતી સંસ્થાઓ અને જ્યુડીશીયરી દ્વારા આરોપો ઘડાવા જોઈએ.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અહેમદ પટેલે પત્રમાં કહ્યું છે કે રાષ્ટ્રીય સલામતીના મુદ્દાઓ પર રાજકારણ ન થવું જોઈએ.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ ટાંક્યું છે કે અહેમદ પટેલે બે કથિત ઇસ્લામિક સ્ટેટના સંદિગ્ધોની ધરપકડમાં નિષ્પક્ષ તપાસની માગણી કરી છે.


કિવી સામે ભારતનો શ્રેણી વિજય

Image copyright TWITTER/BCCI
ફોટો લાઈન વિરાટ કોહલીએ કાનપુર મેચમાં કેટલાક રેકોર્ડ પણ તોડ્યા

ભારતે ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી. કાનપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જોકે ન્યૂઝીલેન્ડની આ મેચમાં 6 રને હાર થઈ હતી.

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ ભારતની ધરતી પર ન્યૂઝીલેન્ડ એકેય વન-ડે શ્રેણી જીત્યું નથી. 1988-89થી અત્યાર સુધી ભારતમાં ન્યૂઝીલેન્ડની આ છઠ્ઠી વન-ડે સિરીઝ છે.

નવગુજરાત સમયના અહેવાલ મુજબ આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 113 રનની ઇનિંગ રમવાની સાથે ઘણા રેકોર્ડ્સ તોડ્યા હતા.

અહેવાલ મુજબ વિરાટ કોહલીએ સળંગ બે વખત એક જ વર્ષમાં બે હજારથી વધુ રન નોંધાવનારા ભારતના બીજા બેટ્સમેન બની ગયા છે.

અગાઉ સચિન તેંડુલકરે પણ આ રીતે બે હજાર રન કરેલા છે.

કેપ્ટન તરીકે કોહલીએ એક વર્ષમાં સૌથી વધુ રન નોંધાવવાનો રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે.

કોહલીના નામે 1460 રન અને બીજા નંબરે રિકી પોન્ટિંગના નામે 2007માં 1424 રન બનાવવાનો રેકોર્ડ છે.

આ સિવાય કોહલીએ વન-ડેમાં સૌથી ઝડપી નવ હજાર રન નોંધાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

અગાઉ આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સના નામે હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો