એઇમ્સમાં ઇંદિરાને બચાવવા ચડાવાયું હતું 80 બોટલ લોહી

ઇંદિરા ગાંધી Image copyright Getty Images

ઇંદિરા ગાંધીની અનેક સ્મૃતિ ભુવનેશ્વર સાથે જોડાયેલી છે અને એ પૈકીની મોટાભાગની સુખદ નથી.

તેમના પિતા જવાહરલાલ નેહરુ પહેલીવાર આ શહેરમાં ગંભીર રીતે બીમાર પડ્યા હતા. એ બીમારીને કારણે 1964માં તેમનું મૃત્યુ થયું હતું.

તમને આ વાંચવું પણ ગમશે :

ભુવનેશ્વરમાં જ 1967માં ચૂંટણીપ્રચાર દરમ્યાન ઇંદિરા ગાંધી પર એક પથ્થર ફેંકવામાં આવ્યો હતો.

તેને કારણે તેમનાં નાકનું હાડકું ભાંગી ગયું હતું.

મૃત્યુનો સંકેત

Image copyright Photo Division

1984ની 30 ઓક્ટોબરે ઇંદિરા ગાંધીએ એક ચૂંટણીભાષણ આપ્યું હતું. એ ભાષણ હંમેશની માફક તેમના માહિતી સલાહકાર એચ. વાય. શારદાપ્રસાદે તૈયાર કર્યું હતું.

જોકે, ઇંદિરા ગાંધી એ ભાષણથી હટીને કંઈક અલગ જ બોલવા લાગ્યાં હતાં. તેમનો ભાષણ કરવાનો અંદાજ બદલાઈ ગયો હતો.

ઇંદિરા ગાંધીએ કહ્યું હતું, ''હું આજે અહીં છું, કાલે ન પણ હોઉં. હું રહું કે ન રહું તેની મને ચિંતા નથી. મારું જીવન ઘણું લાંબુ રહ્યું છે. મેં મારું જીવન લોકોની સેવામાં વિતાવ્યું છે તેનો મને ગર્વ છે.”

તેમણે કહ્યું, “હું છેલ્લા શ્વાસ સુધી લોકોની સેવા કરતી રહીશ. હું જ્યારે મરીશ ત્યારે મારા લોહીનું એકેએક ટીપું ભારતને મજબૂત કરવામાં ઉપયોગી બનશે.''

ક્યારેક કુદરત શબ્દો મારફતે આગામી દિવસોનો સંકેત આપતી હોય છે. ભાષણ પછી ઇંદિરા ગાંધી રાજભવન પાછાં ફર્યાં હતાં.

રાજ્યપાલ વિશંભરનાથ પાંડેએ તેમને જણાવ્યું હતું કે તમે હિંસક મોતનો ઉલ્લેખ કરીને મને હચમચાવી મૂક્યો છે. ઇંદિરા ગાંધીએ તેમને જવાબ આપ્યો હતો કે મેં પ્રમાણિક અને તથ્યસભર વાત કહી હતી.


રાત ઓછું ઉંધ્યા

Image copyright Getty Images
ફોટો લાઈન રાજીવ ગાંધી અને સંજય ગાંધી સાથે ઇંદિરા ગાંધી

એ રાતે ઇંદિરા ગાંધી દિલ્હી પાછાં ફર્યાં ત્યારે બહુ થાકી ગયાં હતાં. એ રાતે તેઓ બહુ ઓછું ઉંઘ્યાં હતાં. તેમની સામેના રૂમમાં સોનિયા ગાંધી હતાં.

તેઓ સવારે ચાર વાગ્યે પોતાની અસ્થમાની દવા લેવા ઊઠીને બાથરૂમ ગયાં ત્યારે ઇંદિરા જાગતાં હતાં.

સોનિયા ગાંધીએ તેમના પુસ્તક 'રાજીવ'માં લખ્યું છે કે ઇંદિરા પણ તેમની પાછળ-પાછળ બાથરૂમમાં આવ્યાં હતાં અને તેમને દવા શોધવામાં મદદ કરવાં લાગ્યાં હતાં.

તેમણે સોનિયાને કહેલું કે તારી તબીયત ફરી બગડે તો મને બોલાવજે. હું જાગું જ છું.


હળવો નાસ્તો

Image copyright Getty Images
ફોટો લાઈન પીટર ઉસ્તીનોવ ઇંદિરા ગાંધી પર એક ડૉક્યુમૅન્ટરી ફિલ્મ બનાવી રહ્યા હતા

સવારે સાડા સાત વાગ્યા સુધીમાં ઇંદિરા ગાંધી તૈયાર થઈ ગયાં હતાં. એ દિવસે તેમણે કાળી બોર્ડરવાળી કેસરી રંગની સાડી પહેરી હતી. તેમની પહેલી અપોઈન્ટમેન્ટ પીટર ઉસ્તીનોવ સાથે હતી.

પીટર ઉસ્તીનોવ ઇંદિરા ગાંધી વિશે એક દસ્તાવેજી ફિલ્મ બનાવી રહ્યા હતા. એક દિવસ પહેલાં તેમણે ઇંદિરા ગાંધીના ઓડિશા પ્રવાસનું શૂટિંગ પણ કર્યું હતું.

એ દિવસે બપોરે ઇંદિરા ગાંધી બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધઆન જેમ્સ કૈલેઘન અને મિઝોરમના એક નેતાને મળવાનાં હતાં. સાંજે બ્રિટનનાં રાજકુમારી ઍન માટે તેમણે ડિનર યોજ્યું હતું.

એ દિવસે સવારે નાસ્તામાં તેમણે બે ટોસ્ટ, સિરિઅલ્સ, સંતરાનો તાજો જુસ અને ઈંડા લીધાં હતાં. નાસ્તા પછી મેકઅપ-મેન તેમના ચહેરા પર પાઉડર અને બ્લશર લગાવતો હતો.

એ સમયે તેમના ડૉક્ટર કે. પી. માથુર ત્યાં પહોંચ્યા હતા. ડૉ. માથુર રોજ ઇંદિરા ગાંધીના ચેકિંગ માટે આવતા હતા. ઇંદિરા ગાંધીએ ડૉ. માથુરને અંદર બોલાવ્યા અને તેમની સાથે વાતો કરવા લાગ્યા હતાં.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ રીગન જરૂરથી વધારે મેકઅપ કરતા હોવાની અને 80 વર્ષે પણ તેમના વાળ કાળા હોવાની મજાક પણ ઇંદિરા ગાંધીએ કરી હતી.


અચાનક ગોળીબાર

Image copyright PIB

સવારે 9.10 વાગ્યે ઇંદિરા ગાંધી બહાર આવ્યાં ત્યારે ખુશનુમા સૂર્યપ્રકાશ હતો. ઇંદિરા ગાંધીને તડકાથી બચાવવા માટે સિપાઈ નારાયણ સિંહ કાલા છત્રી લઈને તેમની સાથે ચાલતા હતા.

તેમનાથી થોડા ડગલાં પાછળ આર. કે. ધવન અને તેમની પાછળ ઇંદિરા ગાંધીના અંગત સેવક નાથુ રામ હતા. ઇંદિરા ગાંધીના અંગત સલામતી અધિકારી સબ ઇન્સ્પેક્ટર રામેશ્વર દયાલ સૌની પાછળ હતા.

એ દરમ્યાન એક કર્મચારી ટી-સેટ લઈને પસાર થયો હતો. એ ટી-સેટમાં પીટર ઉસ્તીનોવને ચા પીરસવાની હતી. ઇંદિરા ગાંધીએ એ કર્મચારીને બોલાવીને કહ્યું હતું કે પીટર ઉસ્તીનોવ માટે બીજો ટી-સેટ કાઢો.

ઇંદિરા ગાંધી એક, અકબર રોડને જોડતા વિકેટ ગેટ પર પહોંચ્યાં ત્યારે આર. કે. ધવન સાથે વાત કરતાં હતાં.

આર. કે. ધવને તેમને જણાવ્યું હતું કે યમનની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહને સાંજે સાત વાગ્યા સુધીમાં દિલ્હી પરત ફરવાનો સંદેશો આદેશ અનુસાર મોકલી આપવામાં આવ્યો છે.

ઇંદિરા ગાંધી તેમને પાલમ એરપોર્ટ પર આવકારીને રાજકુમારી ઍન માટેનાં ડિનરમાં સામેલ થઈ શકે એટલા માટે એ સંદેશો મોકલવામાં આવ્યો હતો.

એ વખતે ત્યાં ફરજ બજાવી રહેલા સલામતીરક્ષક બેઅંત સિંહે પોતાની રિવોલ્વર કાઢીને ઇંદિરા ગાંધી પર અચાનક ગોળીબાર કર્યો હતો.

ગોળી ઇંદિરા ગાંધીના પેટમાં વાગી હતી. ઇંદિરા ગાંધીએ પોતાનો ચહેરો બચાવવા જમણો હાથ ઉઠાવ્યો હતો. એ વખતે બેઅંત સિંહે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર બે વધુ ફાયર કર્યા હતા.

એ ગોળીઓ ઇંદિરા ગાંધીની બગલ, છાતી અને કમરમાં ઘુસી ગઈ હતી.


ગોળી ચલાવ

ફોટો લાઈન ઇંદિરા ગાંધીની પાછળ નજરે પડતા કોંગ્રેસના નેતા આર કે ધવન

એ સ્થળથી પાંચ ફુટ દૂર સતવંત સિંહ પોતાની ટોમસન ઓટોમેટિક કાર્બાઈન લઈને ઊભો હતો. ઇંદિરા ગાંધીને પડતાં નિહાળીને એ એટલો ગભરાઈ ગયો હતો કે પોતાની જગ્યાએથી હલી સુદ્ધાં શક્યો ન હતો.

એ વખતે બેઅંત સિંહે બરાડીને કહ્યું હતું કે ગોલી ચલાઓ. સતવંત સિંહે તરત જ તેની ઓટોમેટિક કાર્બાઈનમાંથી પચ્ચીસે પચ્ચીસ ગોળી ઇંદિરા ગાંધી પર છોડી હતી.

બેઅંત સિંહે પહેલો ગોળીબાર કર્યાને 25 સેકન્ડ પસાર થઈ ગઈ હતી, પણ ત્યાં ફરજરત સલામતી દળોએ કોઇ પ્રતિભાવ આપ્યો ન હતો.

સતવંત સિંહ ગોળીબાર કરતો હતો ત્યારે સૌથી પાછળ ચાલતા રામેશ્વર દયાલે આગળ દોડવાનું શરૂ કર્યું હતું.

રામેશ્વર દયાલ ઇંદિરા ગાંધી સુધી પહોંચે એ પહેલાં સતવંતે છોડેલી ગોળીઓ તેમના જાંઘ અને પગ પર લાગી હતી. તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.

ઇંદિરા ગાંધીના સહાયકોએ તેમના ક્ષત-વિક્ષત શરીરને નિહાળ્યું અને તેઓ એકમેકને આદેશ આપવા લાગ્યા હતા.

શું ધમાલ થઈ રહી છે એ જોવા માટે એક, અકબર રોડ બંગલામાંથી એક પોલીસ અધિકારી દિનેશકુમાર ભટ્ટ બહાર આવ્યા હતા.


એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ક્યાં?

ફોટો લાઈન સરકારી પ્રસારણ માધ્યમોએ ઇંદિરા ગાંધીનાં મૃત્યુની જાહેરાત ઘણા કલાકો બાદ કરી હતી

એ સમયે બેઅંત સિંહ અને સતવંત સિંહે તેમના હથિયાર નીચે મૂકી દીધાં હતાં. બેઅંત સિંહે કહ્યું હતું, ''અમારે જે કરવું હતું એ અમે કરી નાખ્યું છે. હવે તમારે જે કરવાનું હોય તે કરો.''

એ વખતે નારાયણ સિંહે આગળ વધીને બેઅંત સિંહને જમીન પર પટક્યો હતો. પાસેના ગાર્ડ રૂમમાંથી આઈટીબીપીના જવાનો દોડતા આવ્યા હતા અને તેમણે સતવંત સિંહને ઘેરી લીધો હતો.

રોજ એ સમયે ત્યાં એક એમ્બ્યુલન્સ ઉભી રહેતી હતી, પણ એ દિવસે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ત્યાં ન હતો. એટલી વારમાં ઇંદિરા ગાંધીના રાજકીય સલાહકાર માખનલાલ ફોતેદારે બરાડીને કાર બહાર કાઢવા જણાવ્યું હતું.

ઇંદિરા ગાંધીને જમીન પરથી ઉઠાવીને આર. કે. ધવન અને સલામતી કર્મચારી દિનેશ ભટ્ટે સફેદ એમ્બેસેડર કારની પાછલી સીટ પર મૂક્યાં હતાં.

એમ્બેસેડરની આગલી સીટ પર ધવન, ફોતેદાર અને ડ્રાઈવર બેઠા હતા. કાર ચાલવા લાગી કે તરત જ સોનિયા ગાંધી ઉઘાડા પગે તેમના ડ્રેસિંગ ગાઉનમાં ''મમ્મી-મમ્મી'' એવી ચીસો પાડતાં દોડી આવ્યાં હતાં.

ઇંદિરા ગાંધીની હાલત જોઈને તેઓ પણ કારના પાછલી સીટ પર બેસી ગયાં હતાં. લોહીથી લથપથ ઇંદિરા ગાંધીના મસ્તકને સોનિયા ગાંધીએ પોતાના ખોળામાં લીધું હતું.

કાર ઝડપભેર એમ્સ ભણી આગળ ધપી. ચાર કિલોમીટરના પ્રવાસ દરમ્યાન કોઈ કંઈ બોલ્યું ન હતું. સોનિયા ગાંધીનો ગાઉન લોહીથી ભીંજાઈ ચૂક્યો હતો.


સ્ટ્રેચર ગાયબ

Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા ગાંધી

કાર 9.32 વાગ્યે એઇમ્સ પહોંચી હતી. ઇંદિરા ગાંધીના બ્લડ ગ્રૂપ ઓ આરએચ નેગેટિવનો પૂરતો જથ્થો ત્યાં ઉપલબ્ધ હતો.

જોકે, એક, સફદરજંગ રોડ પરથી કોઈએ એઇમ્સમાં ફોન કરીને એવું જણાવ્યું ન હતું કે ગંભીર રીતે ઘવાયેલાં ઇંદિરા ગાંધીને એઇમ્સમાં લાવવામાં આવી રહ્યાં છે.

ઇમરજન્સી વોર્ડનો ગેટ ખોલીને ઇંદિરા ગાંધીને કારમાંથી ઉતારતાં ત્રણ મિનિટનો સમય ગયો હતો. એ સમયે ત્યાં એક પણ સ્ટ્રેચર ઉપલબ્ધ ન હતું. કોઈએ સ્ટ્રેચરની વ્યવસ્થા કરી.

ઇંદિરા ગાંધીની હાલત જોઈને ડૉક્ટર્સ ગભરાઈ ગયા હતા. તેમણે તરત ફોન કરીને એઇમ્સના સીનિયર કાર્ડિયોલોજિસ્ટને સંદેશો આપ્યો હતો.

ડૉ. ગુલેરિયા, ડૉ. એમ. એમ. કપુર અને ડૉ. એસ. બાલારામ બે મિનિટમાં ત્યાં પહોંચી ગયા હતા.

Image copyright Getty Images
ફોટો લાઈન હૉસ્પિટલની બહાર લોકોનાં ટોળા એકઠાં થઈ ગયા હતાં અને બધા જ લોકો ખૂબ ગુસ્સામાં હતાં

ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં ઇંદિરા ગાંધીના હૃદયમાં મામૂલી ગતિવિધિ જોવા મળતી હતી, પણ તેમની નાડી ધબકતી ન હતી. તેમની આંખો એકદમ ફેલાઈ ગઈ હતી, જે તેમના મગજમાં ક્ષતિ પહોંચ્યાનો સંકેત આપતી હતી.

એક ડોક્ટરે ઇંદિરા ગાંધીની શ્વાસની નળીમાં એક ટ્યુબ ઘુસાડી હતી, જેથી ફેફસાં સુધી ઓક્સિજન પહોંચી શકે અને તેમના મગજના જીવંત રાખી શકાય.

ઇંદિરા ગાંધીને 80 બોટલ રક્ત ચડાવવામાં આવ્યું હતું, જે તેમનાં શરીરમાંના લોહી કરતાં પાંચ ગણું હતું.

ડૉ. ગુલેરિયા કહે છે, ''ઇંદિરા ગાંધી જોઈને જ હું સમજી ગયો હતો કે તેમનું મૃત્યુ છે. તેમના મૃત્યુની પુષ્ટિ માટે અમે તેમનો ઈસીજી કર્યો હતો. ત્યાં ઉપસ્થિત આરોગ્ય પ્રધાન શંકરાનંદને મેં પૂછ્યું હતું કે હવે શું કરવું છે?”

તેમણે વધુમાં કહ્યું, “ઇંદિરાને મૃત જાહેર કરી દેવાં છે? તેમણે કોઈ જવાબ ન આપ્યો. પછી અમે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયાં હતાં.''


માત્ર હ્રદય હતું સલામત

Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતાં

ડૉક્ટરોએ ઇંદિરા ગાંધીના શરીરને હાર્ટ એન્ડ લંગ મશીન સાથે જોડ્યું હતું. એ મશીન ઇંદિરા ગાંધીનું લોહી સાફ કરવા લાગી હતી. એ કારણે તેમના રક્તનું તાપમાન 37 ડિગ્રીથી ઘટીને 31 ડિગ્રી થઈ ગયું હતું.

ઇંદિરા ગાંધી મૃત્યુ પામ્યાં હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. તેમ છતાં તેમને એઇમ્સમાં આઠમા માળે આવેલાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યાં હતાં.

ગોળીઓ વાગવાને કારણે ઇંદિરા ગાંધીના શરીરનો જમણી બાજુનો હિસ્સો ચાળણી જેવો થઈ ગયો હતો. તેમનાં મોટા આંતરડામાં બાર કાણાં પડી ગયાં હતાં અને નાના આંતરડામાં પણ ઘણું નુકસાન થયું હતું.

તેમનાં એક ફેફસામાં પણ ગોળી વાગી હતી અને કરોડરજ્જુના હાડકાં પણ ગોળીઓની અસરને કારણે ભાંગી ગયાં હતાં. માત્ર તેમનું હૃદય સલામત હતું.


નોકરીના સમયનું યોજનાબદ્ધ આયોજન

Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા ગાંધીના અંતિમ સંસ્કાર સમયે રાજીવ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી

અંગરક્ષકોએ ગોળી માર્યાના ચાર કલાક પછી બપોરે 2.23 વાગ્યે ઇંદિરા ગાંધીને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. જો કે, સરકારી પ્રસાર માધ્યમોએ તેની જાહેરાત સાંજે છ વાગ્યા સુધી કરી ન હતી.

ઇંદિરા ગાંધીનું જીવનચરિત્ર લખી ચૂકેલા ઈંદર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ઇંદિરા ગાંધી પર આ પ્રકારના હુમલાની શંકા ગુપ્તચર એજન્સીઓએ વ્યક્ત કરી હતી.

તમામ શીખ સલામતી રક્ષકોને ઇંદિરા ગાંધીના નિવાસસ્થાનેથી હટાવી લેવાની ભલામણ ગુપ્તચર એજન્સીઓએ કરી હતી.

Image copyright Getty Images
ફોટો લાઈન વર્ષ 1972માં શિમલા કરાર સમયે ઇંદિરા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સાથે

એ ફાઈલ ઇંદિરા ગાંધી પાસે પહોંચી ત્યારે તેમણે ગુસ્સામાં એ ફાઈલ પર ત્રણ શબ્દો લખ્યા હતાઃ ''આપણે સેક્યુલર નથી ? (આરન્ટ વી સેક્યુલર?)''

એ પછી નક્કી કરવામાં આવ્યું હતું કે એક સાથે બે શીખ સલામતી રક્ષકોને તેમની નજીક ડ્યુટી પર નહીં મૂકવામાં આવે.

31 ઓક્ટોબરના દિવસે સતવંત સિંહે બહાનું કાઢ્યું હતું કે તેનું પેટ ખરાબ છે. એટલે તેને ટોઈલેટની નજીક તહેનાત કરવામાં આવે.

એ રીતે બેઅંત અને સતવંત એકસાથે તહેનાત થયા હતા અને તેમણે ઇંદિરા ગાંધીની હત્યા કરીને ઓપરેશન બ્લ્યૂસ્ટારનો બદલો લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો