બ્લૉગઃ ધર્મની ઢાલ પાછળ ઊભેલા 'વિકાસ પુરુષ' મોદી

  • રાજેશ પ્રિયદર્શી
  • ડિજિટલ એડિટર, બીબીસી
મંદિરમાં વડાપ્રધાન મોદી સાથે ઉભેલા અન્ય લોકો

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન,

ગુજરાતના CM તરીકે મોદીએ કુદરતી આફત બાદ કેદારનાથના સમારકામમાં મદદ કરવાની તૈયારી દાખવેલી

કપાળ પર તિલક સજાવીને નરેન્દ્ર મોદીએ 40 મિનિટનું રાજકીય ભાષણ આપતા પહેલા જય જયકાર કરાવ્યો હતો.

તેમણે માઇક પર આવતાં જ કહ્યું, "પુરી તાકાત સાથે બોલો, જય-જય કેદાર, જય-જય બાબા ભોલે."

કેદારનાથ મંદિર બહાર તેમણે જણાવ્યું હતું કે તેઓ બાબા ભોલેનાથના પુત્ર છે, બાબાએ તેમને બોલાવ્યા છે.

એવી જ રીતે, જે રીતે બનારસની ચૂંટણી પહેલા ગંગા મૈયાએ બોલાવ્યા હતા. નરેન્દ્ર મોદી કોઈ સંન્યાસી નથી, તેઓ એક મહત્વાકાંક્ષી રાજકીય નેતા છે.

મોદીએ પોતાના ભાષણમાં એ વાતની યાદ અપાવી હતી કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે જૂન 2013માં કુદરતી આફત બાદ કેદારનાથ મંદિરનું સમારકામ કરાવવાની રજૂઆત કરી હતી.

પરંતુ ત્યારે કોંગ્રેસ સરકારે તેમને એવું કરતા અટકાવ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ "ભોલે બાબા ઇચ્છે છે કે આ કામ તેમના આ જ દીકરાના હસ્તે થાય." એટલે કે, ગુજરાતના મુખ્યમંત્રીને ઉત્તરાખંડની સેવા કરતા અટકાવાયાં એટલે ભોલે બાબાએ તેમને વડાપ્રધાન બનાવી દીધા.

હિંદુ ધર્મના પ્રધાન રક્ષક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બેંગ્લુરુમાં શારદા પીઠના શંકર ભારતી સ્વામીજી પાસેથી આશીર્વાદ લેતા વડાપ્રધાન મોદી

પહેલા વિકાસના વાયદા અને હવે તે દાવાઓમાં ગૂંચવાયેલા વડાપ્રધાન, પોતાને હિંદુ ધર્મના મુખ્ય રક્ષક અને ટોચના સેવકના રુપમાં રજૂ કરવાનો કોઈ મોકો છોડતા નથી.

તેઓ એ વાતનું ભરપૂર ધ્યાન રાખે છે કે તેમના ભાવ, પહેરવેશ, અને ભાષણમાં હિંદુ પવિત્રતાની સુગંધ પ્રસરેલી હોય. તેમના કાર્યકાળના પહેલા બે વર્ષમાં 'મેક ઇન ઇન્ડિયા', 'સ્માર્ટ સિટી', 'ડિજિટલ ઇન્ડિયા', 'સ્કિલ ઇન્ડિયા'ની ધૂમ હતી.

હવે તેવો જ ઉત્સાહ હવે ચારધામ યાત્રા, શંકરાચાર્ય પ્રાગટ્ય ઉત્સવ, નર્મદા સેવા યાત્રા અને મંજૂનાથ સ્વામીના દર્શન કરવામાં જોવા મળી રહ્યો છે.

તેનું કારણ સમજવું સહેલું છે, વિકાસની વાર્તાએ આંકડાઓનો સામનો કરવો પડે છે, જ્યારે ધાર્મિક પ્રવચનમાં તર્ક-તથ્યો વિઘ્ન નથી બની શકતા.

ધર્મ અને રાજકારણની ઘાલમેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇંદિરા ગાંધી પણ રુદ્રાક્ષની માળા પહેરી તસવીર પડાવતાં હતાં

એવું નથી કે રાજકારણમાં ધર્મની ઘાલમેલની ફોર્મ્યુલા નરેન્દ્ર મોદીની શોધ છે. મહાત્મા ગાંધીએ તેમની અપીલ વધુ લોકો સુધી પહોંચે તે માટે ધાર્મિક કથાઓ અને પ્રેરક પ્રસંગોની મદદ લીધી હતી.

અંગ્રેજો વિરૂદ્ધ લડાઈમાં મુસ્લિમોને સાથે રાખવા માટે તેમણે ખિલાફત ચળવળને સમર્થન આપ્યું હતું, જેના માટે આજ સુધી તેમની ટીકા થાય છે.

નહેરુએ ધર્મ અને રાજકારણને અલગ રાખ્યા હતા, પરંતુ તેમના દીકરી ઇંદિરા ગાંધી ક્યારેક લોકોના દબાવ અને ક્યારેક જનભાવનાઓનું દોહન કરવા બાબાઓના પગમાં પડતાં હતાં.

રુદ્રાક્ષની માળા પહેરી કાશી વિશ્વનાથના દરવાજા પર તસવીર ખેંચાવતા હતા.

અયોધ્યામાં રામ જન્મભૂમિનું તાળું ખોલાવવા, કટ્ટરપંથ નેતાઓના દબાણમાં વિધવા મુસ્લિમ મહિલાઓને કોર્ટથી મળેલા ન્યાયને ફેરવી દેનારા અને બોટ પર તિલક લગાવીને ગંગા મૈયાની જય જયકાર કરવા વાળા રાજીવ ગાંધી જ હતા.

પરંતુ નરેન્દ્ર મોદીનો જમાનો અલગ છે, જેમાં સોશિઅલ મીડિયા છે, ટીવી ચેનલ છે જે સીધું પ્રસારણ કરે છે. તેઓ એવી સંસ્થા સાથે જોડાયેલા છે કે, જેમનું ઘોષિત લક્ષ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું છે.

એટલા માટે બીજા નેતાઓની સરખામણીએ ભારતીય લોકતંત્રને ભગવામાં રંગી દેવો તેમના માટે વૈચારિક પ્રતિબદ્ધતા પણ છે, જે બીજા લોકો માટે માત્ર અવસરવાદ હતો.

હિંદુ ઓળખનું રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મોદી હારને હિંદુ ધર્મની હાર, જીતને હિંદુ ધર્મની જીત સાથે જોડી રહ્યા છે?

સ્પષ્ટ છે, ઘણા બધા લોકોને આ બધું સુંદર લાગી રહ્યું છે. વડાપ્રધાન અને તેમના રણનીતિકારો માને છે કે આ દેશની બહુસંખ્યક હિંદુ આબાદીના મોઢે 'હર-હર મહાદેવ'ની સાથે સાથે 'હર-હર મોદી'નો જયઘોષ પણ સાંભળવા મળશે.

બસ તેના માટે મોદીની હિંદુ ઓળખને સતત મજબૂત કરતા રહે તે જરૂરી છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે જે તેમની આ રાજકીય શૈલી સાથે અસંમત હશે, તેમને હિંદુ વિરોધી સાબિત કરવામાં કોઈ ખાસ મુશ્કેલી નહીં પડે.

મોદી પોતાની હારને હિંદુ ધર્મની હાર અને પોતાની જીતને હિંદુ ધર્મની જીતમાં પરિવર્તિત કરવામાં લાગ્યા છે.

મોદીને પણ પૂજા કરવાનો અધિકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રાહુલ ગાંધી પણ ધર્મનો સહારો લઈ પૂજા કરવા મંદિરોમાં જઈ રહ્યા છે

મંદિરમાંથી રાજકીય ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોકવાનું રાજકીય જોખમ કોઈ ઉઠાવવા નથી માગતું. રાહુલ ગાંધી પણ મંદિરોના દર્શન કરવાની તક શોધતા રહે છે.

અખિલેશ યાદવ હવનની તસવીરો ટ્વીટ કરી રહ્યા છે અને લાલૂ યાદવના પુત્ર રાજકીય રેલીમાં શંખનાદ કરી રહ્યા છે. ગમે તે વ્યક્તિને કોઈ પૂજા-પાઠ, ભજન-કિર્તન, દાન-હવન કરવાથી રોકી શકાતા નથી .

કોઈ સામાન્ય નાગરિકની જેમ વડાપ્રધાન મોદીને પણ ભારતનું બંધારણ પોતાના ધર્મનું પાલન કરવા મૌલિક અધિકાર આપે છે.

પરંતુ આ બધી ગતિવિધિઓ શું તેઓ વ્યક્તિગત શ્રદ્ધા-આસ્થાથી કરી રહ્યા છે? ભોલે બાબાના આ પુત્ર એટલા ભોળા તો નથી.

મંદિરોમાં જઈ માથું ટેકવું અને આરતી ઉતારવાનું ટીવી પર લાઇવ પ્રસારણ કરવું એ વ્યક્તિગત આસ્થાનો મામલો નથી.

પરંતુ તે છબી અને માહોલ બનાવવા, વિરોધની શક્યતાનો અંત લાવવાનો પ્રયાસ છે.

જ્યાં સુધી અખંડ પાઠ ચાલતો રહેશે, આરતી થતી રહેશે ત્યાં સુધી કોઈ બીજી વાત કેવી રીતે છેડી શકશે. જેમ કે રોજગારી, વિકાસની વાત વગેરે.

દેશનું વાતાવરણ એટલું બદલાઈ ગયું છે કે હવે બંધારણનો હવાલો આપી એ યાદ અપાવવું વ્યર્થ છે કે 'સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક' ના પીએમનું એવું કરવું યોગ્ય નથી.

કેમ કે, આ દેશમાં બીજા ધર્મોને માનવા વાળા કરોડો લોકો રહે છે. આવું કહેવા વાળા વ્યક્તિને 'સેક્યુલર' અથવા તો હિંદુ વિરોધી કે પછી ડાબેરી કહીને તરત જ બહિષ્કૃત કરી દેવામાં આવે છે.

હવે આ માસૂમ સવાલનો જવાબ દેવાનો પ્રયાસ કે આખરે તેમાં ખોટું શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

RSS નેતા મોહન ભાગવતે કહ્યું છે કે ભારત હિંદુઓનો દેશ છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના નેતા મોહન ભાગવતે ફરી એક વખત કહ્યું છે કે ભારત હિંદુઓનો દેશ છે, જેવી રીતે જર્મની જર્મનોનો અને બ્રિટન બ્રિટિશ લોકોનો દેશ છે.

જોકે, તેની સાથે તેમણે એમ પણ જોડ્યું છે કે આ દેશમાં એ લોકો માટે પણ જગ્યા છે કે જેઓ હિંદુ નથી. આ 'બીજા લોકો પણ'નો મતલબ છે હિંદુઓ પછી, પણ તેમને બરાબર નહીં.

RSS નેતા ઘણી વખત કહે છે કે જે પણ ભારતમાં રહે છે તે હિંદુ જ છે. પછી તેઓ એ પણ કહે છે કે ભારતની ઓળખ હિંદુ સંસ્કૃતિથી છે તેના કારણે આ દેશે હિંદુ રીત-રિવાજનું જ પાલન કરવું જોઇએ.

તેઓ એવું પણ કહે છે કે સેક્યુલર ડેમોક્રસી એક વિદેશી અવધારણા છે જેને બદલવાની જરૂર છે.

જો વડાપ્રધાન મોદી 'જય જય કેદાર, જય જય ભોલેનાથ'નો ઉદ્ઘોષ કરી રહ્યા છે તો મુસ્લિમો એ પણ ઉત્સાહ સાથે તેમાં સામેલ થવું જોઇએ.

જો તેઓ વડાપ્રધાનના આ વલણના કારણોસર એલિનિયેટેડ અથવા તો પોતાને અલગ થઈ ગયેલા માનતા હોય તો તે તેમની ભૂલ છે.

આ દેશ હિંદુઓનો છો અને તેમણે ભારતીય (હિંદુ) સંસ્કૃતિને અપનાવીને અહીં રહેવું જોઈએ નહીં તો તેમનો ભારતીય હોવાનો દાવો ખોટો છે. તેમની આસ્થા આ દેશમાં છે જ નહીં.

થોડા દિવસો પહેલા કોઇએ ફેસબુક પર લખ્યું હતું કે એક પોલીસ સ્ટેશનના ફોનની રિંગટોન છે- 'જય જય અંબે દુઃખહરણી...'

હવે એક વ્યક્તિ જે હિંદુ નથી તેણે આ રિંગટોન સાંભળી ભક્તિભાવથી ઝૂમી ઉઠવું જોઇએ અને આશ્વસ્ત થઈ જવું જોઇએ કે પોલીસ તેમનું કલ્યાણ કરશે?

પાકિસ્તાની ખેલાડીઓની નેટ પ્રેક્ટિસ દરમ્યાન નમાઝ પઢવી અને રાષ્ટ્રપતિના દરેક ભાષણની શરૂઆતમાં બિસ્મિલ્લાહ-એ-રહમાન-એ-રહીમ બોલવાને કારણે ભારતીયો તેમને કટ્ટરપંથી સમજે છે.

તો ભારતીય લોકો પોતાના રોજંદા જીવનમાં રાજકીય કારણોસર ધર્મ ઘોળી દે તો તેમાં કંઈ ખોટું નથી દેખાતું?

વાત માત્ર મુસ્લિમોની નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સરકારનું કહેવું છે કે તુષ્ટીકરણની નીતિ હવે બંધ કરી દેવાઈ છે

તેનું કારણ એ વિશ્વાસ છે કે હિંદુ ધર્મ ઉદાર, શાંતિપૂર્ણ, સહિષ્ણુ, અને મહાન છે. તેઓ કદાચ એ નથી સમજી રહ્યા કે પાકિસ્તાની મુસ્લિમોએ પણ પોતાના ધર્મ વિશે એવું જ વિચાર્યું હતું.

ખરેખર જોઇએ તો એ કોઈના ધર્મ કે સારા કે ખરાબ હોવાનો મામલો છે જ નહીં, તે તેની હદ નક્કી કરવાનો મામલો છે. વાત માત્ર 17 કરોડ મુસ્લિમોની નથી.

દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના લોકો, આદિવાસી, ખ્રિસ્તી અને બીજા કરોડો લોકો જે હિંદુ નથી, તેઓ પણ ન્યૂ ઇન્ડિયામાં સમાન ભાગીદારી ધરાવે છે તે દર્શાવવા માટે વડાપ્રધાન કે સરકારે અત્યાર સુધી શું કર્યું છે?

જો કંઈ કર્યું નથી, અને તેમાં તમને કંઇ ખોટું ન લાગતું હોય તો એ બાબત ચિંતાજનક છે.

મંચ પર કૅમેરાની સામે જાળીવાળી ટોપી પહેરવાની ના પાડી દેવી, પરંપરાગત રૂપે યોજાતી પ્રધાનમંત્રી નિવાસ પર ઇફ્તારી બંધ કરાવવી, રાષ્ટ્રપતિની ઇફ્તાર દાવતનો બહિષ્કાર કરવો અને મુસ્લિમો વિરૂદ્ધ નાના મોટા લોકોની સતત થતી નિવેદનબાજીને ચાલવા દેવી એ અચાનક થયેલું કામ નથી.

સરકારનું કહેવું છે કે તુષ્ટીકરણની નીતિ હવે બંધ કરી દેવાઈ છે. ખૂબ સારી વાત છે કે મુસ્લિમોના તુષ્ટીકરણની નીતિ બંધ કરી દેવાઈ છે.

તેનાથી આમ પણ મુસ્લિમોને કોઈ ફાયદો પહોંચી રહ્યો ન હતો અને થિયરી એ છે કે હિંદુઓનું તુષ્ટીકરણ નથી થઈ શકતું, એ તો તેમનો અધિકાર છે.

સત્તાની ઊંચાઈએ બેઠેલા લોકો સાર્વજનિક ભજન-આરતી કરે છે તો ભારતના હિંદુઓને એટલો જ ફાયદો થશે જેટલો પાકિસ્તાની નેતાઓને પાંચ વખત નમાઝ પઢવાથી થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો