હાર્દિક અને કોંગ્રેસની મુલાકાત બાદ સોશિઅલ પર શિયાળામાં ગરમાવો

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, facebook.com/HardikPatel.Official

ઇમેજ કૅપ્શન,

હાર્દિક પટેલે કહ્યું છે કે કોંગ્રેસ સાથે પાંચ મુદ્દાઓ પર વાતચીત થઈ છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પટેલ સમાજના યુવા નેતા હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની થતી જઈ રહી છે.

હાર્દિક પટેલ ભાજપ વિરોધી છે, પરંતુ કોની સાથે છે, તે નિર્ણય હજુ સુધી તેમણે નથી લીધો.

આ વચ્ચે સોમવારના રોજ હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતાઓની એક મુલાકાત થઈ છે.

મુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ સાથે પાંચ મુદ્દાઓ પર વાતચીત થઈ છે, જેમાંથી ચાર મુદ્દા પર કોંગ્રેસ માની ગઈ છે.

તેમાં પાટીદાર આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે વળતરનો પણ સમાવેશ થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

એક તરફ હાર્દિક કોંગ્રેસની નજીક સરકતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સોશિઅલ મીડિયા પર ભાજપ તેમને ઘેરવાના દરેક પ્રયાસ કરતો જોવા મળી રહો છે.

હાર્દિક પટેલને જવાબ આપતા દીપેશ પટેલે ફેસબુક પર લખ્યું, "1985માં કોંગ્રેસે પાટીદારો પર ગોળીબાર કરાવ્યો હતો. તેમાં માર્યા ગયેલા પાટીદારોના પરિવારોને કોંગ્રેસે શું આપ્યું એ તો પૂછો."

ઇમેજ સ્રોત, facebook

પાટીદાર આંદોલન સાથે હંમેશા જોડાયેલા અશ્વિન સાંકડાસરિયાએ ફેસબુક પર લખ્યું, "જે કોંગ્રેસને 2019 તો શું 2024માં પણ બહુમતી મળતી નથી દેખાઈ રહી ત્યારે કોંગ્રેસનો કેમ વિશ્વાસ કરવો? EBCની લાલચમાં પાટીદાર સમાજ ગુમરાહ ન થાય."

આ મુલાકાતની ગુજરાતમાં સોશિઅલ મીડિયામાં ભારે ચર્ચા છે.

ટ્વિટર પર #કોંગ્રેસ_હાર્દિક_ફિક્સિંગ પણ ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકો આ મુલાકાત પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

ગુજરાત ભાજપના IT સેલના કન્વીનર પંકજ શુક્લાએ હાર્દિક પટેલ પર નિશાન લગાવી ટ્વીટ કર્યું, "બધાને એવું લાગી રહ્યું હતું કે આ આંદોલન અનામત અને વ્યસન મુક્તિ માટે હતું. પણ હવે ખબર પડી કે આ તો કોન બનેગા કરોડપતિ માટે ગેમ હતી."

ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે કહ્યું કે હાર્દિકનો ચહેરો સમગ્ર સમાજ સામે ખુલ્લો થઈ ગયો છે. હંમેશા ભાજપ સાથે અડીખમ ઊભેલો પાટીદાર સમાજ હાર્દિકને ઓળખી ગયો છે.

ઋત્વિજને જવાબ આપતા સિકંદર રેએ લખ્યું, "હાર્દિક પટેલ તમારા કરતા સારા છે અને પટેલ સમાજ વિશે વિચારે છે. તમે શું કર્યુ? પટેલ સમાજ પર લાઠીચાર્જ કરાવ્યો, ગોળીબાર કરાવ્યો, જરા તમારી સરકારને પણ પૂછો."

ભાજપ સાથે જોડાયેલા યૂઝર કલ્પેશ રાઠવીએ ટ્વીટ કર્યું, "આ આંદોલન કોંગ્રેસને બચાવવા અને તેને મદદ કરવા તેમજ પાટીદાર સમાજને છેતરવા માટે હતું "

ભાજપ IT સેલ સાથે જોડાયેલા યૂઝર પાર્થ રાવલે ટ્વીટ કર્યુ, "શાંત ગુજરાતમાં અફરાતફરી ફેલાવવા માટે હાર્દિક પટેલનો ઉપયોગ કરાયો હતો. આ બધું કોંગ્રેસના પૈસાથી થઈ રહ્યું હતું."

જો કે પાટીદાર આંદોલન પાછળ કોંગ્રેસ હતી, આ આરોપના સમર્થનમાં કોઈ તથ્યો નથી રજૂ કરાયા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો