શું ગુજરાતના પાટીદાર યુવાનો હાર્દિક પટેલ સાથે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદાર સમાજનો યુવાવર્ગ હાર્દિક અને તેમના આંદોલન વિશે શું માની રહ્યો છે?
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત કૉંગ્રેસ સાથે કરેલી મંત્રણાના કારણે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.
30મી ઑક્ટોબરે હાર્દિક પટેલ અને ગુજરાત કૉંગ્રેસના કેટલાંક નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં પાટીદાર અનામત આંદોલન સંબંધિત કેટલાંક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક બાદ ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ કરી તેમનો પક્ષ રજૂ કર્યો હતો.
વિધાનસભા ચૂંટણીના માહોલના કારણે હાર્દિકનું દરેક નિવેદન અને અને વ્યૂહરચના ગુજરાતના દરેક રાજકીય પક્ષો પર થોડાંઘણાં અંશે પ્રભાવ પાડી રહી છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ તમામ પરિસ્થિતિ વચ્ચે પાટીદાર સમાજનો યુવાવર્ગ હાર્દિક અને તેમના આંદોલન વિશે શું માની રહ્યો છે?
બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આવાં કેટલાંક યુવા પાટીદારોના મત જાણવાનો પ્રયાસ કર્યો છે.

'હાર્દિકની રાજકીય શૈલી બાલિશ'

ઇમેજ સ્રોત, Getty Images
હાર્દિક પટેલે ગુજરાત કૉંગ્રેસના કેટલાંક નેતાઓ સાથે 30મી ઑક્ટોબરે મંત્રણા કરી હતી
છેલ્લા ૧૦ વર્ષથી બેન્કિંગ ક્ષેત્રે નોકરી કર્યા બાદ ભાવિના પટેલ વિદેશમાં મૂડીરોકાણ અને ઇમિગ્રેશનના નિષ્ણાત તરીકે અમદાવાદ-ગાંધીનગર ખાતે કામ કરે છે.
બીબીસી સાથેની વાતચીતમાં ભાવિનાએ કહ્યું, "મને હાર્દિક પટેલની રાજકારણની શૈલી ઘણી બાલિશ લાગે છે કારણ કે તે કોઈપણ પ્રકારની રાજકીય પરિસ્થિતિમાં ત્વરિત પ્રત્યાઘાતો અને પ્રતિક્રિયા આપે છે જે યોગ્ય ન કહેવાય."
હાર્દિકની નેતાગીરીની શૈલી ભાવિનાને દિશાવિહીન લાગે છે અને ક્યારેકક્યારેક ભાવિનાએ એવું પણ લાગે છે કે હાર્દિક પાસે પોતાની કોઈ રાજકીય વિચારશૈલી કે વિચારધારા નથી.
ભાવિના ઉમેરે છે કે, હાર્દિક જે પ્રકારે જાહેર-જીવનમાં પાટીદાર નેતા તરીકે નિવેદનો આપે છે તેના પરથી ક્યારેક ક્યારેક એવું પણ ફલિત થાય છે કે જાણે તેને કોઈ દોરવી રહ્યું હોય અને આ તેના શબ્દો નથી.

ઇમેજ સ્રોત, BHAVINA PATEL
જો સમાજમાં અનામતની પ્રથા ચાલુ રહે તો પાટીદારોને પણ અનામતના ક્વોટામાં સ્થાન મળવું જોઈએ: ભાવિના પટેલ
એનો અર્થ એ નથી કે ભાવિના પાટીદારો માટે અનામત નથી ઇચ્છતી.
ભાવિના કહે છે કે, જો સમાજમાં અનામતની પ્રથા ચાલુ રહે તો પાટીદારોને પણ અનામતના ક્વોટામાં સ્થાન મળવું જોઈએ અને અનામત વ્યવસ્થાના ચોક્કસ લાભો મળવા જ જોઈએ.
એક સમયે ફેશન-ડિઝાઇનર બનવાની ખેવના ધરાવતી ભાવિના કહે છે કે તે સામાન્ય વર્ગ(જનરલ કેટેગરી)માં આવતી હોવાથી તેને આ અભ્યાસક્રમમાં જે બે જગ્યાઓ ખાલી હતી.
તેમાં પ્રવેશ નહોતો મળ્યો, કારણ કે, તે બેઠકો અનામત વર્ગના વિદ્યાર્થીઓ આરક્ષિત હતી.

'હાર્દિક સક્રિય વિપક્ષ તરીકે કામ કરી રહ્યા છે'

ઇમેજ સ્રોત, TRUPAL PATEL
પાટીદાર સમાજમાં પણ ઘણાં એવા લોકો છે જેમને આર્થિક અનામતની જરૂર છે: તૃપલ પટેલ
મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતા તેમજ એનજીઓના સંચાલન સાથે અધ્યાપન ક્ષેત્ર સાથે જોડાયેલા તૃપલ પટેલ સાથે વાત કરી હતી.
તેઓ કહે છે, "હાર્દિક પટેલના આંદોલન કે વિચારધારા સાથે પાટીદાર યુવાઓ સહમત છે કે નહીં તે ચોક્કસપણે ન કહી શકાય, પરંતુ હું માનું છું કે હાર્દિક એક સક્ષમ વિપક્ષે કરવું જોઈએ તે કામ કરી રહ્યા છે."
"સામાન્ય રીતે વિપક્ષનું કામ એ હોય છે કે સમાજના દરેક વર્ગ અને સમુદાયનો અવાજ સરકાર સુધી પહોંચાડે, આ કામ અત્યારે હાર્દિક જેવાં નેતાઓ કરી રહ્યા છે, જેમાં અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીનો પણ સમાવેશ થાય છે."
"પાટીદારોને અનામતની વાત કરીએ તો એ હકીકત છે કે તમામ પાટીદારો સમૃદ્ધ અને શિક્ષિત નથી. પાટીદાર સમાજના એક વર્ગને આર્થિક અનામતની જરૂર છે."

ઇમેજ સ્રોત, Getty Images
'હાર્દિક સહિતના કેટલાક નેતાઓ સમાજનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે'
અમરેલીમાં રહેતી અને માઇક્રોબાયોલૉજીમાં અભ્યાસ કરતી દૃષ્ટિ પટેલ કહે છે, "હાર્દિક પાટીદાર સમાજને લાભ થાય તેવું કામ કરી રહ્યા છે અને સમાજનાં ઘણાં લોકો તેમની સાથે છે."
"બારમા ધોરણ પછી એમબીબીએસમાં પ્રવેશ ન મળતા મેં ફિઝીયોથેરાપી તેમજ હોમિયોપેથી જેવા ક્ષેત્રમાં જવાનું વિચાર્યું હતું. જો ત્યારે અનામત મળ્યું હોત તો મને તે ક્ષેત્રમાં કદાચ પ્રવેશ મળી ગયો હોત."
તમને આ પણ વાંચવું ગમશે
"આમ, પાટીદાર સમાજના યુવાનોને શિક્ષણક્ષેત્રે વધુ તકો મળે તે માટે અનામતની જરૂર છે."

'પાટીદારો સમૃદ્ધ જ્ઞાતિની છાપ ધરાવે છે'

ઇમેજ સ્રોત, SHIRALI PATEL
'પાટીદારોને આર્થિક રીતે પછાત ગણવા એ પણ અયોગ્ય છે': શિરાલી પટેલ
અન્ય એક પાટીદાર યુવતી શિરાલી પટેલ પબ્લિક રિલેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને લગ્ન બાદ અમદાવાદથી મુંબઈમાં સ્થાયી થયા છે.
શિરાલી એ હાર્દિક પટેલની રાજકીય વિચારધારાથી પ્રભાવિત નથી.
શિરાલી કહે છે "પહેલા તો મને અનામત એ શબ્દ સામે એટલે વાંધો છે."
"કારણ કે અનામતને કારણે યોગ્યતા ધરાવતી વ્યક્તિ જે કોઈ નોકરી અથવા જે તે કાર્ય માટે બહુ સબળ ઉમ્મેદવારને તેની યોગ્યતા મુજબ સ્થાન નથી મળતું."
હાર્દિક પટેલની પાટીદાર જ્ઞાતિ માટેની અભ્યાસ અને નોકરીઓમાં અનામતની આ માગને શિરાલી અયોગ્ય માને છે.
શિરાલી કહે છે કે, પટેલો એ વિશ્વમાં એક સમૃદ્ધ જ્ઞાતિની છાપ ધરાવે છે એટલે પાટીદારોને આર્થિક રીતે પછાત ગણવા એ પણ અયોગ્ય છે.
શિરાલી ઉમેરે છે કે, કોઈપણ પ્રકારના સમાજ કે રાજકારણમાં સમાધાનના ભાગરૂપે પણ એ ન થવું જોઈએ.

'અનામત વ્યવસ્થાનો અભ્યાસ જરૂરી'

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષક ગૌરાંગ જાની કહે છે, "યુવાનો પાટીદાર સમાજના હોય કે અન્ય કોઈ સમાજના તેમણે અનામતની વ્યવસ્થા અને બંધારણમાં રહેલી અનામત વિશેની વિવિધ જોગવાઈઓનો અભ્યાસ કરવો જોઈએ."
"જે સમાજને લાગતું હોય કે તેમને અનામતની જરૂર છે તેમણે પોતાનો સમાજ ખરેખર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે કે નહીં તેવું આત્મમંથન કરવું જોઈએ."
"હાલ ગુજરાતમાં અનામતના જે મુદ્દાએ ફરી જોર પકડ્યું છે તે વિધાનસભા ચૂંટણીના કારણે છે."
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કો-કન્વીનર અલ્પેશ કથિરિયા કહે છે,"યુવાનો પાટીદાર સમાજના હોય કે અન્ય કોઈ સમાજના, તમામ યુવાનોની વિચારસરણી સમાન નથી હોવાની."
"જે પાટીદાર યુવાનો સમૃદ્ધ અને શિક્ષિત પરિવારમાંથી આવે છે તેમને કદાચ એવું લાગતું હશે કે પાટીદારોને અનામતની જરૂર નથી."
"બીજી તરફ કેટલાંક એવા પણ પાટીદાર યુવાનો છે જે સામાન્ય કે ગરીબ પરિવારમાંથી આવે છે અને જેમણે અનામતની વ્યવસ્થાને કારણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેમને લાગે છે કે સમાજને અનામતની જરૂર છે."તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો