રાજકીય પક્ષો કોમી હિંસા આચરતા ક્યારે અટકશે?

  • મનોજ મિટ્ટા
  • બીબીસી ગુજરાતી માટે
વીડિયો કૅપ્શન,

1984 રમખાણોના એ દિવસો

31 ઓક્ટોબર ઈંદિરા ગાંધીની હત્યાની અને પહેલી નવેમ્બરે ઇંદિરા ગાંધીની હત્યા પછી આચરવામાં આવેલા નરસંહારની વાર્ષિકતિથિ છે.

31 ઓક્ટોબર 1984ના રોજ શીખોને નિશાન બનાવીને મોટા પાયે હિંસા કરવામાં આવી હતી, પણ હત્યામાં પરિણમેલા હુમલાની પહેલી ઘટના બીજા દિવસે વહેલી સવારે નોંધાઈ હતી.

એ ઘટના ઈસ્ટ દિલ્હીમાં બની હતી. ઇંદિરા ગાંધીની હત્યા અને હથિયારબંધ ટોળાંઓએ કરેલી સંખ્યાબંધ શીખોની હત્યાને કારણે 2,733 લોકોનાં મોત થયાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

સરકારે એવું કહેલું કે પ્રત્યાઘાતી હિંસા યોજનાપૂર્વક નહીં, સ્વયંસ્ફૂર્ત પ્રતિભાવ હતી, પણ આ સત્તાવાર મૃત્યુઆંક હિંસાના સત્તાવાર કારણને ખોટું ઠરાવે છે.

આ પેટર્નનું 2002માં ગુજરાતમાં પુનરાવર્તન થયું હતું. ગોધરાની ઘટના પછી પહેલો હત્યાકાંડ ગુલબર્ગ સોસાયટીમાં થયો હતો.

ગોધરામાં ટ્રેનને આગ ચાંપવામાં આવ્યાના આશરે 30 કલાક બાદ એ ઘટના બની હતી.

1984 અને 2002ની હિંસા વચ્ચેનો ફરક

ઇમેજ સ્રોત, Getty Images

1984 અને 2002ની હિંસા વચ્ચેનો મોટો ફરક સજામાંથી મુક્તિની ટકાવારીનો છે.

1984માં દિલ્હીમાં મોટાપાયે હિંસા આચરવામાં આવી હતી એટલું જ નહીં, એ પછીનાં 33 વર્ષમાં ન્યાય વ્યવસ્થા પણ નિષ્ફળ રહી છે.

2002ની હિંસાથી વિપરીત રીતે 1984ની હિંસાનો ભોગ બનેલા લોકોને, ખાસ કરીને ઉચ્ચ સ્તરીય રાજકીય સંડોવણીના કેસીસમાં ન્યાય જેવું ભાગ્યે જ કંઈ મળ્યું છે.

ગુજરાતમાં હિંસાનો ભોગ બનેલા લોકોનાં ભાગે પણ નિરાશા આવી હતી.

અલબત, તેઓ તત્કાલીન મોદી સરકારનાં પ્રધાન માયા કોડનાનીને સજા કરાવી શક્યાં હતાં.

તેનાથી વિપરીત દિલ્હીની હિંસામાં સંડોવાયેલા મનાતા સજ્જન કુમાર, જગદીશ ટાયટલર, કમલ નાથ અને સદગત એચ. કે. એલ. ભગતને સારી રીતે કેસ ચલાવવા છતાં દોષી ઠરાવી શકાયા ન હતા.

સજામાંથી મુક્તિનો ટ્રેન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગુજરાત હુલ્લડોમાં તત્કાલીન પ્રધાન માયાબહેન કોડનાનીને સજા થઈ છે

દિલ્હીની હિંસાના સંદર્ભમાં સંખ્યાબંધ સમિતિઓ અને પંચોની ડઝનબંધ તપાસ છતાં સજામાંથી મુક્તિનો ટ્રેન્ડ નિરંકુશ ચાલુ રહ્યો હતો.

એ શ્રેણીમાં લેટેસ્ટ પંચની નિમણૂક માત્ર બે મહિના પહેલાં જ કરવામાં આવી છે.

આ હકીકત સંબંધે 1984ના કેસીસમાં સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ સારું શુકન લાગે છે.

આમ પણ 2002ની હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને કારણે જ દોષીને સજા થઈ શકી હતી.

જોકે, એ કિસ્સો 'બહુ ઓછું અને તે પણ બહુ મોડેથી મળ્યાં' જેવો પુરવાર થઈ શકે છે.

નવા પંચની રચના

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષે 16 ઓગસ્ટે બે નિવૃત્ત જજોનું પંચ રચવામાં આવ્યું હતું.

એક ખાસ તપાસ ટુકડી(એસઆઈટી)એ છેલ્લા બે વર્ષમાં અનેક પ્રયાસ કર્યા છતાં 1984ની હિંસાના 200થી વધુ કેસમાં કાર્યવાહી કેમ થઈ નથી તેની તપાસ નવા પંચે ત્રણ મહિનામાં કરવાની છે.

આંકડાઓ સાચી હકીકત જણાવે છે. એસઆઈટીએ કુલ 293 કેસીસની ચકાસણી કરી હતી. તેમાંથી માત્ર 59 કેસમાં જ ફરી તપાસ શરૂ કરવામાં આવી છે.

એ 59 કેસ પૈકીના 38 કેસ ફરી બંધ કરી દેવામાં આવ્યા હતા અને માત્ર ચાર કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવા પુરાવા નોંધવામાં આવ્યા હતા.

કેન્દ્રમાં બીજેપી સત્તા પર છે. તેમ છતાં કોંગ્રેસના શાસનકાળમાં આચરવામાં આવેલા હત્યાકાંડની જવાબદારી નક્કી કરવામાં ભાગ્યે જ કોઈ ઈચ્છાશક્તિ દેખાઈ રહી છે.

1984 અને 2002માં હિંસા આચરનારાઓ વચ્ચે ગુપ્ત સોદો થયો હોય એવું લાગે છે.

ચક્ર અટકવાની આશા

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, ઉચ્ચ સ્તરીય રાજકીય સંડોવણીને સજામાંથી મુક્તિનું ચક્ર ફરતું અટકવાની આશા બંધાઈ છે.

1984ની કત્લેઆમના કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમારની મુક્તિ સામેની અપીલની સુનાવણી દિલ્હી હાઈ કોર્ટ ગંભીરતા સાથે કરી રહી છે તેથી એ આશા બંધાઈ છે.

દિલ્હી કેન્ટોન્મેન્ટ એરિયામાં વ્યાપક હિંસા આચરવામાં આવી રહી હતી, ત્યારે સજ્જન કુમાર ઘટનાસ્થળે હાજર હતી એવી જુબાની સાક્ષીઓએ આપી છે.

હિંસાનો ભોગ બનેલા લોકોમાં એ જુબાનીની તાકાતને કારણે એક રાજકીય નેતાને સજા કરાવવામાં સફળતા મળવાની આશા બંધાઈ છે.

આ કેસની કોર્ટ કાર્યવાહીનો હિસ્સો બનવા માટે સીનિયર એડવોકેટ એચ.એસ. ફૂલકાએ પંજાબ વિધાનસભામાંના વિરોધ પક્ષના નેતાનું પદ છોડ્યું છે.

સજ્જન કુમારને દિલ્હી કેન્ટોન્મેન્ટના આ કેસમાંથી અને વેસ્ટ દિલ્હીના એક અન્ય કેસમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા.

તેમ છતાં કોમી હિંસાના અન્ય કેસમાં સંડોવણીના આરોપી મોટા ભાગના અન્ય રાજકીય નેતાઓ કરતાં સજ્જન કુમાર સામે વધુ પુરાવા ઉપલબ્ધ છે.

રસ્તા પર ઉતરી પડેલા તોફાની ટોળાનું નેતૃત્વ સજ્જન કુમાર જાતે કરતા હોવાની જુબાની હિંસામાંથી બચી ગયેલા લોકોએ આપી છે.

બેધડક સંડોવણીના બહુ ઓછા પુરાવા

ઇમેજ સ્રોત, Getty Images

સદગત એચ. કે. એલ. ભગતના મતવિસ્તાર ઈસ્ટ દિલ્હીમાં વ્યાપક હિંસા આચરવામાં આવી હતી.

તેમ છતાં હિંસામાં તેમની બેધડક સંડોવણીના બહુ ઓછા પુરાવા છે.

એચ. કે. એલ. ભગતને પણ વર્ષ 2000માં છોડી મૂકવામાં આવ્યા હતા. તેમની મુક્તિનું એક મોટું કારણ એ હતું કે તેમણે પડદા પાછળ રહીને ભૂમિકા ભજવી હતી.

અન્ય કોંગ્રેસી નેતાઓની માફક એચ. કે. એલ. ભગતને ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા પંચે દોષમુક્ત જાહેર કર્યા હતા.

રાજીવ ગાંધી સરકારે 1984ની કત્લેઆમની તપાસ માટે ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા પંચની રચના કરી હતી.

બલવિંદર સિંહ નામના શીખ નેતાએ એચ. કે. એલ. ભગતની તરફેણમાં જુબાની આપી હતી.

મુખ્યત્વે એ જુબાનીના આધારે જ મિશ્રા પંચે એચ. કે. એલ. ભગતને દોષમુક્ત જાહેર કર્યા હતા.

બલવિંદર સિંહના પુત્ર અરવિંદર સિંહ લવલી બાદમાં દિલ્હીમાં શીલા દીક્ષિત સરકારમાં પ્રધાન બન્યા હતા.

વિધિની વક્રતા જુઓ કે આ વર્ષની શરૂઆતમાં અરવિંદર સિંહ લવલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

શું કરવું જોઈએ?

કોમી હિંસામાંથી રાજકીય લાભ મેળવવાની પેટર્નને ધ્યાનમાં લેતાં કાયદાના હાથ શેરીમાં હિંસા આચનારા લોકો સુધી પહોંચવાને બદલે તેમની પાસે હિંસા કરાવનારા લોકો સુધી પહોંચે એ જરૂરી છે.

રાજકીય નેતા છીએ એટલે સજા નહીં થાય એવી ખાતરીના ભાંગીને ભૂક્કા નહીં કરવામાં આવે ત્યાં સુધી રાજકીય પક્ષો કોમી હિંસા આચરતા અટકવાના નથી.

(મનોજ મિટ્ટા ''વેન અ ટ્રી શૂક દિલ્હીઃ ધ 1984 કાર્નેજ એન્ડ ઈટ્સ આફ્ટરમાથ'' પુસ્તકના સહલેખક અને ''ધ ફિક્શન ઓફ ફેક્ટ ફાઈંડિંગઃ મોદી એન્ડ ગોધરા'' પુસ્તકના લેખક છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો