પ્રેસ રિવ્યૂ: જયપુર-ગુવાહાટી કોર્પોરેશનમાં ફરજિયાત રાષ્ટ્રગીત ગાવાનો આદેશ

રાષ્ટ્રગીત ગાઇ રહેલી ત્રિરંગા સાથે છોકરીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના કર્મચારીઓ માટે રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત બનાવ્યું છે.

જયપુરના મેયર અશોક લાહોતીએ કહ્યું છે કે જેને આ નિર્ણયથી વાંધો હોય તેમણે પાકિસ્તાન જતા રહેવું જોઇએ. મેયર અને કમિશનર રવિ જૈને લેખિતમાં આ આદેશ આપી દીધો હોવાનું અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે.

સૌ પ્રથમ જેએમસીની મુખ્ય કચેરી અને ત્યારબાદ બીજી કચેરીઓમાં પણ આ આદેશનું પાલન કરાશે.

તમને આ વાંચવું પણ ગમશે :

અહેવાલ મુજબ સવારે રાષ્ટ્રગીત 9.50 કલાકે વગાડાશે અને સાંજે 5.55 કલાકે વંદે માતરમ્ વગાડાશે. કર્મચારી યુનિયને આ આદેશને આવકાર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ જયપુરના સાથે ગુવાહાટીમાં પણ આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે.

ભારતનો 'ઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' રેન્કિંગમાં છલાંગ

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' રેન્કિંગમાં ભારત 30 ક્રમની છલાંગ સાથે 100મા ક્રમાંકે પહોંચ્યું છે.

ભારતે ટોચનાં 100 રાષ્ટ્રોમાં સ્થાન મેળવ્યું હોવાનો સૌપ્રથમ કિસ્સો છે

દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે રેન્કિંગમાં જો કે, જીએસટી અમલ પછીના બિઝનેસ વાતાવરણને ગણતરીમાં લેવામાં આવ્યું નથી.

સંદેશમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ભારતના રેન્કિંગમાં સુધારા પાછળ પીએમ મોદીના આર્થિક એજન્ડાને મહત્વનું પરિબળ માનવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે નાણાંમંત્રી જેટલીએ ભારતને બિઝનેસ રેન્કિંગમાં આટલી મોટી છલાંગ મારનારો પ્રથમ દેશ ગણાવ્યો છે. બ્રિક્સ દેશોમાં હવે ભારત બ્રાઝિલ કરતાં આગળ નીકળી ગયો છે.

ગધેડો-કૂતરો નહીં, વાનર બન્યો ચૂંટણી મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images

નવગુજરાત સમયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વાનરોનો આતંક હિમાચલમાં મોટો ચૂંટણીલક્ષી મુદ્દો છે. કારણ કે વાનરોની સમસ્યા ભાજપ કે કોંગ્રેસ કોઈ ઉકેલી શક્યું નથી.

અહેવાલ મુજબ અહીંના લોકો વાનરોના આતંકથી એટલા પરેશાન છે કે તેઓ ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારો પાસેથી વાનરોથી મુક્તિ અપાવવાનું વચન માગી રહ્યા છે.

ખેડૂતો વાનરો તેમના પાકને નુકસાન કરતા હોવાથી પરેશાન છે. હિમાચલમાં દર વર્ષે ૭૦ ટકા ગ્રામીણ વિસ્તારોમાં વાનરો કરોડો રૂપિયાના પાકને નુકસાન પહોંચાડતા હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

અહેવાલમાં પ્રકાશિત કરાયું છે કે શિમલા અને રાજ્યના અન્ય પર્યટન સ્થળોએ પણ વાનરો તોફાન મચાવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો