શાહરુખ ખાન : 53મા વર્ષે બોલીવૂડના બાદશાહની આ 53 વાતો તમને ખબર છે?

શાહરુખની ફિલ્મ ઝીરોની તસવીર Image copyright Twitter@iamsrk

એમની બાળપણની ઇચ્છા હતી કે સૈન્યમાં જોડાય, પણ એ ઇચ્છા પૂરી થઈ જરા અલગ રીતે એમણે ભારતીય મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો ત્યારે ભજવેલી પહેલું પાત્ર “ફૌજી”નું જ હતું.

શુક્રવારે 'કિંગ ખાન' તરીકે વિખ્યાત શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર રિલીઝ થયું હતું.

બીબીસી ગુજરાતી તમારી સમક્ષ રજૂ કરે છે, 53 વર્ષનાં થયેલા બોલીવૂડના ‘બાદશાહ’ અને અદાકારીના ‘રઈસ’ શાહરુખ ખાન હવે 'ઝીરો' બનવાના છે, ત્યારે તેમના જીવનની 53 રસપ્રદ વાતો જે તમને જાણવી ગમશે.

1) શાહરુખ ખાન બાળપણમાં સૈન્યમાં જોડાવા ઈચ્છતા હતા.

તેમણે કોલકાતાની આર્મી સ્કૂલમાં એડમિશન પણ લીધું હતું, પરંતુ શાહરુખનાં માતા તેમને આર્મીમાં મોકલવા સહમત ન હતાં.

તમને આ વાંચવું પણ ગમશે :

2) શાહરુખ અને તેમના સ્કૂલના ચાર ફ્રેન્ડ્ઝની એક વિખ્યાત ટોળકી હતી. તેમણે એ ગૅંગને 'સી ગૅંગ' નામ આપ્યું હતું.

પીએલઓ ગૅંગ, સરદાર ગૅંગ વગેરે જેવી સ્કૂલની પ્રતિસ્પર્ધી ટોળકીઓને ટક્કર આપવા માટે શાહરુખની સી ગૅંગે પોતાનો લોગો પણ બનાવ્યો હતો.

બાદમાં શાહરુખે 'જોશ' ફિલ્મમાં એવું પાત્ર ભજવ્યું હતું. એ ફિલ્મમાં શાહરુખ એક ગૅંગના લીડર હતા.

3) સૈન્ય કર્મચારીના દીકરી ગૌરી ચિબ્બર સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે શાહરુખ તેમને મળ્યા હતા.

પછી બન્ને એક ડાન્સ પાર્ટીમાં મળ્યાં હતાં અને ત્યાંથી તેમની વચ્ચેનો સંબંધ વિકસ્યો હતો.

Image copyright Getty Images

4) એક વખત ગૌરી તેમના દોસ્તો સાથે રજાઓ ગાળવા મુંબઈ ગયાં, ત્યારે શાહરુખ તેમને શોધવા મુંબઈ પહોંચી ગયા હતા.

મુંબઈમાં ગૌરી ક્યાં હશે તેની શાહરુખને ખબર ન હતી, પણ ગૌરીને સ્વિમિંગ બહુ ગમે છે એ શાહરુખ જાણતા હતા.

તેથી શાહરુખ મુંબઈના તમામ બીચ પર ફરી વળ્યા હતા અને આખરે એક બીચ પર ગૌરીને શોધી કાઢ્યાં.

જોકે, શાહરુખે એક આખી રાત રેલવે સ્ટેશન પર ગાળવી પડી હતી.

5) 25 ઑક્ટોબર 1991એ શાહરુખે ગૌરી સાથે લગ્ન કર્યું.

6) પોતે ગૌરીને પહેલીવાર મળ્યા હતા તે તારીખ શાહરુખને યાદ છે.

એ તારીખ હતી નવમી સપ્ટેમ્બર 1984. એ દિવસે શાહરુખને ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળ્યું હતું.

7) 'વાગલે કી દુનિયા' અને 'દુસરા કેવલ' જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યાં બાદ શાહરુખને 'સર્કસ' ટીવી સિરિયલમાં રેણુકા શહાણે સાથે બ્રેક મળ્યો હતો.

એ 1989-90ની વાત છે. એ વખતે શાહરુખનાં મમ્મી બીમાર પડ્યાં એટલે તેમને દિલ્હીની બત્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

Image copyright Getty Images

8) 'સર્કસ'નો એક એપિસોડ શાહરુખનાં મમ્મી હૉસ્પિટલમાં નિહાળી શકે એ માટે ખાસ પરવાનગી લેવામાં આવી હતી.

જોકે, શાહરુખનાં મમ્મી એટલાં બીમાર હતાં કે તે શાહરુખને ઓળખી શક્યાં ન હતાં. તેમનું એપ્રિલ, 1991માં અવસાન થયું હતું.

9) મમ્મીનાં મૃત્યુનાં આઘાતમાંથી બહાર નિકળવા અને કામ કરવા શાહરુખ એક વર્ષ માટે મુંબઈ આવ્યા હતા, પણ પછી તે કાયમ માટે મુંબઈમાં રહી ગયા.

10) શાહરુખે મણિ કૌલની 1991ની ટીવી ફિલ્મ 'ઇડિયટ'માં નકારાત્મક પાત્ર ભજવ્યું હતું.

પ્રદીપ કિશન અને અરુંધતી રૉયની ફિલ્મ 'ઇન વિચ એની ગિવ્ઝ ઇટ ધોઝ વન્સ' માટે પ્રથમ વખત કૅમેરાની સામે આવ્યા.

જો કે, એ ફિલ્મમાંની તેમની ભૂમિકા ટૂંકી કરી નાખવામાં આવી હતી.

Image copyright Getty Images

11) 1991માં શાહરુખે તેમની પહેલી ફિલ્મ 'દિલ આશના હૈ' હેમા માલિની સાથે સાઈન કરી હતી.

લીડ એક્ટર તરીકેની શાહરુખની પહેલી ફીચર ફિલ્મ 'દીવાના' 25 જૂન 1992ના રોજ રિલીઝ થઈ હતી.

12) શાહરુખ ખાનની ફિલ્મ 'રાજુ બન ગયા જેન્ટલમૅન' રાજ કપુરની 'શ્રી 420' આધારિત માનવામાં આવે છે.

13) શાહરુખ તેમના સ્કૂલ ઇન્ચાર્જ બ્રધર ડિસોઝાને માર્ગદર્શક માને છે.

શાહરુખ યુવાન હતા ત્યારે તેમની ઊર્જાને યોગ્ય દિશા આપવામાં બ્રધર ડીસોઝાએ મદદ કરી હતી.

14) ''રાહુલ, નામ તો સુના હોગા''

'ડર', 'દિલ તો પાગલ હૈ', 'કુછ કુછ હોતા હૈ', 'ઝમાના દીવાના', 'યસ બોસ', 'કભી ખુશી, કભી ગમ' અને 'ચેન્નઈ એક્સપ્રેસ' સહિતની નવ ફિલ્મોમાં શાહરુખનાં પાત્રનું નામ રાહુલ હતું.

Image copyright Instagram/iamsrk

15) રાજ પણ શાહરુખનાં ફિલ્મી પાત્રોનું બીજું ફેવરિટ નામ છે.

'રાજુ બન ગયા જેન્ટલમેન', 'દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે', 'બાદશાહ', 'મહોબ્બતેં' અને 'રબને બના દી જોડી' જેવી ફિલ્મોમાં શાહરુખ ભજવેલાં પાત્રોનું નામ રાજ હતું.

16) શાહરુખનાં પાત્રનું ઘણી ફિલ્મોમાં મોત થયું છે. એ ફિલ્મોમાં 'બાઝીગર', 'ડર', 'અંજામ', 'દિલ સે', 'રામ જાને', 'ડુપ્લિકેટ', 'દેવદાસ', 'શક્તિ', 'કલ હો ના હો', 'ઓમ શાંતિ ઓમ', 'રા.વન' અને 'કરણ અર્જુન'નો સમાવેશ થાય છે.

'કરણ અર્જુન'માં તેમનાં પાત્રનો પુનર્જન્મ થયો હતો.

17) શાહરુખ મહેનતુ કલાકાર તરીકે વિખ્યાત છે. એ ચારથી પાંચ કલાક જ ઉંઘે છે. જિંદગીનો સમય ઉંઘવામાં બગાડવામાં એ માનતા નથી.

Image copyright Getty Images

18) ફિલ્મોમાં કામ કરવાની સાથે શાહરુખ તેમની દીકરી માટે એક પુસ્તક લખી રહ્યા છે. અભિનય વિશેના પોતાના દૃષ્ટિકોણની વાત શાહરુખ એ પુસ્તકમાં કરવાના છે.

અનુપર ખેરના ટીવી શોમાં શાહરુખે એ પુસ્તકનું નામ જણાવ્યું હતું. એ પુસ્તકનું નામ છેઃ 'ટુ સુહાના, ઑન ઍક્ટિંગ, ફ્રૉમ પાપા'.

19) દીકરી સુહાનાને હીરોઈન જોવાનું પોતાને ગમશે એવી કબૂલાત શાહરુખે એ શોમાં કરી હતી.

20) એ ઉપરાંત શાહરુખ તેમના જીવન વિશેનું પુસ્તક છેલ્લા દસથી વધુ વર્ષથી લખી રહ્યા છે.

દિગ્દર્શક-નિર્માતા મહેશ ભટ્ટના કહેવાથી શાહરુખે એ પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું.

Image copyright Instagram

21) વિખ્યાત કૉમેડિયન મહેમૂદની દિગ્દર્શક તરીકેની છેલ્લી ફિલ્મ 'દુશ્મન દુનિયા કા'માં શાહરુખ અને સલમાને સાથે કામ કર્યું હતું.

1996ની એ ફિલ્મમાં તે ખાસ ભૂમિકામાં ચમક્યા હતા.

22) પત્ની અને બાળકો ઉપરાંત શાહરુખનાં મોટાં બહેન લાલારુખ તેમની સાથે રહે છે.

લાલારુખે એમ.એ. એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે, પણ તેમની તબિયત નાદુરસ્ત રહે છે.

23) 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ની વાર્તા સંભળાવવામાં આવી રહી હતી, ત્યારે મોટાભાગના ક્રૂ મેમ્બર્સે ધાર્યું હતું કે શાહરુખ એ ફિલ્મમાં કામ કરવા રાજી નથી.

તેમાં સૈફ અલી ખાનને લેવાનો વિચાર કરવામાં આવ્યો હતો. શાહરુખ એ સમયે રૉમેન્ટિક ફિલ્મ કરવા ઇચ્છતા ન હતા.

Image copyright Getty Images

શાહરુખ માનતા હતા કે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં તેમની ભૂમિકા પૂરતી મર્દાનગીભરી નથી.

તેથી તેમણે ફિલ્મમાં ઍક્શન, મારામારી અને હિંસાના સીન ઉમેરાવ્યા હતા.

24) ખેડૂતોએ તેમનાં ખેતરોમાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના શૂટિંગનો વિરોધ કર્યો હતો.

એ વખતે શાહરુખે તેમની સાથે હરિયાણવી શૈલીમાં વાત કરી હતી અને 'તુજે દેખા તો યે જાના સનમ' ગીતનું શૂટિંગ કરવા દેવા રાજી કર્યા હતા.

25) 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના કેટલાક હિસ્સાના શૂટિંગ વખતે શાહરુખ 'ત્રિમૂર્તિ' માટે પણ શૂટિંગ કરતા હતા.

26) શાહરુખે 'જોશ' ફિલ્મનું ગીત 'અપુન બોલા...' ગાયું છે.

27) શાહરુખ યુવાન હતા ત્યારે કુમાર ગૌરવને મળવા ઇચ્છતા હતા.

તેનું કારણ એ હતું કે એ સમયે શાહરુખ માનતા હતા કે તે કુમાર ગૌરવ જેવા દેખાતા હતા. આ સંબંધે શાહરુખે એક ટ્વીટ પણ કરી હતી.

Image copyright Getty Images

28) શાહરુખને પ્રશંસકોને મળવાનો પહેલો અનુભવ 'ફૌજી' ટીવી સિરિયલના દિવસોમાં થયો હતો.

એ સમયે શાહરુખ દિલ્હીના પંચશીલ પાર્ક વિસ્તારમાંથી એક રીક્ષામાં પસાર થતા હતા, ત્યારે બે મહિલાઓએ બૂમ પાડીને કહ્યું હતું કે ”દેખ, અભિમન્યુ રાય.”

'ફૌજી'માં શાહરુખનાં પાત્રનું નામ અભિમન્યુ રાય હતું.

29) પાકિસ્તાનનાં પેશાવર શહેર સાથે શાહરુખને ગાઢ સંબંધ છે.

શાહરુખ જ્યારે કિશોર વયના હતા, ત્યારે 1978-1979 દરમ્યાન પેશાવર ગયા હતા.

30) બીબીસીને આપેલી મુલાકાતમાં શાહરુખનાં કઝીન નૂરજહાંએ જણાવ્યું હતું કે એ સમયે તે જે રૂમમાં બેઠાં હતા એ જ રૂમમાં શાહરુખ ઊંઘ્યા હતા.

નૂરજહાંના જણાવ્યા અનુસાર, ''શાહરુખ પેશાવર આવીને બહુ રાજી થયો હતો, કારણ કે એ તેના પપ્પાના પરિવારને પહેલીવાર મળ્યો હતો. ભારતમાં શાહરુખનાં મમ્મીનાં સગાંઓ જ રહે છે.''

Image copyright Getty Images

31) શાહરુખ મુંબઈ આવ્યા એ પહેલાં તેમણે દિલ્હીની છાબરા રામલીલામાં કામ કર્યું હતું.

રામલીલામાં એ વાનર સેનાનો હિસ્સો બનતા હતા અને વાનરની ભૂમિકા ભજવતા હતા.

બધા કલાકારો જ્યારે 'સિયાપતિ રામચંદ્ર કી જય' એવું બોલે, ત્યારે શાહરુખનું કામ માત્ર 'જય' બોલવાનું હતું.

32) રામલીલામાં વિશ્રામ દરમ્યાન શાહરુખ ઉર્દૂ કવિતાઓ વાંચતા હતા. તેમને ઇનામ પેટે એક રૂપિયો આપવામાં આવતો હતો.

33) પ્રશંસકોના ઘેરામાંથી બચવા માટે શાહરુખે એકવાર કારની ડિકીમાં પ્રવાસ કર્યો હતો.

34) અમેરિકાના લૉસ ઍન્જલસમાં શાહરુખ 'છૈયા છૈયા...' ગીત પર પર્ફોમ કરવાના હતા.

એ કાર્યક્રમમાં અમેરિકન સિંગર-એક્ટર મેડોના આવી ત્યારે શાહરુખ પોતાના સ્ટેપ્સ ભૂલી ગયા હતા.

35) 'આમિર, સલમાન, શાહરુખ' નામની એક હિન્દી કૉમેડી ફિલ્મ બનાવવામાં આવી હતી.

Image copyright Getty Images

તેમાં આમિર, સલમાન અને શાહરુખના ડુપ્લિકેટ્સે ભૂમિકા ભજવી હતી.

36) ત્રણેય ખાન-આમિર, સલમાન અને શાહરુખનો જન્મ 1965માં થયો છે.

આમિર માર્ચ, શાહરુખ નવેમ્બર અને સલમાન ડિસેમ્બર-1965માં જન્મ્યા હતા.

37) 1993ની ફિલ્મ 'પહેલા નશા'માં શાહરુખ, આમિર અને સૈફ અલી ખાને મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી.

આશુતોષ ગોવારીકરની દિગ્દર્શક તરીકેની એ પહેલી ફિલ્મમાં જુહી ચાવલા અને રાહુલ રોયે મુખ્ય પાત્રો ભજવ્યાં હતાં.

એ ફિલ્મના એક જ દૃશ્યમાં આમિર અને શાહરુખ સાથે જોવા મળ્યા હતા.

38) શાહરુખ બેંગલુરુમાં તેમના નાના-નાની સાથે રહેતા હતા ત્યારે એક્ટર મહેમૂદ તેમના પાડોશી હતા.

39) શાહરુખને આ ઉંમરે પણ રમકડાંનો બહુ શોખ છે.

Image copyright Getty Images

40) શાહરુખના પપ્પા ઘરમાં હિંદકો બોલી બોલતા હતા, જે પાકિસ્તાનના પંજાબીઓની બોલી છે.

41) શાહરુખે તેમની સૌપ્રથમ ટેડ ટોક 2017માં કેનેડાના વાનકુંવરમાં આપી હતી.

ટેડ મીડિયા હિન્દી શો 'નયી સોચ' નામે આવ્યું અને તેને શાહરુખે હોસ્ટ કર્યું.

42) ''અપ, ક્લૉઝ ઍન્ડ પર્સનલ વિથ પીઝેડ'' નામના ટીવી શોમાં શાહરુખે તેમણે બાળક તરીકે ઉચ્ચારેલા પહેલા શબ્દની વાત કરી હતી.

એ શબ્દ હતો-ચંપા. એ નામનાં મહિલા શાહરુખનાં ઘર પાસે રહેતાં હતાં.

43) સ્કૂલમાં શાહરુખનું હિંદી નબળું હતું. એક ટેસ્ટમાં શાહરુખને 10માંથી 10 માર્ક્સ મળ્યા ત્યારે તેમની મમ્મી પહેલીવાર તેમને સિનેમા હોલમાં ફિલ્મ જોવાં લઈ ગયાં હતાં.

એ વખતે શાહરુખે દિલ્હીના વિવેક સિનેમામાં દેવ આનંદની ફિલ્મ 'જોશીલા' જોઈ હતી.

44) શાહરુખના જન્મની ઊજવણી નિમિત્તે તેમને ચાંદીનું ટબ ભેટમાં મળ્યું હતું.

45) ''Did Shahrukh'' એવા શબ્દો તમે ગૂગલમાં લખો ત્યારે ''did shahrukh die'', ''did shahrukh donate for peshawar'', ''did shahrukh clear IIT'' અને ''did shahrukh got national award'' વગેરે જેવા વિકલ્પો જોવા મળે છે.

Image copyright Getty Images

46) શાહરુખનાં પપ્પા અને બહેન ઘોડા ઉછેરતાં હતાં, પણ શાહરુખ ફિલ્મોમાં ઘોડેસવારી તથા ચુંબન કરવામાં મૂંઝવણ અનુભવે છે.

શાહરુખ તેમના ઇન્ટર્વ્યૂઝમાં જણાવી ચૂક્યા છે કે તેમનું અને તેમની બહેનનું નામ તેમના પપ્પાના ઘોડાનાં નામ પરથી રાખવામાં આવ્યું હતું.

47) 1998માં શાહરુખને ઝી સિનેનો બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

એ વખતે શાહરુખે સલમાન ખાનને સ્ટેજ પર બોલાવ્યા હતા અને પોતાને મળેલો ઍવૉર્ડ તેમને હવાલે કર્યો હતો.

એ વખતે શાહરુખે કહ્યું હતું કે ''હવે હું એક જેન્ટલમૅનને સ્ટેજ પર બોલાવી રહ્યો છું. તે મારા વતી બધાનો આભાર માનશે, કારણ કે તે (સલમાન ખાન) માને છે કે બધા ઍવૉર્ડ મને જ મળે છે, પણ તેમને નથી મળતા.''

48) ચંદ્ર પરના એક ખાડાને શાહરુખ ખાનનું નામ આપવામાં આવ્યું છે.

શાહરુખના દરેક જન્મદિવસે તેમનો એક પ્રશંસક લૂનર રિપબ્લિક સોસાયટી મારફત ચંદ્ર પર તેમના માટે થોડી જમીન ખરીદે છે.

ચંદ્ર પર કોઈ પણ વ્યક્તિ એક વખતે એકસાથે 40 એકર જમીન ખરીદી શકે છે.

ચંદ્ર પરના જમીનના પ્લૉટ્સનાં વેચાણમાંથી મળતા નાણાં લૂનર રિપબ્લિક સોસાયટીની એક યોજનાના ખાતામાં જાય છે.

એ ખાનગી યોજના ચંદ્ર પર માનવ આધારિત નિરીક્ષણ, વસાહત અને વિકાસ માટેની છે.

Image copyright Getty Images

49) બ્રિટનના નાઇટહૂડની સમકક્ષ ગણાતો મલેશિયાનો પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો હોય તેવા પહેલા ભારતીય મૂવી સ્ટાર શાહરુખ ખાન છે.

શાહરુખને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'લિજન ઑફ ઑનર' 2014માં આપવામાં આવ્યો હતો. 2005માં શાહરુખને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

શાહરુખને એડિનબર્ગ યુનિવર્સિટીએ ડૉક્ટરેટની માનદ પદવી પણ આપી છે.

50) 2004માં શાહરુખ ટાઇમ મેગેઝીનના મુખપૃષ્ઠ પર એશિયાના 40 વર્ષથી ઓછી વયના એશિયાના હીરો તરીકે ચમક્યા હતા.

51) અમેરિકાના પ્રતિષ્ઠિત મૅગેઝિન ન્યૂઝવીકે 2008માં શાહરુખને વિશ્વના 50 સૌથી વગદાર લોકોમાં 41મું સ્થાન આપ્યું હતું.

એ યાદીમાં બરાક ઓબામા ટોચ પર હતા, જ્યારે કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી 17મા ક્રમે હતાં.

52) શાહરુખે તેમની ફિલ્મોના ગીતોમાં હાથ ફેલાવીને નજીક બોલાવતા હીરો તરીકે ખ્યાતિ મેળવી છે.

શાહરુખે ઘણાં ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું છે કે કોઈક ક્યારેક મારા હાથ કાપી નાખશે એવો ભય મને સતત લાગ્યા કરે છે.

53) શાહરુખ ખાનનાં પુત્રી સુહાના 'વોગ'ના કવર પર ચમક્યાં છે, એ અંકનું વિમોચન ખુદ શાહરુખે જ કર્યું હતું.

(શાહરુખ ખાનના 52મા જન્મદિવસે પ્રકાશિત આર્ટિકલની સંવર્ધિત આવૃત્તિ)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા