'ભારતમાં કદાચ અમદાવાદની જ જેલ એવી છે, જ્યાં આવે છે હીરા'

  • પ્રશાંત દયાળ
  • બીબીસી ગુજરાતી માટે
કામ કરતા કેદીઓ

ઇમેજ સ્રોત, Prashant dayal

અનેક જેલોમાં કેદીઓને તાલીમ આપવામાં આવે છે. જેથી તેઓ સજા દરમિયાન અને સજા કાપ્યા પછી પગભર થઈ શકે.

અમદાવાદની સાબરમતી સ્થિત સેન્ટ્રલ જેલમાં કેદીઓને પગભર કરવા માટે હીરા ઘસવાની તાલીમ આપવામાં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે:

સાબરમતી જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રેમવીરસિંગના જણાવ્યા પ્રમાણે, કદાચ સાબરમતી જેલ જ દુનિયાની એકમાત્ર એવી જેલ છે જ્યાં આ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય.

2100 કેદીઓની ક્ષમતા સામે અહીં 3000 જેટલા કેદીઓ રહે છે. તેમની પ્રોડક્ટ્સ 'જેલ ઉદય'ના નામથી સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે.

આમ આવે છે હીરા...

ઇમેજ સ્રોત, Prashant dayal

શહેરના નિકોલ વિસ્તારમાં હીરાની ફેકટરી ધરાવતા રાજુ પટેલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યુ હતું, "મને વિચાર આવ્યો કે, સાબરમતી જેલના કેદીઓ બધા જ પ્રકારના કામ કરતા હોય તો હીરા ઘસવાનું કામ કરે તો કેવું?"

પ્રેમવીરસિંગના કહેવા પ્રમાણે, જેલના કેદીઓને તાલીમ આપવા માટે હીરા ઘસવાની ઘંટીની જરૂર હતી.

ઓએનજીસીએ રૂપિયા પાંચ લાખની કિંમતની એક એવી ત્રણ ઘંટીઓ સ્પોન્સર કરતા કામ આગળ વધી શક્યું હતું.

જેલના અધિકારીઓની મંજૂરી બાદ રાજુભાઈએ 15 કેદીઓને હીરા ઘસવાની તાલીમ આપી હતી.

રાજુ પટેલ રોજ સવારે જેલના દરવાજે કાચા હીરા આપી જાય છે અને સાંજે તૈયાર હીરા લઈ જાય છે.

એક પણ હીરાની ચોરી નહીં

ઇમેજ સ્રોત, Prashant dayal

સામાન્ય રીતે કેદીને જેલના નિયમ પ્રમાણે મહિને 1200 રૂપિયા પગાર મળે છે.

જ્યારે હીરા ઘસવાનું કામ કરતા કેદીઓ મહીને પાંચથી છ હજાર રૂપિયા કમાઈ લે છે.

જે કેદીઓ હીરા ઘસવાનું કામ કરે છે તેમાં એક કેદી માંગીલાલ જૈન પણ છે.

2002નાં અમદાવાદના ગુલબર્ગકાંડમાં તેમને જન્મટીપની સજા થયેલી છે.

માંગીલાલ નાનકડી હીરા ફેક્ટરીના મેનેજર તરીકેની જવાબદારી સંભાળે છે.

હીરાની આવક-જાવકનો હિસાબ અને પગારની ગણતરી તેઓ કરતા હોય છે.

માંગીલાલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે મહિને લગભગ દસ લાખના હીરાનું કામ જેલમાં થાય છે. સામે હજુ સુધી એક પણ હીરો ચોરાયો કે ગુમ નથી થયો.

ટીળક બેરેક

ઇમેજ સ્રોત, Prashant dayal

દેશમાં આઝાદીની લડતના મંડાણ થઈ ગયા હતા. હજી મહાત્મા ગાંધી ભારત આવ્યા નહોતા.

દેશના વિભન્ન ભાગમાં સ્વતંત્રતાની લડત શરૂ થઈ ચુકી હતી.

1908માં અંગ્રેજ સરકારે દ્વારા બાળ ગંગાધર ટીળકની ધરપકડ કરી હતી.

તેમને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.

ટીળકને જે બેરેકમાં રાખવામાં આવ્યા હતા, તેને 'લોકમાન્ય ટીળક યાર્ડ' એવું નામ આપવામાં આવ્યું છે.

આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી તથા સરદાર પટેલને પણ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.

તેમના નિવાસની કોટડીઓને 'ગાંધી બેરેક' તથા 'પટેલ બેરેક'ના નામથી ઓળખવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો