બ્લૉગઃ ફેસબુકની ફ્રેન્ડ રિક્વેસ્ટને સતામણી ગણી શકાય?

  • સિકંદર કિરમાની
  • બીબીસી ન્યૂઝ, પાકિસ્તાન
શરમીન ઓબૈદ ચિનોયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શરમીન ઓબૈદ ચિનોયની ફિલ્મો આંતરારાષ્ટ્રીય સ્તરે પ્રસંશા મેળવી છે

પાકિસ્તાનમાં એક ફિલ્મમેકરે એવો પ્રશ્ન પૂછી ચર્ચા છેડી છે કે ફેસબુકની ફ્રેન્ડ રિક્વેસ્ટને સતામણી ગણી શકાય?

ઑસ્કાર એવોર્ડ વિજેતા પાકિસ્તાની ફિલ્મમેકર શરમીન ઓબૈદ ચિનોયે તેમની બહેન સાથે ઘટેલી એક ઘટના અંગે ટ્વીટ કરતાં આ ચર્ચા શરૂ થઈ હતી.

શરમીનના બહેનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સારવાર બાદ ડૉક્ટરે તેમના બહેનને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.

આ ઘટના અંગે શરમીને ટ્વિટર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. બાદમાં સોશિઅલ મીડિયા પર સતામણીની વ્યાખ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

શરમીન ઓબૈદ-ચિનોયે ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટની ગણતરી 'સતામણી' તરીકે કરી હતી. તેના પર ઘણાં પાકિસ્તાઓનીઓએ દલીલ કરી કે તે વધુ પડતાં આવેશમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

બીજી તરફ ઘણાં લોકો તેનું સમર્થન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્ત્રીદ્વેષીઓ આવી પ્રતિક્રિયાને વખોડી રહ્યાં છે.

શરમીનનો વિરોધ કરનારા લોકો પૈકીના અલી મોઇન નવાઝિશ નામના પત્રકારે તેમના ફેસબુક પેઇજ પર લખ્યું હતું કે, સોશિઅલ મીડિયા પરની ફ્રેન્ડ રિક્વેસ્ટને સતામણીમાં ખપાવવી એ 'ગેરવાજબી' બાબત છે.

તેઓ ઉમેરે છે, "હવે શું? પેન માગવી એ પણ સતામણી ગણાશે અને ત્રણેક સેકન્ડ માટે કોઈને જોવું એ પણ સતમાણી ગણાશે?"

"આ વાત સતામણીના અસલી પીડિતોની અવગણના કરી રહી છે."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શરમીનાના નિવેદનોએ સોશિઅલ મીડિયા પર મોટી ચર્ચા જગાવી હતી

આ પત્રકારે તેમની પોસ્ટના અંતમાં લખ્યું હતું કે શરમીન 'પાકિસ્તાનને શરમ અનુભવાય' તેવી પરિસ્થિતિમાં મૂકી રહ્યા છે.

નવાઝિશે બાદમાં દાવો કર્યો હતો કે આ વિવાદને લગતા ટ્વીટ્સના કારણે ડૉક્ટરને બરતરફ કરવામાં આવ્યા હતા.

જોકે, અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે કરાચીની આગા ખાન યુનિવર્સિટી હૉસ્પિટલમાંથી તે ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આંતરિક તપાસ શરૂ કરવામાં આવશે.

'ઑનર કીલિંગ' અને એસિડ એટેકનો ભોગ બનેલા લોકો પર ડૉક્યુમૅન્ટ્રી ફિલ્મ બનાવીને શરમીન ચર્ચામાં આવ્યાં હતાં. ભૂતકાળમાં પણ તેમના પર આવા આરોપો લાગ્યા હતા.

પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં વર્તમાન સમયમાં પ્રવર્તતા સ્ત્રી અત્યાચારોને ખુલ્લા પાડવાના કામના કારણે તેઓ 'દેશદ્રોહી' છે તેવા આરોપ પણ તેમના પર ઘણીવાર લગાવવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ શરમીન પર લાગ્યો હતો

તેમની ટ્વીટ્સે તે ચર્ચાના ફરી વેગ આપ્યો હતો જેમાં તેમના પર વારંવાર આરોપ લગાવવામાં આવતો હતો કે તેઓ દેશની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડી રહ્યાં છે.

'અયોગ્ય પરિવારમાં અયોગ્ય મહિલા' આવી કહેવતનું ઉદાહરણ શરમીને આપ્યું હતું, તેનો સંદર્ભ લઈ કેટલાંક લોકોએ તેમને વર્ચસ્વવાદી કહ્યાં હતાં.

જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા આપી હતી કે, તેમના પરિવારની તમામ મહિલાઓ સબળ છે અને તેમનો કહેવાનો અર્થ વિશેષાધિકાર કે સત્તા બાબતે નહોતો.

જોકે, આ સ્પષ્ટતાના બાદ પણ પાકિસ્તાનીઓ ટ્વિટર પર શાંત નહોતા થયા. અન્ય કોઈ પુરુષ સાથેની તેમની તસવીરો પોસ્ટ કરી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓ દંભ કરી રહ્યા છે.

શરમીનને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે માટે ફેસબુક પેઇજ પણ શરુ કરવામાં આવ્યાં હતાં.

ઘણાં પુરુષો અને મહિલાઓએ સોશિઅલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો હતો કે ફ્રેન્ડ રિક્વેસ્ટને સતામણી ગણવી કે નહીં?

જોકે, શરમીન ઓબૈદ ચિનોયને વર્તમાનપત્રોની કટારમાં અને સોશિઅલ મીડિયા પર તેમને થોડું સમર્થન પણ મળ્યું હતું.

પાકિસ્તાની લેખક બીના શાહે પણ શરમીનનો બચાવ કર્યો હતો. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મમેકર પર થયેલા કટાક્ષ અને અપમાન વિશે જાણીને તેમને આશ્ચર્ય નહોતું થયું.

તેમણે કહ્યું, "પુરુષપ્રધાન વ્યવસ્થા સામે લડવાનો પ્રયત્ન કરો, એટલે તરત જ તમને વિરોધીઓની પ્રતિક્રિયા મળે જ."

શરમીને બાદમાં કરેલી પોસ્ટમાં લખ્યું હતું, "મહિલાઓની સુરક્ષા, મહિલાઓ વિરુદ્ધની અનૈતિક પ્રવૃત્તિઓ અને સતામણી અંગે શરૂ થયેલી આ ચર્ચા ફંટાઈને અન્ય મુદ્દાઓ પર પહોંચી ચૂકી છે."

તમને આ પણ વાંચવું ગમશે

શરમીને નિવેદન આપ્યું છે કે, તે ડૉક્ટરે તેમનાં બહેનનું ખાનગીમાં ચેક-અપ પણ કર્યું હતું. તેમની બહેનના ફેસબુક ફોટોગ્રાફ્સ પર તેણે કૉમેન્ટ્સ પણ કરી હતી.

તેઓ કહે છે કે તેમને ફેસબુક પર અવાંછિત લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ અવારનવાર આવતી રહે છે, પરંતુ આ ઘટનામાં ડૉક્ટર અને દર્દી વચ્ચેના વિશ્વાસનો ગંભીર રીતે ભંગ કરવામાં આવ્યો છે.

'ધ પાકિસ્તાન મેડિકલ એન્ડ ડૅન્ટલ કાઉન્સિલ'એ બીબીસી સાથેની વાતચીતમાં તેમની માર્ગદર્શિકાની ઉલ્લેખ કર્યો હતો.

જેમાં સોશિઅલ મીડિયાનો વિશેષપણે ઉલ્લેખ નથી, પરંતુ તેમાં કહેવાયું છે કે દર્દી, દર્દીના પતિ-પત્ની સાથે ભાવનાત્મક કે શારીરિક રીતે સંબંધો માટે વ્યાવસાયિક હોદ્દાનો ઉપયોગ ક્યારેય ન થવો જોઈએ.

આ સમગ્ર વિવાદમાં કેન્દ્રસ્થાને છે તે ડૉક્ટરનું નામ જાહેર નથી કરવામાં આવ્યું.

અહેવાલોમાંથી મળતી માહિતી અનુસાર તેમને કરાચની અન્ય હૉસ્પિટલમાંથી નોકરીના પ્રસ્તાવ આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો