કોંગ્રેસ ઇચ્છે તો હાર્દિકની માંગ પર પાટીદારોને અનામત આપી શકે?

  • જયદીપ વસંત
  • બીબીસી ગુજરાતી

પાટીદાર નેતા હાર્દિક પટેલે ઓબીસી ક્વોટામાં અનામતની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું.

બે વર્ષના આંદોલન બાદ ચૂંટણીઓ પૂર્વે હાર્દિકે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

જુલાઈ 2015માં પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આંદોલન શરૂ થયું.

25મી ઓગસ્ટ 2015ના દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સાથે આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

આંદોલન દરમિયાન 12 પાટીદાર આંદોલનકારીઓનાં મૃત્યુ થયાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

ઓબીસીમાં સમાવેશ મુશ્કેલ

ઇમેજ કૅપ્શન,

જુલાઈ 2015થી પાટીદાર અનામત આંદોલને વેગ પકડ્યો

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો પાટીદાર તથા અન્ય આર્થિક રીતે પછાત વર્ગોને 20 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.

પાટીદારોની માંગ અંગે અમે રાજકીય વિશ્લેષક ગૌરાંગ જાની સાથે વાત કરી હતી.

જાની કહે છે, "અનામત આંદોલન શરૂ કર્યું ત્યારે હાર્દિક પટેલની માંગ હતી કે પાટીદાર સમુદાયને ઓબીસીમાં સમાવિષ્ટ કરવામાં આવે."

"સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 50 ટકાથી વધુ જ્ઞાતિ આધારિત અનામત આપી ન શકાય. હાલમાં લગભગ 49 ટકા જેટલું અનામત અપાયું છે, આથી જ્ઞાતિ આધારિત અનામત મળે તેની શક્યતા નહિવત્ છે. "

ગૌરાંગ જાનીના કહેવા પ્રમાણે, "પાટીદારોને અન્ય પછાત સમુદાયમાં સમાવિષ્ટ કરવા હોય તો અન્ય પછાત વર્ગના કમિશન દ્વારા સરવે હાથ ધરવો પડે. "

આ પ્રકારની કવાયતમાં ઘરેઘરે જઈને અનામતી માંગ કરનારા સમુદાયનું આર્થિક અને શૈક્ષણિક પછાતપણું તપાસવામાં આવે છે.

"કોંગ્રેસ દ્વારા પાટીદારોને ઓબીસીમાં સમાવિષ્ટ કરવાની હાર્દિક પટેલની માંગને હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવે તેવી શક્યતા નહિવત્ છે."

આર્થિક અનામત પણ મુશ્કેલ

ઇમેજ કૅપ્શન,

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ મહત્તમ 50 ટકા અનામત આપી શકાય

પાટીદાર આંદોલન બાદ ગુજરાતની ભાજપ સરકારે તેમનો આક્રોશ શાંત પાડવા સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જાહેરાત કરી હતી.

આર્થિક પછાતપણાંને આધાર બનાવીને આર્થિક રીતે નબળાં સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું.

પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ જાહેરનામાને 'ગેરકાયદેસર' તથા 'ગેરબંધારણીય' ઠેરવી દસ ટકા અનામત રદ કર્યું હતું.

સાથે હાઈકોર્ટે નોંધ્યું હતું કે અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનો પણ ભંગ થઈ રહ્યો છે.

2019 સુધી ગજગ્રાહ ચાલુ રહે

ઇમેજ કૅપ્શન,

કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી અનામત આપવામાં આવે તો પણ 2019 સુધી ગજગ્રાહ ચાલુ રહે

જાની કહે છે કે જો હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપવું હોય તો કઈ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ દ્વારા આમ કરવું શક્ય બનશે તેની ખાતરી મેળવવી પડે.

"જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને અને પાટીદારોને અનામત આપવાની જાહેરાત કરવામાં આવે તો પણ તેના અમલમાં મુશ્કેલીઓ ઊભી થશે."

"કેન્દ્રમાં ભાજપની સરકાર છે. જેનો કાર્યકાળ 2019 સુધીનો છે. ઉપરાંત રાજ્યસભામાં પણ એનડીએની બહુમતી છે. જેથી કરીને કાયદાકીય ગૂંચ ઊભી થઈ શકે છે."

જાની ઉમેરે છે કે હાલમાં કોંગ્રેસ જાહેરાત તો કરી શકે છે, પણ તેનો અમલ કોંગ્રેસ સત્તા પર આવે તો કરવાનો થાય. એટલે અત્યારે જાહેરાત કરવામાં કોઈ વાંધો ન હોય તે સ્વાભાવિક છે.

હાર્દિકે શાખ બચાવવાની

ઇમેજ કૅપ્શન,

ગુજરાત સરકારે સવર્ણોને આપવામાં આવેલું આર્થિક આધાર પરનું અનામત રદ કરી દીધેલું

પાટીદાર સમુદાયમાંથી હાર્દિક સામે સૂર ઉઠવા લાગ્યા છે.

આથી હાર્દિકે જો કોંગ્રેસની સાથે જવું હોય તો કોઈ મોટી અને આકર્ષક જાહેરાત કરી પડે.

કોંગ્રેસે ચૂંટણીઓમાં વિજય બાદ પાટીદાર તથા આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગોને 20 ટકા અનામત આપતો ખરડો વિધાનસભામાં રજૂ કરવાની જાહેરાત કહી છે.

આમ કરવાથી હાલની 49.5 ટકાની ટોચ મર્યાદાને કોઈ અસર નહીં થાય તેવું કોંગ્રેસનું કહેવું છે.

ગૌરાંગ જાનીના કહેવા પ્રમાણે, "હાર્દિક પટેલ સભાઓ ગજવી શકે છે, તેને સાંભળવા માટે લોકો ઉમટી પડે છે, પરંતુ સ્વતંત્ર રીતે ઊભા રહીને વોટ મેળવા મુશ્કેલ છે."

કોંગ્રેસને અલ્પેશ ઠાકોરના સ્વરુપે યુવા ઓબીસી નેતા મળ્યા છે.

જો હાર્દિકની માંગો સ્વીકારવામાં આવે તો યુવા પાટીદાર નેતા પણ કોંગ્રેસને મળે તેમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો