બ્લૉગ: ગુજરાતમાં કોંગ્રેસ પર દાવ ખેલવા કોઈ તૈયાર નથી?

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા
ઇમેજ કૅપ્શન,

'ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર થશે તેમાં કોઈ શંકા નથી'

કેટલીક સ્પેશ્યલ સ્ટોરીઝ કરવા માટે મેં આ વર્ષના એપ્રિલમાં ગુજરાતના ઘણાં વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો.

એ સમયે વિધાનસભાની ચૂંટણી ઘણી દૂર લાગતી હતી, પણ એ ડિસેમ્બરમાં યોજાશે એ બધા જાણતા હતા.

તેમ છતાં ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના પ્રમુખ અમિત શાહે અમદાવાદમાં પક્ષના કાર્યકરોની રેલીઓ યોજીને ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું હતું.

વાસ્તવિકતાને ધ્યાનમાં લઈને કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરવાનો સ્પષ્ટ સંદેશો લઈને જિલ્લા તથા તાલુકા સ્તરના અનેક નેતાઓ તેમના ગામમાં પાછા ફર્યા હતા.

એ પૈકીના કેટલાકે મને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી માટે ખુદને તૈયાર કરી રહ્યા છે. બીજી તરફ બીજેપીના કટ્ટર પ્રતિસ્પર્ધી કોંગ્રેસની છાવણીમાં સુસ્તી જણાતી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

પ્રતિસ્પર્ધી છાવણીઓમાં જોવા મળેલા ઉત્સાહ અને અસ્વાભાવિક સ્તબ્ધતાના વિરોધાભાસી મૂડની નોંધ મેં લીધી હતી.

હું કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને મળ્યો હતો. તેઓ એવું સૂચવતા હતા કે ચૂંટણીની તૈયારી માટે ઘણો સમય બાકી છે.

જોકે, બીજેપીના વિધાનસભ્યોએ મને એવો સંકેત આપ્યો હતો કે ચૂંટણીનો સમય આવી પહોંચ્યો છે અને તેઓ તેમના મતવિસ્તારોમાં ટૂંક સમયમાં ચૂંટણીનું કામકાજ શરૂ કરી દેશે.

ઇમેજ કૅપ્શન,

'ગુજરાતમાં સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ માટે 92 વિધાનસભ્યો જરૂરી છે'

182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે એ હવે આપણે બધા જાણીએ છીએ.

ગુજરાતમાં સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ માટે 92 ઘારાસભ્યો જરૂરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર થશે તેમાં કોઈ શંકા નથી.

તેમ છતાં શાસક બીજેપી ગુજરાતમાં ફરી સરકાર રચશે એવી શક્યતા વધારે હોવાની લાગણી પ્રવર્તી રહી છે.

બીજેપીએ એપ્રિલ મહિનામાં જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. તેથી બીજેપી આગળ રહે એ શક્ય છે.

બીજેપીનો આત્મવિશ્વાસ મજબૂત હોવાનું કારણ છે. કારણ એ છે કે બીજેપીની ચૂંટણી વ્યવસ્થા રાજ્યમાં ઊંડે સુધી પ્રસરેલી છે, જ્યારે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં તેની ઑફિસો ગોઠવવામાં વ્યસ્ત છે.

ગુજરાતમાં 1990થી જનતા પાર્ટી સાથે બીજેપી સત્તામાં હતી અને 1995થી બીજેપી એકલાહાથે સત્તા પર છે.

ઇમેજ કૅપ્શન,

'ગુજરાતમાં વર્ષ 1995થી બીજેપી એકલાહાથે સત્તા પર છે'

ગુજરાતમાંથી બીજેપીને ઉખેડી ફેંકવા માટે કોંગ્રેસ અને યુવાન દલિત નેતા જિગ્નેશ મેવાણી તથા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર જેવા તેના સાથીઓએ આકરી મહેનત કરવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગુજરાતના ચૂંટણી જંગમાં નહીં હોય, પણ તેઓ બીજેપી માટે હુકમનો એક્કો છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સૌથી વધુ લોકપ્રિય નેતા છે.

એક રાષ્ટ્રીય મીડિયાએ કરેલા સર્વેક્ષણના તારણ અનુસાર, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું રેટિંગ 66 ટકા જેટલું ઊંચું છે.

બીજેપીએ 150 બેઠકો જીતવાના મિશનની જાહેરાત કરી દીધી છે. જોકે, ચૂંટણીની તૈયારી વહેલી શરૂ કરી હોવા છતાં બીજેપી માટે એ કપરા ચઢાણ જેવું લાગે છે.

રાજકીય નિરીક્ષકો માને છે કે બીજેપીએ 2012માં 116 બેઠકો પર વિજય મેળવ્યો હતો. બીજેપી 116 બેઠકો જાળવી રાખશે તો પણ વર્તમાન રાજકીય વાતાવરણમાં એ ઓછી સિદ્ધિ નહીં ગણાય.

ઇમેજ કૅપ્શન,

વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 116 બેઠકો પર વિજય મળ્યો હતો

ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહની હોમ પીચ છે એ હકીકતને ધ્યાનમાં લેતાં બીજેપી 116થી ઓછી બેઠકો જીતશે તો પણ એ તેમનો પરાજય ગણાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની વ્યક્તિગત પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.

ચૂંટણીના પરિણામને નરેન્દ્ર મોદીના નોટબંધી તથા ગૂડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) જેવા મોટા સુધારા વિશેના ચૂકાદા તરીકે પણ જોવામાં આવશે.

બીજેપીનું દીર્ઘ શાસન ચૂંટણી પછી ચાલું રહી શકે છે, પણ તેમાં અગાઉ જેવી ચમક નહીં હોય. બીજેપી વાસ્તવમાં કપરા પડકારનો સામનો કરી રહી છે. સૌથી મોટો પડકાર પક્ષ અને તેની સરકાર સંબંધી છે.

તાજેતરની ઘણી ચૂંટણીમાં બીજેપીએ 'આર્થિક વિકાસના ગુજરાત મૉડલ'ને દર્શાવવાનો પ્રયાસ વારંવાર કર્યો હતો.

ઇમેજ કૅપ્શન,

'નરેન્દ્ર મોદીને તેમના ટેકેદારો તેમને 'વિકાસ પુરુષ' કહે છે'

ગુજરાત મોડેલને મુખ્ય પ્રધાન તરીકેની નરેન્દ્ર મોદીની સફળતાની કથા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. નરેન્દ્ર મોદીને તેમના ટેકેદારો પ્રેમથી 'વિકાસ પુરુષ' કહે છે.

નોટબંધી અને જીએસટીના મુદ્દે લોકોની નારાજગીને જાણતા બીજેપીના નેતાઓ ગુજરાત મૉડલનું ગુણગાન હવે કરતા નથી.

તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ અને રોજગારની વાતો હવે નથી કરતા. લોકોના જીવન પર તેની સીધી અસર થઈ છે.

ખાસ કરીને નાના વેપારીઓ તથા બિઝનેસમેનો જેવા બીજેપીના પરંપરાગત ટેકેદારો નરેન્દ્ર મોદીના નોટબંધીના 'તિકડમ' અને જીએસટી સુધારાથી રાજી નથી.

નરેન્દ્ર મોદીએ તેમની તાજેતરની ગુજરાતની મુલાકાતોમાં બીજેપીને ફરી સત્તા પર લાવીને ગુજરાતી ગૌરવનું રક્ષણ કરવાની હાકલ મતદારોને કરી હતી.

તેઓ વ્યકિતગત મતદારોને બદલે આખેઆખી જ્ઞાતિઓને બીજેપી માટે મતદાન કરવા જણાવતા હોય એવું લાગે છે.

ઇમેજ કૅપ્શન,

'રાહુલ ગાંધી ગુજરાતની તાજેતરની મુલાકાત દરમ્યાન ઉત્સાહિત જણાયા હતા'

ભાવનાસભર અપીલ નરેન્દ્ર મોદી માટે અગાઉ ફળદાયી પુરવાર થઈ છે અને આ વખતે પણ ફળદાયી સાબિત થઈ શકે છે.

અલબત, એ માટે અમિત શાહના ગણિત અને ગુજરાતનાં મતદારો સાથેનાં નરેન્દ્ર મોદીનાં વ્યક્તિગત જોડાણની જરૂર પડશે.

બીજો પડકાર કોંગ્રેસ તરફથી આવે એવી શક્યતા જણાય છે. કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થઈ રહી હોવાનું કહેવાય છે. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની તાજેતરની મુલાકાત દરમ્યાન ઉત્સાહિત જણાયા હતા.

રાહુલ ગાંધી નરમ હિંદુત્વ અને રાજકીય આક્રમકતાના સંયોજનનો ઉપયોગ કરીને બીજેપીનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તે રાજ્ય સરકારની કામગીરીને કંગાળ ગણાવી રહ્યા છે અને તેની ઝાટકણી કાઢી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધી મંદિરોની મુલાકાત અને પૂજામાં ભાગ લેતા જોવા મળે છે.

ઇમેજ કૅપ્શન,

'રાહુલ ગાંધીને બાદ કરતાં લોકોને એકઠા કરી શકે તેવો કોઈ કોંગ્રેસી નેતા ગુજરાતમાં નથી'

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને સર્વગ્રાહી આર્થિક વિકાસના મુદ્દે રાજ્ય સરકારની કામગીરી સામે રાહુલ ગાંધી સવાલ પણ ઉઠાવી રહ્યા છે.

નોટબંધી અને જીએસટીની અંધાધૂંધીનો ભોગ બનેલા લોકોને સાંત્વન આપવાના પ્રયાસ તેઓ કરી રહ્યા છે. કોંગ્રેસ કોઈ ભૂલ કરે અને ટૂંક સમયમાં ભૂલ કરે તેવી આશા બીજેપીને રહેશે.

કોંગ્રેસ પાર્ટી તેની પોતાની સમસ્યાઓથી ઘેરાયેલી છે. રાહુલ ગાંધીને બાદ કરતા લોકોને એકઠા કરી શકે તેવો કોઈ કોંગ્રેસી નેતા ગુજરાતમાં નથી.

ગુજરાત કોંગ્રેસમાં ખાસ એકતા ન હોવાનું કહેવાય છે. ફરી બેઠી થઈ રહેલી કોંગ્રેસ બાબતે બીજેપી સાશંક લાગે છે, પણ તેના કેટલાક નેતાઓ માને છે કે કોંગ્રેસના મીડિયા ચગાવી રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

બીજેપી વધુ એક પડકારનો સામનો કરી રહી છે. એ છે હાર્દિક પટેલનું અનામત આંદોલન. એ આંદોલનને કારણે બીજેપીના પરંપરાગત પાટીદાર ટેકેદારોમાં ગાબડું પડી શકે છે.

પાટીદાર આંદોલન સાથે કામ પાર પાડવામાં બીજેપી આકરી મહેનત કરી રહી છે. હાર્દિક પટેલની નજીકનું જૂથ તોડવામાં અને તેના કેટલાક ભૂતપૂર્વ સાથીઓને પક્ષમાં સમાવવામાં બીજેપી સફળ થઈ છે.

કડવા પટેલોના મતનો પ્રભાવ બહુ ઓછી બેઠકો પર પડી શકે તેમ છે.

આથી, બીજેપીનું ગણિત હાર્દિક પટેલને એકલા પાડી દઈને તેમનો પ્રભાવ કડવા પટેલો પૂરતો મર્યાદિત રાખવાનું છે.

ઇમેજ કૅપ્શન,

'બીજેપીનું ગણિત હાર્દિક પટેલને એકલા પાડી દઈને તેમનો પ્રભાવ કડવા પટેલો પૂરતો મર્યાદિત રાખવાનું છે'

હાર્દિક પટેલ કોંગ્રેસને ટેકો આપે તો પણ પોતાને ખાસ અસર નહીં થાય એવું બીજેપી માને છે.

અત્યારે અને ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે ત્યાં સુધીમાં ઘણું થશે, પણ આ ચૂંટણીમાં બીજેપી હારશે એવું કોઈ પણ દૃષ્ટિએ વિચારીએ તો જણાતું નથી. 2012ની ચૂંટણીમાં બીજેપીનો વોટ શેર 48 ટકા હતો.

તેમાં આ વખતે ઘટાડો થાય અને બીજેપી જીતી જાય, પણ તેને જંગી વિજય ન મળે એ શક્ય છે.

નક્કર હકીકત એ છે કે આ તબક્કે કોંગ્રેસ પર દાવ ખેલવા કોઈ તૈયાર નથી. કમસે કમ અત્યાર સુધી તો નહીં જ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો