પ્રેસ રિવ્યૂ: એક્ટર કમલ હાસનના લેખથી વિવાદ

કમલ હસન

ઇમેજ સ્રોત, Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર કમલ હાસને એક લેખમાં હિંદુ આતંકવાદનો ઉલ્લેખ કર્યો છે.

કમલ હાસને કહ્યું છે કે કોઈ એમ નહીં કહી શકે કે દેશમાં હિંદુ આતંકવાદની સ્થિતિ નથી. આ ઉપરાંત અહેવાલમાં જણાવ્યા અનુસાર કમલ હાસને કેરળ સરકારની પ્રશંસા કરી છે.

આ અહેવાલમાં ભાજપે પોતાની પ્રતિક્રિયામાં કમલ હાસનની હાફિઝ સઇદ સાથે સરખામણી કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં કહેવાયું છે કે કમલ હાસને એક તમિલ મેગેઝિનમાં આ કૉલમ લખી છે. જેમાં તેમણે જમણેરી લોકો હવે હિંસા કરતા હોવાનું કહ્યું છે.

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ કમલ હાસને કહ્યું છે કે હવે જમણેરીઓએ મસલ પાવરનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

નિર્ભયાના ભાઈને રાહુલનો સહારો

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ 2012ના બહુચર્ચિત ગેંગરેપ કેસની પીડિતા નિર્ભયાના ભાઈને રાહુલે ભણાવ્યો છે.

આ વાત નિર્ભયાના માતા-પિતાએ કરી છે. તેમણે કહ્યું છે કે રાહુલની મદદથી જ અત્યારે નિર્ભયાના ભાઈએ કમર્શિઅલ પાઇલટની તાલીમ પૂરી કરી છે.

સંદેશમાં છપાયેલા અહેવાલ અનુસાર રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી અને વાડરા પણ તેમના પરિવારને વખતોવખત ફોન કરી ખબરઅંતર પૂછતા હતા.

આ અહેવાલ મુજબ નિર્ભયાનો નાનો ભાઈ હાલ પુણેમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે.

આ અહેવાલમાં કહેવાયું છે કે નિર્ભયાની માતાએ તેમના પુત્રને પાઇલટ બનાવવા માટે રાહુલ ગાંધીનો આભાર માન્યો છે.

રાહુલની પાટીદારોના ગઢમાં સભા

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ આજે રાહુલ ગાંધીની સુરતના વરાછામાં સભા છે.

આ અહેવાલ મુજબ વરાછામાં ભાજપ પણ જાહેરસભા નથી કરી શક્તું ત્યાં પાસના મૂક સમર્થનથી રાહુલની આ સભા થઈ રહી છે.

આ સિવાય એ પણ કહેવાયું છે કે આજે કોર્ટની તારીખ હોવાથી હાર્દિક પણ સુરતમાં છે, પણ મુલાકાત નહીં થાય. પરંતુ આઈબીએ મુલાકાતની શક્યતા દર્શાવી છે.

અહેવાલ મુજબ સુરક્ષા માટે સ્ટેજની પાછળની દીવાલ તોડીને રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો