ક્યા રાજ્યમાં મહિલાઓ માટે સૌથી વધુ સલામત?

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓની સલામતીની બાબતમાં ગુજરાત દેશમાં સોળમા ક્રમે છે
'પ્લાન ઇન્ડિયા'ના સૌપ્રથમ 'જેન્ડર વલ્નરૅબ્લિટી ઇન્ડેક્સ રિપોર્ટ' અનુસાર મહિલાઓની સલામતીની બાબતમાં ગુજરાત દેશમાં સોળમા ક્રમે છે
મહિલાઓ માટે સૌથી વધુ અસલામત ગણાતા રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી બધા રાજ્યોથી મોખરે છે.
'કયું રાજ્ય મહિલાઓ માટે સૌથી વધુ સલામત છે? એ વિશે દેશમાં પહેલીવાર 30 રાજ્યોનું રૅન્કિંગ બહાર પાડવા આવ્યું છે.
આ રૅન્કિંગમાં મહિલાઓ માટે સૌથી વધુ સલામત રાજ્ય તરીકે ગોવા ટોચ પર છે. બીજા નંબરે કેરળ અને ત્રીજા નંબરે મિઝોરમ છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ રૅન્કિંગમાં બિહાર ત્રીસમા, દિલ્હી 29મા અને જમ્મુ-કશ્મીર વીસમા સ્થાને છે.
બાળ અધિકારો માટે કામ કરતી સંસ્થા 'પ્લાન ઇન્ડિયા'એ આ રૅન્કિંગ બહાર પાડ્યું છે.

સલામતી રૅન્કિંગ વિશે શું માને છે મહિલાઓ?

'હું એકલી ચાલવા જઈ શકતી નથી, કારણ કે હું છોકરી છું'
''મને રાતે ચાલવા જવાનું બહુ ગમે છે, પણ દિલ્હીમાં રહેતી હોવાથી રાતે ચાલવા વિશે વિચારી સુદ્ધાં શકતી નથી.
હું એકલી ચાલવા જઈ શકતી નથી, કારણ કે હું છોકરી છું. રેપનું જોખમ હંમેશા તોળાતું હોય છે. એટલે બે કલાક માટે હું મર્દ બનવા ઇચ્છું છું.''
આ શબ્દો હામિદા સઇદના છે. 20 વયની હામિદા મૂળ કશ્મીરની છે અને હાલ દિલ્હીની કૉલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.
હામિદાને દિલ્હીમાં જ ડર લાગે છે એવું નથી. એ કાશ્મીર જાય ત્યારે પણ તેને યુવતી હોવા બદલ અફસોસ થાય છે.
હામિદા માને છે કે ભારતમાં છોકરી તરીકે જન્મીને જીવવાનું મુશ્કેલ છે.
હામિદા કહે છે, ''મારો જન્મ થયો એના બે દિવસ સુધી મારી દાદીએ મારો ચહેરો નહોતો જોયો.
મારી માતાનાં ગર્ભાવસ્થાના નવ મહિના સુધી મારી દાદી એવું માનતી હતી કે મારી મમ્મીના ગર્ભમાં છોકરો વિકસી રહ્યો છે.''

મહિલાઓ માટે 'સલામત' હોવાનો અર્થ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક મહિલાઓ માનસિક અસલામતી પણ અનુભવે છે
દેશનાં બાકી રાજ્યોમાં મહિલાઓ માટે 'સલામત' હોવાનો અર્થ શું છે એ જાણવા માટે બીબીસીએ બીજાં કેટલાંક રાજ્યોની યુવતીઓઓ સાથે વાત કરી હતી.
બિહારના મુઝફ્ફરપુરમાં રહેતાં ઋચાએ કહ્યું હતું, ''માત્ર આપણા દેશમાં પૉર્નૉગ્રાફીને ખરાબ માનવામાં આવે છે, પણ પોર્ન સ્ટારને આપણે સેલિબ્રિટીનો દરજ્જો આપીએ છીએ.''
એમબીએનો અભ્યાસ કરતાં ઋચા કહે છે, ''હું વીસ વર્ષની થઈ ત્યારથી મારાં મમ્મી-પપ્પાએ મારાં લગ્નની વાત શરૂ દીધી હતી.
મારો ભાઈ મારાથી આઠ વર્ષ મોટો છે, પણ તેના લગ્નની વાત કોઈ નથી કરતું. તેથી હું પણ અસલામતી અનુભવું છું.''
તમને આ પણ વાંચવું ગમશે
બેંગ્લુરુમાં રહેતા ઐશ્વર્યા મહિલાઓ માટે માનસિક સલામતીને સૌથી વધુ મહત્વની ગણે છે.
ઐશ્વર્યાએ કહ્યું હતું, ''હું મોટેભાગે ઓફિસેથી મોડી રાતે ઘરે પરત આવું છું.
ઘર અને ઓફિસ વચ્ચેનું અંતર પગપાળા કાપી શકાય તેમ છે, પણ મોડી રાતે રસ્તા પર એકલી ચાલતી છોકરી વિશે લોકો ખોટું વિચારતા હોય છે.
તેથી હું માનસિક રીતે વધારે અસલામતી અનુભવું છું.''

શું હતો રૅન્કિંગનો માપડંદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગરીબી, સાક્ષરતા, આરોગ્ય અને સલામતી એમ ચાર માપદંડના આધારે રૅન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે
આ રૅન્કિંગ માટે મહિલાઓની સલામતીને વ્યાપક સંદર્ભમાં ધ્યાનમાં લેવામાં આવી હતી.
ગરીબી, સાક્ષરતા, આરોગ્ય અને સલામતી એમ ચાર માપદંડના આધારે દરેક રાજ્યમાં મહિલા સલામતીનું રૅન્કિંગ આપવામાં આવ્યું હતું.
દેશનાં અલગ-અલગ રાજ્યોમાં મહિલા સંબંધે કોઈ રૅન્કિંગ બહાર પાડવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ યાદી તૈયાર કરવા માટે કોઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું નહોતું.
પ્લાન ઇન્ડિયાનાં ડિરેક્ટર ભાગ્યશ્રી દેંગલે બીબીસીને જણાવ્યું હતું, ''મહિલાઓની સલામતી સાથે જોડાયેલા અલગ-અલગ માપદંડ માટે સરકારી આંકડા પ્રાપ્ય હતા."
એ આંકડાઓનો નિષ્ણાતો પાસે અભ્યાસ કરાવીને અમે રૅન્કિંગ બહાર પાડ્યું હતું. જેથી આ બાબતે કોઈ વિવાદ નહીં થાય.''
ભાગ્યશ્રીના જણાવ્યા અનુસાર, ''આ આંકડાથી બે લાભ છે.
પહેલો લાભ એ છે કે સરકારી યોજના બનાવતી વખતે ક્યાં ગડબડ થઈ રહી છે, ક્યાં, શું ખામી રહી જાય છે એ જાણી શકાય છે.
બીજો લાભ એ છે કે આ રૅન્કિંગમાં જે રાજ્યો મોખરે છે તેમની પાસેથી બીજાં રાજ્યો કંઈક શીખી શકે છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો