કોણ હતાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ઝીણાનાં દીકરી દિના વાડિયા?

  • શીલા રેડ્ડી
  • બીબીસી ગુજરાતી માટે
મહમ્મદ અલી ઝીણા તેમની પુત્રી અને બહેન સાથે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

મહ્મ્મદ અલી ઝીણા તેમની પુત્રી દીના(જમણી બાજુ) અને બેન ફાતિમા(ડાબી બાજુ) સાથે

દિના વાડિયા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમ્મદ અલી ઝીણા અને ઉમરાવ પારસી બાનુ રુટિ પેટિટ વચ્ચેના દુઃખી લગ્નજીવનનું એકમાત્ર સંતાન હતાં.

ઝીણા અને રુટિના ખટરાગભર્યા લગ્નની સૌથી માઠી અસર દિના વાડિયા પર પણ થઈ હતી.

દિનાનો જન્મ થયો ત્યારથી જ તેમના માતા-પિતાએ તેમને બહુ સમય આપ્યો ન હતો.

દિનાનો જન્મ 1919ની 14 ઓગસ્ટની મધરાત્રે લંડનમાં થયો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

એ સમયે મહમ્મદ અલી ઝીણા સુધારા વિશેની સંસદીય સમિતિ સમક્ષ હાજર થવા માટે લંડન ગયા હતા અને પત્ની રુટિને સાથે લઈ ગયા હતા.

દિનાના જન્મથી તેમના માતા કે પિતા કોઈ બહુ રાજી ન હતાં.

કુતરાને સાથે લીધા, દીકરીને નોકરો પાસે છોડી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સરોજિની નાયડુ લંડનમાં રુટિને મળ્યાં હતાં

ઝીણાનાં નજીકના દોસ્ત સરોજિની નાયડુએ લંડનમાં રુટિ અને નવજાત દિનાની મુલાકાત લીધા બાદ લખ્યું હતું, ''રુટિ સોનેરી ટપકાંવાળી બ્લેક પાંખો ધરાવતા નાજુક પતંગિયાની માફક દુનિયાને જોઈ રહ્યાં હતાં.

સૌંદર્યવાન રુટિ દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલી હિંમતવાન મહિલા હતાં, પણ બહુ રાજી લાગતાં ન હતાં.''

ઝીણા અને રુટિ જહાજમાં બેસીને મુંબઈ પાછાં ફર્યાં, ત્યારે દિના માત્ર બે મહિનાનાં હતાં.

દિનાને નોકરોને હવાલે કરીને તેમણે પોતપોતાનો રસ્તો પકડ્યો હતો.

ઝીણા રાજકારણમાં વ્યસ્ત થઈ ગયા હતા, જ્યારે રુટિ તેમના દોસ્તોને મળવા હૈદ્રાબાદ ચાલ્યાં ગયાં હતાં.

રુટિ તેમના કુતરાને સાથે લઈ ગયા હતા, પણ પોતાની દીકરીને નોકરો પાસે છોડી ગયાં હતાં.

ઝીણા અને રુટિના લગ્નજીવનના તાણાવાણા અલગ થવાના શરૂ થયા પહેલાં જ એકમાત્ર સંતાન પ્રત્યેની તેમની ઉદાસીનતા બહાર આવવા લાગી હતી.

પુત્રી પ્રત્યે બેદરકાર માતા

ઇમેજ સ્રોત, PAKISTAN NATIONAL ARCHIVE

ઇમેજ કૅપ્શન,

સૌંદર્યવાન રુટિ દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલી હિંમતવાન મહિલા હતાં

દિના પરત્વે રુટિની બેદરકારીથી તેમનાં નજીકના દોસ્તોને પણ સખત આઘાત લાગતો હતો.

સરોજિની નાયડુનાં પુત્રી પદ્મજાએ તેમની બહેનને એક પત્રમાં લખ્યું હતું, ''મેં જોયેલી સૌથી વધુ દયનીય, અતિશય દુઃખદ બાબત રુટિની દીકરી છે.

મને રુટિનો અભિગમ સમજાતો નથી.

મોટાભાગના લોકો રુટિને દોષીત ઠરાવે છે, પણ હું તેને દોષ આપતી નથી. રુટિ માટે મને ઘણી લાગણી છે, પણ જ્યારે તેની ડઘાયેલી, ભયભીત દીકરીને યાદ કરું છું ત્યારે રુટિ પરત્વે લગભગ ધિક્કારની લાગણી થાય છે.''

દિનાને નોકરોને હવાલે કરીને તેના મમ્મી-પપ્પા પરદેશ ગયાં હતાં, ત્યારે સરોજિની દિનાને જોવા માટે ઝીણાના ઘરે ગયાં હતાં.

સરોજિનીએ પદ્મજાને જુલાઈ, 1921માં લખ્યું હતું, ''આજે સવારે હું ઝીણાની દીકરીને જોવા ગઈ હતી. નોકરો વચ્ચે એકલી ઉછરતી દિના ઊટીથી પાછી ફરી હતી. (ઝીણા તથા રુટિ પરદેશ ગયાં હતાં અને તેમણે દિનાને નોકરો સાથે ઊટી મોકલી આપી હતી)

દિનાને જોઉં છું ત્યારે મને રુટિને ફટકારવાનું મન થાય છે.''

છ વર્ષ સુધી નામ પાડ્યું ન હતું

ઇમેજ સ્રોત, KHWAJA RAZI HAIDER

ઇમેજ કૅપ્શન,

ખ્વાજા રઝી અહમદે રુટિ પર પુસ્તક લખ્યું હતું

દિના છ વર્ષનાં થયાં ત્યાં સુધી તેમનું નામ પાડવામાં આવ્યું ન હતું. તેમની દુનિયા ઘર પૂરતી મર્યાદિત હતી.

સરોજિનીનાં નાનાં પુત્રી લૈલામણી ઓક્સફોર્ડથી પોતાનાં સ્વદેશી ઘરની મુલાકાતે આવ્યાં, ત્યારે ઝીણા અને રુટિને મળવા ગયાં હતાં.

પોતાની બહેનને લખેલા પત્રમાં લૈલામણીએ છ વર્ષની થયેલી 'અનામ અને મમ્મી-પપ્પાના સ્નેહથી વંચિત બાળકી' વિશે જણાવ્યું હતું.

તેમણે લખ્યું હતું, ''એ બાળકી અને તેના રમકડાંઓ સાથે એક કલાક પસાર કરીને હું રવાના થતી હતી ત્યારે નહીં જવાની યાચના કરતાં એ મને વળગી પડી હતી.''

મદ્રાસમાં થિયોસોફિકલ સોસાયટી દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલમાં દિનાને ભણવા મોકલવાની યોજના બનાવતી વખતે જ રુટિએ તેમની દીકરીમાં થોડોઘણો રસ દેખાડ્યો હતો.

જોકે, એ યોજના ફળીભૂત થઈ ન હતી. ઝીણાને થિયોસોફિસ્ટો પ્રત્યે ખાસ આદર ન હતો.

તેથી થિયોસોફિસ્ટો દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલમાં પોતાની છ વર્ષની બાળકીને ભણવા મૂકવાની રુટિની દરખાસ્તને ઝીણાએ ફગાવી દીધી હોવાનું ધારવામાં આવે છે.

નાનીમાનો સધિયારો

ઇમેજ સ્રોત, PAKISTAN NATIONAL ARCHIVE

ઇમેજ કૅપ્શન,

દિના પરત્વે રુટિની બેદરકારીથી તેમનાં નજીકના દોસ્તોને પણ સખત આઘાત લાગતો હતો

ઝીણા તથા રુટિના લગ્નજીવનના અંત અને તેના એક વર્ષ બાદ 1929માં રુટિના મૃત્યુ પછી દિનાને પહેલો સધિયારો મળ્યો હતો.

એ વ્યક્તિ દિનાને પ્રેમ કરતી હતી અને દિના તેમને પ્રેમ કરતાં હતાં.

એ હતાં દિનાનાં નાનીમા લેડી પેટિટ.

લેડી પેટિટ ત્યાં સુધી નિઃસહાય બનીને દૂરથી દિનાની હાલત નિહાળતાં રહ્યાં હતાં.

તેઓ તેમની પૌત્રીની સંભાળ લેવા ઈચ્છતાં હતાં, પણ એવું કરી શકતાં ન હતાં.

તેનું કારણ એ હતું કે ઝીણા સાથે લગ્ન કર્યાં તે દિવસથી રુટિ તેમના પેટિટ પરિવારથી અળગાં થઈ ગયાં હતાં.

લેડી પેટિટે સરોજિનીને ખાનગીમાં જણાવ્યું હતું કે તેમની પૌત્રીની હાલત 'અનાથ છોકરાં કરતાં પણ વધારે ખરાબ' છે.

રુટિ ઝીણાથી અલગ થયાં પછી લેડી પેટિટને પોતાની પૌત્રીના જીવનમાં વધારે રસ લેવાનું અને તેને યોગ્ય સ્કૂલમાં દાખલ કરાવવાનું વાજબી લાગ્યું હતું.

નાનીમાનું નામ અપનાવ્યું

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

દિનાના પુત્ર નુસ્લી વાડિયા જાણીતા ઉદ્યોગપતિ છે

નાનીમા દ્વારા લેવાતી કાળજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ઝીણાના એકમાત્ર સંતાને નાનીમાનું નામ દિના પોતાના માટે અપનાવવાનો નિર્ણય કર્યો હતો. લેડી પેટિટનું નામ દિના હતું.

રુટિના અવસાનને કારણે તેમના મમ્મી-પપ્પાને પારાવાર પીડા થઈ હતી, પણ એ ઘટનાથી લેડી પેટિટ તેમની પૌત્રીની નજીક આવ્યાં હતાં.

દિના એ પછી તેમનાં દાદીમાનો પ્રેમ મેળવતાં રહ્યાં હતાં. મહમ્મદ અલી ઝીણા માયાળુ પણ સદા દૂર રહેતા પપ્પા બની રહ્યા હતા.

ફોઈ ફાતિમાના વિરોધ છતાં મહમ્મદ અલી ઝીણા કોઈ આનાકાની વિના દિનાનો તમામ ખર્ચ ચૂકવતા રહ્યા હતા.

નેવિલ વાડિયા સાથે દિનાનાં લગ્નનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

દિનાએ નેવિલ વાડિયાને પરણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એક જ વાર ઝીણાએ દિનાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

અનેક કાપડ મિલોના માલિક નેવિલ વાડિયા તમામ દૃષ્ટિએ યોગ્ય મુરતિયા હતા, પણ ઝીણાને તેમની સામે એક જ વાંધો હતો.

વાંધો એ હતો કે નેવિલ મુસ્લિમ ન હતા.

ઝીણા ભારત અને પાકિસ્તાન એ બે રાષ્ટ્રની થિયરીને વરેલા હતા.

તેથી તેમની જ પુત્રી બિન-મુસ્લિમને પરણે તો તેમના માટે રાજકીય મુશ્કેલી સર્જાય.

તેથી ઝીણાએ વિરોધ કર્યો હતો અને નેવિલ સાથે દિના પરણશે તો તેની સાથેનો સંબંધ કાપી નાખવાની ધમકી આપી હતી.

જોકે, દિના પપ્પાની ધમકી પાસે ઝૂક્યાં ન હતાં અને તેમણે નાનીમાનો સહારો લીધો હતો.

તેઓ ઝીણાનું ઘર છોડીને લેડી પેટિટના ઘરે આવી ગયાં હતાં અને થોડા મહિના પછી નેવિલ વાડિયાને પરણ્યાં ત્યાં સુધી નાનીમાના ઘરે રહ્યાં હતાં.

પિતા-પુત્રી વચ્ચે વર્ષો સુધી અબોલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કરાચીમાં ઝીણાનો મકબરો આવેલો છે

ઝીણા અને દિનાએ કેટલાંક વર્ષો સુધી એકમેકની સાથે વાત સુદ્ધાં કરી ન હતી.

સમય જતાં સમાધાન થયું પછી ઝીણા તેમની પુત્રી દિનાથી વધારે દૂર રહેવા લાગ્યા હતા.

તેઓ સમય મળ્યે દિનાને પત્રો લખતા હતા, અન્યથા દિનાના અસ્તિત્વને ગણકારતા ન હતા.

તમને આ પણ વાંચવું ગમશે

પોતાનાં મમ્મી-પપ્પા સાથેના સંબંધથી દિના દેખીતી રીતે ડરેલાં હતાં, પણ એ દિનાની હિંમત અને ઝીણા મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમની સાથે સંબંધ જાળવી રાખવાના પ્રયાસનો દ્રઢનિર્ધાર દર્શાવે છે.

દિનાનાં ફોઈ ફાતિમાએ દિનાને ઝીણાથી દૂર રાખવાના પ્રયાસ સતત કર્યાં હતાં, પણ દિનાએ પોતાના પપ્પા સુધી પહોંચવાના પ્રયાસ અવિરત ચાલુ રાખ્યા હતા.

ઝીણા મરણપથારીએ હતા ત્યારે દિના તેમની મુલાકાત લેવા ઇચ્છતાં હતાં, પણ તેમને વીઝા આપવામાં આવ્યા ન હતા. તેઓ ઝીણાની અંતિમયાત્રામાં જ હાજરી આપી શક્યાં હતાં.

પાકિસ્તાનની બીજી અને છેલ્લી મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

દિનાએ તેમના પુત્ર અને પ્રપૌત્રો સાથે 2004માં પાકિસ્તાનની બીજી તથા છેલ્લી મુલાકાત લીધી હતી

દિનાએ તેમના પુત્ર અને પ્રપૌત્રો સાથે 2004માં પાકિસ્તાનની બીજી તથા છેલ્લી મુલાકાત લીધી હતી.

પાકિસ્તાનમાં પોતાના પપ્પાની મકબરાની વિઝિટર્સ બૂકમાં દિનાએ નોંધ્યું હતું કે તેમના પિતાએ સર્જેલા દેશમાં એ 'ખેદકારક, પણ અદભૂત' ક્ષણ હતી.

દિનાએ નોંધ્યું હતું તેમ તેમના પિતાએ એકલેહાથે અને માત્ર એક ટાઈપરાઈટર સિવાય બીજા કોઈની મદદ વિના પાકિસ્તાનનું સર્જન કર્યું હતું.

દિનાએ ઝીણાના મકબરામાં જે પિક્ચર્સ નિહાળ્યાં હતાં તેની ત્રણ કોપીઝ સિવાય તેમના પપ્પાના દેશમાંથી બીજું કંઈ લીધું હતું, જે નોંધપાત્ર છે.

એ પૈકીનો પહેલો ફોટોગ્રાફ તેમના પિતા અને ફોઈ ફાતિમા સાથે ઉભેલા એક બાળકનો હતો.

બીજું સુંદર મમ્મી રુટિ ઝીણાનું એક પેન્સિલ પોટ્રેટ હતું અને ત્રીજો ફોટોગ્રાફ ટાઈપરાઈટર સામે બેઠેલા મહમ્મદ અલી ઝીણાનો હતો.

એ ત્રણ પિક્ચર્સમાં દિનાએ તેમના ભૂતકાળના ભૂતનો આખરે સામનો કર્યો હતો.

(શીલા રેડ્ડી તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક 'મિસ્ટર એન્ડ મિસિસ ઝીણાઃ ધ મેરેજ ધેટ શૂક ઇન્ડિયા'નાં લેખિકા છે. પુસ્તકનું પ્રકાશન પેનગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયાએ કર્યું છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો