રાજદિપ સરદેસાઈ : હું મોદીભક્ત કે કોંગ્રેસનો ચમચો નથી

વરિષ્ઠ પત્રકાર રાજદિપ સરદેસાઈ સાથે બીબીસી ગુજરાતીએ ફેસબુક લાઇવ કર્યું હતું. જેમાં તેઓએ ગુજરાતની ચૂંટણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

જેમાં યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી વિશે પણ ચર્ચા થઈ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

રાજદિપે ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલાતા રાજકીય સમીકરણો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

રાજદિપે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે હજુ પણ ગુજરાતમાં કોઈ મજબૂત નેતા નથી. જેના કારણે બીજેપી હજુ પણ મજબૂત લાગે છે.

રાજદિપ સાથેના ફેસબુક લાઇવમાં બીજા પણ કેટલાક મુદ્દાઓ ચર્ચાયા હતા. જેમાંથી મુખ્ય મુદ્દાઓ આ મુજબ રહ્યાં હતાં.

ન્ટિ-બીજેપીની લહેર સર્જાય તો જ કોંગ્રેસ જીતે

ગુજરાતની ચૂંટણી મોદી માટે મહત્વની છે.

17 વર્ષ પછી પહેલીવાર ચૂંટણીઓમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે મોદીનાં નામે ચૂંટણી લડાઈ રહી છે, પરંતુ મોદી નહીં વિજય રૂપાણી મુખ્યમંત્રી બનશે.

બીજેપીનું વર્ચસ્વ છે ગુજરાતમાં મોદીનો કેટલો ફાળો છે અને ભાજપ સંગઠનનો કેટલો ફાળો તે એક પ્રશ્ન છે.

આ વખતે ચર્ચામાં કોંગ્રેસ છે પરંતુ તેનો મતલબ એવો નથી કે લોકો કોંગ્રેસને વોટ આપવાના છે.

જિગ્નેશનહીં હાર્દિક એક્સ ફેક્ટર

જિગ્નેશ, હાર્દિક અને અલ્પેશ આ ત્રણેય ચહેરાના નામ પર વોટ મળવાને સમય લાગશે. લોકો તેમને વોટ આપશે તે મોટો સવાલ છે.

હાર્દિકની લોકપ્રિયતા છે, પરંતુ તે લોકપ્રિયતા વોટમાં કેટલી પરિવર્તિત થશે તે પ્રશ્ન છે. યુવાનો સિવાયના પટેલ વોટ હાર્દિક સાથે છે કે નહીં તે મોટો સવાલ છે.

આ ત્રણેય નેતાઓ હાલ મિત્ર છે, પરંતુ ચૂંટણી બાદ તેઓ મિત્ર રહેશે કે નહીં તેના પર પ્રશ્ન છે.

રાજદિપ સરદેસાઈના મતે જિગ્નેશ મેવાણી નહીં, પરંતુ હાર્દિક પટેલ એક્સ ફેક્ટર છે. (એક્સ ફેક્ટર એટલે એવું પરિબળ જે ઉડીને આંખે વળગે.)

પટેલોપાસે સત્તા રહી તોપણ કેમ નારાજગી?

દેશભરમાં રિઝર્વેશન સામે વિરોધ થઈ રહ્યાં છે. જાટો, પટેલો અન મરાઠાઓને પણ અનામત જોઈએ છે. આવા વિરોધનું સર્જન આર્થિક સ્થિતિને કારણે થાય છે.

મોટામોટા સમુદાયને પણ વધારે જોઈએ છે.

સરદાર પટેલથી શરૂઆત કરીએ તો બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ આગળ રહ્યા હતા. પટેલ સમુદાયના હાથે તો સત્તા હતી તો નારજગી શેના માટે છે?

નારાજગી એટલા માટે છે કેમ કે અર્થવ્યવસ્થામાં સ્પર્ધા વધી ગઈ છે. બેરોજગારો નોકરી ઇચ્છે છે.

ડાંગમાં કે સૌરાષ્ટ્રમાં વિકાસ થયો નથી

કોનો વિકાસ થયો છે? તે મહત્વનો પ્રશ્ન છે. રસ્તા સારા થયા છે, પાવરની વ્યવસ્થા થઈ છે પરંતુ ડાંગમાં જાવ કે સૌરાષ્ટ્રમાં જાવ તો વિકાસ થયો નથી.

સ્વર્ણિમ ગુજરાતનું સ્વપ્ન સાકાર થયું નથી. હાલની પરિસ્થિતિમાં આરોગ્ય અને ગ્રામીણ ક્ષેત્રે પ્રશ્નો છે.

કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતા નથી. આજની સ્થિતિમાં લોકોને લાગે છે કે ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, વિજય રૂપાણી છે તમારી પાસે કોણ છે?

મોદીભક્ત કે કોંગ્રેસનો ચમચો નથી

મોદીની ટીકા કરવા મુદ્દે 'ટ્રોલિંગ' અંગે વાત કરતાં રાજદીપ સરદેસાઈએ જણાવ્યું, "જ્યારે હું કોંગ્રેસની ટીકા કરું ત્યારે લોકો સારું કહે છે, પરંતુ નરેન્દ્ર ભાઈની ટીકા કરું તો લોકો કહે છે કે તમે વેચાય ગયા છો."

"હું કોઈની વિરુદ્ધ નથી. નરેન્દ્ર ભાઈ સાથે મારી કોઈ દુશ્મની નથી. પરંતુ જ્યારે માત્ર વાયદા કર્યાં છે અને કામ કર્યું નથી, ત્યારે જ બીજેપીની ટીકા કરું છું. તેવી જ રીતે કોંગ્રેસની પણ ટીકા કરું જ છું."

"હું હજુ પણ કહુ છું કે મને લાગે છે કે બીજેપી જ જીતશે."

મોદીજી સામે નિરાશા છે ગુસ્સો નહીં

વેપારીઓમાં નોટબંધીને કારણે નહીં પરંતુ જીએસટીના કારણે રોષ છે.

પરંતુ જ્યારે તેઓ વોટ આપવા જાય છે, ત્યારે હિંદુ કે ગુજરાતી અસ્મિતાની ઓળખ તરીકે વોટ આપે છે કે જીએસટીના મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપે છે કે નહીં તે એક પ્રશ્ન છે.

દિલ્હી ગયા પછી મોદીનો લોકો સાથે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ લોકોમાં મોદીજીને હરાવવા જેટલો ગુસ્સો જોવા મળતો નથી. લોકોમાં નિરાશા છે, ગુસ્સો નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો