WEF રિપોર્ટ : 'જેન્ડર ગેપ ઇન્ડેક્સ'માં ભારત 108મા ક્રમે પહોચ્યું

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓ અને પુરુષો વચ્ચેની સમાનતામાં રહેતો ગાળો દિવસેને દિવસે વધી રહ્યો છે
'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'ના એક તારણમાં કહેવાયું છે કે મહિલાઓ અને પુરુષો વચ્ચેની સમાનતાની હાલની પરિસ્થિતિને જોવામાં આવે તો મહિલાઓ અને પુરુષ વચ્ચે સમાનતા લાવવામાં હજુ 100 વર્ષ લાગી જશે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જાહેર કરેલા આંકડાઓ મુજબ મહિલાઓ અને પુરુષો વચ્ચેની સમાનતામાં રહેતો ગાળો દિવસેને દિવસે વધી રહ્યો છે.
આ સંસ્થા વર્ષ 2006થી આ પ્રકારના આંકડાઓ બહાર પાડી રહી છે.
144 દેશોમાં આર્થિક તકો, શિક્ષણ, રાજકીય ક્ષેત્રમાં ભાગીદારી, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોનો અભ્યાસ કરી આ અહેવાલ તૈયાર કરવામાં આવે છે.
તમને આ પણ વાંચવું ગમશે
ચાલુ વર્ષે આ અહેવાલમાં જાહેર કરવામાં આવ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને ઓછી તકો મળે છે.
ગત વર્ષની ટકાવારી 68.3 ટકાથી ઘટનીને આ ટકાવારી 68 ટકાએ પહોંચી છે. આ સંસ્થાનું અનુમાન છે કે વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાનતા આવે તે માટે હજુ એક સદી લાગશે.
વર્ષ 2016માં આ સમયગાળો 83 વર્ષનો અંદાજવામાં આવ્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2016માં આ સમયગાળો 83 વર્ષનો અંદાજવામાં આવ્યો હતો
સ્વાસ્થય અને શિક્ષણના ક્ષેત્રે સ્ત્રી અને પુરુષોમાં સમાનતા સૌથી વધારે છે, પરંતુ આર્થિક ભાગીદારી અને રાજકીય સશક્તિકરણમાં સમગ્ર વિશ્વમાં આ સમાનતા ઓછા પ્રમાણમાં છે.
આ અહેવાલના આંકડાઓમાં દર્શાવાયું છે કે નોકરીમાં પુરુષો જેટલી કમાણી મેળવવા માટે તેમજ પુરુષો જેટલું પ્રતિનિધિત્વ મેળવવા માટે મહિલાઓએ હજુ 217 વર્ષ રાહ જોવી પડશે.
નોર્ડિક દેશો એટલે કે ઉત્તર યુરોપના દેશોમાં અન્ય દેશોની સરખામણીએ મહિલાઓ અને પુરુષો વચ્ચેની સમાનતા સૌથી વધુ છે.
આ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત 108મા ક્રમે છે. 2006માં ભારત 98મા ક્રમે હતું.
બાંગ્લાદેશ 47મા જ્યારે ચીન 100મા ક્રમે છે.
તમને આ પણ વાંચવું ગમશે
આઇસલેન્ડમા પુરુષો અને મહિલાઓ વચ્ચેની સમાનતમાં 12 ટકાનો ગાળો છે, અને આઇસલેન્ડ આ સમગ્ર દેશોની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના તમામ પરિમાણોના આધારે આ યાદી બનાવવામાં આવી છે.
નોર્વે, ફિનલેન્ડ અને સ્વીડન પ્રથમ પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે.
ઇમેજ સ્રોત, Getty Images
સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વની બાબતમાં રવાન્ડા સૌથી આગળ છે
જાતિ સમાનતાના ગાળામાં 18 ટકાના ગાળા સાથે રવાન્ડા આ યાદીમાં ચોથા ક્રમાંકે છે.
સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વની બાબતમાં આ દેશ વિશ્વમાં સૌથી આગળ છે. દર પાંચમાંથી ત્રણ સાંસદ અહીં મહિલા છે.
નિકારાગ્વા, સ્લૉવૅનિયા, આયર્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ અને ફિલીપાઇન્સ પણ ગ્લોબલ જેન્ડર ગેપ રૅન્કિંગમાં પ્રથમ 10 દેશોની યાદીમાં છે.
મધ્યપૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકામાં મહિલા અને પુરુષ વચ્ચેની સમાનતા કથળેલી હાલતમાં છે.
તમને આ પણ વાંચવું ગમશે
યુદ્ધપ્રભાવિત દેશ યમન યાદીમાં સૌથી તળિયે છે, જ્યાં જાતિગત સમાનતા 52 ટકા છે.
અહેવાલમાં જણાવાયું છે કે મહિલાઓ ઓછી કમાણી કરે છે તેનું કારણ માત્ર એ વાત નથી કે તેમને ઓછો પગાર આપવામાં આવે.
પરંતુ મહિલાઓ મોટાભાગે વળતર કે પગાર ન મળે તેવું કામ અથવા પાર્ટ-ટાઈમ જૉબ કહી શકાય તેવું કામ કરતી હોય છે.
સામાન્ય રીતે મહિલાઓ ઓછું વળતર મળે તેવા વ્યવસાયોમાં વધુ હોય છે અને કંપનીઓમાં સારો પગાર ધરાવતા ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓ ઓછાં પ્રમાણમાં જોવા મળે છે.
ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકામાં મહિલા અને પુરુષ વચ્ચેની સમાનતા કથળેલી હાલતમાં છે
પુરુષો અને મહિલાઓની આવક વચ્ચેનો સૌથી ઓછો ગાળો સ્લોવેનિયામાં છે, જ્યાં પુરુષોની સરેરાશ આવકના 80.5 ટકા એ મહિલાઓની સરેરાશ આવક છે.
આ અહેવાલમાં તારણ આપવામાં આવ્યું છે કે જો પુરુષો અને મહિલાઓ વચ્ચેની આર્થિક અસમાનતા દૂર થાય તો નીચે મુજબની શક્યતાઓ સંભવિત બનશે.
- ચીન તેના જીડીપીમાં 2.5 ટ્રિલિયન ડૉલરનો ઉમેરો કરી શકશે.
- અમેરિકા તેના જીડીપીમાં 1750 બિલિયન ડૉલરનો ઉમેરો કરી શકશે.
- ફ્રાન્સ અને જર્મની તેમના જીડીપીમાં 300 બિલિયન ડૉલરથી વધુનો ઉમેરો કરી શકશે.
- યુનાઈટેડ કિંગ્ડમ તેના જીડીપીમાં 250 બિલિયન ડૉલરનો ઉમેરો કરી શકશે.
નવા નેતાઓની અસર
ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ ઇકોનોમિક ફોરમે 144 દેશોમાં આ સર્વેક્ષણ હાથ ધર્યું છે
જસ્ટીન ટ્રુડો અને ઈમાન્યુએલ મેક્રોને તેમની સરકારના પ્રધાનપદોમાં મહિલાઓની ઉમેરો કર્યા બાદ કેનેડા અને ફ્રાન્સમાં મહિલાઓનું રાજકીય સશક્તિકરણ વધ્યું છે.
મહિલા રોજગારીમાં વધારા બાદ બાંગ્લાદેશની સ્થિતિ પણ સુધરી છે.
ઉપ-સહારાના આફ્રિકી દેશોમાં મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. મહિલાઓની શ્રમશક્તિની ભાગીદારીની બાબતમાં વિશ્વના ટોંટના 20 દેશોમાં આ વિસ્તારના નવ દેશ સ્થાન ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો