બ્લોગ : 'ઢીંચાક પૂજા, ઢીંચાક નેતા અને ઢીંચાક પત્રકાર'
- રાજેશ જોશી
- રેડિયો એડિટર, બીબીસી હિંદી

ગત રાત્રિથી જ હું સમાધિની અવસ્થામાં છું. ખબર નહીં કેવી રીતે હું ઢીંચાક પૂજા સુધી પહોંચી ગયો અને તેમનાં એક નહીં પણ ત્રણ ત્રણ ગીત સાંભળી બેઠો. 'સેલ્ફી મૈને લે લી આજ', 'દારૂ દારૂ દારૂ', 'દિલો કા શૂટર, હૈ મેરા સ્કૂટર'.
કોઈએ લખ્યું છે કે જો તમે ઢીંચાક પૂજા અથવા તેમના કૃતિત્વને નથી ઓળખતા તો ધિક્કાર છે તમારા પર. તમે 21મી સદીમાં નહીં, પણ ગુફાઓમાં રહો છો.
તમને આ પણ વાંચવું ગમશે
ભૂલી જાઓ કે ઢીંચાક પૂજા દિલ્હીની એક યુવતી છે જે સૂર, તાલને ચાવીને યૂ ટ્યૂબ પર ગમે ત્યાં પાનની પીકની જેમ થૂકી દે છે. જેના પર લાખો લોકો આહ અથવા વાહ કરવા લાગે છે.
તમારી એક એક આહ કે વાહ, ગાળો પણ ઢીંચાક પૂજાના બેંક અકાઉન્ટમાં ખણખણતી મુદ્રાઓના રૂપમાં પડે છે.
ઢીંચાક પૂજાએ રિવર્સ ટેલેન્ટની જગ્યા બનાવી
દિલ્હીની ઢીંચાક પૂજાના તો વખાણ થવા જોઈએ કે એક એકથી ચડિયાતા પ્રતિભાશાળી કલાકારોની વચ્ચે તેમણે પોતાના રિવર્સ ટેલેન્ટની જગ્યા બનાવી લીધી છે.
પણ અહીં વાત એ ઢીંચાક પૂજાની થઈ રહી છે કે જે વ્યક્તિ નહીં પણ પ્રવૃત્તિનું નામ છે.
આ ઢીંચાક પૂજા ચીડવે છે- એ બધાને જેઓ એક સૂરની ચાહ માટે ઉસ્તાદના હુક્કા ભરીને વર્ષો વિતાવી દેતા હતા. તે બડે ગુલામ અલી સાહેબની એન્ટી-થીસિસ છે.
તે એક અસાધારણ ઘટના છે. આ સોશિઅલ-ડિજિટલ કાળની ઉપજ, પોતાના સમયનું સાચું પ્રતિબિંબ. હિટ્સ, લાઇક્સ અને શેર્સના આ કાળમાં ઢિંચાક પૂજાઓ માત્ર યૂ ટ્યૂબ પર જ નથી મળતી.
રાજકારણ, પત્રકારત્વ, લેખન, સરકાર, શિક્ષા, સિનેમા, મનોરંજન- દરેક ક્ષેત્રે અલગ અલગ ઢીંચાક છે. એલાનિયા કહે છેઃ હું તો વધુ ખરાબ, બેસુરા અને ગંદા તેમજ બકવાસ ગીતો ગાઇશ- જે કરવું હોય કરી લો.
તેમને ખબર છે કે આમ કહેવાના અને જે કહ્યું તેના પર અડગ રહેવાના જ પૈસા છે. એ જ તેમની USP છે.
ઉદાહરણ જોઈ લોઃ ભારતની રાજનીતિની સૌથી કદ્દાવર ઢીંચાકજી કહે છે કે મેં મારી મહેનતે હાર્વર્ડના અર્થશાસ્ત્રીઓને મ્હાત આપી દીધી.
અર્થશાસ્ત્રીઓને જ નહીં, તેમણે તો ડૉક્ટર અને વૈજ્ઞાનિકોને પણ જણાવ્યું કે પ્રાચીન ભારતમાં પ્લાસ્ટીક સર્જરી સામાન્ય વસ્તુ હતી.
જો પ્લાસ્ટીક સર્જરી ન હોત, તો ગણેશજીના કપાયેલા માથા પર હાથીનું માથું બેસાડવું કેવી રીતે શક્ય બનતું? તેમણે સિકંદરને બિહાર પહોંચાડીને પહેલેથી જ નામ કમાવી લીધું છે.
હવે અર્થશાસ્ત્રી, ઇતિહાસકાર, વૈજ્ઞાનિક અને ડૉક્ટર બેસીને ભલે માથું ધૂણે પરંતુ ઢીંચાકજીએ પોતાનું ગીત સોશિઅલ મીડિયા પર અપલોડ કરી દીધું છે.
"આપ લાઇક કરો યા મુંહ નિપોરે, ઉસકી બલા સે. ઉનકે તો નોટ (આ મામલે વોટ) ખરે."
રાજકીય ઢીંચાક પૂજાનાં અનેક રૂપ
ઉત્તર પ્રદેશના આ જ પ્રકારના ઘણા ઢીંચાક નેતાઓએ સામૂહિક પ્રયાસ કરી તાજમહેલના કુળ- ગૌત્રની જૂની ચર્ચાને ફરી જીવીત કરી છે.
તેઓ કોરસ ગાઈ રહ્યાં છે, યે હૈ મંદિર નહીં હૈ તાજ... યે હૈ મંદિર નહીં હૈ તાજ... તાજમહેલ યે હૈ હી નહીં.. પ્રાચીન શિવ મંદિર છે.
ધ્યાનથી સાંભળો તો સમૂહમાં ગવાયેલું આ ગીત એવું જ સંભળાય છે જેવું ઢીંચાક પૂજાએ સેલ્ફી લેવાની ઐતિહાસિક પરિઘટનાનું મહત્વ સમજાવ્યું હતું.
"સેલ્ફી મૈને લે લી આજ, સેલ્ફી મૈને લે લી આજ.... મેરે સિર પર રહેતા તાજ, સેલ્ફી મૈને લે લી આજ.."
તફાવત બસ એટલો છે કે યૂટ્યૂબની ઢીંચાક પૂજા એકલી ગાય છે પણ રાજકીય ઢીંચાક પૂજાઓની ઘણી આવૃત્તિઓ છે.
નાના- મોટા, મહિલા- પુરૂષ, ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય, ગૃહસ્થ સંન્યાસી, નાગરિક અને સૈનિક, સહજધારી અને ભગવાધારી અને એ બધા બેસૂરા ગીત ત્યાં સુધી ગાઈ રહ્યા છે.
જ્યાં સુધી તમે આ ન કહો- "કંઇક તો વાત છે ઢીંચાક પૂજામાં, નહીં તો તે આટલી પૉપ્યુલર કેમ છે?"
આ લોકોમાંથી કેટલાક લોકો વાત વાત પર સીધા માથુ કાપી દેવાની વાત કરે છે અથવા તો જીભ કાપી લેવાની ધમકી આપીને પૉપ્યુલર છે.
કેટલાક લોકોની ફેન ફૉલોઇંગ માત્ર એ કારણે છે કેમ કે તેમણે સવાલ કર્યો - મહાત્મા ગાંધીએ આખરે કર્યું જ શું છે? જેવા દેશભક્ત ગાંધી, તેવા જ નથૂરામ ગોડસે.
તો પછી ગાંધીના ગુણગાન શા માટે ગાવામાં આવે છે? હરિયાણાના એક મંત્રીએ એલાન કર્યું કે ગાંધીને ગ્રામોદ્યોગના કેલેન્ડરથી હટાવી દેવાયા છે, ધીરે ધીરે ચલણી નોટો પરથી પણ હટાવી દેવાશે.
તેમના કરતા મોટું બ્રાન્ડનેમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ગાંધીએ ખાદી માટે એવું શું કર્યું છે કે તેમની તસવીર કેલેન્ડરમાં છાપવામાં આવે?
આ જ વર્ગમાં ઢીંચાક નેતા એવા પણ છે જેઓ રાજકારણને પોતાની ટોપીમાં પહેરે છે અને બન્ને હાથોથી ચમચમાતી તલવાર વગાડે છે, બધાને મારી નાખવાની કાપી નાખવાની ચીસ પાડતા સ્ટેજ પર પ્રવેશ કરે છે.
પણ અંતે ખબર પડે છે કે તલવાર લાકડાની હતી એટલે દુશ્મન પર ચાલતા પહેલા જ તૂટી પડી હતી.
'સેલ્ફી મૈંને લે લી આજ' એક શાસ્ત્રીય રચના
ઢીંચાક નેતાઓની એક શ્રેણી એવી છે કે જેમને ન હિટ્સની જરૂર છે ન લાઇક્સની. જેમને ન ફૉલોઅરની જરૂર છે, ન પૈસાની. તેમને પોતાના ફેમિલી બિઝનેસમાં પણ કોઈ રસ નથી.
પરંતુ જમાનો તેમને નેતા બનાવવા તત્પર છે. તેઓ કંઈ કહે કે ન કહે- તેમના વખાણ કરવા વાળા લોકોની લાઇન વાહ વાહ કરવા તૈયાર બેઠી રહે છે.
અને પછી ઢીંચાક પત્રકાર પણ છે જે રોજ સાંજે ટીવી સ્ક્રીનની આઠ આઠ બારીઓ ખોલી બેસી જાય છે અને સમગ્ર રાષ્ટ્ર તરફથી જવાબ મેળવવાનું શરૂ કરી દે છે.
બધાને ખબર હોય છે કે આજે સાંજે કોની ઉપર વીજળી પાડવાની છે. તેમાં પણ દરેક પ્રકારના લોકો છે. ઉદ્યોગપતિ સાથે સો કરોડની ડીલ ફાઇનલ કરતા ઝડપાઈ જવા પર તિહાડ જેલની મુસાફરી કરનારા લોકો હોય છે.
ઘણા લોકો એવા હોય છે કે જેઓ ખતરનાક રિપોર્ટીંગ દરમિયાન બહાદુરીના ખોટા કિસ્સાઓ રજૂ કરે છે.
કોર્ટના બદલે જાતે જ નિર્ણય સંભળાવવા વાળા અને કોર્ટ તરફથી વારંવાર ફટકાર મેળવવા વાળા તેમજ વડાપ્રધાન સાથે સેલ્ફી લેવા વાળા લોકો પણ હોય છે.
આ ઢીંચાક પત્રકારોના લાખો ફૉલોઅર પણ હોય છે.
અંતતઃ આજથી દોઢ સો વર્ષ બાદ જ્યારે ઢીંચાક પૂજાના વ્યક્તિત્વ અને કૃતિત્વનું મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારે જ સમજાશે કે 'સેલ્ફી મૈને લે લી આજ' ખરેખર એક અલગ રચના હતી.
એ ગીતમાં સેલ્ફી લેવામાં વ્યસ્ત એક એવા આત્મમુગ્ધ સમાજનું વર્ણન કરાયું હતું કે જેનાથી લાગતુ હતું કે તેના માથા પર તાજ રાખી દેવાયો છે.
એ વાતથી તેને કોઈ ફેર નથી પડતો કે તેના પાડોશમાં અનાજ માટે ચીસો પાડતા પાડતા એક બાળકી ભૂખથી મરી ગઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો