બિલાલ ડાર કોણ છે જેનો દરેક કશ્મીરી ફેન છે?

  • આમિર પીરઝાદા
  • બીબીસી સંવાદદાતા, બાંદીપોરાથી
બિલાલ અહેમદ ડાર
ઇમેજ કૅપ્શન,

નાનપણથી બિલાલ વુલર તળાવની સાફ સફાઈ કરે છે.

ઉંમર 17 વર્ષ અને હોદ્દો શ્રીનગર નગર નિગમના બ્રાન્ડ એમ્બેસેડરનો. આ વાત છે વુલર તળાવને બચાવનારા અને તેમાં ફેંકાતા કચરાથી પોતાના પરિવારનો ગુજરાન ચલાવવા વાળા બિલાલ અહેમદ ડારની.

એ બિલાલ જેની પાસે હિંમત છે પણ તે પોતાની બહાદુરીનો દેખાવ નથી કરતો. તેની આંખોમાં માસૂમિયત છે તો નાની વયે તેણે જીવનનો કપરો સમય પણ પસાર કર્યો છે.

પિતાના મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારીઓ બિલાલના ખભા પર આવી ગઈ છે પણ તેને બિલાલે ખૂબ જ સારી રીતે નિભાવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

બિલાલ કહે છે, "મારા પિતા એક પશુપાલક હતા. તેઓ વુલર તળાવમાંથી પ્લાસ્ટીક પણ વીણતા હતા." "મારા પિતાને કેન્સરની બિમારી થઈ ગઈ હતી. વુલર તળાવ પણ કેન્સર જેવી બિમારીથી પીડિત છે."

એશિયાનાં સૌથી મોટાં તળાવની દયનીય સ્થિતિ

વીડિયો કૅપ્શન,

બિલાલ બન્યો જમ્મુ કશ્મીર માટે ‘સ્વચ્છ ભારત’નો ચહેરો

એક સમય હતો જ્યારે એશિયાનું સૌથી મોટુ તળાવ મનાતુ વુલર હિમાલયની છાયા હેઠળ ચળકાટ મારતું હતું. આ તળાવ જમ્મુ કશ્મીરના ઉત્તર શ્રીનગર વિસ્તાર તરફ 40 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે.

વુલર તળાવ 26 વેટલેંડ રામસર કન્ઝર્વેશન સાઇટમાંથી એક છે. પણ પર્યાવરણવિદોના આધારે આ તળાવને બચાવવા માટે ખૂબ જ ઓછા પ્રયાસ થયા છે.

વૈશ્વિક NGO વેટલેન્ડ ઇન્ટરનેશનલના આધારે વર્ષ 1911થી તળાવના વિસ્તારમાં 45%નો ઘટાડો નોંધાયો છે.

બિલાલની ઉંમર માત્ર આઠ વર્ષ હતી, જ્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારે બિલાલના પિતાને બચાવવા દરેક પ્રયાસ કર્યા પણ તેઓ બચી ન શક્યા.

અંતે બિલાલે ઘરની જવાબદારી સંભાળવી પડી. તેના માટે બિલાલે સ્કૂલ છોડી કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

એક સમયે વુલર તળાવ તેનું ઘર હતું, હવે તે જ તળાવ બિલાલને સંકટમાંથી બહાર કાઢે છે અને તેને રોજગારી આપે છે.

રોજ તળાવને સાફ કરે છે બિલાલ

ઇમેજ કૅપ્શન,

બિલાલ ડાર વુલર તળાવને સ્વચ્છ જોવા માગે છે

બિલાલ રોજ તળાવમાં ઉતરે છે અને 100 થી 200 જેટલી પ્લાસ્ટીકની બોટલ એકત્રિત કરે છે. તેનાંથી તેની રોજની કમાણી 150 રૂપિયા જેટલી થાય છે.

આ કાર્ય કરવા માટે બિલાલે અન્ય બાળકોને પણ તાલીમ આપી છે. બિલાલ કહે છે, "મેં આ તળાવની સફાઈ પૈસા કમાવવા માટે ક્યારે પણ નથી કરી. હું આ સફાઈ આપણા ફાયદા માટે કરું છું."

તેઓ ઉમેરે છે, "જો આ તળાવ સાફ રહેશે, તો તેનું પાણી આપણે પી શકીશું." બિલાલના નિઃસ્વાર્થ કાર્યોને જોઈને બાંદીપોરાના એક સ્થાનિક ફિલ્મ મેકરે બિલાલને લઇને એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી.

આ ડોક્યુમેન્ટ્રીના કારણે બિલાલ કશ્મીરમાં એક ચર્ચિત ચહેરો બની ગયો હતો. શ્રીનગર મહાનગરપાલિકાએ બિલાલને 'ક્લિન ઇન્ડિયા'ના દૂત તરીકે જાહેર કર્યો છે.

બિલાલને શ્રીનગર મહાનગરપાલિકા 8000 પ્રતિ મહિના આપે છે. હવે બિલાલ સ્કૂલે પણ જાય છે અને બિલાલના સ્કૂલનો ખર્ચ સરકાર ઉઠાવે છે.

સરકાર વુલર તળાવને પ્રવાસીઓ વચ્ચે આકર્ષિત બનાવવા માગે છે પણ તેના માટે સૌથી પહેલા તેની સફાઈ થવી જરૂરી છે. સરકારને આશા છે કે બિલાલ આ અભિયાનની જવાબદારી સારી રીતે ઉઠાવી શકે છે.

ઇમેજ કૅપ્શન,

વુલર તળાવમાં મૃત પ્રાણીઓ અને પ્લાસ્ટીકની બોટલો તરતી જોવા મળે છે.

બિલાલ કહે છે, "તળાવનો બધો કચરો શ્રીનગર શહેરમાંથી આવે છે. શ્રીનગરમાંથી ટ્રક ભરાઈને કચરો આવે છે અને અમને ખબર નથી હોતી કે તેઓ કચરો ક્યાં ઠાલવે છે."

તળાવની વચ્ચે પહોંચતા બિલાલને મૃત ઘોડો મળી આવે છે. જેનું અડધું શરીર પાણીમાં ડૂબેલું હોય છે.

તળાવમાં ઘણી જગ્યાએ શેવાળ પણ જોવા મળે છે. બિલાલ તળાવમાંથી પ્લાસ્ટીક, ટીનના કેન, સોફ્ટ ડ્રીંક્સની બોટલ અને લાકડીઓ વીણે છે.

સરકારે શું લીધા પગલાં?

ઇમેજ કૅપ્શન,

પર્યાવરણવિદો અને સરકારના મત વુલર તળાવ પર અલગ અલગ છે

નિસાર અહેમદ વુલર કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરીટીના પ્રમુખ છે. નિસાર અહેમદ કહે છે, "તળાવ માટે અમે છેલ્લા પાંચ વર્ષોથી કામ કરી રહ્યા છીએ."

તેઓ ઉમેરે છે, "અમે તળાવનો એક વર્ગ કિલોમીટર વિસ્તાર સાફ કરાવ્યો છે પણ આખા વર્ષ દરમિયાન અમે સફાઈનું કામ નથી કરી શકતા. કેમ કે શિયાળામાં મશીન કામ નથી કરતા."

નિસાર અહેમદે કહ્યું છે કે તેઓ નવા મશીનની ખરીદી કરી રહ્યા છે જેનાથી આખા વર્ષ દરમિયાન તળાવની સફાઈ કરી શકાય. તેમણે પાણી નજીક નકામા વૃક્ષોને પણ કાપી નાખવાની વાત કરી છે.

પરંતુ શેર એ કશ્મીર યુનિવર્સિટીના એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઑફ જમ્મુ સાથે સંબંધ ધરાવતા ડૉ. ખુર્શીદ અહેમદ સરકારના પગલાંની ટીકા કરે છે.

ડૉ. ખુર્શીદના જણાવ્યા અનુસાર તળાવની સફાઈની તેમજ નકામા વૃક્ષો કાપી નાખવાની વાતો તો ઘણા સમયથી ચાલી રહી છે પણ કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી.

ડૉ. ખુર્શીદ કહે છે, "સરકારની યોજના માત્ર એટલી છે કે તેઓ તળાવનો વહીવટ સંભાળે. પરંતુ કોઈ પણ નદી કે તળાવને તેની વાસ્તવિક સ્થિતિમાં લાવવા તેમાં વૈજ્ઞાનિક સંશોધનની જરૂર હોય છે."

તેઓ ઉમેરે છે, "સરકારે તળાવમાં રહેતી માછલીઓ, પક્ષીઓ અને અન્ય જળચળ પ્રાણીઓ પર પણ સંશોધન કરવાની જરૂર છે."

લોકોની આજીવિકા સમાન છે તળાવ

ઇમેજ કૅપ્શન,

અબ્દુલ રહેમાન મલ્લા (વચ્ચે)ને આશા છે કે સરકાર તેમની વાતને સાંભળશે.

આ તળાવ પર લગભગ 30 હજાર લોકોનું જીવન નિર્ભર છે. અહીં પંજાબી માછલી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. અબ્દુલ રહેમાન આ તળાવમાં છેલ્લા 50 વર્ષથી માછીમારી કરી રહ્યા છે.

અબ્દુલ રહેમાન મલ્લા એ દિવસોને યાદ કરે છે જ્યારે તળાવ વૃક્ષોની છાયામાં સમાઈ જતું હતું અને તેઓ ત્યાં બેસીને શાંતિનો અનુભવ કરતા હતા.

બપોર દરમિયાન હુક્કા પાઇપ લઇને બેઠેલા અબ્દુલ રહેમાન કહે છે, "મેં સવારથી જાળ પાથરી છે, પણ અત્યાર સુધી મેં 10 રૂપિયાની કમાણી પણ નથી કરી."

અબ્દુલ રહેમાન એકલા રહે છે. તેમના પત્નીનું મૃત્યુ થઈ ગયું છે અને તેમની દિકરીઓનાં લગ્ન થઈ ગયાં છે. માછીમાર અબ્દુલ રાશિદ ડારની ઉંમર 42 વર્ષ છે. તેઓ પણ સરકારનાં વલણને લઇને ચિંતીત છે.

તેઓ કહે છે, "તળાવની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. એક સમયે અહીં મોટી સંખ્યામાં માછલીઓ જોવા મળતી હતી."

ઇમેજ કૅપ્શન,

આખું ગામ વુલર તળાવ પર નિર્ભર કરે છે

અહીં મહિલાઓ પાણી લેવા માટે આવે છે તેમજ સાથે સાથે લાકડીઓ તેમજ પશુઓ માટે ઘાસચારો પણ તળાવ પરથી લઇને જાય છે.

શગુફ્તા બેગમ અને હાજરા બેગમ પાડોશીઓ છે. તેઓ સહેલાઈથી પોતાના માથા પર મોટા મોટા ટોપલા ઉઠાવીને ચાલે છે.

હાજરા બેગમ કહે છે, "સુકાઈ ગયેલું આ તળાવ એક સમયે ખૂબ મોટું હતું. રોજ બરોજ આ તળાવ છીછરું થતું જઈ રહ્યું છે. આ તળાવમાં અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળતી હતી."

ઇમેજ કૅપ્શન,

લોકો તળાવમાંથી રેતી ભરીને દરરોજ 400 રૂપિયાની કમાણી કરે છે

લોકો પોતાના પશુઓને તળાવ પાસે લઇને આવે છે. અહીં કેટલાક મોડર્ન કાર્યો પણ થાય છે. અહીં ટ્રક આવે છે જેમાં પુરૂષો અને યુવાનો મળીને રેતી ભરે છે.

ગુલામ મોહયુદ્દીન મથનજી આ કાર્ય કરીને દરરોજ 400 રૂપિયાની કમાણી કરે છે. તેમને યાદ છે કે એક સમયે આ જગ્યાએ રેતી ખૂબ જ ચોખ્ખી હોતી.

પરંતુ હવે તે કાદવ સાથે ભળી ગઈ છે. તેઓ પોતાના કામને પસંદ કે નાપસંદ નથી કરતા.

તેઓ કહે છે, "અમારી પાસે આ એકમાત્ર વિકલ્પ છે. અમે આ તળાવને સ્વચ્છ જોવા માગીએ છીએ, અમારૂ જીવન તેના પર જ નિર્ભર કરે છે."

ઇમેજ કૅપ્શન,

બિલાલની મમ્મી મુગલી બેગમને તેમના પુત્રની સફળતા પર ગર્વ છે

બિલાલ હવે પુરતી શિક્ષા મેળવવા માગે છે અને એ સુનિશ્ચિત કરવા માગે છે કે ભવિષ્યની પેઢીઓ પણ આ તળાવ પર નિર્ભર રહે.

બિલાલ કહે છે, "હું વુલર તળાવને સ્વચ્છ જોવાનું સ્વપ્ન જોવું છું. આ મારા જીવનનું સૌથી મોટું સ્વપ્ન છે."

"ઇન્શાઅલ્લાહ આ સપનું જલદી પુરૂ થશે. ઇન્શાઅલ્લાહ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો