વિરાટ જ્યારે બોલરોની ધોલાઈ કરતો નથી ત્યારે શું કરે છે?

  • પ્રદીપ કુમાર
  • બીબીસી સંવાદદાતા
વિરાટ અને અનુષ્કાનો ફોટો

વિરાટ કોહલી એટલે ભારતીય ક્રિકેટના એવા સ્ટાર કે જે આ દિવસોમાં ક્રિકેટ જગતમાં ટોચ પર છે.

જાણે બેટથી ધમાલ કરવાની વાત હોય કે ભારતીય ટીમના સુકાની તરીકે ટીમને એક આક્રમક સેનાના રૂપમાં પરિવર્તિત કરવાની, કોહલીની છાપ દરેક જગ્યાએ નજર આવી રહી છે.

પરંતુ વિરાટ કોહલી જ્યારે બોલરોની ધોલાઈ કરતા નથી ત્યારે શું કરે છે?

અનુષ્કાનો સાથ

શું તમે એ તો નથી વિચારતા કે તે પોતાનો ખાલી સમય અનુષ્કા શર્મા સાથે પસાર કરે છે.

ક્રિકેટ અને અનુષ્કા સિવાય કોહલીના જીવનમાં બીજા રંગો વિશે પત્રકાર રાજદિપ સરદેસાઈના ભારતીય ક્રિકેટના 11 પ્રખ્યાત સ્ટાર્સ પર રજુ થયેલા પુસ્તક ડેમોક્રેસીઝ 11માં મળે છે.

ઉદાહરણ તરીકે રમત બાદ વિરાટ કોહલીને સૌથી વધુ જિમમાં વર્કઆઉટ કરવું પસંદ છે. વિરાટ કોહલી કહે છે, “હું મારી જિમ ટ્રેનિંગ વગર રહી શકતો નથી.'' ઑફ સિઝનમાં કોહલી ચાર કલાક સુધી વર્કઆઉટ કરે છે.

સિઝન દરમિયાન પણ દોઢ કલાક સુધી વર્કઆઉટ કરવા માટે સમય કાઢી લે છે. કોહલીએ સ્વાસ્થ્ય જાળવી રાખવા સિગરેટ અને દારૂનું સેવન પણ બંધ કરી દીધું છે.

સૌથી ફિટ ક્રિકેટર

કોહલી માટે આ બધું સરળ નહોતું. તેમના પ્રમાણે, “લક્ષણથી પૂરો પંજાબી છોકરો છું, બટર ચીકન અને સારું ભોજન મને ખૂબ જ પસંદ છે, પરંતુ મારે આ બધું જ છોડવું પડ્યું. શરૂઆતમાં મને આ બધું કરવામાં મુશ્કેલી પડી હતી.”

આ દિવસોમાં વિરાટ કોહલીના ખોરાક વિશે રાજદિપ સરદેસાઈએ લખ્યું છે, “પ્રોટીન શેક, બદામ અને એક કેળું. રોટલી કે ભાત નહીં.”

બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં વિરાટ કોહલી કહે છે, “નાશ્તામાં આમલેટ લઉં છું. પપૈયું, તરબૂચ, ડ્રેગન ફ્રૂટ. ખાવામાં ગ્રિલ્ડ ચિકન અને રાતે સી ફૂડ.''

જમવામાં ધ્યાન રાખવાના કારણે વિરાટ હાલ દુનિયાના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક મનાય છે.

ક્રિકેટ અને જિમમાં વર્ક આઉટ સિવાય કોહલી શું કરે છે, તે વિશે કોહલીએ લેખકને જણાવ્યું, “જે લોકો મને ઓળખતા નથી, તે મારી લાઈફ સ્ટાઈલ વિશે વાત કરે છે. મારા ખૂબ જ ઓછા મિત્રો છે અને જ્યારે દિલ્હીમાં હોઉં છું ત્યારે ઘરમાં આરામ કર્યા વિના પ્લેસ્ટેશન પર ફિફા ગેમ્સ રમું છું.”

પરંતુ હાલના સમયમાં કોહલી માત્ર ક્રિકેટર જ નહીં, પરંતુ દુનિયાના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. અંદાજે એક જાહેરાતના પાંચ કરોડ લેનારા વિરાટ કોહલી આ દિવસોમાં 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરે છે.

સ્ટાઇલિશ સ્ટાર

કોહલીની જાહેરાતની દુનિયાને સંભાળનાર એજન્ટ કહે છે, '“કોહલી વર્ષમાં વધારેમાં વધારે 25થી 30 દિવસ સુધી બ્રાંડને લગતું કામ કરે છે. પરંતુ કોઈ શ્રેણી કે ટૂર દરમિયાન તેઓ સમય આપતા નથી.''

જાહેરાતોની ચમક છતાં કોહલી પાસે સ્ટાઇલિશ બની રહેવાનો પડકાર છે. વાળની સ્ટાઇલ સિવાય ટેટૂ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. કોહલીએ શરીર પર ચાર ટેટૂ બનાવેલા છે - માતાનું નામ, પિતાનું નામ, ટેસ્ટ કેપ નંબર, વન-ડે કેપ નંબર.

વિરાટ કોહલી આ દિવસોમાં બેટ વડે ધમાલ મચાવી રહ્યાં છે, પરંતુ અત્યારથી જ તેમણે વ્યવસાયની દુનિયામાં પગ પેસારો કરવાનું શરૂ કરી દીધું છે.

પોતાની ઇમેજ અને સ્ટાઇલને લઈને તેમણે જિમ ચેઇન શરૂ કરી છે. તે સિવાય રેડિમેડ કપડાની એક બ્રાંડ અને મ્યુઝિકને લગતા વ્યવસાયમાં પણ તેમણે હાથ અજમાવ્યો છે.

સામાન્ય રીતે કોઈ મુકાબલા પહેલાં હેડફોન સાથે જોવા મળતા કોહલીને મ્યુઝિકનો ખૂબ જ શોખ છે. આ ઉપરાંત તેમણે વિરાટ કોહલી ફાઉન્ડેશનની પણ રચના કરી છે.

આ ફાઉન્ડેશન મારફતે તે અલગ અલગ રમતો સાથે જોડાયેલા આઠ પ્રતિભાશાળી ખેલાડીઓની ફિટનેસ અને ટ્રેનિંગની સુવિધાઓ પૂરી પાડશે.

વિરાટ કોહલી પાસે આજે બધું જ છે, છતાં એવી કોઈ વાત છે જે તે કરવા ઈચ્છે છે અને કરી ન શકતા હોય?

આ વિશે વરિષ્ઠ રમત પત્રકાર વિજય લોકપલ્લીએ છેલ્લા વર્ષે પ્રકાશિત ડ્રિવન-ધ વિરાટ કોહલી સ્ટોરીમાં લખ્યું છે, “ક્રિકેટની વ્યસ્તતાના કારણે કોહલી તો આગ્રાનો તાજમહેલ નથી જોઈ શક્યા છે અને જમ્મુનાં વૈષ્ણોદેવી મંદિરે જઈ શક્યા. આ બે એવી વસ્તુઓ છે જે તેઓ પૂરી કરી શક્યા નથી.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો