પ્રેસ રિવ્યૂ : વીવીપીએટી અને ઈવીએમ મામલે ચૂંટણી પંચને હાઈકોર્ટની નોટિસ

મહિલા હોકી ટીમની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતિકાત્મક તસવીર

ભારતીય મહિલા હોકી ટીમે 13 વર્ષ બાદ જાપાનમાં યોજાયેલ એશિયા કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

ન્યૂઝ18 ના અહેવાલ અનુસાર હોકી ઈન્ડિયાએ ટીમની આ સફળતાને પગલે ટીમ અને તેના સહાયક સ્ટાફની પ્રયાસની કદર રૂપે તેમને રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી.

હોકી ઈન્ડિયા દ્વારા 18 સભ્યોની આ હોકી ટીમના દરેક સભ્ય અને મુખ્ય કોચને એક-એક લાખ રૂપિયાનું રોકડ ઈનામ જ્યારે સહાયક સ્ટાફના દરેકને 50,000 રૂ. રોકડ ઈનામ તરીકે આપવાની ઘોષણા કરવામાં આવી છે.

અત્રે અલ્લેખની છે કે ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપની ફાઈનલ મેચમાં ચીનને 5-4થી પરાજિત કરીને ટાઈટલ અંકે કર્યું હતું.

આ સિદ્ધિ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે આગામી વર્ષે લંડન ખાતે યોજાનારા મહિલા વર્લ્ડકપ-2018 માટે ક્વૉલિફાઈ પણ કરી લીધું છે.

વિજયી ભારતીય મહિલા હોકી ટીમ જ્યારે ભારત પરત ફરી ત્યારે નવી દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વીવીપીએટી અને ઈવીએમ મામલે ચૂંટણી પંચને નોટિસ

ઇમેજ સ્રોત, Getty Images

ધ ટ્રિબ્યૂનમાં પ્રકાશિત અહેવાલ મુજબ ખામીયુક્ત 'ઇલેક્ટ્રૉનિક વોટીંગ મશીન' (EVM) અને 'વોટર્સ વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ' (VVPAT) મશીનો મામલે ગુજરાત હાઈકોર્ટે દેશના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે.

કોર્ટે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્ર સરકારને પણ આ નોટિસ પાઠવી છે.

અત્રે નોંધવું કે આ ખામીયુક્ત મશીનો સીલ કરવા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બૅલટ પેપરથી યોજવા માટે કોંગ્રેસે કોર્ટમાં વિનંતી અરજી કરી હતી જેના પગલે આ નોટિસ જારી કરવામાં આવી છે.

મતદારો ઉમેદવારની લાયકાત નહીં પણ જાતિ-ધર્મ જોઈ મત આપે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સમાચારે એક અહેવાલમાં વર્ષ 2017નો નેશનલ ઇલેક્શન વૉચે ગુજરાતમાં કરેલા સર્વેના તારણો પ્રકાશિત કર્યાં છે.

એસોસિએશન ઑફ ડેમોક્રેટિક (ADR) દ્વારા 2017માં કરેલા સર્વેના ચૂંટણાલક્ષી તારણો તેમાં જાહેર કરાયાં છે.

સમાચારના અહેવાલ મુજબ મતદારો મતદાન કરતી વખતે જ્ઞાતિ-ધર્મને પ્રાધાન્ય આપે છે. જ્યારે 65 ટકા લોકોને ક્રિમિનલ ઉમેદવારોના ગુનાથી અજાણ હોય છે. ઉપરાંત 61 ટકા લોકો જાણે છે કે ઉમેદવારો ગિફ્ટ વહેંચે છે.

એટલું જ નહીં પણ સર્વેમાં બહાર આવ્યું કે માત્ર 28 ટકા લોકો જ જાણે છે કે મત માટે બક્ષિસ લેવી ગુનો છે.

તથા શહેર-ગામડાંમાં બેરોજગારી, મહિલા સુરક્ષાની સમસ્યા અગ્રેસર છે. જ્યારે વિધાનસભામાં યુવાનોનું પ્રતિનિધિત્વ ફક્ત 12 ટકા છે.

ધારાસભ્યોની શૈક્ષણિક લાયકાત મામલે તેનું તારણ છે કે 81 ધારાસભ્યો ધો. 5-12 ધોરણ ભણેલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો