દૃષ્ટીકોણઃ રાહુલ ગાંધી આઉટ તો નહીં થાય, પણ રન બનાવશે?

રાહુલ ગાંધી Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવવાની વાતો રાજકારણમાં સંભળાઈ રહી છે

બે વર્ષ પહેલા ખાનગી વાતચીતમાં એક કોંગ્રેસી નેતાએ રાહુલ ગાંધી વિશે કહ્યું હતું, "તે એક એવા બેટ્સમેન છે જે ન આઉટ થઈ રહ્યા છે, ન રન બનાવી રહ્યા છે, ઓવર હાથમાંથી નીકળી રહી છે."

47 વર્ષના રાહુલ 2004માં સાંસદ બન્યા હતા. તેઓ લગભગ દોઢ દાયકાથી રાજકારણમાં હોવા છતાં તે ખાનદાની વારસો સંભાળવા તૈયાર હોય તેવું નથી માનવામાં આવતું, શક્ય છે કે પછી તે પોતે જ જોખમ લેવાથી ડરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

13 વર્ષોની ઍપ્રિન્ટિસશિપ બાદ, હવે ચર્ચા ચાલી રહી છે કે રાહુલને આખરે પાર્ટી અધ્યક્ષ બનાવી દેવામાં આવશે.

હજુ એ વાતની પુષ્ટી નથી કરવામાં આવી કે તેમને ગુજરાત ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા અધ્યક્ષ બનાવવામાં આવશે કે પછી.


ઇંદિરા જયંતિના દિવસે અધ્યક્ષ બનશે રાહુલ?

Image copyright Getty Images
ફોટો લાઈન 19 નવેમ્બરના રોજ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા એલાન થવાની શક્યતા છે

કહેવામાં આવે છે કે કોંગ્રેસમાં આ મુદ્દે બે અભિપ્રાય છે. એક જૂથ ઇચ્છે છે કે ગુજરાતનાં પરિણામ આવે તે પહેલા જ રાહુલ ગાંધીને અધ્યક્ષ ઘોષિત કરી દેવામાં આવે. તેનાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધશે.

ચર્ચા તો એવી પણ છે કે કદાચ ઇંદિરા જયંતિના અવસરે 19 નવેમ્બરના રોજ તેમને પાર્ટીનાં શીર્ષ નેતા બનાવવાનું એલાન થાય.

જ્યારે બીજો જૂથ એવું વિચારે છે કે જો ગુજરાતમાં જીત મળે છે તો તેઓ અલગ પ્રકારના ઉત્સાહના માહોલમાં અધ્યક્ષ બનશે. જો સફળતા ન મળી તો અધ્યક્ષ તરીકે તેમની બોણી નિષ્ફળતા સાથે તો નહીં થાય


'કીપિંગ ફિંગર્સ ક્રોસ્ડ' વાળી મુદ્રામાં કોંગ્રેસ

Image copyright Getty Images
ફોટો લાઈન પહેલા પણ રાહુલ ગાંધીએ આશા જગાવીને લોકોને નિરાશ કર્યા છે

રાહુલ ગાંધી પહેલાં પણ ઘણી વખત આશા જગાવીને પાર્ટીના સમર્થકોને નિરાશ કરી ચૂક્યા છે. તે ક્યારેક અજ્ઞાતવાસ પર ગયા, પરત ફર્યા તો લોકોએ કહ્યું 'છવાઈ ગયા.‘

તેમણે ઘણી રજાઓ લીધી, નાનીના ઘરે જતા રહ્યા, પરત ફર્યા તો તેઓ જવાબોના સવાલ માગવા લાગ્યા. હવે ફરી એક વખત આશા જાગવા લાગી છે.

પરંતુ કોંગ્રેસીઓ દૂધના દાઝેલા છે, પંજા છાપ અત્યારે 'કીપિંગ ફિંગર્સ ક્રોસ્ડ' વાળી મુદ્રામાં છે. એ આશંકા હજુ પણ છે કે રાહુલનું ફૉર્મ ક્યાંક ફરી ન બગડી જાય.

ખરાબ થવા પર પણ તેઓ આઉટ તો નહીં થાય પણ આશાઓ કરમાઈ જશે.

કોંગ્રેસ પર નજર રાખનારાં વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદી કહે છે, "રાહુલ જાણે છે કે અત્યારે નહીં, તો ક્યારેય નહીં. હવે તેમની પાસે વધુ સમય નથી. તેમણે જલદી અધ્યક્ષ પદની જવાબદારી સંભાળવી પડશે."


રાહુલની પીઆર મશીનરી ચુસ્ત

Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધી સોશિઅલ મીડિયા પર પહેલા કરતા વધુ એક્ટીવ થયા છે

રાહુલની ચમકનું વધવું અને ઘટવું ઘણી વખત મોદીના પ્રભામંડળ સાથે જોડાવા લાગે છે. રાહુલ ત્યારે જ ચમકવા લાગ્યા જ્યારે નોટબંધી, બેરોજગારી, અને આર્થિક વિકાસમાં ઘટાડાના લઇને મોદીની આભા ધૂંધળી પડી છે.

બે મહિના પહેલા અમેરિકાથી પરત ફર્યા બાદ રાહુલ સારા ફૉર્મમાં આવી ગયા છે. તે સારું ભાષણ આપી રહ્યા છે. સવાલોના જવાબ પણ સારી રીતે આપી રહ્યા છે.

તેમની PR અને સોશિઅલ મીડિયા ટીમ જોર શોરથી કામ કરી રહી છે. નિર્ભયાની માએ મીડિયાને એવું જણાવ્યું કે રાહુલની મદદથી તેમનો દિકરો પાયલટ બની શક્યો.

પૉઝીટીવ PRની આ એક સફળ વાત છે. રાહુલ હવે કદાચ સમજવા લાગ્યા છે કે ઇવેન્ટ મેનેજમેન્ટ, નાટકીય ભાષણ, પ્રચાર તંત્ર અને BJP-RSS સંગઠનના મુકાબલામાં મોદીની સામે ટકી રહેવું કેટલું મુશ્કેલ છે.

તે એ પણ જાણે છે કે મોદી તેમની સામે આવેલા પડકારનો સામનો કરવા સક્ષમ છે. મોદીની 'બાઉંસ બેક' કરવાની પરિસ્થિતિમાં તેઓ પોતાની જગ્યા બચાવીને રાખે, તે મોટી ચિંતા હશે.

એ જ કારણ છે કે ધીરે ધીરે મોદીથી અલગ તેઓ પોતાની એક વાર્તા બનાવી રહ્યા છે.


રાજકુમારથી સામાન્ય વ્યક્તિ બનવા પ્રયાસ

Image copyright Getty Images
ફોટો લાઈન મોદી અને શાહના આક્રમણનો રાહુલ સંયમથી જવાબ આપી રહ્યા છે

એમ લાગે છે કે તે માની ચૂક્યા છે કે મોદીને હરાવવા મુશ્કેલ છે. તે મોદી અને અમિત શાહનાં આક્રમણોનો જવાબ સંયમથી આપી રહ્યા છે.

હાલ જ ગુજરાતમાં તેમણે ભાષણ આપતા કહ્યું હતું કે, "ભાજપ પણ ભારતની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. હું એ નહીં કહું કે તે ખતમ થઈ જવું જોઈએ. તે અમારાં વિશે એવું કહે છે તો તે એમના વિચાર છે."

રાજકુમારની છબી મિટાવવા માટે રાહુલ ગાંધીએ ખરેખર ખૂબ મહેનત કરી છે. તેઓ એક સામાન્ય વ્યક્તિ બનવાના પ્રયાસ કરી રહ્યા છે.

તે એટલો સંઘર્ષ કરતા દેખાય છે કે યુવરાજ કહીને તેમની અવગણના કરવી મુશ્કેલ છે. એ જ કારણ છે કે તેમણે તેમના પિતા અને દાદીનો ઉલ્લેખ કરવાનું પણ બંધ કરી દીધું છે.

તે ભાજપની આક્રમકતા અને કટાક્ષનો જવાબ આપવા માટે નવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.


મોદી માટે પડકાર બની શકે છે રાહુલ!

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન વડાપ્રધાન મોદી માટે રાહુલ એક પડકાર બની શકે છે

થોડા સમય પહેલા એ વિચાર પણ હાસ્યાસ્પદ મનાતો હતો કે રાહુલ ગાંધી મોદી માટે પડકાર સાબિત થઈ શકે છે.

એ મજાક સામાન્ય વાત હતી કે રાહુલ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા તો ભાજપની જીત નક્કી થઈ જશે.

આજે પણ તે મોદી માટે મોટો પડકાર તો નથી બની શક્યા, પરંતુ એ સંભાવનાને નકારી નથી શકાતી કે તે એક પડકાર બની શકે છે. એ રાહુલની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે.

આ બદલાયેલા માહોલને તે ચૂંટણીની જીતમાં ફેરવી શકશે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે.

આજની તારીખમાં રાહુલ પાસે ગુમાવવા માટે ઘણું ઓછું છે અને મેળવવા માટે ઘણું વધારે. નરેન્દ્ર મોદી માટે મામલો એકદમ ઊંધો છે.


મોદી ખૂબ બોલે છે, કંઈ કરતા નથી?

Image copyright Getty Images
ફોટો લાઈન લોકોને ફરિયાદ છે કે મોદી ખૂબ બોલે છે પણ કરતા કંઈ જ નથી

ગુજરાત એ વાતની લિટમેસ ટેસ્ટ છે કે ભાજપ અને મોદીને લઇને લોકોમાં જે નિરાશા જોવા મળી રહી છે તે રાહુલ માટે આશા બની શકે છે કે નહીં.

જ્યારે મનમોહન સિંહનું મૌન લોકોને ખૂંચતુ હતું ત્યારે તેમને જોરદાર વક્તા મોદીમાં આશા નજર આવી. હવે લોકોની ફરિયાદ છે કે મોદી ખૂબ બોલે છે પરંતુ કરતા કંઈ જ નથી.

આવી પરિસ્થિતિમાં હિસાબથી બોલવા વાળા રાહુલ ગાંધી લોકોને યોગ્ય લાગવા લાગ્યા છે. પરંતુ રાહુલ ગાંધી પાસે મોદીની જેમ કંઈક કરી બતાવવાનો ટ્રેક રેકોર્ડ નથી.

તે સાંસદ રહ્યા છે પરંતુ મંત્રી કે મુખ્યમંત્રી નહીં. એ જ કારણ છે કે પીએમ તરીકે રાહુલ ગાંધીની કલ્પના હજી પણ લોકો નથી કરી શકતા.

જો કે એ વાત પણ સાચી છે કે વિપક્ષ પાસે રાહુલ ગાંધી સિવાય બીજો કોઈ ચહેરો પણ નથી. અંતતઃ રાહુલ ગાંધી ક્રીઝ પર છે. દર્શકો હવે તેમના માટે ક્યારેક ક્યારેક તાળીઓ પણ વગાડી રહ્યા છે.

પરંતુ જે સવાલ વર્ષોથી પૂછવામાં આવી રહ્યો છે, તેનો હજુ પણ જવાબ નથી મળ્યો- શું રાહુલ ગાંધી રન બનાવી શકશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ