ભાજપમાં જોડાવવાને લઈને હેમંત ચૌહાણ વિવાદમાં કેમ?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
ઇમેજ કૅપ્શન,

હેમંત ચૌહાણનો જન્મ રાજકોટ જિલ્લાના કુંદણી ગામે થયો હતો

ગુજરાતી ભજનિક હેમંત ચૌહાણે વીડિયો મારફતે જાહેર કર્યું કે તેઓ રાજકીય પક્ષ ભાજપ સાથે જોડાયા નથી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં હેમંત ચૌહાણ સહિતના ગુજરાતી કલાકારો 'કમલમ્' ખાતે ભાજપનો ખેસ પહેરી સત્તાવાર રીતે પક્ષમાં જોડાયા હતા.

પરંતુ આજે અચાનક હેમંત ચૌહાણે કહ્યું કે ત્યાં 'સન્માન સમારોહ'માં વડીલ તરીકે ભાગ લેવા ગયા હતા.

ચૌહાણ વીડિયોમાં કહે છે, "હું તો કલાકાર છું અને ભજનનો માણસ છું, ના કે કોઈ પક્ષનો માણસ. હું પક્ષમાં સક્રિય ના રહી શકું."

તેઓ કહે છે, "જ્યારે તમામનું સન્માન થતું હોય અને વધાણમી થતી હોય ત્યારે સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે."

"મને પાંચ વર્ષ પહેલાં પણ ચૂંટણી લડવાની ઑફર હતી પરંતુ મેં ના પાડી દીધી હતી."

"કૉંગ્રસમાં પણ અમારું સન્માન થયું છે અને રૂપાણી સાહેબે પણ કર્યું તેને અમે વધાવી લીધું."

હેમંત ચૌહાણ અને સંગીત

હિંદી અંગ્રેજી સંગીતના ચાહક ગુજરાતી યુવાનો હેમંત ચૌહાણને ન જાણતા હોય તેવું બને પણ એમના અવાજે એક આખી પેઢીને ગરબાની મોજ કરાવી છે અને અનેક લોકોને ભજનનાં રંગમાં રંગીને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવ્યો છે.

આજના યુવાનો માટે કે 'ઝણણ ઝણણ ઝણ ઝાલરી વાગે....' એ ભજન કે ‘પંખીડાં ઓ પંખીડાં...’ ગરબો અજાણ્યો નહીં હોય, આ બધા ગરબા, ગીતો અને ભજનો હેમંત ચૌહાણે ગાયેલા છે.

તેમના અવાજે ગરબાએ એક સમયે આખા ગુજરાતને ઘેલું કર્યું હતું.

હેમંત ચૌહાણનો જન્મ સાતમી નવેમ્બર, 1955ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કુંદણી ગામે થયો હતો.

તેમણે અત્યાર સુધીમાં લગભગ આઠસો આલબમ, સાત હજાર જેટલાં ગીત, 100 જેટલી કાવ્ય રચનાઓ અને 10 ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું છે.

સંગીત સંલગ્ન પરિવાર

ઇમેજ કૅપ્શન,

હેમંત ચૌહાણે અત્યાર સુધીમાં લગભગ સાત હજાર ગીતોમાં સ્વર આપ્યો છે.

વર્ષ 2012માં તેમને સંગીત-નાટ્ય અકાદમી, દિલ્હીનો 'અકાદમી રત્ન'નો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો, જે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

આજ સુધી આવાં અઢળક સન્માન તેમને મળી ચૂક્યાં છે. હેમંત ચૌહાણના દાદા અને પિતા તેમના સમયમાં રામાયણ અને મહાભારતનું સંગીત સાથેનું પઠન કરવા આસપાસના વિસ્તારોમાં જતા હતા.

બીબીસી ગુજરાતી સાથે હેમંત ચૌહાણે થોડા સમય પહેલાં વાત કરી હતી અને તેમના જીવનની કહાણી જણાવી હતી.

તેમણે કહ્યું હતું, "મારા દાદા રામજીભાઈ એ સમયે 200થી 500 લોકોના શ્રોતાગણ સમક્ષ વગર માઈકે બુલંદ સ્વરે ગાઈ શકતા."

"મારા પિતા રાજાભાઈ રામસાગર પર વગાડતા અને મહાભારત-રામાયણનું પઠન કરતા. તે સમયે રેકૉર્ડિંગની વ્યવસ્થા અને સંસાધનો ન હોવાથી તેમની ઓળખ માત્ર તાલુકા સ્તર સુધી જ રહી."

"જો કે મારાં માતાનો સ્વર પણ સારો હતો, પરંતુ તે સમયનાં સામાજિક બંધનોના કારણે તેમનાં સૂર માત્ર લગ્નપ્રસંગો પૂરતા જ સીમિત રહ્યા."

ચાર વર્ષની ઉંમરથી શરૂઆત

ઇમેજ કૅપ્શન,

હેમંત ચૌહાણે બાબુભાઈ અંધારિયા પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે

ચૌહાણે ઉમેર્યું હતું, "ચારેક વર્ષની ઉંમરે મેં અભ્યાસ શરૂ કર્યો તે પહેલાં મેં વારસાના ભાગ અને આનંદ માટે સંગીત શીખવાનું શરૂ કર્યો. એકડો લખતા નહોતો શીખ્યો ત્યારથી હું ગાઈ રહ્યો છું.”

"રાજકોટ નજીકના ત્રંબામાં આવેલા કસ્તુરબા ગાંધી આશ્રમમાં મેં શિક્ષણ લીધું છે, તે સમય દરમિયાન રોજની પ્રાર્થનાસભા કે ઉજવણી દરમિયાન મને ગાવાનો મોકો મળતો હતો.”

“પછી આ ક્ષેત્રમાં વધુ રુચિ કેળવાતા મેં બાબુભાઈ અંધારિયા પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. આ તાલીમ ઉપરાંત મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એ. (અર્થશાસ્ત્ર)નો અભ્યાસ પણ કર્યો છે.”

“વર્ષ 1976માં રાજકોટ આકાશવાણીમાં મને સૌથી પહેલી તક મળી હતી. ત્યારે મેં દાસીજીવણનું 'પ્યાલો મે પીધેલો છે ભરપૂર...' ભજન ગાયું હતું.

"સમયાંતરે મને આકાશવાણીમાં ગાવાની તક મળતી રહેતી.”

"આ સમયગાળામાં મેં રાજકોટની આર.ટી.ઓ.માં (રોડ ટ્રાન્સપૉર્ટ ઑફિસ) ક્લાર્ક તરીકેની નોકરી પણ મળી હતી."

"આ નોકરી અગિયાર વર્ષ સુધી કર્યા બાદ ભજન ક્ષેત્રે વધુ કારકિર્દી બનાવવા મેં નોકરી છોડી હતી."

"નારાયણ સ્વામી, કાનદાસબાપુ, કનુભાઈ બારોટને સાંભળીને હું શીખ્યો છું. હેમભાઈ(હેમુ ગઢવી)ને મેં નાનપણથી સાંભળ્યા હતા. તેમને હું મારા પ્રેરણાસ્રોત માનું છું.

"વર્ષ 1986માં અમદાવાદમાં જ્યારે દૂરદર્શન કેન્દ્રની શરૂઆત થઈ ત્યારે મને, ભીખુદાન ગઢવી, દિવાળીબહેન ભીલ, શાહબુદ્દીન રાઠોડને એક કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા."

" મેં 'ઝણણ ઝણણ ઝણ ઝાલરી...' વાગે એ ગીત ગાયું હતું. ત્યારે ટેલિવિઝન પર દૂરદર્શન એકમાત્ર ચેનલ હોવાથી સમગ્ર ગુજરાતમાં આ ગીત વખણાયું હતું."

"બાદમાં મને આલબમની અને વિવિધ કાર્યક્રમોની ઑફર મળવા લાગી હતી."

"એ અરસામાં 'પંખીડા ઓ પંખીડા' અને 'રામદેવ પરણાવે'ની મ્યુઝિક કૅસેટ્સને સારી એવી લોકચાહના મળી હતી."

"ત્યારબાદ 'કેસર ચંદન'(1987) ફિલ્મમાં દાસી જીવણનું ભજન ગાયું હતું, જેના માટે મને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ગાયક તરીકેનું સન્માન મળ્યું હતું."

મેં કર્યું તેને સંઘર્ષ નથી ગણતો

ઇમેજ કૅપ્શન,

"હવે ડાયરાના કલાકારોને સારી સુવિધાઓ અને સંસાધનો મળે છે"

પોતાના સંઘર્ષના દિવસો યાદ વાત કરતા હેમંત ચૌહાણે કહ્યું હતું :

"મેં જે કર્યું તેને સંઘર્ષ નથી ગણતો કારણ કે પહેલેથી જ ખબર હતી કે આપણે આ જ કરવાનું છે. ટ્રક, ટ્રેક્ટર કે બાઈક પર ડાયરાઓ માટે જવાનું અમારા માટે સામાન્ય વાત હતી."

"આખી રાત ગાઈને સવારે બસમાં ઊંઘતાં-ઊંઘતાં પરત આવવાનું એ જીવનનો ભાગ બની ગયું હતું, તેમાં પણ બસમાં ઘણીવાર બેસવાની જગ્યા ન મળે તો ઊભા-ઊભા ઊંઘીને પરત આવ્યા હોય તેવું પણ ઘણીવાર બનતું."

"હવે તો ડાયરાના કલાકારોને સારી સુવિધાઓ અને સંસાધનો મળે છે."

હેમંત ચૌહાણે માત્ર ભક્તિસંગીત ક્ષેત્રે જ કારકિર્દી બનાવાવનું નક્કી કરેલું છે.

ચૌહાણે કહ્યું, "ભક્તિસંગીત મને ગળથૂથીમાં મળેલું છે, તેથી મેં પહેલેથી જ માત્ર ભક્તિસંગીત તરફ જ આગળ વધવાનું વિચાર્યું તેથી ફિલ્મોના અન્ય પ્રકારના સંગીતથી હું દૂર રહ્યો છું."

"હવે હું ભક્તિ સિવાયનાં કોઈ ગીતો ગાઉં તો મારા પરિવારનું કોઈ બાળક પણ તે બાબત ન સ્વીકારી શકે."

નવા કલાકારો માટે શું કહે છે?

ઇમેજ કૅપ્શન,

"વીડિયોગ્રાફીનો ટ્રૅન્ડ નહોતો તેથી તમામ લોકો અમને સાંભળતા હતા"

હવે ડાયરાને વધુ નામના અને લોકપ્રિયતા મળી રહી છે. કલાકારો પર ચલણી નોટોનો વરસાદ થવો તે સામાન્ય બાબત બની ગઈ છે.

આ બાબત વિશે હેમંત ચૌહાણે કહ્યું હતું, "અગાઉ વીડિયોગ્રાફીનો ટ્રૅન્ડ નહોતો, તેથી તમામ લોકો અમને સાંભળતા હતા, પરંતુ હવે ઘણી વાર સ્ટેજ પર પૈસા ઉડાડવા આવતા લોકોની ભીડ જોવા મળે છે."

"જોકે એ પણ ધર્મકાર્યનો એક ભાગ છે, તેથી તે વિષય પર કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. સમય સાથે પરિવર્તન આવતું રહે છે."

ગાયકી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા યુવાવર્ગ માટે હેમંત ચૌહાણે કહ્યું હતું :

"સંગીતમાં સાધના જરૂરી છે. પહેલાં તો 22 વર્ષની ઉંમરે કલાકારો બહાર પડતા, કારણ કે તે સમય સુધી તેઓ સાધના અને રિયાઝ કરતા અને સ્વરને વધુને વધુ સારો કરવાના પ્રયત્નો કરતા રહેતા."

"હવે ઘણા કિસ્સામાં જોવા મળે છે કે બાળકો 14-15 વર્ષની ઉંમરથી ગાતા થઈ જાય છે અને કાર્યક્રમોમાં આવતા હોય છે."

"પરિણામે 19-20 વર્ષની ઉંમર સુધી પહોંચ્યા બાદ તેમનો સ્વર પહેલાં જેવો નથી રહેતો."

"પછી તેઓ વધુ પ્રયત્નો પણ નથી કરી શકતા કારણ કે તે સાધના અને રિયાજનો સમય ગુમાવી ચૂક્યા હોય છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો